આવો, આપણે સહુ થોડીક જુદી રીતે પણ દેશપ્રેમ પ્રગટ કરીએ – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આવો, આપણે સહુ થોડીક જુદી

રીતે પણ દેશપ્રેમ પ્રગટ કરીએ

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

કાશ્મીરના પુલવામામાં થયેલા ટેરરિસ્ટ એટેકમાં શહીદી

વહોરનારા 40 નરબંકાઓની યાદમાં આખા દેશે આંસુ સાર્યાં.

દુશ્મનો સામે ઉગ્ર રોષ સાથે શહીદોના પરિવારો માટે

સંવેદનાઓ પણ ચરમસીમાએ હતી.

દેશ સારા નેતાઓ કરતાં પણ વધુ સારા નાગરિકોથી

મહાન બનતો હોય છે. દેશને શ્રેષ્ઠ બનાવવાની

જવાબદારી દરેક વ્યક્તિની છે

કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં દેશના ચાલીસ નરબંકાઓએ શહીદી વહોરી એ પછી દેશમાં કોઈ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો ન હતો, છતાં આખો દેશ દિવસો સુધી શોકમાં ગરકાવ રહ્યો. શહીદ જવાનોની અંતિમયાત્રાનાં દૃશ્યો લોકોની આંખો ભીની કરી દેતાં હતાં. દસ મહિના અગાઉ જ લગ્ન કરીને આવેલી પત્ની પતિના મૃતદેહને કિસ કરી આઇ લવ યુ કહેતી જોઈને દેશવાસીઓનાં દિલના દરેક તાર ઝણઝણી ઊઠ્યા હતા. દરેક દેશવાસીએ પોતપોતાની રીતે સંવેદનાઓ અને રોષ વ્યક્ત કર્યો. કોઈએ મીણબત્તી હાથમાં લઈ રેલી કાઢી, તો કોઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને બળાપો વ્યક્ત કર્યો. વોટ્સએપ સ્ટેટસ પર શ્રદ્ધાંજલિના ફોટોઝ અપલોડ કર્યા. સંવેદનાઓ વ્યક્ત કરવાની દરેકની પોતાની રીત હોય છે. પોતે જે કરી શકતા હોય, પોતાની જે ક્ષમતા હોય અને પોતાની જે આવડત હોય, એ રીતે દરેકે પોતાની વેદનાને વાચા આપી. અમુક લોકો ભલે એવું કહેતા હોય કે આ એક ઊભરો છે, પણ આ કંઈ નાનીસૂની વાત નથી. પોતાની સંવેદનાઓ પ્રગટ કરનાર દેશનો દરેક નાગરિક અભિનંદનને પાત્ર છે. એ સ્વાર્થી નથી, એને દેશદાઝ છે, શહીદોના પરિવારો પ્રત્યે સાંત્વના છે. દુશ્મન પ્રત્યે એને રોષ છે. અમુક લોકો એવું પણ કહે છે કે, લોકો થોડીક વાતો કરીને ફરીથી પોતાના કામે ચડી જશે. એમ જ થાય, એમ જ થતું આવ્યું છે, એમાં પણ કશું ખોટું નથી. ગમે એવો ગ્રેટ આનંદ પણ કાયમી ટકતો નથી. ગમે તેવું નજીકનું સ્વજન કાયમ માટે ચાલ્યું જાય તો પણ લોકો ધીમે ધીમે પોતાના રૂટિનમાં ગોઠવાઈ જાય છે. સંસારનો એ જ નિયમ છે. વાત એટલી જ છે કે, જ્યારે સંવેદનાઓ વ્યક્ત કરવાની હતી ત્યારે કેવી રીતે કરી! દેશવાસીઓ એક સૂત્રથી બંધાયા એ બહુ મહત્ત્વની ઘટના છે.

દરેક વ્યક્તિના દેશપ્રેમને સલામ કરવાની સાથે એક વાત એ પણ કરવાનું મન થાય છે કે, કોઈપણ દેશ તેના લોકોથી મહાન બનતો હોય છે. નેતાઓ તો આવતા-જતા રહે છે. કેટલાક નેતાઓ મહાન હોય છે. કેટલાક નબળા પણ હોય છે. ગમે તેવા હોય એ બદલતા રહેવાના છે. લોકો કાયમી છે. જનરેશન ભલે બદલતી રહેતી હોય, પણ પરંપરાઓ અને સંસ્કૃતિ ઘડીકમાં બદલાતી નથી. આપણને સંસ્કારોનો વારસો મળ્યો છે. એ વારસો આપણે બધાએ આપણી નેક્સ્ટ જનરેશનને આપતો જવાનો છે. આપણી ફરજ એ છે કે એ વારસાને થોડોક વધુ સમૃદ્ધ કરીને આપીએ. દેશના ઇતિહાસ ઉપર નજર કરશો તો એક વાત સમજાશે કે આપણા દેશે એકધારી પ્રગતિ કરી છે. એક સમયે આપણો દેશ સાપ અને મદારીઓના દેશ તરીકે આળખાતો હતો. આજે આપણા દેશને કોઈ ઇગ્નોર કરી શકે તેમ નથી. આપણે દુનિયાની સૌથી મોટી લોકશાહી છીએ. દુનિયામાં આપણું અર્થતંત્ર છઠ્ઠા નંબરની ઇકોનોમી છે.

તમે તમારી જાતને દેશના બ્રાન્ડ એમ્બેસેડર ગણો છો? કોઈપણ વર્તન કરતી વખતે તમારી નજર સામે તમારો દેશ હોય છે? જો હા, તો તમે દેશપ્રેમી છો. આઝાદીને સાત દાયકા કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. હજુ આપણે લોકોને સ્વચ્છતાના પાઠ શીખવવા પડે છે. એક વખત કહી દેવાતી વાત કેમ આપણા ગળે ઊતરતી નથી? કેમ આપણને એમ નથી થતું કે, આ વાત આપણા સારા માટે જ છે? સરકાર પાસેથી અપેક્ષાઓ રાખીએ એમાં કંઈ ખોટું નથી, પણ દેશને પણ તેના નાગરિકો પાસેથી અપેક્ષા હોય છે. એ આપણે કેટલી પૂરી કરીએ છીએ? કાયદાઓનું પાલન કરીને આપણે આપણો દેશપ્રેમ કે દેશભક્તિ સારી રીતે સાબિત કરી શકીએ. કચરો ફેંકતી વખતે કે પાનની પીચકારી મારતી વખતે કેમ આપણને દેશનું ભાન રહેતું નથી? જવાનો તો દેશ માટે જીવ આપી દે છે, આપણે દેશ માટે જીવ રેડી ન શકીએ? પ્રાણ ન્યોછાવર ન કરો તો કંઈ નહીં, થોડુંક દિલ ન્યોછાવર કરો તો પણ પૂરતું છે. ટ્રાફિકના નિયમો તમે કેટલા પાળો છો? કાર ચલાવતી વખતે સિટબેલ્ટ કે બાઇક ચલાવતી વખતે હેલ્મેટ તમે પહેરો છો? કંઈ થાય તો કોનો જીવ બચવાનો છે? તમારો જ સ્તો! આપણે ટ્રાફિક પોલીસથી ડરીને જ કેમ બધું કરીએ છીએ? પોલીસ રોકે ત્યારે તેની સાથે જીભાજોડી કરીએ છીએ. દંડની થોડીક રકમ બચાવવા માટે લાંચ આપીએ છીએ અને પછી પોલીસ કરપ્ટ છે એવો આક્ષેપ કરીએ છીએ. કરપ્શનમાં આપણા દેશનો નંબર છેક 81મો છે. એ નંબર ક્યારે ઘટશે? એને ઘટાડવાની આપણા સહુની કશી જવાબદારી નથી? જરાક વિચારજો.

અત્યારના સમયની બીજી એક અને સૌથી મોટી સમસ્યા ફેક ન્યૂઝની છે. પુલવામા એટેક પછી પણ ઘણા ફેક ન્યૂઝની ભરમાર ચાલી. જૂની ક્લિપ્સ અત્યારની ઘટનાઓ હોય એવી રીતે ફરી. આપણે કંઈ વિચાર્યા વગર જે આવ્યું એ ફોરવર્ડ કરી દઈએ છીએ. આપણે એ પણ વિચારતા નથી કે આની પાછળ કોઈનો કંઈક છૂપો એજન્ડા હોઈ શકે છે. તમારા વિચારો, તમારી સંવેદના, તમારી માનસિકતા અને તમારા ઇરાદાઓને ડાયવર્ટ કરવાના પ્રયાસો પૂરજોરમાં ચાલી રહ્યા છે. આપણને ખબર ન પડે એમ આપણે ઘણાં ષડ્યંત્રોના હાથા બની જઈએ છીએ. ખોટા કામમાં ભાગીદાર ન બનવું એ પણ સારું કામ જ છે. દેશમાં ઇલેક્શન આવે છે. ઘણી સાચી-ખોટી વાતો તમારી નજર સામે આવશે. તમે જેને માનતા હોય એને માનો, એ તમારો અધિકાર છે, ધ્યાન એટલું જ રાખવાનું કે આપણે દોરવાઈ ન જઈએ. મત ગમે તેને આપજો, પણ મતદાન કરવાનું ટાળતા નહીં. આપણો દેશપ્રેમ અનેક રીતે વ્યક્ત થઈ શકતો હોય છે. પૂજા આપણે રોજ કરીએ છીએ, એ જ રીતે દેશભક્તિ પણ રોજની ઘટના જ છે. નેતાઓ તો કદાચ મત માટે કામો કરતા હશે, પણ લોકો જે કરે છે એ દેશ માટે જ કરતા હોય છે. દેશને મહાન બનાવવાની જવાબદારી સહુની છે. આપણે બસ આપણી ફરજ પ્રત્યે સભાન રહીએ. શહીદોને સાચી શ્રદ્ધાંજલિ એ જ છે કે આપણે એમના આત્માને ખાતરી આપીએ કે તમે જે દેશ માટે પ્રાણ આપ્યા છે એનું ગૌરવ અમે જાળવીશું અને અમે અમારી ફરજમાંથી જરાયે ઊણાં નહીં ઊતરીએ.

પેશખિદમત

હઁસી મેં છૂપ ન સકી આઁસુઓં સે ધુલ ન સકી,

અજબ ઉદાસી હૈ જિસકા કોઈ સબબ ભી નહીં,

ઠહર ગયા હૈ મેરે દિલ મેં ઇક જમાને સે,

વો વક્ત જિસકી સહર ભી નહીં હૈ શબ ભી નહીં.

– જિયા જાલંધરી

 (દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 24 ફેબ્રુઆરી 2019, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: