મને ડર લાગે છે કે એ આપઘાત કરી લેશે તો? : દૂરબીન

મને ડર લાગે છે કે એ

આપઘાત કરી લેશે તો?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

મરવાની વાતો કરી પોતાના લોકોને

ડરાવતા હોય એવા ઘણા લોકો

આપણી આસપાસ હોય છે.

પોતાનું ધાર્યું કરાવવા ઇચ્છતા લોકો

એ વિચારતા જ નથી કે સામાવાળાની

માનસિક હાલત શું થશે!

 

ઇમોશનલ બ્લેક મેઇલિંગના

કિસ્સાઓમાં છેલ્લે એવું થાય છે કે,

સંબંધમાં ઇમોશન્સ બચતી જ નથી,

માત્ર ડર જ હોય છે!

તેં જો કંઇ કર્યું છે ને તો હું ગળે ફાંસો ખાઇ લઇશ. તેં લવમેરેજ કર્યા તો હું પાટા પર સૂઇ જઇશ. ઇમોશનલ બ્લેકમેઇલિંગ ખતરનાક ચીજ છે. ઘણા લોકો વાત વાતમાં મરી જવાની વાત કરતા હોય છે. ગમે તેમ કરીને પોતાનું ધાર્યું કરાવવા ઇચ્છતા લોકો કંઇ ન કરી શકે ત્યારે મરવાની ધમકી આપતા રહે છે. ઘણા લોકો આપઘાતના સાચા કે ખોટા પ્રયાસો પણ કરતા રહે છે. આપઘાતની ધમકી અંગે વાત નીકળે ત્યારે અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે, એ તો ડરાવવા માટે આવું કરે છે. એમ કોઇ મરતું નથી. આ તો બધાં એનાં ત્રાગાં છે. જોકે સામેવાળી વ્યક્તિને તો સતત એ ભય રહે છે કે ક્યાંક એ સાચેય એવું કરે તો? સ્યુસાઇડલ ટેન્ડન્સી એક વસ્તુ છે અને ઇમોશનલ બ્લેકમેઇલિંગ જુદી જ વાત છે. ઇમોશનલ બ્લેકમેઇલિંગ તો બ્લેકમેઇલિંગ કરતાં અનેકગણું ભયાવહ છે. બ્લેક મેઇલિંગમાં તો તમે કિંમત ચૂકવીને મુક્ત પણ થઇ શકો, ઇમોશનલ બ્લેકમેઇલિંગમાં તો તમારે તમારું મન મારવું પડે છે અને એક અજાણ્યા ડર નીચે જીવવું પડે છે.

આપઘાતની ધમકી આપનાર કે આપઘાતના પ્રયાસ કરનાર વ્યક્તિ પોતાની આજુબાજુના લોકોની જિંદગી દોજખ જેવી બનાવી દે છે. એની માનસિક અસરો આખી જિંદગી પીછો છોડતી નથી. અમદાવાદમાં હમણાં જ એક ઘટના બની. તેત્રીસ વર્ષની એક મહિલા ગળે ફાંસો ખાઇ આપઘાત કરવાની તૈયારી કરતી હતી. છ વર્ષનો દીકરો જોઇ ગયો. નાનો હતો એટલે એ બચાવી શકે એમ ન હતો. એણે માને જોઇ ચીસાચીસ કરી મૂકી. બાર વર્ષનો બીજો દીકરો નાના ભાઇની રાડો સાંભળી ઘરમાં દોડી આવ્યો. માને વળગી થઇ એણે માને બચાવી લીધી. ગયા રવિવારના અખબારોમાં આ સમાચાર ચમક્યા હતા. સમાચાર વાંચીને એમ થાય કે, હાશ એ મહિલા બચી ગઇ. જોકે એ બંને બાળકોની માનસિક હાલતનો વિચાર કર્યો છે? એ બંનેએ જે દૃશ્ય જોયું છે એ આખી જિંદગી એમને સતાવતું રહેશે.

એક સાયક્યિાટ્રિસ્ટ મિત્રએ કહેલી આ એક સાવ સાચી ઘટના છે. એક બાળકને તેની પાસે લાવવામાં આવ્યું. એ બાળક સ્કૂલે જતાં ડરતું હતું. સ્કૂલે જવાની વાત આવે એટલે એ ફફડી જાય. સાયક્યિાટ્રિસ્ટે તેનું કાઉન્સેલિંગ કર્યું પણ કંઇ સમજાતું ન હતું કે એ બાળક સ્કૂલે જતાં ડરે કેમ છે? ખૂબ મહેનત પછી એ બાળક જે બોલ્યું તે સાંભળી સાયક્યિાટ્રિસ્ટ પણ ચોંકી ગયા. તેણે કહ્યું કે, હું સ્કૂલે જાવ પછી મારી મા મરી જાય તો? એ પછી એક જુદી જ વાત બહાર આવી.

એ બાળકનાં માતા-પિતા ઘરમાં વારંવાર ઝઘડે. તેની મમ્મી દરેક વખતે એવું બોલે કે, હવે તો મારે મરી જ જવું છે. એક વખત દીકરાની સામે તેણે શરીર પર કેરોસીન છાંટ્યું હતું. પતિએ એ વખતે તેને બચાવી લીધી. પત્ની એવું બોલી કે હવે તો ઘરમાં કોઇ નહીં હોય ત્યારે હું આપઘાત કરી લઇશ. હવે આ વાત માસૂમ બાળકના મનમાં એવી ઘર કરી ગઇ કે હું સ્કૂલે જઇશ પછી મારી મા મરી જશે તો? બાળકની સારવાર કરતાં પહેલાં સાયક્યિાટ્રિસ્ટે પતિ-પત્નીને કાઉન્સેલ કરવા પડ્યા કે આવા ઝઘડા ન કરો. તમારા બાળકને ખાતરી આપો કે તમે એવું કંઇ નથી કરવાનાં. તમે જ તેને સારો કરી શકશો. મરવાની વાતો કરનારે એ વિચારવું જોઇએ કે તે જે બોલે છે એની કોના ઉપર કેવી અસર થઇ શકે છે.

આપણું વર્તન ઘણી વખત આપણી વ્યક્તિ માટે અઘરું બની જતું હોય છે. એક પતિ-પત્નીની પણ આવી જ કંઇક વાત છે. પત્નીનું કંઇ ધાર્યું ન થાય એટલે એ સીધી મરવાની વાત કરે. સાતમા માળે એ કપલ રહે છે. હું અહીંથી કૂદી જઇશ એવી ધમકી પત્ની આપ્યે રાખે. એક વાર તો ખરેખર ગેલેરીની રેલિંગ સુધી પહોંચી પણ ગઇ. આ ઘટનાથી પતિ એવો ગભરાઇ ગયો કે તેણે આખા ઘરની બારી અને ગેલેરીમાં જાળી કરાવી દીધી અને તાળાં મારી દીધાં. પત્નીએ કહ્યું, આ કંઇ એક જ રસ્તો થોડો છે, હું બીજું કંઇ પણ કરી શકું.

હવે એ યુવાનની માનસિક હાલત ખરાબ થઇ ગઇ છે. કામ પર જાય પછી દર કલાકે પત્નીને ફોન કરે. થયું એવું કે, પત્નીના વર્તનની એના કામ પર અસર થવા લાગી. એક સમય એવો આવ્યો કે એને અલ્ટિમેટમ આપી દેવાયું કે જો હવે તમે સરખું કામ નહીં કરો તો તમને કાઢી મૂકીશું.

અમુક લોકો એવા હોય છે જેને પોતાના લોકોની દુખતી રગની ખબર હોય છે. એને એવું લાગવા માંડે છે કે હું મરવાની વાત કરીશને એટલે બધા સીધા થઇ જશે. ઇમોશનલ બ્લેકમેઇલિંગ કરવાવાળા એ વાત ભૂલી જાય છે કે વારંવાર આવું કરવાથી સંબંધમાં ઇમોશન્સ ખતમ થઇ જાય છે અને પછી જે સંબંધ બચે છે એ માત્ર ને માત્ર ડરના આધારે નભેલો હોય છે. એમાં ખરી લાગણી હોતી જ નથી. સાચવી લેવાની દાનત હોય છે.

દીકરો કે દીકરી તેના પ્રેમ વિશે વાત કરે અથવા તો મા-બાપને એની ખબર પડે ત્યારે એ આપઘાત કરવાની ધમકી આપતા રહે છે. સમાજની આબરૂ, તમારા માટે કેટલું કર્યું એવી બધી વાતો કરતાં રહે છે. આ રીત પણ ખોટી છે. આવું હોય તો શાંતિથી વાત કરવી જોઇએ અને મરવાની વાત વચ્ચે આવવી ન જોઇએ. આવું કરીએ તો આપણે જ આપણાં સંતાનોની નજરમાંથી ઊતરી જઇએ છીએ.

આપઘાતની વાતો કરનારાઓ વિશે એ નક્કી થઇ શકતું નથી કે એ માત્ર વાતો કરે છે કે પછી સિરિયસલી એવું કંઇ વિચારે છે? એના કારણે જ હાલત વધુ કફોડી થાય છે. માત્ર ડરાવવા ખાતર મરવાની વાતો ન કરવી જોઇએ કારણ કે એનાથી તમારો સંબંધ સરવાળે બગડવાનો જ છે. સાથોસાથ કોઇ આવી વાતો સતત કરતું હોય તો એની માનસિક સારવાર કરાવવી જોઇએ. આવા લોકોને સરખી રીતે ટેકલ ન કરીએ તો એ આપણી હાલત માનસિક સારવાર લેવી એવી કરી નાખે છે. મરવાના ભયે ટકતા સંબંધોમાં કંઇ કસ હોતો નથી, એ તો બસ નભતા હોય છે અથવા તો નભાવવા પડતા હોય છે!

 

પેશ-એ-ખિદમત

સચ બોલ કે બચને કી રિવાયત નહીં કોઇ,

ઔર મુજ કો શહાદત કી જરૂરત નહીં કોઇ,

મૈં જિસ કે લિયે સારે જમાને સે ખફા થા,

અબ યૂં હૈ કિ ઉસ નામ સે નિસ્બત નહીં કોઇ.

– અસઅદ બદાયૂની

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 24 ડિસેમ્બર 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “મને ડર લાગે છે કે એ આપઘાત કરી લેશે તો? : દૂરબીન

  1. Dear KU g Your way of writing with examples made me fan of you. Your art of writing can make someone understand the most important thinngs so easily. I read each and every article of yours. But I think you should make sure that your titles are positive. One would think that your articles are negative from the titles. I want that your titles could be more positive. And no doubt you are a unique and mind changing writer and favourite one of mine📃📃📃
    A reader of yours

Leave a Reply

%d bloggers like this: