ટુમોરોલેન્ડ : આખી દુનિયા જેની
દીવાની છે એવો સંગીત જલસો
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
બેલ્જિયમમાં દર વર્ષે યોજાતો ટુમોરોલેન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ
અનેક રીતે અજોડ છે. ટુમોરોલેન્ડમાં પર્ફોમ કરવાનું
વિશ્વના દરેક ગીત-સંગીતકારનું સપનું હોય છે.
ટુમોરોલેન્ડમાં આ વર્ષે એક ભારતીય યુવાનના
અને ગયા વર્ષે એક ઇન્ડિયન છોકરીના
મૃત્યુએ અનેક સવાલો પેદા કર્યા છે
સંગીત વગર વિશ્વની કલ્પના કરવી અઘરી નહીં, પણ અશક્ય છે. માનવજાતની શરૂઆતથી જ જિંદગી સાથે સંગીત જોડાયેલું છે. જ્યારે જગતમાં એકેય મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટની શોધ થઇ ન હતી ત્યારે લોકો પથ્થરો ટકરાવીને અને લાકડાં ભટકાડીને સંગીત પેદા કરતા હતા. કુદરતે પ્રકૃતિના દરેક સર્જનમાં સંગીત ભર્યું છે. ખળખળ વહેતી નદી મધુર સંગીત પેદા કરે છે. દરિયો તો પોતાના મૂડ પ્રમાણે અલગ અલગ સંગીત રેલાવે છે. વાદળો ગર્જીને સંગીત સર્જે છે. વરસાદ સંગીત પીરસે છે. પક્ષીઓના અવાજમાં સંગીતના જાતજાતના સૂરો વહે છે. સૂસવાટામાં પણ સંગીત છે અને સન્નાટો પણ કંઇક સંભળાવતો રહે છે. આજે તો કોઇપણ પ્રસંગ સંગીત વગર અધૂરો ગણાય છે. દુનિયા પરાપૂર્વથી ગીત-સંગીતની આરાધના કરતી આવી છે. બેલ્જિયમમાં દર વર્ષે ટુમોરોલેન્ડ નામનો એક એવો મ્યુઝિક ફેસ્ટિવલ ઊજવાય છે જેની આખી દુનિયા દીવાની છે. ટુમોરોલેન્ડની ગણના વિશ્વના સૌથી મોટા મ્યુઝિક ફેસ્ટિલવમાં થાય છે. આ વર્ષનો ટુમોરોલેન્ડ ફેસ્ટિવલ આજે પૂરો થવાનો છે. દુનિયાના દરેક ગીત-સંગીતકારનું એક સપનું હોય છે કે તેને ટુમોરોલેન્ડમાં પર્ફોમ કરવા મળે. આખા જગતમાંથી બેસ્ટ ડીજે ટુમોરોલેન્ડ ફેસ્ટિવલમાં પહોંચે છે.
ટુમોરોલેન્ડની લોકપ્રિયતા એવી છે કે, એની ટિકિટ્સનું વેચાણ શરૂ થાય એની થોડી મિનિટોમાં જ તમામ ટિકિટો વેચાઇ જાય છે. સંગીતરસિયાઓ ટાંપીને બેઠા હોય છે કે, ક્યારે વેચાણ શરૂ થાય અને ક્યારે ટિકિટ મળી જાય. જે લોકોને ટિકિટ મળી જાય છે એ પોતાને લકી સમજે છે. એમાં પણ જેને પર્ફોમ કરવાનો ચાન્સ મળે છે એની તો વાત જ જવા દો. આ વર્ષે ચાર લાખથી વધુ લોકો આ મ્યુઝિક ફેસ્ટિવલમાં ઊમટી પડ્યા હતા. બેસ્ટ મ્યુઝિક ઇવેન્ટના આયોજન માટે જેટલા એવોર્ડ અપાય છે એ તમામ એવોર્ડ આ ફેસ્ટિવલ એકવાર નહીં પણ અનેકવાર જીતી ચૂક્યું છે. આપણા દેશમાંથી પણ હજારો લોકો આ ફેસ્ટિવલમાં ભાગ લે છે. અમદાવાદના હાર્દિક શાહ પત્ની ચૈતાલી અને મિત્રો સાથે ટુમોરોલેન્ડ ફેસ્ટિવલમાં ગયા હતા. તેમણે કહ્યું કે, મ્યુઝિક લવર્સ માટે તો આ ફેસ્ટિવલ એક લહાવો છે, પણ જેને મ્યુઝિકમાં કંઇ જ ગતાગમ પડતી નથી એ લોકો પણ આ ફેસ્ટિવલમાં જાય તો અભિભૂત થયા વગર ન રહે. કંઇક ગજબની ખૂબી છે આ મહોત્સવમાં! આખું બૂમ સિટી સંગીતમાં ગળાડૂબ હોય છે. એકસાથે 13 સ્ટેજ પર પરફોર્મ થતું હોય ત્યારે જે દૃશ્ય સર્જાય છે એ અલૌકિક હોય છે. બૂમ સિટીમાં એમની જ ‘પલ્સ’ કરન્સી ચાલે છે. તમને ટિકિટ મળી જાય એટલે એક બાસ્કેટ મળે છે, જેમાં ચીપવાળું ડિજિટલ બેન્ડ હોય છે. તમારે તમારી કરન્સીથી પલ્સ ચાર્જ કરાવી દેવાના પછી એ બેન્ડથી જ ‘પલ્સ’નું પેમેન્ટ કરવાનું. ક્યાંય કેશ ટ્રાન્ઝેક્શન જોવા જ ન મળે. મજાની વાત એ છે કે, ત્યાં તમને કોઇ એકલા સેલ્ફી લેવા જ ન દે! જેવો તમે સેલ્ફી લેવા હાથ ઊંચો કરો કે પાછળ ટોળું ગોઠવાઇ જ જાય! કોઇ એકબીજાને ઓળખતા ન હોય છતાં બધા જ જાણીતા લાગે! આ વાત એ હકીકત સાબિત કરે છે કે, સંગીત બધાને જોડે છે. ફેસ્ટિવલની ટેગલાઇન એવી છે કે, યસ્ટરડે ઇઝ હિસ્ટ્રી, ટુમોરો ઇઝ મિસ્ટ્રી, ટુડે ઇઝ ગિફ્ટ. સંગીતને માણો અને જીવી જાણો એવો ઇરાદો લઇને જ લોકો અહીં આવે છે.
આપણામાં કહેવત છે ને કે, ગામ હોય ત્યાં ઉકરડો હોવાનો જ છે. આ ફેસ્ટિવલમાં પણ ડ્રગ્સનું દૂષણ ઘૂસી ગયેલું. એક-બે કિસ્સા બહાર આવ્યા પછી બેલ્જિયમ સરકાર અને ફેસ્ટિવલના આયોજકો ડ્રગ્સના મામલે ખૂબ જ એલર્ટ થઇ ગયા છે. થયું હતું એવું કે, 2016માં ફેસ્ટિવલમાં આવેલી 26 વર્ષની એક બ્રિટિશ છોકરી મરી ગઇ. પોસ્ટમોર્ટમથી ખબર પડી કે, તેનું મોત ડ્રગ્સના ઓવરડોઝથી થયું હતું. એ પછી કોઇપણ માણસ સંગીત જલસામાં જાય એ પહેલાં તેની અંગ જડતી લેવામાં આવે છે. બૂટ કાઢીને પણ ચેક કરવામાં આવે છે કે ક્યાંક ડ્રગ્સ સંતાડીને લઇ નથી જતાને? જોકે, છેલ્લાં બે વર્ષથી ઇન્ડિયન યંગસ્ટર્સના મોતે સવાલો પેદા કર્યા છે. હજુ ગયા રવિવારે જ ભારતથી ગયેલા 27 વર્ષના એક યુવાનનું મૃત્યુ થયું હતું. ગયા વર્ષ એટલે કે 2018માં ભારતની જ 26 વર્ષની છોકરીએ પણ ફેસ્ટિવલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. આ બંનેનાં મોત ડ્રગ્સના કારણે નહીં, પણ બીજા કારણસર થયાં છે તેવો ખુલાસો આયોજકોએ કરવો પડ્યો હતો.
બેલ્જિયમમાં આ મ્યુઝિક ફેસ્ટિવલ હિટ ગયો પછી અમેરિકામાં પણ ટુમોરોવર્લ્ડના નામે ફેસ્ટિવલ શરૂ કરાયો હતો. બ્રાઝિલમાં પણ ટુમોરોલેન્ડનું આયોજન થયું હતું. જે લોકો આ ફેસ્ટિવલમાં જઇ નથી શકતા એ લોકો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને બીજા સોશિયલ મીડિયા પર ટુમોરોસેન્ડને ફોલો કરીને મજા માણે છે. બૂમ સિટીમાં 128 સોકર ગ્રાઉન્ડ જેટલી જગ્યામાં ડ્રીમ વિલે ખડું કરાય છે, જ્યાં લોકો ટેન્ટમાં રહે છે. ટેન્ટ પણ ટિકિટનો જ એક ભાગ છે. ફેસ્ટિવલ પતે પછી તમે એ ટેન્ટ અને ટેન્ટમાં સુવિધા માટે અપાયેલી બીજી ચીજવસ્તુઓ સોવેનિયર તરીકે સાથે લઇ જઇ શકો છો. જે લોકો ત્યાં પર્ફોમ કરે છે એ લોકો પોતાનો અનુભવ બયાન કરતી વખતે છેલ્લે એક જ વાત કહે છે કે, એ તો સંગીતનું સ્વર્ગ છે. આ વર્ષનો ફેસ્ટિવલ આજે રાતે પૂરો થવાનો છે, સંગીતમાં થોડો ઘણોય રસ હોય તો ઇન્ડિયન ટાઇમ મુજબ બેલ્જિયમનો સમય ચેક કરીને સોશિયલ મિડિયા પર ટુમોરોલેન્ડને ફોલો કરજો, મજા પડશે!
પેશ-એ-ખિદમત
જુસ્તજૂ કા ઇક અજબ સિલસિલા તા-ઉમ્ર રહા,
ખુદ કો ખોના થા કહીં ઔર કહીં ઢૂંઢના થા,
નીંદ કો ઢૂંઢ કે લાને દવાએં થી બહુત,
કામ મુશ્કિલ તો કોઇ ખ્વાબ હસીં ઢૂંઢના થા.
– રાજેશ રેડ્ડી
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ, તા. 28 જુલાઇ 2019, રવિવાર)
kkantu@gmail.com