ધ્યાન રાખજો, ક્યાંક તમારાં છોકરાંવ તમારી સામે મોરચો ન કાઢે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ધ્યાન રાખજો, ક્યાંક તમારાં છોકરાંવ

તમારી સામે મોરચો કાઢે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

જર્મનીમાં હમણાં નાનાં-નાનાં છોકરાઓએ એક રેલી કાઢી હતી.

બાળકોની ફરિયાદ હતી કે, એમનાં પેરેન્ટ્સ આખો દિવસ

મોબાઇલ સાથે ચોંટેલાં હોય છે, અમને સમય જ નથી આપતાં!

લોકો મોબાઇલ એડિક્ટ થતા જાય છે. દરેક માણસે

વિચારવા જેવું છે કે, એ પોતાનાં સંતાનો અને

પરિવારને કેટલો સમય આપે છે?

જર્મનીના હેમબર્ગ શહેરમાં હમણાં દોઢસોથી વધુ બાળકોએ પોતાનાં મા-બાપ સામે કાઢેલી રેલીએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. આ બાળકો નારા લગાવતાં હતાં કે, વી આર હિયર, વી આર લાઉડ, વી આર લાઉડ બિકોઝ યુ આર લુકિંગ એટ યોર મોબાઇલ ફોન્સ. તમે આખો દિવસ મોબાઇલ ફોન સાથે ચોંટેલા રહો છો એટલે અમારે આવું કરવું પડે છે. બાળકોના હાથમાં પોસ્ટર્સ હતાં. તેમાં લખ્યું હતું કે, અમારી સાથે રમો, સ્માર્ટ ફોન સાથે નહીં. તમારો સમય અમને આપો. અમને તમારી જરૂર છે. સાત વર્ષનો ઇમિલ રસ્ટિંગ આ રેલીની આગેવાની કરતો હતો. તેણે રેલીને સંબોધતાં કહ્યું કે, દુનિયાના દરેક પેરેન્ટ્સ માટે આ એક મેસેજ છે કે, તમે મોબાઇલ ફોનથી દૂર રહો અને તમારાં સંતાનો સાથે રમો. બાળકોની આ રેલીની વિડિયો ક્લિપ્સ હવે દુનિયાની સેલિબ્રિટીસ પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહી છે અને કહે છે કે, આ બાળકોની વાત કાન ખોલીને સાંભળો. મિશિગન યુનિવર્સિટી સહિત અનેક સંસ્થાઓ બાળકોની રેલી વિશે કાર્યક્રમો યોજી રહી છે. મા-બાપના મોબાઇલ એડિક્શનથી સંતાનો ઉપર થતી અસરોના સર્વે અને રિસર્ચ ટાંકીને એ કહે છે કે, તમે તમારાં સંતાનોનું ભલું ઇચ્છતાં હોવ તો મોબાઇલનો કામ પૂરતો જ ઉપયોગ કરો.

બાળકોની આ રેલીનો વિડિયો વાઇરલ થયો છે. બાળકોના આ આંદોલનને આખી દુનિયામાંથી સમર્થન મળી રહ્યું છે. મોટી સંખ્યામાં પેરેન્ટ્સ કહી રહ્યાં છે કે, અમે તમારી વાતને ગંભીરતાથી લીધી છે. હવે અમે એલર્ટ થયાં છીએ. ધ્યાનથી જોશો અને વિચારશો તો એક વાત ઊડીને આંખે વળગશે કે, આપણે ત્યાં પણ સ્થિતિ તો કંઇક આવી જ છે. મા-બાપ નવરાં પડે એટલે તરત જ મોબાઇલ લઇને બેસી જાય છે. એ સમયે દીકરો કે દીકરી શું કરે છે એ તરફ એનું ધ્યાન જ નથી હોતું. નાનાં બાળકો મા-બાપને કંઇ કહી શકતાં નથી એટલે ચૂપ બેસી રહે છે. આપણે ત્યાં તો પરિસ્થિતિ થોડીક જુદી પણ છે. નાનાં બાળકો પણ મોબાઇલ લઇને બેઠાં હોય છે. સંતાનો કોઇ તોફાન ન કરે એટલે મા-બાપ જ તેના હાથમાં મોબાઇલ પકડાવી દે છે. ઘણાં મા-બાપ તો વળી પોરસાતાં પણ હોય છે કે, અમારો બાબો કે અમારી બેબી તો એટલી સ્માર્ટ છે કે એને જે ગેઇમ રમવી હોય એ પોતાની મેળે શોધીને રમવા માંડે છે. આજની જનરેશન કેવી સ્માર્ટ થઇ ગઇ છે નહીં? કોઇ મા-બાપ એવું નથી વિચારતાં કે, આવું કરીને આપણે આપણાં સંતાનોની ઘોર ખોદી રહ્યાં છીએ. અમુક બાળકોને તો હાથમાં મોબાઇલ આપો અને કાર્ટૂન ચાલુ કરી દો તો જ એ જમે છે. ગેસ્ટ આવ્યા હોય ત્યારે સંતાનો ચૂપ બેસી રહે એ માટે કેટલાંક મા-બાપ છોકરાના હાથમાં મોબાઇલ પકડાવી દે છે.

એ વાત તો જગજાણીતી છે કે, બાળકો મા-બાપને જોઇ જોઇને જ બધું શીખતાં હોય છે. તમે જો એવું ઇચ્છતાં હોવ કે, તમારું બાળક ભવિષ્યમાં મોબાઇલ એડિક્ટ ન થાય તો તમે તેની સામે ફોન વાપરવાનું ટાળો. માત્ર એટલો વિચાર કરજો કે, તમે તમારાં સંતાનોને કેટલો સમય આપો છો? તમને કેટલી ખબર છે કે, એ અત્યારે કેવી માનસિકતામાંથી પસાર થઇ રહ્યાં છે? તમે એની સાથે છેલ્લે ક્યારે રમ્યાં હતાં? બાળકોની નજર સામે તમે મોબાઇલ ફોનનો કેટલો ઉપયોગ કરો છો?

અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિશિગન, સી.એસ. મોટ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ અને લિનોઇસ સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, જે મા-બાપ ડિજિટલ ટેક્નોલોજીનો વધુ પડતો ઉપયોગ કરે છે એ બાળકોનાં વાણી અને વર્તનમાં ભારોભાર નકારાત્મકતા ઘર કરી જાય છે. બાળકને એમ થાય છે કે, મારાં બા-બાપ મને ઇગ્નોર કરે છે. એને અમારી કોઇ પરવા જ નથી. આવાં બાળકો મોટાં થઇને મા-બાપની સામે થાય છે. બા-બાપની અવગણનાના કારણે બાળકો ડિપ્રેશનનો ભોગ પણ બને છે. એ પોતાને વધારાના હોય એવું ફીલ કરે છે. માત્ર મોબાઇલ જ નહીં, ટેબ્લેટ, લેપટોપ, કમ્પ્યૂટર કે બીજાં કોઇ ડિજિટલ સાધનોનો ઉપયોગ બાળકો સામે ટાળો. આ અભ્યાસમાં એક એવી વાત પણ બહાર આવી હતી કે, અનેક મા-બાપ જમતી વખતે પણ મોબાઇલ જોતાં રહે છે. બાળકોને એ જરાયે ગમતું હોતું નથી. દિવસના અમુક કલાકો ફેમિલી ટાઇમ જ હોવો જોઇએ.

અમેરિકન સાયકોલોજિકલ એસોસિયેશનના છેલ્લા વાર્ષિક સંમલેનમાં યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા દ્વારા એક રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં જણાવાયું હતું કે, આજના સમયની સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે, પેરેન્ટ્સ અને સંતાનો વચ્ચે કમ્યુનિકેશન સતત ઘટતું જાય છે. યુનિવર્સિટીના અમુક સ્ટુડન્ટ્સનું ક્લાસમાં ખરાબ વર્તન હતું. સ્ટુડન્ટ્સનું વર્તન કેમ આવું છે એના પર અભ્યાસમાં એવી ખબર પડી હતી કે, એનાં પેરેન્ટ્સ મોબાઇલ સાથે જ ચીપકેલાં રહેતાં હતાં. બાળક તેને કંઇ પૂછવા જાય તો એને ધુત્કારતાં હતાં. એની અસર બાળકો પર આવી હતી. આ બધામાંથી વિચારવાનું એટલું જ છે કે, આપણે તો ક્યાંક આવું નથી કરતાને? તમે જો જાણે અજાણે ઘરમાં સતત મોબાઇલ લઇને બેસતાં હોવ તો ચેતી જજો, નહીંતર તમારાં બાળકો ઉપર એની વિપરીત અસર થશે. બાળકોને તો મોબાઇલથી દૂર જ રાખો, એ તમે ત્યારે જ કરી શકશો જ્યારે તમે પોતે મોબાઇલથી દૂર રહેશો. જો આવું નહીં કરો તો બનવા જોગ છે કે, તમારાં સંતાનો પણ તમારી સામે એક દિવસ મોરચો કાઢીને કહેશે કે, બસ હવે બહુ થયું. અમારા ઉપર પણ થોડુંક ધ્યાન આપો. બાળકોનું સારું ભવિષ્ય ઇચ્છતાં હોવ તો તમે તમારા વર્તમાન ઉપર જરાક નજર ફેરવી લેજો. તમારી આદત બાળકોને બગાડી શકે છે.

પેશખિદમત

કરોગે યાદ તુમ ગુજરે જમાનોં કી સભી બાતેં,

કભી ઇતરાકે હંસ દોગે કભી આંસુ બહાઓગે,

જુદા અપનોં સે હોકર ટૂટ જાતા હૈ કોઇ કૈસે,

જો બિછડોગે કભી મુજસે તો ખુદ હી જાન જાઓગે.

– આજિમ કોહલી

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ, તા. 14 જુલાઇ 2019, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: