તારી લાઇફમાં ઘણા લોકો છે, હું ક્યાં છું? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તારી લાઇફમાં ઘણા

લોકો છે, હું ક્યાં છું?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એક ભ્રમણા છે, હકીકતમાં સહારો તો નથી,

જેને સમજો છો કિનારો એ કિનારો તો નથી,

કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન?

સ્હેજ જોજો! કોઈ પડછાયો તમારો તો નથી!

-આસિમ રાંદેરી

વફાદારી એ આજના સંબંધો સામે મુકાતો સૌથી મોટો સવાલ છે. કોણ, કોને, કેટલું વફાદાર છે એ માપવું કે જાણવું સૌથી વધુ અઘરું છે. વફાદારી પણ ક્યાં કાયમ એકસરખી રહેતી હોય છે? વફાદારી વધ-ઘટ થતી રહે છે. વફાદારી બદલાતી રહે છે. હું તને પ્રેમ કરું છું એનો એક મતલબ એવો પણ થાય છે કે, હું તને વફાદાર છું. પ્રેમ સાથે વફાદારી જોડાયેલી છે. વફાદારી સામે પ્રશ્નાર્થ ચિહ્્ન મુકાય ત્યારે પ્રેમમાં વહેમનો પ્રવેશ થાય છે. મારી લાઇફમાં તારા સિવાય કોઈ નથી એમ કહીએ ત્યારે આપણે એવી પણ ઇચ્છા રાખીએ છીએ કે તારી લાઇફમાં પણ મારા સિવાય બીજું કોઈ હોવું ન જોઈએ. પ્રેમ બંને તરફે હોવો જોઈએ એમ વફાદારી પણ બંને બાજુ હોવી જોઈએ. વફાદારી અને આધિપત્યમાં બહુ મોટો ફર્ક છે. આપણે ક્યારેક આધિપત્યને વફાદારીનું ઓઢણું ઓઢાડીને પેશ કરતા હોઈએ છીએ. આપણે વફાદારી નથી જોઈતી હોતી, આપણે આધિપત્ય જોઈતું હોય છે. આપણને ડર લાગતો હોય છે કે આપણી વ્યક્તિ કોઈની થઈ જશે તો? આપણા કરતાં એ કોઈની વધુ વાત કરે તો પણ આપણે સહન કરી શકતા નથી!

એક યુવાનની આ વાત છે. તેને એક ગર્લફ્રેન્ડ છે. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ છે. યુવાન પણ સમજુ છે. તેની ગર્લફ્રેન્ડને તેના કલિગ્સ સાથે પણ સારી દોસ્તી છે. ગર્લફ્રેન્ડ તેના બોય ફ્રેન્ડથી કોઈ વાત ન છુપાવે. બધી સાચી વાત કરી દે. બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડના બધા જ કલિગ્સ અને ફ્રેન્ડ્સને પણ પ્રેમથી મળે. આ યુવાને એક વખત તેના બીજા દોસ્તને કહ્યું કે, યાર આપણે બધું સમજતા હોઈએ છીએ કે એના બીજા ફ્રેન્ડ્સ હોવાના, કલિગ્સ સાથે સારા રિલેશન હોવાના, છતાં એ જ્યારે કોઈની વાત કરે ત્યારે પેઇન કેમ થાય છે? એ તેના કલિગનાં વખાણ કરે ત્યારે એવો કેમ વિચાર આવી જાય છે કે, એને એ ગમવા તો નથી લાગ્યો ને? તેના મિત્રએ કહ્યું, સંબંધો માત્ર વિશ્વાસથી જ ટકતા હોય છે! અવિશ્વાસ ક્યારે શંકા બની જાય એનો અંદાજ આવતો નથી. એ તને કહે છે કે, એ તારી સાથે કમિટેડ છે તો એના ઉપર શ્રદ્ધા રાખ! એ એના કલિગ્સ સાથે દિવસના નવ કલાક રહે છે. કંઈક વાત તો થવાની જ છે. તેના કલિગ્સમાં કદાચ સારા લોકો પણ હશે. સારા અને ખરાબ લોકો વિશે એને ભાન છે. શ્રદ્ધા ગુમાવીશ તો શંકા ઘૂસી આવશે.

કોઈ પોતાની વફાદારી છાતી ચીરીને બતાવી ન શકે. છેતરપિંડી કરવી હોય એ ગમે તે રીતે કરી શકે. એક પતિ-પત્નીની આ સાવ સાચી વાત છે. પત્નીની ઓફિસમાં એક યુવાન ફરજ બજાવે. એ યુવાનને એ છોકરી ખૂબ ગમે. યુવાન ઓફિસના કામમાં પણ તેને મદદ કરે. એક વખત છોકરીએ મસ્તીમાં પૂછ્યું, હું તને બહુ ગમું છું ને? પેલા યુવાને કહ્યું, હા ગમે છે, કારણ કે તારા જેવી છોકરી બહુ ઓછી હોય છે. મને ખુશી છે કે, મારી લાઇફમાં તારા જેવી દોસ્ત છે. પત્ની તેના આ દોસ્ત વિશે પતિને બધી વાત કરે. એક વખત પત્નીને ઓફિસની ટ્રિપમાં બધા સાથે વિદેશ જવાનું થયું. પત્નીને પતિ મૂકવા ગયો. પત્નીનો દોસ્ત તેને મળ્યો. પતિએ તેને કહ્યું કે, તું આનું ધ્યાન રાખે છે એ સારી વાત છે. ટ્રિપમાં પણ ધ્યાન રાખજે. રાતે પાર્ટીમાં ડ્રિંક કર્યા પછી એને બહુ અસર થાય છે. એ વખતે એનું વધુ ધ્યાન રાખજે. થયું પણ એવું જ. વિદેશમાં રાતે પાર્ટીમાં એ છોકરીથી વધુ પિવાઈ ગયું. તેના ફ્રેન્ડે કહ્યું કે, હવે બસ. ચાલ તારા રૂમમાં મૂકી જાઉં. એ છોકરી પણ ફ્રેન્ડનું માનતી. એ તરત જ તેની સાથે ગઈ. છોકરાએ તેને પથારીમાં સુવડાવી, ચાદર ઓઢાડી અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. થયું એવું કે એ યુવાન જ્યારે તેની ફ્રેન્ડને રૂમમાં મૂકવા જતો હતો ત્યારે એનો મોબાઇલ પડી ન જાય એટલે એણે પોતાના ખીસામાં રાખ્યો હતો. એ મોબાઇલ ખીસામાં જ રહી ગયો. પોતાના રૂમમાં આવ્યો ત્યારે ખબર પડી કે, એનો ફોન તો મારી પાસે જ રહી ગયો. ફ્રેન્ડ સૂઈ ગઈ હશે, એને હવે ફોન આપવા નથી જવો. સવારે આપી દઈશ એવું વિચારીને એ સૂઈ ગયો.

વાઇફનો ફોન ન આવ્યો એટલે હસબન્ડને ચિંતા થઈ. અડધી રાતે તેણે પત્નીના મોબાઇલ પર ફોન કર્યો. રિંગ વાગી એટલે પત્નીના ફ્રેન્ડે ફોન ઉપાડ્યો. તેણે બધી સાચી વાત કરી કે, હું તેને રૂમમાં મૂકી આવ્યો અને ફોન મારી પાસે રહી ગયો. હસબન્ડે પૂછ્યું, એ ઓકે છે ને? ફ્રેન્ડે કહ્યું, હા. હસબન્ડે જવાબ આપ્યો કે, સારું. સવારે વાત કરાવજે. ટ્રિપ પૂરી થઈ. બધા પાછા આવ્યા. હસબન્ડ એરપોર્ટ પર લેવા આવ્યો. જતી વખતે વાઇફના ફ્રેન્ડે પૂછ્યું, તને કંઈ શંકા ન ગઈ? પેલા યુવાને કહ્યું, મને મારી વાઇફ ઉપર ભરોસો છે. એના એક સારા મિત્ર તરીકે તારા પર પણ ભરોસો છે. એ યુવાને કહ્યું, તારા ભરોસા માટે થેંક્યૂ. તમારા બંનેના સંબંધની આ જ તાકાત છે. મને તમારા બંનેનું ગૌરવ છે.

આજના સમયમાં સંબંધોમાં સંશયનું પ્રમાણ એટલું બધું છે કે આપણને દરેક વાતમાં સવાલો ઉદ્્ભવે છે. આપણા સંબંધો એટલે જ સશક્ત નથી. આપણી વ્યક્તિને વોટ્સએપ પર ઓનલાઇન જોઈને વિચાર આવી જાય છે કે, કોની સાથે ચેટ કરતી હશે? મોબાઇલનો પાસવર્ડ ક્યારેક શંકાનું કારણ બની જાય છે. એક યુવાનને સતત એ ચિંતા રહે છે કે, મારી વાઇફ સાથે હોય ત્યારે કોઈનો ફોન ન આવે તો સારું! હું જવાબ દઈ દઈને થાકી જઈશ. આપણે એટલા બધા શંકાશીલ થઈ ગયા છીએ કે દરેક વાતમાં આપણને ડાઉટ જાય છે. આજના સમયના સ્ટ્રેસનું એક કારણ એ પણ છે કે, આપણે આપણામાં જ ગૂંગળાતા રહીએ છીએ. મેસેજનો જવાબ ન આવે તો પણ આપણે ઇરિટેટ થઈ જઈએ છીએ. જે માણસ શંકાઓથી ઘેરાયેલો રહે છે એ પોતે જ દુ:ખી રહે છે. આપણી શ્રદ્ધા આપણા સુખનું કારણ બનતી હોય છે. મોટાભાગના લોકો એટલે દુ:ખી છે કે એને કોઈના પર શ્રદ્ધા નથી.

આપણને સવાલો થતા રહે છે કે, હું એના માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છું? એને મારી કેટલી પડી છે? એ મને યાદ કરતો કે કરતી હશે? એક છોકરીની આ વાત છે. તેને એક છોકરા સાથે પ્રેમ થયો. છોકરાનું ગ્રૂપ બહુ મોટું હતું. એ બધાને મળતો અને બધા સાથે પ્રેમથી વર્તતો. એક વખત તેની પ્રેમિકાએ પૂછ્યું, તારી લાઇફમાં ઘણા બધા લોકો છે, હું ક્યાં છું? છોકરાએ કહ્યું, તું જ્યાં હોવી જોઈએ ત્યાં જ છે. તું ખાસ છે. તું સૌથી નજીક છે. છતાં એક વાત તો છે જ કે, મારી લાઇફમાં બીજા લોકો પણ છે. મારા ફ્રેન્ડ્સ છે, મારું ફેમિલી છે, મારું કામ છે અને મારી પોતાની સ્પેસ પણ છે. એટેચ હોવાની સાબિતી દરેક વખતે આપવાની હોતી નથી. આપણી લાઇફની એક મુશ્કેલી એ હોય છે કે, આપણી વ્યક્તિ આપણને જ ઇમ્પોર્ટન્સ આપે એવું જ આપણે ઇચ્છતા હોઈએ છીએ. જોકે, એ શક્ય નથી બનતું. એક માણસ અનેક લોકો સાથે જોડાયેલો હોય છે. બધા સાથેના સંબંધો અલગ-અલગ ધરી પર જીવાતા હોય છે.

એક વાત એ પણ યાદ રાખવાની જરૂર હોય છે કે, આપણે જેને વફાદાર હોઈએ એ આપણને વફાદાર હોય એવું ઘણી વખત બનતું નથી. વફાદારીની પણ દરેકની પોતાની સમજ, માન્યતા અને માનસિકતા હોય છે. આપણે જેવા હોઈએ એવી જ અપેક્ષા આપણે બધા પાસે રાખતા હોઈએ છીએ. આપણે એ સમજતા કે સ્વીકારતા નથી કે, બધા આપણા જેવા હોતા નથી. દોસ્તીની એક મર્યાદા હોય છે. અપેક્ષાઓની પણ એક હદ હોય છે. હમણાંની જ એક વાત છે. એક છોકરીને એક યુવાન ખૂબ ગમતો હતો. એણે યુવાનને પ્રપોઝ કર્યું. પેલા છોકરાએ સોરી કહીને ના પાડી. છોકરીએ કારણ પૂછ્યું. યુવાને કહ્યું કે, મારું હમણાં જ બ્રેકઅપ થયું છે. બ્રેકઅપનું કારણ એ હતું કે, મારી ગર્લફ્રેન્ડ મારી પાસેથી આખા દિવસનો હિસાબ માંગતી. ક્યાં ગયો હતો? કોની સાથે શું વાત થઈ? આટલાં સુધી પણ મને વાંધો ન હતો. હું બધી વાત ખુલ્લા દિલે કરતો હતો. વાંધાની શરૂઆત ત્યાંથી થઈ જ્યારે એ પૂછવા લાગી કે, તું એની સાથે કેમ આટલો બધો રહે છે? એને કેમ તું બધી વાત કરે છે? તારો પેલો ફ્રેન્ડ જરાયે ભરોસાપાત્ર નથી. એની વાત સાચી હોત તો હું માનત પણ ખરો. જોકે, મારી સમજ મને એમ કહેતી હતી કે એ જે વાત કરે છે એ વાજબી નથી. તમને જ્યારે જવાબો આપવાનું ટેન્શન લાગવા માંડે ત્યારે એ સંબંધ સામે સવાલ કરીને જવાબ મેળવવો જોઈએ.

સંબંધોમાં ઊંડા ઊતરતા પહેલાં વ્યક્તિને પૂરેપૂરી ઓળખી લેવાની જરૂર હોય છે. અમુક લોકોની ફિતરત જ વિવાદાસ્પદ હોય છે. અમુક લોકો એવા પણ હોય છે જેને બધાને છેતરવાની મજા આવતી હોય છે. તમે કોઈની ફિતરત બદલી ન શકો. એવા સંજોગોમાં માણસ પાસે બે વિકલ્પો જ હોય છે. કાં તો એ વ્યક્તિ જેવી છે એવી એને સ્વીકારો અથવા તો એનાથી મુક્ત થઈ જાવ. દરેક વ્યક્તિને જેવી છે એવી સ્વીકારવી સહેલી નથી. આપણે જો સ્વીકારી ન શકતા હોઈએ તો મુક્ત થવું વધુ બહેતર હોય છે. જે માણસને સુધરવું ન હોય એને કોઈ સુધારી શકતું નથી.

દરેક સંબંધ આખી જિંદગી રહે એવું જરૂરી નથી. એવી અપેક્ષા પણ ન રાખવી જોઈએ. પેઇનઝુલ્લી ક્નેક્ટેડ રહેવા કરતાં ગ્રેસફુલ્લી ડિટેચ્ડ થવું વધુ ઉત્તમ હોય છે. સંબંધોમાં વફાદારી હોવી જોઈએ. વફાદારી હોય એ જ સંબંધ ટકે છે. આમ છતાં તમે કોઈને જોર જબરજસ્તીથી વફાદાર ન રાખી શકો. એ વ્યક્તિ વફાદાર હોય તો જ એ શક્ય બનવાનું છે. સંબંધની જે કક્ષા હોય એટલી જ અપેક્ષા રાખો. બધા પાસે એકસરખી આત્મીયતાની અપેક્ષા ન રાખી શકાય. આપણે જેની સાથે સંબંધ હોય એની લાઇફમાં બીજા લોકો પણ હોય છે એનું ગૌરવ જાળવવું જોઈએ. જો બીજાથી તેને સાવ દૂર કરવા જશો તો બનવા જોગ છે કે એ આપણાથી જ દૂર થઈ જાય. છેલ્લે એક વાત, વફાદારીની અપેક્ષા રાખતી વખતે પોતાની જાતને પણ પૂછજો કે, હું કેટલો વફાદાર છું?

છેલ્લો સીન :

સત્ય સાબિત થાય અને કદાચ ન પણ થાય, અસત્ય તો વહેલું કે મોડું પકડાઈ જ જતું હોય છે.                     -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 16 ઓકટોબર 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “તારી લાઇફમાં ઘણા લોકો છે, હું ક્યાં છું? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

%d bloggers like this: