આ વખતે થોડાક નવા અને જુદા ન્યૂ યર રિઝોલ્યુશન વિચારવા જેવા છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

આ વખતે થોડાક નવા અને જુદા ન્યૂ

યર રિઝોલ્યુશન વિચારવા જેવા છે

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

*****

આ વખતની દિવાળી ઘણીબધી જુદી છે.

છેલ્લા થોડા મહિનામાં આપણે ઘણુંબધું એવું

જોયું, જેની સપનામાં પણ કલ્પના કરી નહોતી.

તેનાથી આપણી જિંદગીમાં શું ફેર પડ્યો છે?

*****

નવું રિઝોલ્યુશન એવું હોવું જોઇએ કે, જિંદગીની દરેક

ક્ષણને પૂરેપૂરી જીવી લેવી છે. સંવેદનાને ક્ષુબ્ધ થવા દેવી નથી.

થોડુંક વધુ પોતાની નજીક જવું છે

*****

દિવાળી દસ્તક દઇ રહી છે. દિવાળી રંગ અને પ્રકાશનું પર્વ છે. આ વખતે રંગ થોડોક પાતળો પડી ગયો છે અને પ્રકાશ થોડોક ઝાંખો છે. કોરોનાએ માહોલ અને મૂડ બંનેને ફટકો માર્યો છે. તહેવારો વિશે એવું કહેવાતું આવ્યું છે કે તહેવારો, ઉત્સવો,પર્વો આપણને રૂટિન જિંદગીમાંથી બ્રેક આપે છે. આપણી જિંદગીમાં નવી શક્તિનો સંચાર કરે છે. જિંદગી એ જ શીખવે છે કે, જે ગયું એ ભૂલીને આગળ વધો. ઘણા ઘા એવા હોય છે જે આસાનીથી ભૂલાતા નથી. છેલ્લા થોડા સમયમાં માણસ ક્યારેય કલ્પના કરી ન હોય એવી ઘટનાઓનો સાક્ષી બન્યો છે. કોરોનાએ ઘણાના સ્વજનો છીનવી લીધા છે. જે લોકો સાજા થઇ ગયા છે એ લોકો પણ વિચિત્ર માનસિકતામાંથી પસાર થયા છે. જે લોકો સાજા-નરવાં રહ્યાં છે એણે પણ પોતાના સ્વજનોને આકરા સંજોગોમાંથી પસાર થતાં જોયાં છે. આખું જગત એકસાથે એકસરખા સંકટમાંથી પસાર થયું અને હજુ પણ થઇ રહ્યું છે. ખરાબ સમય સારા સમયની કદર કરતા શીખવતો હોય છે. આ સમયે આપણને સૌને ઘણુંબધું શીખવ્યું છે.

આ વખતે નવા વર્ષે નવું શું હશે? થોડીક જૂની વેદનાને ખંખેરી શકાશે? નવું વર્ષ આવે એટલે ન્યૂ યર રિઝોલ્યુશનની વાતો નીકળે છે. થોડાક કોમન રિઝોલ્યુશન છે જે દર વર્ષે લેવાય છે અને ભૂલાઇ પણ જાય છે. સંકલ્પોની સમસ્યા એ હોય છે કે, એ લાંબા ટકતા નથી. સંકલ્પોની મજા એ છે કે એ પોતાનામાં કંઇક બદલાવની પ્રેરણા આપે છે. સામાન્ય રીતે લોકો ફૂડ હેબિટથી માંડીને લાઇફ સ્ટાઇલમાં બદલાવ સુધીના રિઝોલ્યુશન લેતાં હોય છે. જિમ કે કસરતમાં નિયમિત થઇશું, ખાવા-પીવામાં ધ્યાન રાખીશું, સવારે વહેલાં ઊઠવાનું શરૂ કરી દઇશું, દરેક વાતે મોડા થનારા ટાઇમમાં પંકચ્યુલ રહેવાનું નક્કી કરે છે, સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું અથવા તો મોબાઇલ પાછળ ઓછો સમય બગાડવાનું નક્કી કરે છે, કામ પ્રત્યે વધુ સિન્સિયર થઇશું, પોતાની કરિયરમાં ફોકસ કરીશું, આવું બધું વિચારાતું હોય છે.

અમેરિકા અને યુરોપના દેશોમાં અત્યારથી એ વાત પર વિચાર અને સર્વે થઇ રહ્યા છે કે, 2021 આવશે ત્યારે લોકો કેવા કેવા રિઝોલ્યુશન પાસ કરશે? એ ઉપરાંત આ વખતે તેમાં કેવું પરિવર્તન આવશે? હજુ સંશોધનો થઇ રહ્યા છે, પણ એક અનુમાન સેવાય છે કે, આ વખતના રિઝોલ્યુશન થોડાક જુદા હશે. એનું કારણ કોરોના છે. લાઇફ આફટર કોરોનાની વાતો પણ ખૂબ થઇ રહી છે. કોરોના પછી દુનિયા કેટલી બદલાશે? શું અને કેવા કેવા પરિવર્તન આવશે? વર્ક ફ્રોમ હોમથી માંડીને શોપિંગની સ્ટાઇલ સુધીની વાતો થઇ રહી છે. સવાલ એ છે કે, શું માણસની સંવેદનામાં કંઇ ફેરફાર થશે?

માસ્ક, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સને ન્યૂ નોર્મલ ગણનારા માણસની લાગણી, પ્રેમ, કરુણા, દયા, આત્મીયતા અને બીજા માનવીય ગુણોમાં કેટલો બદલાવ આવશે? સોશિયલ ડિસ્ટન્સ રાખનારો માણસ ઇચ્છે તો ઇમોશનલ ડિસ્ટન્સ આરામથી ઘટાડી શકે છે. કરૂણતા એ છે કે, ઇમોશનલ ડિસ્ટન્સ પણ વધી ગયું હોય એવું લાગે છે. લોકડાઉન દરમિયાન સતત સાથે રહીને લોકો પોતાના લોકોથી જ કંટાળી ગયા હતા. ડોમેસ્ટિક વાયોલન્સથી માંડીને ડિપ્રેશન સુધીની ઘટનાઓ વધી ગઇ હતી. કોરોના પહેલાં બધાં લોકોના મોંઢે એક જ ફરિયાદ સાંભળવા મળતી હતી કે, ફૂરસદ જ મળતી નથી. પોતાનાં લોકો માટે સમય નથી મળતો. લોકડાઉન દરમિયાન અચાનક અઢળક સમય મળી ગયો, એમાં માણસ બઘવાઇ ગયો. માણસથી સતત કંઇ સહન થતું નથી. સતત સાંનિધ્ય પણ કંટાળો આપતું હોય છે. આપણને સતત ઘરમાં રહેવાની પણ આદત નથી. નોકરી ગઇ એવા અનેક લોકો હજુ આઘાતમાંથી બહાર આવ્યા નથી. ધંધામાં ફટકાએ બજેટ ખોરવી નાખ્યા છે.

ખેર, જે થવાનું હતું એ થઇ ગયું. નાઉ વોટ નેકસ્ટ? ક્યાં સુધી આપણે જૂનાને રડ્યે રાખીશું? લોકડાઉનમાંથી શીખવા જેવી કોઇ વાત હોય તો એ એટલી જ છે કે, જિંદગીને જીવી લો. જિંદગી ક્યારે કેવી કરવટ લે એ કહેવું અઘરું છે. જીવવા જેવી ઉંમરે આપણે ઘણાંને વિદાય લેતાં જોયાં છે. કોરોનાનો કાળ માત્ર સ્મશાનવૈરાગ જેવો ન રહી જાય એની તકેદારી રાખવાની છે. આમ તો જીવવાનું નક્કી કરવા માટે નવા વર્ષની રાહ જોવાની કે કોઇ રિઝોલ્યુશન લેવાની પણ જરૂર નથી, એ તો માણસ ધારે ત્યારથી શરૂ કરી શકે છે, પણ નવું વર્ષ આવે જ છે તો સારી રીતે જીવી લેવાનું નક્કી કરવા જેવું છે.

ભૂલી જવું, માફ કરવું, હળવા રહેવું, હસતાં રહેવું અને એના જેવું બીજું ઘણુંબધું કરવા જેવું છે. ભાર રાખીને જીવવાનો કોઇ અર્થ નથી. જે થઇ ગયું છે એનો અફસોસ કરવાનો પણ કોઇ મતલબ નથી. માણસે સમય પાસેથી સતત શીખતાં રહેવું જોઇએ. સમય જેવો શિક્ષક કોઇ નથી. આ કપરા કાળમાં બધાંને એક વાત તો સમજાઇ જ ગઇ છે કે, છેલ્લે તો પોતાનાં લોકો જ નજીક હોય છે. સંબંધો જ સુખનો પર્યાય છે. ગયા વર્ષમાં યાદ રાખવા જેવું ઓછું છે અને ભૂલી જવા જેવું વધારે છે. જો ચલા ગયા ઉસે ભૂલ જા. જે આવવાનું છે એ વધુ ઉમદા હશે. આવતી કાલ સારી ઊગવાની છે. નવું વર્ષ સારું રહેવાનું છે. જિંદગી ફરીથી સોળે કળાએ સજીવન થઇ જવાની છે. બીજું કંઇ ન કરીએ તો કંઇ નહીં, ફક્ત મસ્તીથી જીવવાનું નક્કી કરી લઇએ તો પૂરતું છે. દુનિયાનો ઇતિહાસ ગવાહ છે કે, ખરાબમાં ખરાબ સમય પણ પસાર થઇ જ ગયો છે, આ સમય પણ જવાનો છે. નિર્ણય કરો કે કોરોનાના કારણે દિવાળી ભલે થોડીક નબળી જાય, પણ વર્ષને નબળું પડવા દેવું નથી!  

————–

પેશ-એ-ખિદમત

અબ તો યે ભી નહીં રહા અહેસાસ,

દર્દ હોતા હૈ યા નહીં હોતા,

ઇશ્ક જબ તક ન કર ચુકે રુસ્વા,

આદમી કામ કા નહીં હોતા.

-જિગર મુરાદાબાદી

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 08 નવેમ્બર 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *