BRAIN GYM : આ કસરત પણ કરવા જેવી છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

BRAIN GYM :

આ કસરત પણ કરવા જેવી છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

——–

લોકો પોતાના શરીરનું જેટલું ધ્યાન રાખે છે

એટલી કાળજી પોતાના દિમાગની લે છે?

બુદ્ધિની ધાર પણ કાઢતી રહેવી પડે છે,

નહીંતર બુદ્ધિ બુઠ્ઠી થઇ જાય છે!


———–

આજના આધુનિક સમયમાં લોકો હવે ફિઝિકલ ફિટનેસ માટે સારા એવા જાગૃત થયા છે. જીમ જનારાઓની સંખ્યા વધી રહી છે. જે લોકો જીમ જતા નથી એ લોકો પણ મોર્નિંગ વોક કરવા તો જાય જ છે. આખા દિવસમાં જ્યારે સમય મળે ત્યારે લોકો નાની મોટી કસરત કરી લે છે. બેઠાડું જિંદગીના કારણે લાઇફ સ્ટાઇલ ડિસિઝ વધી રહ્યા છે. એરકન્ડિશન્ડ ચેમ્બરમાં પરસેવો પડતો નથી એટલે જીમ જવું પડે છે. શારીરિક સ્વસ્થતા તો બરાબર છે પણ માનસિક સ્વાસ્થ્યનું શું? આપણું મગજ કેટલું એક્ટિવ હોય છે? આપણે જે કંઇ કરીએ એમાં કેટલા ફોકસ્ડ હોઇએ છીએ? આપણે જે કામ કરતા હોઇએ એમાં જો પૂરતું ધ્યાન આપી ન શકીએ અને મન વારેવારે ક્યાંક ભટકી જાય તો સમજવું કે આપણું મગજ જે રીતે કામ કરવું જોઇએ એ રીતે કરતું નથી. ઘણી વખત આપણે કોઇ ચીજ ક્યાંક મૂકી હોય એ પછી આપણને જ મળતી નથી. એનું એક કારણ એ પણ છે કે, આપણે જ્યારે એ વસ્તુ મૂકી હોય છે ત્યારે તેના વિશે મગજે યોગ્ય રીતે નોંધ જ કરી હોતી નથી. આપણું ધ્યાન જ બીજે ક્યાંક હોય છે. ઘણી વખત આપણે જે કામ કરતા હોઇએ છીએ એ યંત્રવત ચાલતું રહે છે. કાર ચલાવતા હોઇએ ત્યારે આપણું ધ્યાન બીજા કંઇ વિચારોમાં જ હોય છે. નજર રોડ પર હોય છે, હાથ સ્ટેયરિંગ પર હોય છે અને પગ એક્સિલેટર પર હોય છે પણ મગજ બીજે ક્યાંક હોય છે. ઘણી વખત આપણે શૂન્યમનસ્ક થઇ જઇએ છીએ. આપણે જ એવો સવાલ કરીએ છીએ કે, હું શું કરતો હતો? કંઇક વાત કરવી હોય એ અચાનક જ ભૂલાઇ જાય છે. આ બધાનું સૌથી મોટું કારણ એ હોય છે કે, આપણું મગજ બીજે ક્યાક હોય છે. આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે, મારો જીવ ઠેકાણે નથી, હું કોઇ કામ કે વાતમાં ધ્યાન કેન્દ્રીત કરી શકતો કે કરી શકતી નથી. આવું થાય ત્યારે સમજવું કે, આપણું મગજ બરાબર કામ કરતું નથી.

મગજને સતર્ક અને સક્રિય રાખવા માટે હવે બ્રેઇન જીમની બોલબાલા વધી રહી છે. મગજને પણ થોડું થોડું કસતા રહો. જેમ શરીરની માંસ પેશીઓ અને સ્નાયુને કસરતની જરૂર હોય છે એવી જ રીતે બ્રેઇનના ન્યૂરોનને પણ એક્સરસાઇઝની જરૂર પડે છે. બ્રેન એક્સરસાઇઝ કરવાથી ન્યૂરોન એક્ટિવ થાય છે. બ્રેઇનમાં બ્લડ સરક્યૂલેશન અને બીજી ગતિવિધિઓ વ્યવસ્થિત ચાલતી હોય તો તણાવ, એંગઝાઇટી, ડિપ્રેશન વિગેરેના ચાન્સિસ ઘટી જાય છે. બ્રેન એક્સરસાઇઝથી પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે. બ્રેઇન એક્સરસાઇઝની જરૂર ક્યારે પડી ગણાય?  એ વિશે નિષ્ણાતો એવું કહે છે કે, જ્યારે કંઇક યાદ કરવામાં મુશ્કેલી થતી હોય, નાની નાની વાતોમાં ગુસ્સો આવી જતો હોય, સામાન્ય ઘટનાઓમાં ઇરીટેટ થઇ જવાતું હોય, કોઇ કામ કરતી વખતે ધ્યાન ભટકી જતું હોય, કંઇક નવું શીખવામાં કે સમજવામાં મુશ્કેલી પડતી હોય તો માનવું કે આપણું મગજ અત્યારે યોગ્ય રીતે કામ કરતું નથી અને મને બ્રેઇન જીમની જરૂર છે. માણસનું મગજ સારી રીતે કામ ન કરતું હોય ત્યારે એ નિર્ણયો કરવામાં પણ ભૂલ કરી બેસતા હોય છે. કેટલીક ભૂલો આખી જિંદગી ભોગવવી પણ પડે છે.

અમુક ફિઝિકલ ટ્રેનિંગ અને યોગથી કરવાથી પણ બ્રેઇન એક્ટિવ રહે છે. આ ઉપરાંત બ્રેઇનને સક્ષમ રાખવા માટે કેટલીક બ્રેઇન ગેઇમ્સ પણ રમાડવામાં આવે છે. પઝલ, ચેસ, ક્રોસ વર્ડ જેવી અનેક ગેઇમ્સ છે જે બ્રેઇનને સ્ટિમ્યુએટ કરે છે. મગજ કેટલું કામ કરે છે તેનું ચોક્કસ માપ નીકળતું નથી. આપણને જ ક્યારેક કામ કરવાનું મન થતું નથી, ક્યારેક મૂડ ઓફ્ફ હોય છે. ક્યારેક કામ કરતા હોઇએ ત્યારે પણ આપણે લોચા મારતા હોઇએ છીએ. ક્યારેક મગજ એકદમ કામ કરતું હોય છે. આપણને પોતાને કંઇક નવું અને વધુ ચેલેન્જિંગ કરવાનું મન થાય છે. આપણને ઇશારા મળી જતા હોય છે. ક્યારેક મૂડ ઓફ હોય અને મજા ન આવતી હોય તો ટેન્શન લેવા જેવું હોતું નથી, એનું કારણ છે કે બધાને ક્યારેય તો એવું થતું જ હોય છે. જો એવું સતત અને લાંબો સમય ચાલે તો એ એલાર્મિંગ છે. આપણે ઘણી વખત મૂડ અને માનસિકતાને ગંભીરતાથી લેતા નથી. જરૂર પડ્યે સાઇકોલોજિસ્ટની સલાહ લેવામાં પણ કોઇ છોછ રાખવો ન જોઇએ.

મગજને કસતા રહેવું જોઇએ. તમે માર્ક કરજો, ચેસ અથવા બીજી કોઇ ગેઇમ રમતા હશો ત્યારે તમને પોતાને મગજ પર થોડુંક પ્રેશર આવતું હોય એવું અનુભવાશે. નવરા બેઠા બેઠા જાતજાતના વિચારો આવતા રહેશે. મગજના ઉપયોગ વિશેનું એક સંશોધન એવું પણ કહે છે કે, જેમ જેમ સમય જાય છે એમ એમ લોકો પોતાના મગજનો ઉપયોગ ઓછો કરવા લાગ્યા છે. એનું એક અને સૌથી મોટું કારણ ટેક્નોલોજી છે. હવે લોકોને યાદ રાખવાની કોઇ ચિંતા નથી. કંઇપણ હોય તો મોબાઇલ છેને! આપણે અગાઉના સમયમાં એવા લોકોની વાતો સાંભળતા જેને અનેક ફોનનંબર મોઢે હોય. તમે એને કોઇનો પણ નંબર પૂછો તો એ ફટ દઇને કહી દે. હવે લોકોને પોતાનો નંબર પણ યાદ રહેતો નથી. હવે કોઇ કામની નોંધ રાખવી હોય તો મોબાઇલમાં અસંખ્ય એપ છે. એ કામનો સમય થાય એટલે એલર્ટ પણ આપે છે. સવારે ઉઠવા માટે તો એલાર્મ છે જ, હવે તો લોકો પાણી પીવા માટે કે આંખમાં ટીપા નાખવા માટે પણ એલર્ટ મૂકે છે. મોબાઇલ બીપર વગાડીને આપણને કહે છે કે, પાણી પીવાનો સમય થઇ ગયો છે. માણસને એટલુંયે યાદ રાખવું નથી! ગૂગલે દાટ વાળવામાં કંઇ બાકી રાખ્યું નથી. એક સમયે લોકોને તમામ રસ્તાઓ યાદ રહેતા હતા. ક્યાંથી વળવું એના માટે દુકાન અથવા કોઇ સ્થળને યાદ રાખવામાં આવતું હતું. એ રીતે પણ મગજ કસાતું હતું. હવે તો માણસ એડ્રેસ શોધવા માટે પણ જીપીએસ અને ગૂગલ મેપ્સનો સહારો લે છે. એક વખત કોઇ જગ્યાએ જઇ આવ્યા હોઇએ તો પણ બીજી વખત ત્યાં જવા માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવો પડે છે. એનું કારણ એ જ હોય છે કે, આપણે જ્યારે જતા હોઇએ ત્યારે આપણું ધ્યાન રોડ કે કોઇ માઇલ સ્ટોનને બદલે ગૂગલ પર જ હોય છે. પહેલા કોની કેટલી યાદશક્તિ છે એની ચર્ચાઓ થતી હતી. અત્યારની જનરેશનના મોઢે એવું સાંભળવા મળે છે કે, બધું યાદ રાખીને શું ફાયદો છે? જરૂર પડશે ત્યારે ગૂગલ કરી લેશું! ઘણાને તો એવો પણ ભ્રમ છે કે, મગજને કારણ વગરનું પ્રેશર આપવુ જ નહીં, મગજ ખરાબ થાય! મગજની શક્તિ અપાર છે. મગજનો તો જેટલો ઉપયોગ કરી શકાય એટલો કરવો જોઇએ. શારીરિક રીતે ગમે એટલા સ્વસ્થ હોઇએ પણ માનસિક રીતે અપસેટ હશું તો સુખ અને શાંતિનો ક્યારેય અનુભવ નહીં કરી શકીએ. કોઇ ઇશ્યૂ હોય, કોઇ ચેલેન્જ હોય કે કોઇ સમસ્યા હોય ત્યારે જો મગજ સ્વસ્થ હશે તો રસ્તો શોધવો પણ આસાન રહેશે. ઘણા લોકો નાની નાની વાતમાં ઘાંઘા થઇ જાય છે. મગજની કસરત ઘરે બેસીને પણ કરી શકાય છે. એવી ગેઇમ્સ રમો જેનાથી બ્રેઇન એક્ટિવ રહે. જે લોકો આખો દિવસ ગેઇમ્સ રમે રાખે છે તેણે એવું ન માનવું કે એ બ્રેઇન એક્સરસાઇઝ કરે છે. મગજને સતર્ક કરીને તેનો ઉપયોગ બીજા જરૂરી કામમાં કરવાનો હોય છે, મગજ અને સમય બગાડવામાં નહીં. જે લોકો મગજ વાપરવું પડે એવું કામ કરે છે એને કોઇ વાંધો આવતો નથી, એણે એટલું ધ્યાન રાખવાનું હોય છે કે, મગજને ક્યારેક આરામ પણ આપવો જોઇએ! માણસે માનસિક હેલ્થ ચેક કરતા રહેવું જોઇએ અને જરૂર પડ્યે થોડીક બ્રેઇન એક્સરસાઇઝ પણ કરતા રહેવી જોઇએ!

———

પેશ-એ-ખિદમત

પલક ઝપકતે મેં મેરે ઉડાન ભરતે હી,

હજારો તીર નિકલ આયેંગે કમાનોં સે,

કોઇ તો ઢૂંઢ કે મુઝકો કહીં સે લે આયે,

કિ ખુદ કો દેખા નહીં હૈ બહોત જમાનો સે.

-કુમાર પાશી


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 10 જુલાઇ, 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *