પર્યાવરણ : બહારનું, અંદરનું, પારકું અને પોતાનું – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

પર્યાવરણ :

બહારનું, અંદરનું, પારકું અને પોતાનું

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

——–

આજે પર્યાવરણ દિવસ છે.

પ્રકૃતિનું આપણે કેટલું જતન કરીએ છીએ?

આપણે પણ પ્રકૃતિનો જ અંશ છીએ.

દરેકનું પોતાનું પણ એક પર્યાવરણ હોય છે!


———–

ગ્લોબલ વોર્મિંગ, ક્લાયમેટ ચેન્જ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સિસ, અલ નીનો, લા નીનો અને તેના જેવા શબ્દોની થોડા વર્ષો અગાઉ લોકોને બહુ જાણકારી નહોતી, હવે આવા શબ્દો સમયાંતરે આપણા કાને અથડાતા રહે છે અને આંખે વંચાતા રહે છે. આજે પર્યાવરણ દિવસ છે. આખી દુનિયામાં આજે પર્યાવરણના રક્ષણની વાતો કરશે. સારી વાત છે, પર્યાવરણનું રક્ષણ થવું જ જોઇએ. કરૂણતા એ વાતની છે કે, વાતો થાય છે એવું ખાસ કંઇ થતું નથી. પર્યાવરણના જાણકારો કહે છે કે, વર્લ્ડમાં એનવાયર્મેન્ટના નામે જેટલી યોજનાઓ બને છે તેમાંથી અડધીનો પણ જો અમલ થાય તો બેડો પાર થઇ જાય. આપણે બધાએ કાળઝાળ ઉનાળાનો અનુભવ કર્યો. ચામડી બાળી નાખે એવી ગરમી આ વખતે પડી. દર વર્ષે ગરમી નવા નવા રેકોર્ડ સર્જતી જાય છે. હવે ચોમાસુ આવશે. વરસાદ પણ એવો વરસવાનો છે કે બધે પાણી પાણી થઇ જાય. દરેક ઋતુ પોતાનો પ્રકોપ બતાવી રહી છે. એનું કારણ એ જ છે કે, લોકોએ પર્યાવરણનો કચ્ચરઘાણ વાળી દીધો છે.

આજે પ્રકૃતિના ગુણગાન ગવાશે અને પર્યાવરણના રક્ષણની સલાહો અપાશે. આખરે પર્યાવરણ સુરક્ષિત રાખવાની જવાબદારી કોની છે? દરેક દેશની સરકાર ઘણું બધું કરી શકે. ભૂતાનનું ઉદાહરણ આખી દુનિયાની સામે છે. પર્યાવરણને નાનું સરખું નુકશાન થાય એવું પણ ભૂતાન કરતું નથી. દુનિયાના દેશો વિકાસના નામે પર્યાવરણ સાથે સમાધાન કરતા રહે છે. અમેરિકા અને ચીન જેવા દેશો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે. ધરતી તપી રહી છે એને દરિયો આગળ વધી રહ્યો છે. આખી દુનિયામાં વિકાસ અને આધુનિકીકરણની એવી દોડ મચી છે કે, કોઇ પર્યાવરણનો વિચાર જ નથી કરતું. પર્યાવરણ વિશે છેલ્લે તો નિષ્ણાતો એવું જ કહે છે કે, પર્યાવરણની પથારી ફેરવવામાં છેલ્લે તો માણસ જ જવાબદાર છે. આપણે સરકારને દોષ આપીએ છીએ પણ સરકારેય આખરે તો માણસોની જ બનેલી છેને? દરેક માણસ જ્યાં સુધી પર્યાવરણના રક્ષણ માટે કટિબદ્ધ નહીં થાય ત્યાં સુધી કંઇ વળવાનું નથી.

માણસનો સૌથી મોટો ઇશ્યૂ એ છે કે, એ ભૂલી જાય છે કે પોતે પણ અંતે તો પ્રકૃતિ અને પર્યાવરણનો જ અંશ છે. જેમ બીજા પશુ, પક્ષીઓ અને જીવો છે એવી જ રીતે માણસ છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે, યથા પિંડે તથા બ્રહ્માંડે. એનો અર્થ એ થયો કે, જે બ્રહ્માંડમાં છે એ જ આપણા શરીરમાં છે. શરીર પંચમહાભૂતનું બનેલું છે. પૃથ્વી, વાયુ, આગ, જળ અને આકાશ, આ પંચમહાભૂત આપણા શરીરનો જ હિસ્સો છે. આપણે જ્યારે પર્યાવરણ સાથે ચેડાં કરીએ છીએ ત્યારે એ વાત પણ સમજવી જોઇએ કે આપણે આપણી સાથે જ છેડછાડ કરી રહ્યા છીએ. પ્રકૃતિ અને કુદરત વિશે ઊંચા ઊંચા વિચારો અને વાતો થતી રહે છે. આપણે હવાફેર માટે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર હોય એવી જગ્યાએ જતા હોઇએ છીએ. અત્યારે તમે જોશો તો દરેક સ્થળ વિશે એવી વાતો ચાલી રહી છે કે, આ સ્થળ ખતરામાં છે. ગ્લેશિયરો પિગળી રહ્યા છે. નદીઓ ઉછળી રહી છે. મેરામણ માઝા મૂકી રહ્યો છે. તાપમાન વધી રહ્યું છે. પર્યાવરણના એક્સપર્ટસ એવું કહે છે કે, આપણે પર્યાવરણની નહીં પણ આપણી પોતાની ચિંતા કરવાની જરૂર છે. પ્રકૃતિને તો જ્યારે જરૂર લાગશે ત્યારે એ પોતાનું સમતોલન સાધી જ લેવાની છે પણ એ જ્યારે કરવટ બદલશે ત્યારે માણસજાતની હાલત ડામાડોળ થઇ જશે. પ્રકૃતિનું જતન કરીને તમે કંઇ મહેરબાની નથી કરતા, માત્ર તમારું જ ધ્યાન રાખો છો. તમારે તમારું ધ્યાન ન રાખવું હોય તો કંઇ વાંધો નથી, એના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો!

હવે, પર્યાવરણ વિશે જરાક જુદી વાત કરીએ. દરેક વ્યક્તિનું પોતાનું પણ એક પર્યાવરણ હોય છે. આપણે કોઇની વાત કરીએ ત્યારે એવું કહેતા હોઇએ છીએ કે, એની પ્રકૃતિ જ વિચિત્ર છે. આ પ્રકૃતિ એ જ દરેક માણસનું પર્યાવરણ છે. બહાર જે છે એની સીધી અસર આપણને થવાની જ છે. આપણે શ્વાસ લઇએ છીએ ત્યારે જે હવા બહાર છે એ જ અંદર જવાની છે. કોઇ પાણી હવે પીવા જેવું રહ્યું નથી. આપણે પાણીને પણ પ્રોસેસ કરીને પીવા લાગ્યા છીએ. ધરતીનું પેટાળ કેમિકલથી પ્રદૂષિત કરી નાખ્યું છે. શાકભાજી પ્રદૂષિત થયા છે. જ્યારે કંઇ જ નેચરલ કે આર્ગેનિક નથી રહ્યું ત્યારે માણસ કેવી રીતે ઓર્ગેનિક રહેવાનો છે? ઇકો ફ્રેન્ડલીના નામે આપણે ઘણું બધું ખરીદીએ છીએ. હકીકતે તો ઇકો ફ્રેન્ડલી એ પણ માર્કેટિંગનું મોટું ગતકડું થઇ ગયું છે!

માણસનું પર્યાવરણ બદલ્યું છે એટલે માણસનું વાતે વાતે છટકી જાય છે. લાઇફ સ્ટાઇલ ડિસિઝ લોકોને પોતાના ભરડામાં લઇ રહ્યા છે. અગાઉના સમયમાં આટલી મોટી સંખ્યામાં લોકોને ડાયાબિટિસ, બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન, એંગ્ઝાઇટી અને બીજી બીમારીઓ નહોતી થતી. આપણા શરીર ખોખલા થતા જાય છે. સમયની સાથે લોકોના આયુષ્યમાં વધારો થયો છે એમાં ના નહીં પણ જિંદગીની ગુણવત્તા ઘટી છે. કેટલું જીવીએ એ જેટલું મહત્વનું છે એટલું જ અગત્યનું એ પણ છે કે કેવું જીવીએ છીએ? આપણા સંબંધો તંગ થયા છે. દરેક વ્યક્તિ કોઇને કોઇ રેલિશનશીપ ક્રાઇસિસનો સામનો કરી રહી છે. ધીરજ ઘટતી જાય છે. બધાને બધું જ જોઇએ છે અને તાત્કાલિક જોઇએ છે. ઘણાને એવો સવાલ થાય કે, એને અને પર્યાવરણને શું લાગે વળગે? પર્યાવરણની સીધી અસર માણસને થવાની છે. દુનિયાના દરેક વિસ્તારના લોકોના સ્વભાવમાં થોડો થોડો ચેન્જ જોવા મળે છે એનું કારણ તેઓ જે સ્થળે રહે છે એનું પર્યાવરણ છે. હવે તો એવું થવા લાગ્યું છે કે, મોટા શહેરોના કેટલાંક વિસ્તારના લોકોની પ્રકૃતિમાં પણ ચેન્જ જોવા મળી રહ્યો છે. જ્યાં પર્યાવરણ ખરાબ હોય ત્યાંના લોકોનો સ્વભાવ ચીડિયો થતો જાય છે. આપણી અંદરનું સીધું કનેક્ટ બહાર સાથે છે. તમે માર્ક કરજો, જ્યારે વાતાવરણ સારું હશે ત્યારે આપણો મૂડ પણ મસ્ત હશે. હમણાં બધાએ ભારે ગરમીનો અનુભવ કર્યો છે. ગરમીમાં આપણે બધા જ અકળાયેલા રહેતા હતા. આપણે પ્રકૃતિને કબજામાં કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. એરકન્ડિશન્ડ વાતાવરણથી તાપમાનને કંટ્રોલમાં રાખીએ છીએ. એ રીતે પણ સરવાળે તો આપણે પ્રકૃતિને નુકશાન જ કરીએ છીએ.

આપણે ક્યારેય આપણા પૂરતો વિચાર પણ કરીએ છીએ ખરા કે, મારું પોતાનું પર્યાવરણ તો પ્રદૂષિત થયું નથીને? કેટલાંક લોકોનું મગજ વારેવારે છટકી જાય છે. નાની નાની વાતોમાં લોકો ઉશ્કેરાય જાય છે, લિફ્ટ આવવામાં વાર લાગે તો ઊંચા નીચા થઇ જાય છે, રોડ પર ટ્રાફિક સિગ્નલની થોડીક સેકન્ડો પણ સહન થતી નથી. લોકો પણ એક બીજાથી દૂર થઇ રહ્યા છે. અગાઉના સમયમાં લોકો ભેગા થતા, ઉત્સવો ઉજવતા, ચોરે બેસીને વાતો કરતા, હજુ બધું થાય છે પણ એ મર્યાદિત થતું જાય છે. આપણે સમૂહથી દૂર થતાં જઇએ છીએ. દરેક પોતાના નાના નાના ગ્રૂપમાં જીવવા લાગ્યા છે. પર્યાવરણ વિશે જે સંશોધનો થાય છે એ એવું કહે છે કે, ફલાણા પશુની તાસીર બદલી રહી છે, પેલું પ્રાણી પોતાનું અસ્તિતત્વ ગુમાવી રહ્યું છે, આ પક્ષી હવે જોવો મળતું નથી! માણસ વિશે શું કહેવાય છે? માણસ હવે પહેલા જેવો નથી રહ્યો. ઉતાવળિયો અને ઉત્ત્પાતિયો બની ગયો છે. દરેકના ચહેરા પર અજાણ્યો ઉકળાટ અને ઉશ્કેરાટ જોવા મળે છે. એનું કારણ એ જ છે કે, આપણે પણ હવે ઓરિજનલ અથવા તો જેવા હોવા જોઇએ એવા નથી રહ્યા! હવેનો સમય એવો છે કે, દરેક માણસે પોતાની અંદરનું અને બહારનું પર્યાવરણ જાળવવું પડે. જો બહારનું પર્યાવરણ સારું હશે તો જ અંદરનું સારું રહેશે, જો બેમાંથી એક બગડ્યું એટલે સમસ્યાઓ સર્જાવાની જ છે. સારી જિંદગી ઇચ્છતા હોઇએ તો સારા પર્યાવરણ સિવાય બીજો કોઇ વિકલ્પ જ નથી!

———

પેશ-એ-ખિદમત

ઇક દિન ખુદ કો અપને પાસ બિઠાયા હમ ને,

પહેલે યાર બનાયા ફિર સમજાયા હમને,

ઘર સે નિકલે ચૌક ગયે ફિર પાર્ક મેં બૈઠે,

તન્હાઇ કો જગહ જગહ બિખરાયા હમ ને.

-શારિક કૈફી


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 0પ મે, 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *