કોઈ મને કહેશો કે મારો વાંક શું છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કોઈ મને કહેશો કે

મારો વાંક શું છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ક્યાં કહું છું કે દાવ છોડી દો? ખેલ ખેલો, તણાવ છોડી દો,

જીતની જીદ ના કદી રાખો, હારની બીક સાવ છોડી દો,

જ્યાં સુધી આ સ્વભાવ ના છૂટે, ભાવ રાખો અભાવ છોડી દો,

છે શરત એકમાત્ર મંજિલની, બસ સમયસર પડાવ છોડી દો.

– ડૉ. મનોજ જોશી ‘મન’

જિંદગી ક્યારેક આપણને એવી હાલતમાં મૂકી દે છે કે, આપણને ખુદને સમજાતું નથી કે મારો વાંક શું છે? ક્યારેક એવું લાગે છે, જાણે આપણે કોઈ કેદમાં છીએ. આપણી આજુબાજુમાં એક પાંજરું છે, જે આપણને અકળાવે છે. ઊડવું છે, પણ ઊડી શકાતું નથી. જીવવું છે, પણ જીવી શકાતું નથી. ચારે બાજુથી એટલાં બધાં બંધનો લદાયેલાં હોય છે કે આપણે આપણી મરજી મુજબ જીવી જ નથી શકતા. મોકળાશ જ મળતી નથી. આપણા દિલની વાત પણ આપણે કરી શકતા નથી. અમુક ગૂંગળામણ એવી હોય છે જ્યારે શ્વાસ લેતા હોઈએ છતાં એવું લાગે છે કે શ્વાસ રુંધાય છે. થોડુંક રડી લેવાનું મન થાય છે. ક્યારેક એવો ખૂણો પણ નથી મળતો જ્યાં આપણે મોકળા મને રડી શકીએ. એક એવો અજાણ્યો પહેરો આપણી ફરતે હોય છે જે આપણને મરજી મુજબ જીવતા અટકાવે છે.

એક માણસની આ વાત છે. તેણે એક ગુનો કર્યો. અદાલતે એને જેલની સજા ફરમાવી. જેલમાં પગ મૂકતાં જ એણે આકાશ તરફ જોઈ હાથ પહોળા કર્યા. હાશ, હવે હું છૂટ્યો બધાથી! કોઈ શાંતિથી જીવવા જ દેતું નહોતું! થાકી ગયો હતો હું બધાથી! કંટાળો આવતો હતો મને! મારું અસ્તિત્વ જ મને ભારરૂપ લાગતું હતું! હવે અહીં હું એકલો છું. હવે હું મારી સાથે છું. એને જેલમાં એક કેદી મળ્યો. કેદીએ પૂછ્યું, કયા ગુનાની સજા ભોગવવા આવ્યો છે? એ માણસે કહ્યું, છેતરપિંડીની! હું મારી જાતને જ છેતરતો હતો. મારે મારી રીતે જીવવું હતું! કોઈ મને શાંતિથી જીવવા જ દેતા નહોતા! તારે આમ કરવાનું છે, તારે આમ નથી કરવાનું, આટલું તો તારે કરવું જ પડશે, તું તારી જવાબદારીમાંથી છટકી કેવી રીતે શકે? એક પણ માણસ એવો નહોતો કે મને પૂછે કે, તું મજામાં તો છે ને? બધાને બસ, પોતાની જ પડી હતી! બધાનું કરી કરીને કંટાળી ગયો હતો! તમારે સતત જવાબો જ આપવાના? ક્યારેય કોઈ સવાલ જ નહીં કરવાનો? તમે જવાબ માંગો તો તમારે સવાલ પૂછવાની પણ આઝાદી આપવી જોઈએ! આ જેલમાં મારે કોઈને જવાબ આપવાનો નથી! અમુક સજા પણ ગમતી લાગે છે. જેલમાં તો હું થોડુંક મારી રીતે જીવી શકીશ!

દરેક કેદ દીવાલવાળી નથી હોતી. આપણે ક્યારેક એવી કેદમાં જીવતા હોઈએ છીએ જેની દીવાલો હોય છે, પણ એ દીવાલો દેખાતી નથી, એ દીવાલો અનુભવાતી હોય છે. ક્યારેક દીવાલ કૂદી જવાનું મન થાય છે, પણ અમુક બંધનોએ પગ એટલા ભારે કરી દીધા હોય છે કે છલાંગ મારી શકાતી નથી. દુનિયાના કાયદાઓ વિચિત્ર હોય છે. એ કાયદાઓ લખેલા નથી હોતા, લદાયેલા હોય છે. એક છોકરીની આ વાત છે. ભણવામાં ખૂબ હોશિયાર. કોલેજમાં આવી. તેને એક છોકરા સાથે દોસ્તી થઈ. એ છોકરા સાથે બેસતી અને વાતો કરતી. એની સાથે એને સારું લાગતું. કોઈ જાતના ડર કે સંકોચ વગર એ પોતાની વાતને શેર કરતી. છોકરીના ઘરે ખબર પડી કે એ તો કોઈ છોકરા સાથે ફરે છે. તેનું કોલેજ જવાનું બંધ કરાવી દીધું. તેને એ વાત જ સમજાતી ન હતી કે, મેં એવો તે શું ગુનો કર્યો કે મને ઘરમાં પૂરી દેવામાં આવી? પિતાને પૂછ્યું તો તેણે કહ્યું, કોલેજમાં તને ભણવા મોકલતા હતા, મજા કરવા નહીં! છોકરીએ કહ્યું, પણ હું ભણતી તો હતી જ! મેં ક્યાં કંઈ એવું ખરાબ કર્યું છે? પિતાએ કહ્યું, તું ઘરની આબરૂ ઉછાળવા બેઠી છે એનું શું? છોકરાંવ સાથે તારે વાતો કરવી છે! છોકરીએ છેલ્લે એટલું જ કહ્યું, ચલો માની લઉં છું કે મેં ગુનો કર્યો છે, પણ મારા માટે અને ભાઈ માટે અલગ અલગ કાયદા કેમ? ભાઈ પણ ઘણી છોકરીઓ સાથે વાતો કરે છે, એને કેમ ઘરમાં બેસાડી

દેતા નથી?

દરેક ઘરના કાયદા હોય છે. આ કાયદા કોણ બનાવે છે? ક્યારેક એ વંશ પરંપરાગતથી ચાલતા આવ્યા હોય છે અને ક્યારેક એ ઘરના વડીલે બનાવ્યા હોય છે. દરેક માણસમાં ગાંધી જીવતો હોતો નથી, અમુક માણસમાં એક નાનકડો તાલિબાન પણ જીવતો હોય છે. ઘરના આતંકવાદીઓના હાથમાં ગન નથી હોતી છતાં એ હત્યાઓ કરતા રહે છે. સપનાંઓની હત્યા જેવું પાપ બીજું કોઈ નથી. આવા હત્યારાઓ ઘણાં ઘરોમાં સારા થઈને ફરતા હોય છે. એ પોતાના અપરાધોને ક્યારેક મૂલ્યો, પરંપરા, સંસ્કૃતિ અને આદર્શોનાં નામ આપે છે. હંટરો ઉપર ફૂલો ચડાવીને મારવાની આ લોકોની આદત હોય છે! સાધનો અને સગવડ આપીને એ લોકો કહેતા હોય છે કે બધું તો આપ્યું છે તમને! હવે તમારે શું જોઈએ છે? એ લોકોને ક્યારેક એવો જવાબ પણ મળતો હોય છે કે, કંઈ નથી જોઈતું, રાખો બધું તમારું તમારી પાસે. જે લોકો ઘરેથી ભાગી જાય છે એવા કિસ્સામાં દરેક વખતે વાંક ભાગી જનારનો નથી હોતો, ઘરમાં બેઠેલાઓનો પણ વાંક હોય છે.

માણસ કેવો છે? બધાના વિશે નિર્ણયો કરી લે છે. આ સારો છે, આ ખરાબ છે, આનો તો જરાયે ભરોસો ન કરાય! એક છોકરા છોકરીની આ વાત છે. બંનેને ધીમે ધીમે સારું બનવા લાગ્યું. છોકરાને પોતાની જિંદગી અને પરિવારની અમુક વાતો છોકરીને કહેવી હતી, પણ એ કહી શકતો નહોતો! એક વખત તેણે છોકરીને કહ્યું, મારે તને મારા દિલની અમુક વાતો કહેવી છે, પણ પહેલાં તું મને એક વાતનું પ્રોમિસ આપ! છોકરીએ કહ્યું, બોલ ને! છોકરાએ કહ્યું, મારી વાત સાંભળીને તું મને જજ નહીં કરે ને? દરેક માણસને એવી વ્યક્તિ જોઈતી હોય છે, જે એને જજ ન કરે! તમારી પાસે એવી વ્યક્તિ છે જે તમને જજ નથી કરતી? તો તમે નસીબદાર છો. આજે બધા જજ થઈને ફરે છે. તમે કંઈ વાત કરો એટલે સીધો ચુકાદો જ સંભળાવી દે છે. એક છોકરાએ એના મિત્રને વાત કરી કે, મારા પિતા બહુ ખોટું કરે છે. મને એ નથી ગમતું. તેના ફ્રેન્ડે કહ્યું, હં તો? મિત્રએ કહ્યું, કરે છે તો કરે છે. તું તારા પિતા માટે જજ ન બન! એ ખોટું કરતા હશે તો ભોગવશે અને બીજી વાત, તું મારી પાસે કેવા જવાબની અપેક્ષા રાખે છે? એક વાત યાદ રાખ, તારી વાત સાંભળીને હું તને પણ જજ કરવાનો નથી. સાંભળ દોસ્ત, દરેકની જિંદગીને જિંદગીની રીતે સમજવી જોઈએ. આપણે બીજાની જિંદગીને આપણી જિંદગીની નજરથી જોઈએ એ ન ચાલે! ડોન્ટ બી જજમેન્ટલ. કરે છે એ અને ભોગવે છે તું! મુક્ત થઈ જા. રોકવાનો પ્રયાસ ન કર. એનું કારણ એ છે કે, એ તારી વાત માનવાના નથી. આપણને ખબર હોય કે કોઈ આપણી વાત માનવાનું નથી ત્યારે ત્યાં વાત કરવા જવી એ અણસમજની નિશાની છે. અણસમજ જ મોટાભાગે ગેરસમજ પેદા કરતી હોય છે.

અમુક લોકો બીજાએ બનાવેલી કેદમાં જીવતા હોય છે, કેટલાક લોકો એવા પણ હોય છે જે પોતે રચેલી કેદમાં જ પુરાયેલા હોય છે. કોઈએ બનાવેલી કેદ કરતાં પોતે સર્જેલી કેદ વધુ ભયંકર હોય છે. આપણને ઘણી વખત સમજાતું નથી કે આ માણસ શા માટે દુ:ખી થાય છે? અમુક માણસને કોઈ રોકતું હોતું નથી, પણ એ પોતાને જ રોકતા હોય છે. પોતાના પગ આડે જ પથ્થરો ખડા કરી દીધા હોય છે. આપણે એવા લોકોને કહીએ છીએ કે, મોજથી જીવને! શું કામ હાથે કરીને દુ:ખી થાય છે. તમે બારણું ઉઘાડી આપો તો પણ એ એમાંથી બહાર નીકળતા નથી. કંટાળીને માણસ એવું કહે છે કે, ભલે થાય એ દુ:ખી, એને હેરાન જ થવું હોય તો કોઈ શું કરી શકે? તમે કોઈને આકાશ આપી શકો, પણ ઊડવું તો એણે જ પડે.

બાય ધ વે, તમે મુક્ત છો? તમે કોઈએ બનાવેલી કે તમે પોતે સર્જેલી કેદમાં તો નથી ને? માણસે અમુક વખતે જંજીરો તોડવી પડતી હોય છે. એ જંજીરો જે દેખાતી નથી, પણ આપણને રોકતી હોય છે. શારીરિક જેલ કરતાં માનસિક કેદ વધુ ખતરનાક હોય છે. અમુક ઘર જેલ જેવાં હોય છે. અમુક વ્યક્તિઓ પણ જેલ જેવી હોય છે, જે આપણને મુક્ત કરતી નથી, સતત પહેરો લગાવીને બેઠી હોય છે. દૂર હોય તો પણ એવું લાગે છે જાણે આપણી માથે કોઈ જાપ્તો છે. તમારા વિચારો, તમારું વર્તન, તમારું આયખું અને તમારું અસ્તિત્વ તમારું છે. એના ઉપર તમારો અધિકાર છે. સ્વચ્છંદી બનવાની વાત નથી, પણ એવું લાગે કે, હવે બહુ થયું, આ ગૂંગળામણ સહન થતી નથી ત્યારે માણસે આખરી નિર્ણય કરવો પડતો હોય છે કે, હવે મારે છૂટવું છે. મારે મારી સાથે રહેવું છે અને મારી રીતે જીવવું છે. અમુક દીવાલો સહેજ ધક્કો મારીએ તો પડી જતી હોય છે, હાથ તો લંબાવી જુઓ!

છેલ્લો સીન :

જો તમે પાંખો ફફડાવતા ડરતા હોવ તો તમે આકાશનો વાંક કાઢી ન શકો.               -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 31 જુલાઇ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: