લાઇફ પાર્ટનર સાથે ઝઘડા
કેટલા સારા? કેટલા જોખમી?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
પ્રેમી, પ્રેમિકા, પતિ કે પત્ની વચ્ચે જો ઝઘડા થતા હોય તો એ સારા સંબંધોની નિશાની છે.
અલબત્ત, ઝઘડા કયાં કારણોથી થાય છે એ સૌથી મહત્ત્વનું છે!
પતમારી લાગણીઓ અને ગુસ્સો દબાવી ન રાખો. નારાજગી હોય તો વ્યક્ત થઇ જાવ.
મનમાં બધું ધરબી રાખશો તો મૂંઝારો જ થવાનો છે!
જો ઝઘડા ન થતા હોય તો સમજી લેવું કે, સંબંધ હવે સત્ત્વ ગુમાવી રહ્યો છે.
એને જે કરવું હોય એ કરે, મને કોઇ ફેર પડતો નથી, એવું થિંકિંગ સંબંધને અંત તરફ ઢસડી જાય છે!
———–
દુનિયામાં સૌથી ઇન્ટરેસ્ટિંગ અને કોમ્પ્લિકેટેડ રિલેશનશિપ કઈ છે? પ્રેમી-પ્રેમિકાની અને પતિ-પત્નીની! આ સંબંધ એવો છે જે ક્યારેય કોઇને પૂરેપૂરો સમજાતો જ નથી. એ જ કદાચ એની બ્યુટી છે. બે વ્યક્તિનાં દિલ મળે છે અને એક આહલાદક સંબંધનું સર્જન થાય છે. એ વાત સાયન્ટિફિકલી પ્રૂવ થઇ છે કે સ્ત્રી અને પુરુષ બંને શારીરિક અને માનસિક રીતે બહુ જુદાં છે. આમ છતાં બંને સુંદર યુગલ બનીને સરસ રીતે જિંદગી પસાર કરી શકે છે. દાંપત્ય વિશે એક સનાતન સત્ય એ છે કે, પતિ-પત્ની વચ્ચે ગમે એવો ઊંચી કક્ષાનો પ્રેમ હોય, બંને ગમે એટલાં મેચ્યોર કે ટેલેન્ટેડ હોય, ક્યારેય તો કંઈક લોચા થવાના જ છે! દુનિયાનું કોઇ દંપતી એવું નહીં હોય જેને ક્યારેય ઝઘડો થયો ન હોય. કોઇ કપલ જો એમ કહે કે, અમારી વચ્ચે ક્યારેય ઝઘડા નથી થતા તો એક નંબરના ખોટાડાં હશે! ઝઘડા વિશે એક વાત તો એવી કહેવામાં આવે છે કે જો દંપતી વચ્ચે ઝઘડા ન થતા હોય તો સમજવું કે કંઈક પ્રોબ્લેમ છે. ઝઘડા ન થાય એ જોખમી વાત છે. ઝઘડા ક્યારે ન થાય? જ્યારે બેમાંથી એક અથવા તો બંને એવું નક્કી કરી લે કે, એને જે કરવું હોય એ કરે, મને કોઇ ફર્ક પડતો નથી! આવું થાય તો ઝઘડા ન થાય પણ એ સંબંધોનો અંત જ સાબિત કરે છે. સંબંધોનો અંત કંઇ માત્ર દૂર થવાથી જ કે જુદાં રહેવાથી જ નથી આવતો, સાથે રહેતાં હોય અને છૂટાં પડી ગયાં હોય એવાં કપલોનો પણ તોટો નથી! દેખાવે સુંદર હોય અને સાથે રહેતાં હોય એવાં કજોડાંની દુનિયા સાવ જુદી જ હોય છે. મનથી જુદાં થઇ ગયા પછી સાથે રહેતાં હોવ તો પણ કોઈ ફેર પડતો નથી !
વૅલ, પતિ-પત્ની વચ્ચે સામાન્ય ઝઘડા સારા સંબંધની નિશાની છે અને નાની નાની તકરારથી પ્રેમ વધુ ગાઢ અને તીવ્ર બને છે એવું આમ તો કહેવાતું જ આવ્યું છે પણ હમણાંના એક રિસર્ચ દરમિયાન વધુ એક વખત આ વાત સાબિત થઇ છે કે, થોડાથોડા તીખા ઝઘડા દાંપત્યમાં મીઠાશ ફેલાવે છે! અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીના સાઇકોલોજીના પ્રોફેસર જિમ મેકનલ્ટીએ બસો યુગલો પર અભ્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, દંપતી વચ્ચે ક્યારેક તો ઝઘડા થવા જ જોઇએ અને જો સંબંધ સાચો હોય તો ઝઘડા થાય જ! ઝઘડા માત્ર ઇગો કે જીદના કારણે જ થતા હોતા નથી, ક્યારેક એકબીજાની ચિંતાના કારણે પણ થતા હોય છે. એક કપલની આ સાવ સાચી વાત છે. બંનેને રોજેરોજ ઝઘડા થતા હતા. ઝઘડાનું કારણ પણ એક જ હતું. પતિને ડાયાબિટીસ હતો. પત્ની તેની હેલ્થનું ખૂબ ધ્યાન રાખે. પેલા ભાઇને ખાવાનો ચટાકો હતો. એ પત્નીથી છુપાવીને પોતાને જે ખાવું હોય એ ખાઇ આવે. તેના કારણે સુગર વધુ જ આવતી હતી. પતિ અને પત્ની ગમે તે કરે, બંને ગમે એટલાં ચાલાક હોય પણ જો બંને વચ્ચે આત્મીયતા હોય તો સાચી વાત લાંબો સમય છુપાવી શકાતી નથી. તેને બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે જૂઠ પકડાઈ જ જાય છે. પત્નીને પણ ખબર પડી ગઇ કે, પતિદેવ ચીટિંગ કરે છે અને બહાર જઇને આચરકૂચર ખાઇ આવે છે. બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો. પત્ની પતિ પર વોચ રાખવા માંડી કે, એ કંઈ ખાય નહીં! હવે આમ જોવા જાવ તો એ ચિંતાનો જ ઝઘડો છે. છે ઝઘડો પણ તેની પાછળ પતિની હેલ્થની ચિંતા અને તેના માટેનો પ્રેમ છુપાયેલો છે.
પતિ-પત્ની વચ્ચેના ઝઘડા વિશે મનોચિકિત્સકો એક મહત્ત્વની વાત એ કરે છે કે, ઝઘડા થાય એમાં કોઇ વાંધો નથી, ધ્યાન એટલું રાખવાનું કે બને એટલા ઓછા સમયમાં એ ઝઘડાનો અંત આવવો જોઇએ. ઝઘડા મોટા ભાગે સાવ વાહિયાત કારણસર થતા હોય છે. નાનકડી વાતમાં ઝઘડો થઇ જાય પછી એ ઝડપથી પૂરો થઇ જવો જોઇએ. ઝઘડો લાંબો નહીં ખેંચવાનો. ઝઘડામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ હોય છે કે, તમે એ ઝઘડો પૂરો કેવી રીતે કરો છો! જતું કરી દો, ગમ ખાઇ જાવ, ભૂલ સ્વીકારી લો, સોરી કહી દો અને સામેથી સોરી કહેવામાં આવે તો માફ કરી દો. ગમે એમ તોયે એ આપણી વ્યક્તિ છે. બીજું એક સનાતન સત્ય એ પણ છે કે, આપણને એના વગર ચાલવાનું પણ નથી. મોટા ભાગનાં કપલોમાં જ્યારે ઝઘડો થાય છે ત્યારે એક તબક્કે એવો વિચાર તો આવી જ જાય છે કે, ક્યાં લોચો પડી ગયો! બંને એવું ઇચ્છતાં હોય છે કે, હવે વાત પૂરી થાય તો સારું! સોરી કહેવામાં ઇગો વચ્ચે આવતો હોય છે. ઘણાં કપલમાં એ આવડત હોય છે. બેમાંથી એક ગમે એમ કરીને પટાવી લે છે!
ઝઘડા વિશે એક બેસ્ટ રિસર્ચ એ પણ છે કે, જ્યારે ઝઘડો થાય અને માણસ ગુસ્સામાં હોય ત્યારે એની રિયાલિટી બહાર આવે છે. પ્રેમમાં માણસ ક્યારેય પૂરેપૂરો ઓળખાતો નથી. માણસ કેવો છે એની સાચી ખબર એ ગુસ્સે કે નારાજ હોય ત્યારે જ પડે છે. ગુસ્સામાં હોય ત્યારે માણસ એના મનમાં જે ચાલતું હોય એ બોલી દે છે, એના પરથી એના વિચારો કેવા છે અને માણસ તરીકેની ડેપ્થ કેટલી છે એ પરખાઇ જતું હોય છે. જે માણસમાં ગ્રેસ હશે, જેના સંસ્કારો સારા હશે એ માણસ ગમે એવો ગુસ્સે થશે તો પણ તેના મોઢામાંથી અમુક શબ્દો તો નહીં જ નીકળે. ભલે ઝઘડતા હોય છતાં પણ તેનામાં એ સમજ તો હોય જ છે કે, એ જેની સાથે ઝઘડે છે એ કોણ છે? પોતાની લાઇફમાં એનું શું ઇમ્પોર્ટન્સ છે.
તમને તમારી વ્યક્તિથી નારાજગી છે તો ઝઘડી લો, મનમાં કંઇ ધરબી ન રાખો, મનમાં ને મનમાં મૂંઝાતા રહેશો તો ડિપ્રેશનમાં સરી જશો, એના કરતાં વ્યક્ત થઇ જાવ. બોલી દો જે બોલવું હોય તે! આપણે એવા કિસ્સા પણ જોયા છે કે રોજ ઝઘડતા હોય પણ પાછા સરસ રીતે રહેતા પણ હોય! પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે પડવાની એટલે જ ના પાડવામાં આવે છે. વડીલો કહે છે કે, બે જણાં બાઝતાં હોય તો બાઝવાં દેવાનાં, દોઢડાહ્યા નહીં થવાનું! એનું કારણ એ છે કે, એ બંને પાછાં ક્યારે એક થઇ જાય એનું કંઇ નક્કી હોતું નથી! આપણે બેમાંથી એકનો પક્ષ લીધો હોય અને એ બંને ઘડીકમાં એક થઇ જાય, આપણી હાલત કફોડી થઇ જાય!
ઝઘડાની ફ્રિકવન્સી વધી ન જાય એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ઝઘડાનાં કારણો પણ સામાન્ય હોવાં જોઇએ. ગંભીર ઇશ્યૂનાં પરિણામો પણ સીરિયસ જ હોવાનાં છે. શંકા સૌથી ખતરનાક વસ્તુ છે. શંકા હોય તો એનું ઝડપી નિરાકરણ લાવવું જોઇએ. આ બધા વચ્ચે પાયાની શરત જો કોઇ હોય તો એ છે વફાદારી અને કમિટમેન્ટ. પ્રેમ તો હોવો જ જોઇએ. આદર તો રહેવો જ જોઇએ. ક્યારેક ટપાટપી થઇ જાય તો ભલે પણ એકબીજા પ્રત્યે લાગણી તો અકબંધ જ રહેવી જોઇએ! જો વિશ્વાસ તૂટ્યો તો પ્રેમ પણ ખૂટી જશે. છેલ્લે એટલું તો હોવું જ જોઇએ કે, ગમે એવી છે પણ મારી વ્યક્તિ છે. એનામાં થોડાક પ્રોબ્લેમ છે તો મારામાં પણ ક્યાં નથી? સ્વીકાર હશે તો જ સહજતા બચશે. ઝઘડીને પણ પાછાં જોડાઇ જાવ! એક વાત યાદ રાખવાની હોય છે કે, પોતાની વ્યક્તિ જેટલી ચિંતા અને કેર બીજું કોઈ કરવાનું નથી !
હા, એવું છે!
શિકાગો યુનિવર્સિટીના એક અભ્યાસ બાદ એવું તારણ આપવામાં આવ્યું છે કે, એકલતા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. માણસે સાજા-નરવા રહેવા માટે લોકોને હળતાં-મળતાં રહેવું જોઇએ.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 01 જૂન, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
