તને વાતવાતમાં ખોટું શેનું લાગી જાય છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તને વાતવાતમાં ખોટું

શેનું લાગી જાય છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

કોઈ પણ કારણ વિના રૂઠી જવાની ટેવ છે,

સ્વપ્નને મધ્યાંતરે તૂટી જવાની ટેવ છે,

જાણતો હોવા છતાં મેં નામ એનું ના કહ્યું,

મેં કહ્યું, તકદીરને ફૂટી જવાની ટેવ છે.

-કિશોર જીકાદરા

આપણે બધા ઇમોશનલ માણસો છીએ. દરેક વર્તન અને દરેક વાણીની આપણા પર અસર થાય છે. ક્યારેક કોઈની વાત આપણા દિલને ટાઢક પહોંચાડે છે. ક્યારેક કોઈ શબ્દ દિલમાં છરકો પાડી જાય છે. કોઈ વાત રાતે શાંતિથી સૂવા નથી દેતી. કોઈ ઘટના સપના જેવી લાગે છે. કોઈ સ્પર્શ આપણને આપણા અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. કોઈ એક વ્યક્તિની હાજરી ક્યારેક આખી સભાની ગરજ સારે છે. ક્યારેક વળી ભરી સભામાં એકલતાની અકળામણ થાય છે. માણસ જેટલો સંવેદનશીલ હોય એટલું એને વધુ સ્પર્શે છે. આપણો એક શબ્દ કોઈને છલોછલ બનાવી દે છે. કોઈનો એકાદ નઠારો શબ્દ આપણને સૂકા ભઠ્ઠ બનાવી દે છે.

તું કંઈક કહે તો મને મારા હોવાનો ગર્વ થાય છે. તું વખાણ કરે ત્યારે તારો દરેક શબ્દ મારા માટે એવોર્ડ બની જાય છે. સરસ લાગે છે એવું કહે ત્યારે મારું સૌંદર્ય સોળે કળાએ ખીલી જાય છે. તારું ધ્યાન ન હોય ત્યારે મને મારી હયાતી જ અધૂરી લાગે છે. કંઈ સારું થાય ત્યારે તારા પ્રતિભાવની કલ્પના પણ રોમાંચિત કરી દે છે. દરેક વાત તને કહેવાનું મન થાય છે. તું અવગણના કરે ત્યારે મને ખોટું લાગી જાય છે. દરેકને પોતાની વ્યક્તિ માટે આવું થતું હોય છે.

આપણે કહીએ છીએ કે માણસ સ્વાર્થી છે. દરેક માણસ થોડો કે વધુ સેલ્ફ સેન્ટર્ડ હોય જ છે. એ ભલે પોતાના માટે કંઈ કરતો હોય, પણ એને પ્રતિભાવ તો જોઈતો જ હોય છે. પડઘો પડે તો જ પ્રયાસ સાર્થક લાગે છે. કોઈને શું ફેર પડે છે? એવો વિચાર માણસને અંદરથી એકલો પાડતો હોય છે. દરેકને ફેર તો પડતો જ હોય છે. ક્યારેક સારો તો ક્યારેક ખરાબ ફેર તો પડે જ છે. આપણી વ્યક્તિ કંઈ કરે ત્યારે કાં તો આપણને ગમે છે અથવા તો નથી ગમતું. આપણે એ મુજબ રિએક્ટ પણ કરતા હોઈએ છીએ. સાચો અભિપ્રાય સમજવો અને સ્વીકારવો એ પણ મોટી સમજદારી છે. રહેવા દેને, કંઈ કહેવું નથી, વળી એને ખોટું લાગી જશે! આ વિચાર બતાવે છે કે આપણા સંબંધ સંપૂર્ણપણે સ્વસ્થ નથી. ધરાર રાજી રાખવાની વૃત્તિ પાછળ ક્યારેક મજબૂરી પણ હોય છે. સાચી વાત ત્યાં જ કહેવાતી હોય છે જ્યાં સત્યને સ્વીકારી શકાતું હોય છે. સત્યનો અસ્વીકાર અસત્યનું આરંભબિંદુ હોય છે. સાચું બોલી શકવાની સાનુકૂળતા પણ ક્યાં બધે હોય છે? હું કહીશ તો એને કેવું લાગશે એ વિચારીને આપણે અભિપ્રાય આપીએ છીએ. રિએક્શન વિચારીને એક્શન અમલમાં આવે ત્યારે અંદર નાનકડું ફ્રસ્ટ્રેશન પણ સર્જાતું હોય છે.

એક પતિ-પત્નીની આ વાત છે. પત્ની કંઈ પૂછે ત્યારે પતિ એને ખરેખર જે સાચું લાગતું હોય એ કહી દે. સારું હોય તો વખાણ પણ કરે અને ખોટું હોય તો શબ્દ ચોર્યા વગર સત્ય સંભળાવી દે. એક વખત ઘરમાં પાર્ટી હતી. મેનુ શું રાખવું એ બાબતે ચર્ચા થતી હતી. પત્નીએ કહ્યું કે આપણે ઘણી બધી આઇટમ્સ રાખવી છે. પતિએ કહ્યું કે, દેખાડો કરવાનો કોઈ અર્થ નથી. આપણે એવું રાખીએ કે લોકો એન્જોય કરે. પેટ ભરીને ખાય. પત્નીને આ ન ગમ્યું. તને તો મારું કંઈ સારું જ નથી લાગતું. પતિને સમજાયું કે આને ખોટું લાગ્યું છે. પતિએ કહ્યું, મેં ક્યાં ડિસીઝન આપી દીધું છે. આપણે તો હજુ ચર્ચા કરીએ છીએ. તું વાત કરને કે આવું રાખવા પાછળ તારા વિચાર શું છે? તારે વટ પાડવો છે? એવો વિચાર આવે તો પણ કંઈ ખોટું નથી. છાકો પાડી દેવાની વૃત્તિ સ્વાભાવિક છે, પણ આમ ખોટું લગાડવું વાજબી નથી. ઘણા લોકો વાતનો અંત આણવા કે પોતાનું ધાર્યું કરાવવા માટે ખોટું લગાડી લેતા હોય છે. ખોટું લગાડવા પાછળ પોતાનો ઇગો પણ કામ કરતો હોય છે. નાની નાની વાતમાં ઇગો ઘવાય છે. આપણો ઇગો પણ એટલો નબળો ન હોવો જોઈએ કે નાની નાની વાતમાં એના ઉપર ઘોબા લાગી જાય. ઇગો ખોટો નથી હોતો, પણ એમાં ગ્રેસ હોવો જોઈએ. ઇગો પેમ્પર થતો હોય છે, પણ એના માટે આપણે ડિઝર્વ કરતા હોવા જોઈએ. કોઈ એવું કહેવું જોઈએ કે એ એટલું માન માગે કે અપેક્ષા રાખે તો એ વાજબી છે, એ એના માટે લાયક છે. ઘણા લોકો પોતાના ઇગોને એટલો નબળો અને સસ્તો બનાવી નાખે છે કે કોઈપણ માણસ એના પર આરામથી ઘા કરી શકે.

તમને ખોટું લાગે છે? લાગી શકે છે. ખોટું લાગવામાં દરેક વખતે ખોટું પણ નથી હોતું. ખોટું લાગવા પાછળ ખરાપણું હોવું જોઈએ. ખોટું લાગે તેમાં વાંધો નથી, પણ આવું ખોટું આપણી વાત ધરાર મનાવવા કે કોઈને બતાડી દેવા માટે ન હોવું જોઈએ. ખોટું ક્યારે લગાડવું, કોનું લગાડવું અને કેટલું લગાડવું એ પણ સમજદારી માગી લે છે. આપણે માણસ છીએ, ક્યારેક હર્ટ થઈએ. વિચાર એટલો કરવાનો રહે કે, જેનાથી હર્ટ થયા છીએ તેનો ઇરાદો આપણને હર્ટ કરવાનો હતો ખરો? દરેક વાતે હર્ટ થઈએ તો આપણા વિશે પણ એવું બોલાવવા લાગે છે કે એને તો આદત પડી છે.

બે મિત્રોની વાત છે. કંઈ પણ નાની અમથી વાતમાં એક મિત્રનું મોઢું ચડી જાય. કોઈને પહેલાં કંઈ કીધું હોય અને એને પછી કહીએ તો કહે છે, તારે સૌથી પહેલાં મને ન કહેવાય? તું મને ઇગ્નોર કરે છે! કંઈ પ્લાનિંગ હોય તો પણ સૌથી પહેલાં એને પૂછવાનું! નહીં તો એને માઠું લાગી જાય. એક વખત તેના મિત્રથી ન રહેવાયું. તેણે કહ્યું કે, યાર તને વાતવાતમાં ખોટું કેમ લાગી જાય છે? તું દરેક વાતને ઇઝી કેમ નથી લઈ શકતો? આપણા પરિવારમાં કે આપણા વર્તુળમાં પણ ઘણા લોકો એવા હોય છે જેને વાતવાતમાં ખોટું લાગી જતું હોય છે. આપણે કહીએ છીએ કે, ભાઈ તું એને કહી દેજે હોં, વળી ક્યાંય એને ખોટું લાગી જશે. એ માન માગે છે, એને એનું ઇમ્પોર્ટન્સ સાબિત કરવું હોય છે. વધુ પડતા ઇમ્પોર્ટન્સની જે અપેક્ષાઓ રાખતા હોય છે એણે જ પછી ઇગ્નોરન્સ સહન કરવું પડતું હોય છે. એક તબક્કે માણસ એવું કહેવા લાગે છે કે, એને જેવું લાગવું હોય એવું લાગે, આપણે શું એનું ધ્યાન રાખીને જ બધું કરવાનું છે? કોઈ આપણને માન આપતું હોય તો એનો પણ મલાજો જાળવવાનો હોય છે. ધરાર માગેલું માન લાંબો સમય મળતું નથી અને બહુ લાંબું ટકતું નથી.

ઓફિસમાં પણ ઘણી વખત આવું થતું હોય છે. એક મિત્રએ કહેલી આ વાત છે. મિટિંગમાં કે કોઈ કામ સોંપતી વખતે ધ્યાન રાખવું પડે છે કે ક્યાંક કોઈને ખોટું ન લાગી જાય. એક વખત થોડાક નબળા કર્મચારીને એક મહત્ત્વનું કામ સોંપ્યું. બીજા બે કર્મચારીને માઠું લાગી ગયું. અમારામાં આવડત અને લાયકાત હોવા છતાં અમને આ કામ ન સોંપ્યું. બંનેને વારાફરતી બોલાવીને કહેવું પડ્યું કે, આમાં ખોટું લગાડવાની કે મોઢું ચડાવવાની વાત ક્યાં આવી? હા, એ લોકો વીક છે એટલે એને ચાન્સ જ નહીં આપવાનો? તમને ચાન્સ આપ્યા છે એટલે જ તમે આટલા હોશિયાર થયા છો. તમને આવડતું હોય એટલે તમને જ આપવાનું? બીજાને શીખવાનો મોકો જ નહીં આપવાનો? ઘણા બોસે ઓફિસમાં કોઈને ખોટું ન લાગી જાય તેનું ધ્યાન રાખવું પડતું હોય છે! એક બોસે તો બધાને મોઢામોઢ કહી દીધું હતું કે હું કંઈ અહીં તમને બધાને સારું લગાડવા માટે નથી! એટલે કોઈએ ખોટી રીતે ખોટું લગાડવું નહીં.

સાચી વાત હોય ત્યારે ખોટું લગાડવું પણ જોઈએ. સાવ એવું પણ ન થવું જોઈએ કે એનો વાંધો નહીં, એને ખોટું નહીં લાગે. અલબત્ત, ખોટું લગાડવા, નારાજ થવા, મોઢું ચડાવવા કે મૂંગા થઈ જવા કરતાં સારી રીતે જે ફીલ થયું હોય એ વાત સહજતાથી કરવી જોઈએ. બનવા જોગ છે કે ઘણી વખત આપણી વ્યક્તિને આપણા વિચારનો અંદાજ કે અહેસાસ ન પણ હોય! વાતેવાતે ખોટું લગાડશો તો તમારી ખોટું લગાડવાની વાતને પણ કોઈ ગંભીરતાથી ન લે. એવી ઇમ્પ્રેશન હોવી જોઈએ કે એ માણસ ખોટી રીતે ખોટું ન લગાડે. વાતમાં કંઈક તથ્ય હશે. બીજું ગમે તે થાય, પણ એને ખોટું ન લાગવું જોઈએ. જરાક તપાસજો, ખોટું લગાડવા વિશે તમારા વર્તુળમાં તમારી ઇમેજ કેવી છે?

છેલ્લો સીન:

જે સંબંધમાં નાની નાની વાતોમાં સમાધાન કરવાં પડતાં હોય એ સંબંધ સ્વસ્થ રહેતા નથી.   -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 31 જાન્યુઆરી 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: