તમે બંને પ્રેમ કરતાં
હોવ એવું લાગતું નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
જીવવાને એક સપનું જોઈએ,
એ જ સપના કાજ લડવું જોઈએ,
હોય છે પીડા ઘણી પ્રેમમાં,
સૌએ એમાં તોય પડવું જોઈએ.
-સપના વિજાપુરા
પ્રેમ છૂપો ન રહી શકે. પ્રેમ ઊડીને આંખે વળગતો હોય છે. ચહેરો આયનાનું કામ કરતો હોય છે. દિલમાં હોય એ ચહેરા પર ઉપસી આવે છે. ચહેરા બહુ બોલકા હોય છે. ચહેરા આપણા મૂડ છતાં કરી દે છે. ચહેરા ખીલે છે. ચહેરા કરમાય છે. ચહેરા તરડાય છે. ચહેરા ખરડાય છે. માણસ મૌન હોય તો પણ ચહેરો બોલતો હોય છે. સાચા સાધુના ચહેરા પર સત્વ હોય છે. પ્રેમમાં હોય એના ચહેરા પર એક એનોખું તત્વ હોય છે. પ્રેમ ઝડપ વધારી દે છે. પ્રેમ તડપને વધુ ઉગ્ર કરી દે છે. પ્રેમમાં હોઈએ ત્યારે શ્વાસ પણ સુગંધિત લાગે છે.
પ્રેમમાં જાદુ છે. એવો જાદુ જે હવાને થોડીક વધુ ટાઢી કરે છે. વાતાવરણને થોડુંક વધુ માદક બનાવી દે છે. ફૂલ થોડાંક વધુ કોમળ લાગે છે. જિંદગી જીવવા જેવી લાગે છે. એક વ્યક્તિનું સાંનિધ્ય આખા જગતને આહલાદક બનાવી દે છે. આપણી જિંદગી અને આપણા સુખનો આધાર એના ઉપર છે કે આપણે પ્રેમની ક્ષણોને કેટલી લંબાવી શકીએ છીએ. બહુ ઓછા લોકો કાયમ માટે પ્રેમમાં રહી શકે છે. રોજ કોઈની પાસે પહોંચી જવાની ઝંખના એક અલૌકીક અનુભૂતિ છે. પ્રેમીના મિલન વખતે ઘડિયાળના કાંટાને પણ પાંખો ઊગી જાય છે. વિરહના સમયમાં ઘડિયાળના કાંટા ઉપર પણ કેક્ટસ ઊગી જતા હોય છે. કેક્ટસમાં પણ ફૂલ ઊગે છે, પણ એ ફૂલમાં સુગંધ નથી હોતી, કેક્ટસના ફૂલોના રંગોમાં પણ તડકાનો તાપ જ તરવરતો હોય છે.
ઘણાં કપલ એવાં હોય છે જે પ્રેમ અને દાંપત્યનાં જીવતાં જાગતાં મંદિર લાગે. મનમાં ઝાલર વાગતી હોય છે. એક તેજ પ્રગટેલું હોય છે. એને જોઈને એવું લાગે કે, જીવાય તો આની જેમ. કેટલા પ્રેમથી રહે છે બંને! કેટલાં ઘરોમાં ‘લાઇફ’ જીવતી હોય છે? ઘરમાં પ્રેમ હોય તો દીવાલો પણ ખીલેલી લાગે છે. પથ્થરને પણ કોમળતા બક્ષવાની તાકાત જો કોઈમાં હોય તો એ માત્ર ને માત્ર પ્રેમમાં છે. ઘણાં ઘર ડૂસકાં ભરતાં હોય છે. ઘરની અંદર જઈએ તો ચુપકીદી કણસતી હોય છે. કંઈક ખૂટતું હોય એવું લાગે. ઘર કેવું છે એ એની સાઇઝ કે રૂમથી નહીં, પણ એમાં રહેતા માણસોનાં મન કેવાં છે તેના પરથી ઓળખાતું હોય છે. એક રૂમના મકાનમાં પણ આખું જગત ધબકતું લાગે અને મસમોટા બંગલામાં પણ ખામોશી ઊગી નીકળતી હોય છે.
એક યુવાને કહેલી આ વાત છે. એના ફ્લેટનું એન્ટરન્સ છે ત્યાં એક નાનકડી તિરાડ છે. આંખ માંડીને જોઈએ તો અંદરની થોડીક હલનચલન ખબર પડી જાય. તિરાડ આમ તો બદનામ છે, પણ આ તિરાડ અમને બંનેને ખુશ રાખે છે. ઓફિસેથી ઘરે પહોંચું અને ડોરબેલ વગાડીને એ તિરાડમાંથી હું જોઉં છું. મારી પત્ની બીજા રૂમમાંથી દોડીને દરવાજો ખોલવા આવે છે. હું તિરાડમાંથી તેને દોડીને આવતી જોઉં છું. એના ચહેરા ઉપર મારા આવવાનો જે આનંદ દેખાય છે એ મને ખુશ કરી દે છે. એને ખબર નથી હોતી કે હું જોઉં છું, પણ મને તેની ઉત્કંઠા દેખાઈ આવે છે. દરેક વખતે દોડીને આવે એવું જરૂરી નથી. ક્યારેક કોઈ કારણે અપસેટ હોય તો ધીમી ચાલતી આવે છે. તમને ખબર છે, એ પછી હું તેને પાછી મૂડમાં લાવવા સતર્ક થઈ જાઉં છું. આ એક એવી તિરાડ છે જે અમારા વચ્ચે તિરાડ પડવા દેતી નથી. પ્રેમનું આયુષ્ય આપણા હાથમાં હોય છે, એને જીવતો રાખવો કે મારી નાખવો એ આપણે નક્કી કરવું પડતું હોય છે. પ્રેમ ક્યારેક બીમાર પણ પડી જાય, એને સાજો કરવાની જવાબદારી પણ આપણી છે. પ્રેમ ક્યારેય સીધેસીધો મરી જતો હોતો નથી. એ પહેલાં બીમાર પડે છે. જો તેની કાળજી ન લઈએ તો જ એ મરી જાય છે. ઘણાં ઘરોમાં માણસો જીવતા હોય છે, પણ ઘરના ખૂણાઓમાં પ્રેમની લાશો રઝળતી હોય છે. મરેલા પ્રેમમાં કોઈ સારી વાત હોય તો એ છે કે એને પાછો જીવતો કરી શકાય છે. આપણને બસ એટલી ખબર પડવી જોઈએ કે આપણો પ્રેમ મરી ગયો છે અને આપણે એને જીવતો કરવાનો છે. તમારો પ્રેમ બેહોશ નથી થઈ ગયોને? થઈ ગયો હોય તો એના પર થોડાક સ્નેહનો છંટકાવ કરો, પાછો સજીવન થઈ જશે.
દિલની આંખો ખુલ્લી હોય તો પ્રેમ દેખાઈ આવતો હોય છે. પ્રેમ પકડાઈ જાય છે. એક પતિ-પત્નીની આ વાત છે. બંનેએ લવમેરેજ કર્યા હતા. ખૂબ જ પ્રેમથી બંને જિંદગી જીવે. એ કપલને એક દીકરી જન્મી. દીકરી મોટી થઈ. કોલેજમાં પહોંચી. એક દિવસે બંનેએ દીકરીને પોતાની પાસે બોલાવી. પપ્પાએ બહુ સલુકાઈથી કહ્યું. સાવ સાચું બોલજે હોં, તું કોઈના પ્રેમમાં છે? દીકરીની આંખો પહોળી થઈ ગઈ! મા-બાપ પાસે ખોટું બોલવાનું કોઈ કારણ ન હતું. દીકરીએ કહ્યું કે મારી સાથે સ્ટડી કરતા એક છોકરા સાથે મને પ્રેમ છે. એના વિશે બધી વાતો કરી. છેલ્લે દીકરીએ સવાલ કર્યો. તમને કેમ ખબર પડી કે હું કોઈના પ્રેમમાં છું? મમ્મી અને પપ્પાએ કહ્યું, તારા ચહેરા પરથી, તારા થનગનાટ પરથી અને તારા બિહેવિયર પરથી. તારામાં જે ચેઇન્જ દેખાય છે એનું કારણ માત્ર ને માત્ર પ્રેમ જ હોઈ શકે. દીકરીને કહ્યું, પ્રેમ થાય એ સ્વાભાવિક છે, પણ પ્રેમ કરવા માટે પ્રેમને સમજવો પણ જરૂરી છે. કેટલાં મા-બાપ દીકરી કે દીકરાના પ્રેમને પકડી શકતાં હોય છે? આપણે જેને પ્રેમ કરતા હોય એ કોઈને પ્રેમ કરે અને આપણને જો એના ચહેરા પર ન વંચાય તો સમજવું કે આપણને પ્રેમની ભાષા ઉકેલતા આવડતું નથી!
હવે એક બીજા લવમેરીડ કપલની સાવ સાચી વાત. એના દીકરાને સાથે કામ કરતી છોકરી સાથે પ્રેમ થયો. એક દિવસ ઘરે મમ્મી-પપ્પાને બેસાડી તેણે કહ્યું કે હું એક છોકરીને પ્રેમ કરું છું અને તેની સાથે મેરેજ કરવા ઇચ્છું છું. પતિ-પત્નીએ દીકરાની વાત શાંતિથી સાંભળી. પિતાએ કહ્યું કે ફાઇન, નો પ્રોબ્લેમ, પણ છ મહિના જવા દે. તારો આ પ્રોજેક્ટ છે એ પૂરો કરી લે. આપણે છ મહિના પછી પાછી વાત કરીશું. દીકરાએ કહ્યું કે, ભલે. છ મહિના વીતી ગયા. દીકરાએ પાછી પપ્પાને લગ્નની વાત કરી. પપ્પાએ કહ્યું હજુ તારો પ્રોજેક્ટ પૂરો નથી થયો. કેટલું કામ બાકી છે? દીકરાએ કહ્યું, ત્રણ મહિના. પપ્પાએ કહ્યું કે, સારું તો ત્રણ મહિના જવા દે. આપણે પછી નક્કી કરીશું.
ત્રણ મહિના પૂરા થયા. દીકરાએ ફરીથી લગ્નની વાત કરી. પિતાએ બાજુમાં બેસાડીને કહ્યું કે, તમે બંને પ્રેમ કરતાં હોય એવું મને લાગતું નથી! દીકરાએ પૂછ્યું, કેમ? તમને કેમ એવું નથી લાગતું? પિતાએ કહ્યું, તારામાં પ્રેમની તીવ્રતા કે ઉગ્રતા જ ક્યાં દેખાય છે? ઉત્કટ પ્રેમમાં હોયને એ આવી ટાઇમલાઇન ન સ્વીકારે! પહેલાં છ મહિના અને પછી ત્રણ મહિનામાં હા ન પાડી દે. એ તો દલીલ કરે. લડી લે. બળવો કરે. ઝઘડો કરે. પ્રેમ તો પાણી જેવો હોય. એને રોકી ન શકાય. એ તો કિનારા તોડીને છલકી જાય. તારી વાતમાં પ્રેમ જ ક્યાં દેખાય છે? પ્રેમમાં અવઢવ ન હોય, પ્રેમમાં તો અતિરેક જ હોય! તારામાં અતિરેકની કમી છે. પ્રેમ તો ઉછાળા મારતો હોય, આ પાર કે પેલે પાર કરવામાં માનતો હોય. તારી જેમ શરણાગતિ સ્વીકારી ન લે. દીકરો નીચું જોઈ ગયો. તેણે કહ્યું, પપ્પા, તમારી વાત સાચી છે. સાચું કહું તો દોઢ મહિના પહેલાં અમારું બ્રેકઅપ થઈ ગયું. અમે હવે સાથે નથી. આ તો તમે લગ્ન માટે શું કહો છો એ જ મારે જાણવું હતું. સારું થયું તમે એ વાત ઓળખી ગયા કે અમારા પ્રેમમાં કંઈક ખૂટે છે. તમે પહેલી વખતે જ હા પાડી દીધી હોત તો કદાચ અમે લગ્ન કરી લીધાં હોત, પણ પછી દાંપત્ય હોત કે નહીં એની મને ખબર નથી.
પ્રેમ હોય એ પૂરતું નથી. પ્રેમ વર્તાવો જોઈએ. જો સાચો પ્રેમ હોય તો એ વર્તાઈ પણ જતો હોય છે. પ્રેમ હોય ત્યારે ઘરે જવાની ઉતાવળ હોય. ઘરે જવામાં જેને મોડું થતું નથી એણે પોતાના પ્રેમ વિશે વિચાર કરવો જોઈએ. ઓફિસમાં કોઈ કારણસર રોકાવાનું થાય અને તમે જો મેસેજ કરી દો કે મને થોડું મોડું થશે તો માનજો કે તમે હજુ પ્રેમમાં છો. એ ઘરે રાહ જોતી હશે એવી ચિંતા થાય એ પણ પ્રેમનો જ પ્રકાર છે. ઘરે જવાનો કંટાળો આવતો હોય એવા લોકોએ ઘરના વાતાવરણની ચિંતા કરવી જોઈએ. ક્યારેક ઝઘડો થાય અને આવી ફીલિંગ થાય એ સ્વાભાવિક છે, પણ દરરોજ જો ઘરે ઝડપથી જવાનું મન ન થાય તો સમજવું કે કંઈક સુકાઈ ગયું છે. સૌથી સુખી માણસ એ જ છે જેને ઝડપથી ઘરે પહોંચવાનું મન થાય છે. સુખનું અંતિમ સત્ય ઘર છે. ઘરમાં સુખ ન મળે એ દુનિયામાં ગમે ત્યાં ભટકે, એને શાંતિ મળવાની નથી. પ્રેમ અને સુખ સજીવન થઈ શકે છે એના માટે આપણે માત્ર આપણી સંવેદનાઓને જીવતી કરવાની હોય છે. કરી જુઓ, બહુ અઘરું નથી. પ્રેમમાં સૂકી જમીનમાંથી પણ સરવાણીઓ ફૂટે એવી તાકાત હોય છે.
છેલ્લો સીન :
જેને પ્રેમ કરતા આવડે છે એને જ જિંદગી જીવતા આવડે છે. જિંદગીના પુસ્તકમાં પ્રેમ નામનો શબ્દ ન હોય તો નાપાસ જ થવાય! -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 22 નવેમ્બર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
So nice article sir
Thank you.
Superb Boss, Heart Touching Article… Below Story is so helpful to me..
“હવે એક બીજા લવમેરીડ કપલની સાવ સાચી વાત. એના દીકરાને સાથે કામ કરતી છોકરી સાથે પ્રેમ થયો. એક દિવસ ઘરે મમ્મી-પપ્પાને બેસાડી તેણે કહ્યું કે હું એક છોકરીને પ્રેમ કરું છું અને તેની સાથે મેરેજ કરવા ઇચ્છું છું. પતિ-પત્નીએ દીકરાની વાત શાંતિથી સાંભળી. પિતાએ કહ્યું કે ફાઇન, નો પ્રોબ્લેમ, પણ છ મહિના જવા દે. તારો આ પ્રોજેક્ટ છે એ પૂરો કરી લે. આપણે છ મહિના પછી પાછી વાત કરીશું. દીકરાએ કહ્યું કે, ભલે. છ મહિના વીતી ગયા. દીકરાએ પાછી પપ્પાને લગ્નની વાત કરી. પપ્પાએ કહ્યું હજુ તારો પ્રોજેક્ટ પૂરો નથી થયો. કેટલું કામ બાકી છે? દીકરાએ કહ્યું, ત્રણ મહિના. પપ્પાએ કહ્યું કે, સારું તો ત્રણ મહિના જવા દે. આપણે પછી નક્કી કરીશું.
ત્રણ મહિના પૂરા થયા. દીકરાએ ફરીથી લગ્નની વાત કરી. પિતાએ બાજુમાં બેસાડીને કહ્યું કે, તમે બંને પ્રેમ કરતાં હોય એવું મને લાગતું નથી! દીકરાએ પૂછ્યું, કેમ? તમને કેમ એવું નથી લાગતું? પિતાએ કહ્યું, તારામાં પ્રેમની તીવ્રતા કે ઉગ્રતા જ ક્યાં દેખાય છે? ઉત્કટ પ્રેમમાં હોયને એ આવી ટાઇમલાઇન ન સ્વીકારે! પહેલાં છ મહિના અને પછી ત્રણ મહિનામાં હા ન પાડી દે. એ તો દલીલ કરે. લડી લે. બળવો કરે. ઝઘડો કરે. પ્રેમ તો પાણી જેવો હોય. એને રોકી ન શકાય. એ તો કિનારા તોડીને છલકી જાય. તારી વાતમાં પ્રેમ જ ક્યાં દેખાય છે? પ્રેમમાં અવઢવ ન હોય, પ્રેમમાં તો અતિરેક જ હોય! તારામાં અતિરેકની કમી છે. પ્રેમ તો ઉછાળા મારતો હોય, આ પાર કે પેલે પાર કરવામાં માનતો હોય. તારી જેમ શરણાગતિ સ્વીકારી ન લે. દીકરો નીચું જોઈ ગયો. તેણે કહ્યું, પપ્પા, તમારી વાત સાચી છે. સાચું કહું તો દોઢ મહિના પહેલાં અમારું બ્રેકઅપ થઈ ગયું. અમે હવે સાથે નથી. આ તો તમે લગ્ન માટે શું કહો છો એ જ મારે જાણવું હતું. સારું થયું તમે એ વાત ઓળખી ગયા કે અમારા પ્રેમમાં કંઈક ખૂટે છે. તમે પહેલી વખતે જ હા પાડી દીધી હોત તો કદાચ અમે લગ્ન કરી લીધાં હોત, પણ પછી દાંપત્ય હોત કે નહીં એની મને ખબર નથી.
પ્રેમ હોય એ પૂરતું નથી. પ્રેમ વર્તાવો જોઈએ. જો સાચો પ્રેમ હોય તો એ વર્તાઈ પણ જતો હોય છે. પ્રેમ હોય ત્યારે ઘરે જવાની ઉતાવળ હોય. ઘરે જવામાં જેને મોડું થતું નથી એણે પોતાના પ્રેમ વિશે વિચાર કરવો જોઈએ. ઓફિસમાં કોઈ કારણસર રોકાવાનું થાય અને તમે જો મેસેજ કરી દો કે મને થોડું મોડું થશે તો માનજો કે તમે હજુ પ્રેમમાં છો. એ ઘરે રાહ જોતી હશે એવી ચિંતા થાય એ પણ પ્રેમનો જ પ્રકાર છે. ઘરે જવાનો કંટાળો આવતો હોય એવા લોકોએ ઘરના વાતાવરણની ચિંતા કરવી જોઈએ. ક્યારેક ઝઘડો થાય અને આવી ફીલિંગ થાય એ સ્વાભાવિક છે, પણ દરરોજ જો ઘરે ઝડપથી જવાનું મન ન થાય તો સમજવું કે કંઈક સુકાઈ ગયું છે. સૌથી સુખી માણસ એ જ છે જેને ઝડપથી ઘરે પહોંચવાનું મન થાય છે. સુખનું અંતિમ સત્ય ઘર છે. ઘરમાં સુખ ન મળે એ દુનિયામાં ગમે ત્યાં ભટકે, એને શાંતિ મળવાની નથી. પ્રેમ અને સુખ સજીવન થઈ શકે છે એના માટે આપણે માત્ર આપણી સંવેદનાઓને જીવતી કરવાની હોય છે. કરી જુઓ, બહુ અઘરું નથી. પ્રેમમાં સૂકી જમીનમાંથી પણ સરવાણીઓ ફૂટે એવી તાકાત હોય છે.”
Thank you.