તમને કેવી સફળતા ગમે? નિષ્ફળતા પહેલાંની કે પછીની? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમને કેવી સફળતા ગમે?
નિષ્ફળતા પહેલાંની કે પછીની?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

જિંદગીમાં સફળતા અને નિષ્ફળતાનું ચક્કર ચાલતું જ રહે છે. જબરજસ્ત
સફળતા જોનારે પણ નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો જ હોય છે!


———–

તમે સફળ છો કે નિષ્ફળ? આવો સવાલ કોઇ તમને પૂછે તો તમે શું જવાબ આપો? સફળતા અને નિષ્ફળતા વિશે એક બીજો મુદ્દો એ પણ છે કે, સફળતાની સાચી વ્યાખ્યા શું? નિષ્ફળતાનો અર્થ શું? તમને લોકો ઓળખે એટલે તમે સફળ? ધનવાન થઇ ગયા એટલે સફળ થઇ ગયા? કોઇ એવોર્ડ કોઇ ઇનામ મળી ગયું એ સફળતાની નિશાની છે? સફળ થવું એટલે શું? દરેક માણસ કંઇક સપનું સેવીને બેઠેલો હોય છે. એ સપનું સાકાર કરવા એ તનતોડ મહેનત કરતો હોય છે. પોતે જે વિચાર્યું હોય એ થઇ જાય એ સફળતા છે. દરેકના સપનાં જુદા જુદા હોય છે. સપનાં ભલે નાનાં હોય કે મોટાં હોય પણ દરેક માટે સફળતાનું માહાત્મ્ય એકસરખું હોય છે. સફળતા વિશે એવું પણ કહેવામાં આવે છે કે, તમે જે કરી રહ્યા છો એને પૂરા ખંત, મહેનત અને પ્રામાણિકતાથી કરતા રહો તો તમને વહેલી કે મોડી સફળતા મળે જ છે. સફળતા ન મળે ત્યાં સુધી પ્રયાસો ચાલુ રાખવાના. પ્રયત્નો કરવાના છોડી દઇએ તો સફળતા ક્યાંથી મળવાની છે?
સફળતા અને નિષ્ફળતા વિશે આ વખતે થોડીક જુદી વાત કરવી છે. હમણાં ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલનનો એક ઇન્ટરવ્યૂ જોવા મળ્યો. વિદ્યા બાલને કહ્યું કે, કરિયરની શરૂઆતમાં મને સારા અને મહાન લોકો સાથે કામ કરવા મળ્યું. મારું નસીબ ગણો કે ગમે તે ગણો, ટોપ બેનર્સ હતાં, ટોપ ડિરેક્ટર્સ હતા તો પણ મારી ફિલ્મો પીટાઇ જતી હતી. એક તબક્કે તો મને એવું લાગવા માંડ્યું હતું કે, મને એક્ટિંગ કરતા આવડતું જ નથી. મારું ક્યાંય ધ્યાન પડતું નહોતું. એક તબક્કે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો મને અનલકી માનવા લાગ્યા હતા. કોઇ કામ તો નહોતું આપતું, જેણે આપ્યું હતું તેણે પણ ફિલ્મમાંથી હટાવી દીધી હતી. એ મારી જિંદગીનો સૌથી ટફ ટાઇમ હતો. એ પછી પરિણીતા ફિલ્મ મળી. આ ફિલ્મે જાણે નસીબ આડેનું પાંદડું હટાવી દીધું. સમય બદલાય ત્યારે તમારું નામ ચાલવા લાગતું હોય છે. એક પછી એક ફિલ્મ સફળ થવા લાગી અને કરિયરની ગાડી પાટે ચડી ગઇ. વિદ્યા બાલને આટલી વાત કરીને કહ્યું કે, સારું થયું મને નિષ્ફળતા પછી સફળતા મળી. જો પહેલાં સફળતા મળી ગઇ હોત અને પછી નિષ્ફળતા મળી હોત તો હાલત કદાચ વધુ ખરાબ થઈ જાત!
માણસને આમેય દુ:ખ પછીનું સુખ સારું અને મીઠું લાગે છે. આમ તો અઘરો સમય સફળતા પહેલાં આવે કે પછી આવે, એ આકરો જ હોય છે. માણસ મન મનાવતો હોય છે. આશ્વાસન લેતો હોય છે. એક સફળ કલાકાર હતો. તેણે ખૂબ નામના મેળવી હતી. તેના નામના સિક્કા પડતા હતા. જોકે, કરિયરના એક મુકામ પછી તેના માઠા દિવસો શરૂ થયા. એ માણસે કહ્યું કે, આપણે ખૂબ સફળતા જોઇ લીધી છે. લાઇફ પણ પૂરી એન્જોય કરી છે. હવે કોઇ અફસોસ નથી. બધા આવું વિચારી શકતા નથી. પોતાના સારા સમયને યાદ કરીને ખરાબ સમયને વગોવતા હોય છે. ઘણાથી તો પોતાનો એ સમય સહન પણ નથી થતો. જે માણસ ખરાબ સમયમાં પણ ગ્રેસ જાળવી રાખે છે એ જ સાચો સમજુ અને મહાન છે. બાકી તો ભલભલા મૂંઝાઇ અને મૂરઝાઇ જતા હોય છે.
રાજેશ ખન્નાનો દાખલો આપણી સામે છે. રાજેશ ખન્નાએ જે સફળતા જોઇ હતી એવી સક્સેસ ભાગ્યે જ કોઇનાં નસીબમાં લખી હોય છે. લોકો તેની પાછળ પાગલ હતા. જ્યારે તેનો ખરાબ સમય શરૂ થયો ત્યારે તેની હાલત બગડી ગઇ હતી. એક તબક્કે તો તેમણે આપઘાત કરવાનું પણ નક્કી કરી લીધું હતું. નવરા થઇ ગયા પછી માણસને એવો વિચાર નથી આવતો કે, મેં કયો મુકામ હાંસલ કર્યો છે. મંઝિલે પહોંચીને તમે પાછા વળો, ટોચે પહોંચીને તળેટીએ આવો પછી મંઝિલ અને ટોચનું ગૌરવ જાળવવું જોઇએ. એવા ઘણા કલાકારો છે જેણે છેક સુધી પોતાની ઇમેજ ડાઉન થવા દીધી નહોતી. દિલીપ કુમારનો એક કિસ્સો છે. દિલીપ કુમાર ફ્રી હતા એ સમયે એક કંપનીએ તેમને જાહેરખબરમાં કામ કરવાની ઓફર કરી. એ સમયે દિલીપ કુમારે ખુમારી સાથે એવું કહ્યું હતું કે, બરખુરદાર હમ ઇશ્તેહારો કે લિયે નહીં બને હૈ! માણસે આખરે તો પોતે નક્કી કરવાનું હોય છે કે, પોતે શેના માટે બન્યા છે.
ઘણાનાં નસીબમાં પહેલાં સફળતા પછી નિષ્ફળતા અને પછી ફરીથી સફળતા લખી હોય છે. અમિતાભ બચ્ચન તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ધડાધડ સફળ ફિલ્મો આપ્યા બાદ એક સમય એવો આવ્યો જ્યારે તેમની એક પછી એક ફિલ્મો પીટાવવા લાગી. અમિતાભને અંધારાથી પણ ડર લાગતો. રાતે પણ તેને લાઇટો ચાલુ રાખવી પડતી હતી. અમિતાભ યશ ચોપરા પાસે સામે ચાલીને કામ માંગવા ગયા હતા. અમિતાભને મહોબ્બતેં ફિલ્મ યશ ચોપરાએ આપી અને અમિતાભની ચડતી પાછી શરૂ થઇ. એક વાત તો એવી છે કે, નિષ્ફળતાની બ્રેક પછી બીજી વખતની સફળતા માણસને વધુ નમ્ર બનાવે છે. માણસને ભાન થઇ ગયું હોય છે કે, ખરાબ સમયમાં કેવી હાલત થાય છે. અલબત્ત, એવું જરાયે જરૂરી નથી. ઘણા લોકો ગમે એવી થપાટો ખાય તો પણ તેનામાં કોઇ ફર્ક પડતો નથી.
બાય ધ વે, તમને કેવી સફળતા ગમે? નિષ્ફળતા પછીની કે પહેલાંની? આમ તો નિષ્ફળતા કોઇને ગમતી જ હોતી નથી પણ જો પસંદગી કરવાની આવે તો મોટા ભાગના લોકો કદાચ નિષ્ફળતા પછીની સફળતા જ પસંદ કરે. ખરાબ સમય પહેલાં આવી ગયો હોય તો પછી વાંધો આવતો નથી. સારો સમય ભોગવ્યો હોય અને પછી માઠી દશા બેસે તો માણસને બહુ આકરું લાગતું હોય છે. સફળતા કે નિષ્ફળતા કશું જ કાયમી નથી. નિષ્ફળતા મળતી હોય એટલે સફળતા નહીં મળે એવું જરા પણ હોતું નથી. જ્યાં સુધી પ્રયાસો ચાલતા રહે છે ત્યાં સુધી સફળતાના ચાન્સીસ હોય જ છે. સફળતા મળી ગયા પછી નિષ્ફળતા આવે જ એવું જરૂરી પણ નથી. સફળતા હોય ત્યારે એ સમય એન્જોય કરવો જોઇએ, સાથોસાથ સફળતા આપણા માથે સવાર ન થઇ જાય તેની પણ કાળજી રાખવી જોઇએ. કહે છેને કે, ફૂલ આવે પછી ડાળી સહેજ ઝૂકે છે. સફળતા અને સન્માન જો આપણને સારા બનાવે તો જ એ સફળતા સાર્થક થઇ ગણાય. બીજી મહત્ત્વની એ વાત પણ છે કે, જિંદગીના ગમે તે દોરમાંથી પસાર થતા હોઇએ, જે વ્યક્તિ સ્થિર અને સ્વસ્થ રહે છે એને કોઇ સમય નડતો નથી. શ્રીમદ ભગવદ ગીતામાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો આપવામાં આવ્યાં છે. તેનો સીધોસાદો અને સરળ અર્થ એવો થાય છે કે, સુખમાં જે છકી જતો નથી અને દુ:ખમાં જે ડગી જતો નથી એ માણસ સ્થિતપ્રજ્ઞ છે. સમય ભલે બદલાય આપણે બદલાવું કે બગડવું નહીં એ તો આપણા હાથમાં હોય છે. અંતિમ સત્ય તો માણસે પોતાનું કર્મ કરવાનું છે. આપણા ભાગે જે કામ આવ્યું છે એ પૂરી મહેનતથી કરીએ. સફળતા એને જ વરે છે જે પોતાના પ્રયત્નોમાં પ્રામાણિક છે! નિષ્ફતા તો આવે અને જાય. છેલ્લે થોમસ આલ્વા એડિસનની એક વાત. એડિસનને સેંકડો નિષ્ફળતા મળી હતી. એક વખત તેને એવું પૂછવામાં આવ્યું હતું કે, આટલી બધી નિષ્ફળતાથી તમને શરમ નથી આવતી? એડિસને કહ્યું કે, બિલકુલ નહીં, આમ જુઓ તો મેં જે પ્રયોગો કર્યા છે એ એવું તો સાબિત કરે જ છે કે, આવા પ્રયોગો કરવાથી ધાર્યું પરિણામ મળતું નથી એટલે એવું ન કરવું. આખરે એડિસને બલ્બની શોધ કરી અને પોતાની સાથે દુનિયાનું અંધારું પણ દૂર કર્યું. જે કામ કરવાનું છે એ કરતાં રહો, સફળતા કે નિષ્ફળતાની ચિંતા કે વિચાર કરવાની કંઈ જરૂર જ નથી!
હા, એવું છે!
એક મત એવો પણ પ્રવર્તે છે કે, સફળ કરતાં નિષ્ફળ માણસ પાસેથી શીખવાનું ઘણું હોય છે. શું કરવું એ તો ઘણા કહી દે છે પણ સફળ થવા માટે શું ન કરવું એનું સાચું જ્ઞાન નિષ્ફળ માણસ પાસેથી જ મળી શકે છે. શીખવા માટે નિષ્ફળ માણસના અનુભવો પણ જાણવા જોઇએ!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 19 જુલાઈ, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *