તણાવ : લોકોનું જીવવું
હરામ કરી રહ્યો છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
દરેક માણસ કોઇ ને કોઈ તણાવ અનુભવી રહ્યો છે.
સ્ટ્રેસના કારણે લોકો શારીરિક અને માનસિક બીમારીઓનો
ભોગ બની રહ્યા છે. આખરે શાંતિ કેમ ફીલ થતી નથી?
———–
દુનિયાના મોટાભાગના લોકોને અત્યારે જો સૌથી વધુ કંઇ પરેશાન કરી રહ્યું હોય તો એ છે તણાવ. દરેક માણસ અત્યારે કોઇ ને કોઇ તણાવનો સામનો કરી રહ્યા છે. કોઇને કામનો સ્ટ્રેસ છે, કોઇને સંબંધની ચિંતા છે, કોઇને સ્વાસ્થ્યનો ભય સતાવી રહ્યો છે, કોઇને ભવિષ્યનો ડર સતાવી રહ્યો છે તો કોઇને જે પરિસ્થિતિ છે એમાં ટકવાની મથામણ છે. ગોલ, ટાર્ગેટ, અચીવમેન્ટ, સક્સેસ માટે લોકો રાત-દિવસ એક કરી રહ્યા છે. તનતોડ મહેનત કરવા છતાં પણ ધાર્યા મુકામ સુધી પહોંચી શકાશે કે કેમ એ સવાલ સતાવી રહ્યો છે. બે છેડા ભેગા કરવાની મથામણ ચાલતી રહે છે. અણધાર્યા ખર્ચ બજેટને તિતરબિતર કરી નાખે છે. બચત થતી નથી અને સપનાંઓ સામે સવાલો લાગતા રહે છે. અધૂરામાં પૂરું સોશિયલ મીડિયા સ્ટ્રેસમાં વધારો કરી રહ્યું છે. યંગસ્ટર્સ ફોલોઅર્સ અને લાઇક વધારવા માટે ગમે તે ગતકડાં કરે છે. બધા પ્રયાસો છતાં જોઇએ એવો રિસ્પોન્સ ન મળે એટલે હતાશા ઘેરી વળે છે. ફોલોઅર્સ એવી ચીજ છે કે, કોઇ ને કોઇ આંકડાથી સંતોષ જ નથી થતો. મારા કરતાં એના ફોલોઅર્સ કેટલા બધા વધારે છે, મને તો જોઇએ એટલી લાઇક પણ મળતી નથી. સોશિયલ મીડિયા પર બીજા લોકોની પોસ્ટ જોઇને મોટા ભાગના લોકોને એમ થાય છે કે, આખી દુનિયા જલસા કરે છે અને મારા નસીબમાં જ મજૂરી લખાયેલી છે. વર્ચ્યુઅલ વર્લ્ડે જે ભ્રમો પેદા કર્યા છે એમાં લોકો ફસાઇ રહ્યા છે. લોકોને બધું જ જોઇએ છે અને બહુ ઝડપથી જોઇએ છે. ધીરજ નામનું તત્ત્વ હવે લુપ્ત થતું જાય છે. હમણાંનો એક અભ્યાસ એવું કહે છે કે, જે રીતે લોકોનું સ્ટ્રેસ લેવલ વધી રહ્યું છે એ જોખમી છે. મગજની નસો ફાટી જાય એ હદે લોકો તણાવ ભોગવી રહ્યા છે. હદ તો એ વાતની છે કે, નાની ઉંમરનાં બાળકોમાં પણ હવે સ્ટ્રેસ જોવા મળે છે. અગાઉના સમયમાં છોકરો કે છોકરી યંગ ન થાય ત્યાં સુધી એને ખબર જ નહોતી કે, સ્ટ્રેસ કઇ બલાનું નામ છે. હવે તો ટીનેજર પણ ટેન્શનમાં રહે છે. ટેન્શનમાં રહેવાનાં કારણ ન હોય તો એ લોકો બેઠાં કરે છે. સ્ક્રીન ટાઇમના કારણે પણ સ્ટ્રેસ વધે છે. લોકો મોબાઇલમાં કંઇક ને કંઇક જોતા રહે છે એના કારણે એનું મગજ ફ્રી જ નથી રહેતું. એના કારણે સ્ટ્રેસ પેદા થાય છે. માણસ નાની નાની વાતોમાં છંછેડાવા લાગ્યો છે અને લડવા ઉપર ઊતરી આવે છે.
અમેરિકામાં હમણાં સાયકોલોજિસ્ટ્સની એક બેઠક મળી હતી. દુનિયાના નિષ્ણાત માનસશાસ્ત્રીઓએ કહ્યું કે, લોકોને એ સમજ જ નથી પડતી કે તેઓ શું કરી રહ્યા છે! આખરે તેને શું જોઇએ છે? સુખ અને શાંતિની અનુભૂતિ કેવી રીતે થાય એ જ તેમને ખબર નથી. લોકો બે મિનિટ પણ નવરાં બેસી શકતા નથી. સંવાદની કળા લોકો ભૂલી રહ્યા છે. યંગસ્ટર્સ આંખમાં આંખ મિલાવીને વાત કરતો નથી. જે વાત કરતા હોય એમાં એનું ધ્યાન જ નથી હોતું. નવી જનરેશન સેલ્ફ સેન્ટર્ડ થતી જાય છે. જ્યારે એ કોઇ મુસીબતમાં આવે છે ત્યારે એકલતા અનુભવે છે. પોતાના દિલની વાત કોઇને કહી શકતા નથી. પોતાની જાત સાથે રહેવાની આદત જ લોકો ગુમાવતા જાય છે. મનોચિકિત્સકો દરેકને પોતાની જાતને જ એવો સવાલ પૂછવાનું કહે છે કે, છેલ્લે તમે ક્યારે શાંતિથી બેઠા હતા? કંઇ જ કર્યા વગર ક્યારે પ્રકૃતિનો નજારો માણ્યો હતો? ક્યારે તમે પંખીઓનો અવાજ સાંભળ્યો હતો? ક્યારે ઝરણા કે નદી પાસે ગયા હતા? લોકો નથી જતા એવું બિલકુલ નથી, પણ જ્યારે જાય છે ત્યારે પણ તેનું ધ્યાન ફોટા પાડવામાં અને એંગલ શોધવામાં જ હોય છે. પ્રકૃતિનો અહેસાસ તો એ માણી જ નથી શકતા. શાંતિથી બેસવાની આદત જ માણસ ભૂલી ગયો છે.
સ્ટ્રેસના કારણે લોકો હાઇપર ટેન્શન, એંગ્ઝાઇટી, અનઇઝીનેસનો ભોગ બની રહ્યા છે. જરાકેય કંઇ થાય તો એનું મગજ છટકે છે. મોબાઇલમાં કંઇ ખૂલતા કે ડાઉનલોડ થતાં વાર લાગે તો મગજની નસો ખેંચાવા લાગે છે. લિફ્ટ આવવામાં વાર લાગે તો ભવાં તંગ થઇ જાય છે. ઘરે મોબાઇલમાં મસ્ત હોય અને કોઇ કંઇ કામ સોંપે તો ગુસ્સે થઇ જાય છે. ફોન આવે તો પણ શાંતિથી વાત કરી શકતા નથી. કોઇ ને કોઇ ઇનસિક્યોરિટીથી માણસ પીડાઇ રહ્યો છે. મનોચિકિત્સકો એવી સલાહ આપે છે કે, દરેક વ્યક્તિએ પોતાની મનોસ્થિતિ ચેક કરતા રહેવું જોઇએ. વિચારોને કંટ્રોલમાં રાખવા જોઇએ. ઓવરથિંકિંગથી બચવું જોઇએ. ખાસ તો શાંતિની અનુભૂતિ થાય એવું કરતા રહેવું જોઇએ.
બધાને કોઇ એક જ રીતે શાંતિ ફીલ થાય એવું જરૂરી નથી. રિલેક્સ થવાની દરેકની પોતાની રીત હોય છે. તમને જે રીતે હળવાશ લાગે એ રીત અપનાવવી જોઇએ. વિચારશૂન્ય પણ એક એવી અવસ્થા છે જે રિલેક્સ ફીલ કરાવી શકે છે. કોઇ વિચાર જ નહીં કરવાના. આમ તો માણસને સતત કોઇ ને કોઇ વિચારો આવતા જ રહે છે. આમ છતાં જો થોડાક પ્રયાસો કરવામાં આવે તો થોડીક ક્ષણો માટે પણ વિચારશૂન્ય થઇ શકાય છે. જ્યારે પણ એવું લાગે કે, મન બેચેની અનુભવે છે ત્યારે થોડીક ક્ષણો બધું મૂકીને શાંતિથી બેસો. પોતાની જાત સાથે વાત કરો કે, ચિંતા કરવા જેવું કંઇ નથી. કોઇ પ્રોબ્લેમ હોય તો પણ ચિંતા કરવાથી કોઇ ફેર પડવાનો નથી.
માણસ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે એને સૌથી વધુ હળવાશની જરૂર હોય છે. થાય છે ઊલટું, માણસ જ્યારે કોઇ સમસ્યામાં હોય ત્યારે એ શાંત રહેવાને બદલે વિહ્વળ થઇ જાય છે. જેટલી મોટી સમસ્યા હોય એટલી વધુ હળવાશની જરૂર પડે છે. ગભરાઇ જવાથી કે હાય હાય હવે શું થશે એવું કરવાથી કોઇ ફેર પડવાનો નથી. ઊલટું એવું કરવાથી સ્ટ્રેસનો સ્વસ્થતાપૂર્વક સામનો કરી શકાતો નથી. મજા ન આવતી હોય ત્યારે થોડો સમય ખુલ્લા વાતાવરણમાં જાવ. મેળ પડે એમ હોય તો ટૂંકી ટ્રિપ કરી આવો. અલબત્ત, એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે, મુશ્કેલીથી ભાગવાનું નથી. મુશ્કેલીનો સામનો કરવા માટે સ્વસ્થતા કેળવવાની છે. લોકો મોટાભાગે કાલ્પનિક ભયથી પીડાતા હોય છે. આમ થશે તો તેમ થશે અને તેમ થશે તો શું થશે એવા વિચારો માણસને હતાશા આપે છે. માણસ હવે ખોરાક અને કસરત બાબતે ઘણો સતર્ક થયો છે. હેલ્ધી ફૂડ હેબિટ અપનાવી રહ્યો છે. કસરતને પણ મોટાભાગના લોકો મહત્ત્વ આપી રહ્યા છે. અલબત્ત, લાઇફ સ્ટાઇલ પ્રત્યે જેટલી કાળજી લેવી જોઇએ એટલી લેતા નથી. સૌથી મહત્ત્વનું કંઇ હોય તો એ પૂરતી અને સારી ઊંઘ છે. ઊંઘ પણ સમયસર હોવી જોઇએ. લોકોનો સૂવાનો સમય મોડો ને મોડો થતો જાય છે. સવારે ઊઠે ત્યારે જ શરીરમાં થાક વર્તાય છે. ઊંઘ ઊડે ત્યારે જો તમે રિલેક્સ ફીલ કરતા ન હોવ તો માનજો કે તમે સાચા રસ્તે નથી.
હળવા રહેવા માટે સૌથી વધુ કંઇ જરૂરી હોય તો એ સંબંધોની સાર્થકતા છે. તમારા સંબંધોને સજીવન રાખો. મિત્રોને નિયમિત રીતે મળતા રહો. જો સંબંધ સ્વસ્થ નહીં હોય તો જિંદગી અસ્તવ્યસ્ત થઇ જશે. પતિ-પત્નીના સંબંધોમાં જો તણાવ હશે તો ક્યાંય ચેન પડવાનું જ નથી. ઘણી વખત તો માણસ સ્ટ્રેસમાં હોય એની જ એને ખબર પડતી નથી. એ ધીમે ધીમે હતાશા તરફ ઢસડાતો જાય છે. દરેક માણસે એ પણ ચેક કરતા રહેવું જોઇએ કે, હું સ્ટ્રેસમાં તો નથીને? જો સ્ટ્રેસની ખબર હશે તો જ બચવાના ઉપાયો અજમાવાશે. છેલ્લે એક વાત, બહુ ભાર ન રાખો. ખોટા વિચારો ન કરો. બને ત્યાં સુધી મોબાઇલથી બચો. આપણું સુખ અને આપણી શાંતિ આપણા હાથમાં છે. એ હાથમાંથી સરકી ન જાય એ જોવાની જવાબદારી પણ આપણી જ છે.
—————-
પેશ-એ-ખિદમત
વો ભૂલ ગયે હૈં તો અજબ ક્યા ઇસમેં હૈ,
થા ખેલ યે તો ગુજરે હુએ લમ્હોં કા,
સબ લોગ હમેં એક નજર આતે હૈં,
અંદાજા નહીં હોતા હૈ અબ ચેહરોં કા.
– ખલીલ મામૂન
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 23 જુલાઇ, 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
