ગાળ, અપશબ્દ, બેડ વર્ડ્ઝ બોલનારા લોકો કેવા હોય છે? – દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

ગાળ, અપશબ્દ, બેડ વર્ડ્ઝ

બોલનારા લોકો કેવા હોય છે?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

દુનિયાની એકેય ભાષા એવી નથી

જેમાં ગાળ ન હોય. દરેક માણસ

ક્યારેક ને કયારેક ગાળ બોલતો જ હોય છે,

ગાળ સિલેક્ટેડ લોકોની સાથે

અને સામે જ બોલાતી હોય છે.

 

એક સર્વે એવું કહે છે કે, ગાળો બોલનારા

ઇમાનદાર અને ઝિંદાદિલ હોય છે.

તમે આ વાત સાથે સંમત છો?

લેખ શરૂ કરતા પહેલાં એક સ્પષ્ટતા. આ લેખના વિષયની પસંદગી એક સર્વે પરથી કરવામાં આવી છે. સો પ્લીઝ, નાકનું ટેરવું નહીં ચડાવતા અને ગાળ તો નહીં જ દેતા. આ માનવ સ્વભાવની એક વાત છે, અને બાકી તમેય ક્યારેક તો કોઇને ગાળો દીધી જ હશે. મોઢામોઢ નહીં તો મનમાં ને મનમાં મારો ચલાવી દીધો હશે. સાચું કે નહીં? ચાલો, હવે મુદ્દાની વાત કરીએ.

તમે ગાળો બોલો છો? એવો સવાલ તમને કોઇ પૂછે તો તમે શું જવાબ આપો? બધા જ ક્યારેક ને ક્યારેક ગાળો બોલતાં જ હોય છે પણ જવાબ આપવાનો હોય તો ક્યાંથી શરૂ કરવું એ સવાલ થાય છે. યાર જો એમાં એવું છે ને કે, દોસ્તો સાથે બોલીએ છીએ, કોઇ ઉપર ગુસ્સો આવે ત્યારે મનમાં ને મનમાં એને બે-ચાર ચોપડાવી દઇએ છીએ. બાકી જાહેરમાં નહીં બોલવાની. એમાંય કોઇ લેડિઝ આજુબાજુમાં હોય ત્યારે ગાળ તો શું કોઇ નબળો શબ્દ પણ નહીં બોલવાનો. અચ્છા, લેડિઝ લોકો ગાળો નથી બોલતી? એવું જરાયે નથી હો, આ મામલે એ પણ પુરુષ સમોવડી જ છે. અલબત, દરેકનું એક ગ્રૂપ હોય છે. આપણે ગાળ સિલેક્ટેડ લોકો સામે અને સાથે બોલતા હોઇએ છીએ. તેનું પણ એક કારણ છે, એ લોકો આપણા શબ્દો ઉપરથી આપણને માપતા નથી, એને ખબર જ હોય છે કે આપણે કેવા છીએ. ગાળો જાહેરમાં બોલવાની ચીજ નથી, એની મજા તો અમુક ચોક્કસ લોકો સાથે જ આવે છે.

યંગસ્ટર્સ તો આજકાલ ફોન ઉપર વાતની શરૂઆત કે સંબોધન જ ગાળથી કરે છે.એક સાવ સાચો કિસ્સો છે. એક યુવાન હેર ડ્રેસર પાસે હેર કલર કરાવતો હતો. એવામાં એનો મોબાઇલ રણક્યો. એ ફોન કાને લગાડી શકે તેમ ન હતો એટલે તેણે સ્પીકર ચાલુ કર્યું. હલો કહ્યું ત્યાં જ સામે છેડેથી એના મિત્રએ ચોપડાવી કે અરે એય (ગાળ) કયાં સલવાણો છે? પેલો બિચારો સૂન થઇ ગયો. શું બોલવું એ સૂઝ્યું નહીં એટલે સીધો ફોન જ કાપી નાખ્યો. આજુબાજુમાં બેઠેલા બધા હસી પડ્યા. એણે બધાને સોરી કહ્યું. કોઇ કંઇ બોલ્યું નહીં પણ બધાને પોતાના અંગત મિત્રો યાદ આવી ગયા હશે. બાય ધ વે, તમને કોની સામે ગાળ બોલવામાં ઓકવર્ડ નથી લાગતું? એ તમારી બહુ નજીકની વ્યક્તિ જ હશે. આપણે તો ઘણાની ઓળખાણ પણ એવી રીતે આપીએ છીએ કે, એની સાથે તો આપણે ગાળો બોલવાનો વહેવાર છે. એને તો હું ગાળ દઇને બોલાવી શકું.

ગાળો બોલતા હોય એ લોકો નાલાયક, અસભ્ય, બદમાશ, લુચ્ચા, લફંગા કે ખરાબ દિમાગના હોતા નથી એવું બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં બહાર આવ્યું છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એવું જણાયું કે જે લોકો આરામથી ગાળ બોલી લેતા હતા એ લોકો ઇમાનદાર અને ઝિંદાદિલ હતા. નારાજ થાય કે ગુસ્સો આવે ત્યારે એ અપશબ્દો બોલી લેતા હતા પણ એ લોકો કોઇને હાનિ પહોંચાડે તેવા ન હતા. સોશિયલ સાઇકોલોજિકલ ઓર પર્સનાલિટી સાયન્સ નામના મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલ આ સંશોધનમાં એમ પણ જણાવાયું છે કે ગાળ બોલનારા વિશે કોઇ ખોટો અભિપ્રાય બાંધી લેવો ન જોઇએ.

આવું જ બીજું એક સંશોધન ફેસબુક પર વારંવાર અપશબ્દોનો ઉપયોગ કરનારાઓ ઉપર કરાયું હતું. 75000થી વધુ એવા લોકોના એફબી એકાઉન્ટનો અભ્યાસ કરાયો જે લોકો આરામથી ગાળનો ઉપયોગ સ્ટેટસ લખવામાં કરતા હતા. આ સ્ટડીમાં પણ એવું જણાયું કે, એ લોકો ગાળનો ઉપયોગ ખરાબ ઇરાદા સાથે કરતાં ન હતા, ઊલટું ગાળોનો ઉપયોગ ઇમાનદારીના સંદર્ભમાં વધુ થયો હતો. આપણે ઘણી વખત ગાળ બોલીને એવું નથી કહેતા કે, (ગાળ) જવા દે ને યાર.

ગાળની વાત નીકળે અને સુરતની વાત ન કરીએ તો અધૂરું લાગે. એ વાત જુદી છે કે મૂળ સુરતના અમુક લોકો જ ગાળનો વધુ પડતો ઉપયોગ કરે છે. એ લોકો પાછા એટલી સહજતાથી ગાળ બોલે કે સાંભળનારે ક્લાસિક લાગે. હવે આ સંશોધનના સંદર્ભમાં જોઇએ તો સુરતના લોકો વધુ ઇમાનદાર અને ઝિંદાદિલ ગણાય, અને આમેય સુરતના લોકોની ઇમેજ હેપી-ગો-લકીની જ છે. એ લોકોને એમ જ કંઇ સુરતીલાલાઓ નહીં કહેવાતા હોય. સુરતના લોકો આરામથી ગાળ બોલીને પોતાની ભડાશ કાઢી હળવા થઇ શકે છે. સુરતની પેલી વાત તો તમે સાંભળી જ હશે. એક રોડ ઉપર બે કાર સામસામી અથડાઇ. એક કારનો ચાલક માર મારવાની દાનતથી કારમાંથી ઊતર્યો. એને જોઇને બીજા સુરતીએ કહ્યું કે, ઇમા મારામારી ની કરવાની, ગાળથી પતાવની યાર.

આમ જુઓ તો, ગમે તે હોય, ગાળના ગમે તેવા ગુણગાન ગવાતા હોય પણ ગાળો બોલવી સારી તો નથી જ. ગાળો બોલનારા ઇમાનદાર અને ઝિંદાદિલ હોય છે એ વાત સાચી માની લઇએ તો પણ એવું તો નથી જ કે જે લોકો ગાળો નથી બોલતા એ લોકો બેઇમાન કે બદમાશ હોય છે. એ લોકો પણ સારા જ હોય છે. અલ્ટિમેટલી તો ગાળો બોલવાનું બને એટલું ટાળવું જોઇએ. આપણે શું બોલીએ છીએ એના ઉપરથી આપણી ઓળખ બનતી હોય છે અને છાપ ઊભી થતી હોય છે. દરેક આલ્ફાબેટમાં શબ્દો તો હોય એટલા જ હોય છે, તમે કયા અક્ષરને જોડીને કયો શબ્દ બનાવો છો અને તેનો કેવી રીતે ઉપયોગ કરો છો તે મહત્ત્વનું છે. મજાકમાં કે હળવાશમાં અપશબ્દો બોલતા હોય તો હજુય ઠીક છે પણ ક્યારેક ગુસ્સામાં ગાળ બોલાઇ જાય તો વાત વધી જતી હોય છે. તું શું બોલ્યો? ફરીથી બોલ તો, તેં મને ગાળ દીધી? બસ એ પછી ધનાધની થઇ જાય છે. આપણા વિદ્વાનો એટલે જ કહી ગયા છે કે જીભ કાબૂમાં રાખવી, જો જીભ કાબૂમાં ન રહે તો દાંતનું જોખમ થઇ જાય. માણસ ગમે એવો હોય, આખરે એ વર્તાઇ તો આવતો જ હોય છે. આપણે ઘણા વિશે નથી કહેતા કે એ બોલ્યે કડવો છે પણ માણસ સારો છે હોં. એટલું યાદ રાખજો કે ગાળો પણ જ્યાં બોલાતી હોય અને જેની સાથે બોલાતી હોય ત્યાં જ બોલાય, બધે બોલીએ તો ક્યારેય ધોલાઇ પણ થઇ જાય. ગાળના તમને કેવાક અનુભવો છે?

પેશ-એ-ખિદમત

તુમ ઔર કિસી કે હો તો હમ ઔર કિસી કે,

ઔર દોનો હી કિસ્મત કી શિકાયત નહીં કરતે,

મુદત હુઇ ઇક શખ્સ ને દિલ તોડ દિયા થા,

ઇસ વાસ્તે અપનો સે મોહબ્બત નહીં કરતે.

-સાકી ફારુકી.

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 28 જાન્યુઆરી 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *