જરાક ચેક કરો, તમારું વજન તમારા કંટ્રોલમાં છે કે નહીં? – દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

જરાક ચેક કરો, તમારું વજન

તમારા કંટ્રોલમાં છે કે નહીં?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

અરીસો આપણી સારી કે નરસી

આદતોની ચાડી ફૂંકી દે છે.

દુનિયાના મોટાભાગના લોકોને સૌથી વધુ ચિંતા હોય તો એ પોતાના વજનની છે.

બાવડું, પેટ અને હિપ્સ જોઇને થાય છે

કે શું કરું તો એકાદ-બે ઇંચ આછું થાય?

 

દુનિયાના 76 ટકા લોકો મેદસ્વી છે.

અમેરિકા અને ચીન પછી

ભારત ત્રીજા નંબરે આવે છે.

ભારતમાં ગુજરાત છઠ્ઠા નંબરે છે.

તમારું વજન તમારા કંટ્રોલમાં છે કે નહીં?

 

પત્ની કે પ્રેમિકાને આઇ લવ યુ કરતાં પણ વધુ કયું વાક્ય કહો તો એ તમારા પર ફિદા થઇ જાય? એ જ કે, આજે તું બહુ પાતળી લાગે છે. પુરુષને ખુશ કરવો હોય તો કહેવાનું કે, તારું પેટ થોડુંક ઘટ્યું હોય એવું લાગે છે. ફોટા પડાવતી વખતે પુરુષ પોતાનું પેટ ન દેખાય એ માટે થોડીક ક્ષણો શ્વાસ રોકી રાખે છે, છોકરીઓ પોતાના પગ એવી રીતે ક્રોસમાં રાખે છે કે એ હોય એના કરતાં થોડીક પતલી દેખાય. ઘણા લોકો સેલ્ફી લેવાનું એટલા માટે ટાળે છે કે એમાં પોતાનું બાવડું જાડું દેખાતું હોય છે. આ તો થોડીક હળવી વાત થઇ પણ સાચું પૂછો તો દરેક માણસ આવું કંઇક ને કંઇક કરતો જ હોય છે, અને એમાં કશું ખોટું પણ નથી. હોય એના કરતાં વધુ સુંદર, પતલા અથવા તો બ્યુટિફુલ કે હેન્ડસમ દેખાવવાનો બધાને અધિકાર છે. એના ઉપર તો અબજોનો બ્યુટી બિઝનેસ ચાલે છે.

બાય ધ વે, અત્યારે તમારું જે વજન છે અનાથી તમને સંતોષ છે? કે પછી તમનેય એમ થાય છે કે એટલિસ્ટ ચાર-પાંચ કિલો ઘટે તો સારું. જો આવું થતું હોય તો યાદ રાખજો કે દુનિયામાં તમને એકલાને જ આવું નથી થતું. દુનિયાના છોત્તેર ટકા લોકોને પોતાના વજનની ચિંતા છે. એક અભ્યાસ એવું કહે છે કે ઓવરવેઇટ એ વૈશ્વિક ઇસ્યુ છે. અમુક દેશોમાં તો સરકાર પોતાના દેશવાસીઓને કહે છે કે, સાજાનરવા રહેવું હોય તો તમારા વજનનું ધ્યાન રાખો. બીમારીઓમાં વધારાનું એક અને મોટું કારણ મેદસ્વિતા છે.

આખી દુનિયાની કુલ વસતિના 76 ટકા લોકોનું વજન હોવું જોઇએ તેના કરતાં વધારે છે. સામા પક્ષે દસ ટકા લોકોનું વજન અંડરવેઇટ મતલબ કે હોવું જોઇએ તેના કરતાં ઓછું છે. માત્ર 14 ટકા લોકો જ એવા છે જેનું વજન યોગ્ય છે. અમેરિકન્સ સૌથી વધુ જાડિયા છે. એ પછી ચીનનો નંબર આવે છે. આપણે એટલે કે ઇન્ડિયા ત્રીજા નંબરે છીએ. આપણા દેશની વાત કરીએ તો ભારતમાં ગુજરાતનો નંબર છઠ્ઠો આવે છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 50.4 ટકા લોકો ફેટી છે. એ પછી બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મેઘાલય અને પછી ગુજરાતનો નંબર આવે છે. આપણા રાજ્યમાં 41.6 ટકા લોકો ઓવરવેઇટ છે.

બાવન ટકા અમેરિકન્સ જાડિયા છે. બ્રિટનના દર ત્રણ ટીનેજરમાંથી એક ઓવરવેઇટ છે. એક અનુમાન મુજબ વર્ષ 2025 સુધીમાં દુનિયાના પાંચથી સત્તર વર્ષના 26.8 કરોડ બાળકો મેદસ્વી હશે. બીજા એક અભ્યાસ પ્રમાણે 80 ટકા બાળકો મોટા થયા પછી પણ મેદસ્વી જ રહે છે. વધુ પડતા વજનના કારણે લોકો ડાયાબિટીસ, લીવર પર ચરબી, હાર્ટ ડિસીઝ સહિત અનેક બીમારીઓનો ભોગ બને છે. આખી દુનિયા માટે આ ચિંતાનો વિષય છે.

હવે નવો સવાલ, લોકો કેમ જાડિયા થતા જાય છે? તેનાં બે સૌથી મોટાં કારણો છે, આપણી ફૂડ હેબિટ અને લાઇફ સ્ટાઇલ. આપણાં બાપ-દાદા અને મા-દાદી જે ખાતાં હતાં એવું આપણે ખાતા નથી. ફાસ્ટ ફૂડ એ આપણી આદત બની ગઇ છે. ફાસ્ટ ફૂડ એટલે કે ફટાફટ પીરસી દેવાતો ખોરાક. 1951માં ફાસ્ટ ફૂડ શબ્દ મેરિયમ વેબ્સ્ટર ડિક્ષનરીમાં સમાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક બીજો શબ્દ પણ છે, ક્યુએસઆર, એટલે કે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ. દેશી-વિદેશી બ્રાન્ડનું આપણા દેશને પણ ઘેલું લાગ્યું છે. તમને ખબર છે, આપણા દેશમાં ફાસ્ટ ફૂડ ઉદ્યોગ 40 ટકાના દરે વધી રહ્યો છે. હવે રવિવારે, રજાના દિવસોમાં કે તહેવારોએ બહાર જમવું એ એક ફેશન અને પરંપરા થઇ ગઇ છે. પરંપરાગત મીઠાઇની જગ્યા તૈયાર અને હાય કેલેરી સ્વીટ્સે લઇ લીધી છે. ફ્રોઝન ફૂડની બોલબાલા પણ વધતી જાય છે. ચટણી, અથાણાં અને સોસ હવે ઘરે બનતાં નથી પણ મંગાવી લેવાય છે.

લાઇફ સ્ટાઇલની વાત કરીએ તો આપણું જીવન બેઠાડુ થઇ ગયું છે. તમે વિચાર કરી જુઓ કે આખા દિવસમાં તમે કેટલું ચાલો છો? પાન ખાવા જાવું હોય તો પણ લોકો કાર અથવા ટુ-વ્હીલર લઇને જાય છે. બાળકો અને યંગસ્ટર્સ પણ ચાલતાં નથી. ચાલવાની વાત તો દૂર રહી, આપણે લાંબો સમય ઊભા પણ રહેતા નથી. ટીવી સામે બેઠાં રહીએ છીએ, કાં તો મોબાઇલ લઇને સોફા કે ખુરશી પર પડ્યાં રહીએ છીએ. રમવાનું તો સાવ બંધ જ થઇ ગયું છે. ટેક્નોલોજીએ આપણને આળસુ બનાવી દીધા છે અને આ આળસ જ આપણને અદોદળા બનાવી રહી છે.

આમ જુઓ તો આ બધી વાતની બધાને ખબર છે પણ આપણે સુધરવું નથી. ઓર્ગેનિક ફૂડ, હેલ્ધી ફૂડ, જીમ, એક્સરસાઇઝ અને તંદુરસ્ત રહેવાની આપણે વાતો કરીશું પણ જ્યારે અમલ કરવાનો આવે ત્યારે કંઇ કરતાં કંઇ કરશું નહીં. જીમની વાત નીકળે ત્યારે મોટાભાગના લોકો એવું કહે છે કે સમય જ મળતો નથી, કોઇની દાનત જ હોતી નથી.

એક સમય હતો જ્યારે બધા લોકો કોઇ ને કોઇ શ્રમ કરતા હતા. હવે કોઇને પરસેવો જ થતો નથી. લેડિઝને ઘરનું કામ હેલ્ધી રાખતું હતું. હવે કચરા, પોતાં, વાસણ અને બીજી સફાઇ કરવા બાઇ કે રામાને રાખી લેવાય છે, અગેઇન, નથિંગ રોંગ પણ એટલું તો વિચારો કે જેટલી કેલેરી પેટમાં પધરાવો છો એટલી કેલેરી બળે છે ખરી? જો બળતી નહીં હોય તો પછી એ જામતી જ રહેવાની છે. વજન એકવાર વધી જાય પછી ઘટવાનું નામ નથી લેતું, એટલે જ પહેલેથી ધ્યાન રાખવાની જરૂર હોય છે, માનો કે વજન વધુ છે તો પણ હવે છે એના કરતાં વધે નહીં એની તકેદારી પણ જરૂરી છે. વિજ્ઞાને માણસનું આયુષ્ય તો વધારી આપ્યું છે પણ લાંબું જીવન સ્વસ્થ હોય એ પણ એટલું જ જરૂરી છે. બાય ધ વે, તમારો બોડી માસ ઇન્ડેક્સ બરાબર છે કે નહીં? ન હોય તો બી કેરફુલ, વજન ઘટાડવું એ કંઇ ખાવાના ખેલ નથી. ફૂડ હેબિટ અને લાઇફ સ્ટાઇલ બદલશો નહીં તો લાઇફ મિઝરેબલ થઇ જશે. હેલ્થ માટે યોગ્ય નિર્ણય લો અને એને વળગી રહો, કારણ કે માત્ર નિર્ણય અને વાતો કરવાથી કંઇ વજન ઘટી જવાનું નથી, શું સમજ્યા?

 

પેશ-એ-ખિદમત

મૈં હી થા ઉસ તરફ ઝખ્મ ખાયા હુઆ,

ઇસ તરફ વાર કરતા હુઆ મૈં હી થા,

જાગ ઉઠા થા સુબ્હ મોત કી નીંદ સે,

રાત આઇ તો મરતા હુઆ મૈં હી થા.

-મોહમ્મદ અલ્વી

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. O4 ફેબ્રુઆરી 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: