ટોઇલેટ : એક ‘ફોબિયા’ કથા! જાએ તો જાએ કહાં… : દૂરબીન

ટોઇલેટ : એક ‘ફોબિયા’ કથા!

જાએ તો જાએ કહાં…

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

આપણા દેશમાં છેલ્લા થોડા સમયથી

ટોઇલેટ ન્યૂઝમાં અને ચર્ચામાં છે. તમને ખબર છે,

અમુક લોકોને ‘ટોઇલેટ ફોબિયા’ પણ હોય છે,

એમને ટોઇલેટ જતાં જ ડર લાગે છે!

 

ટોઇલેટ જવા માટે ‘પ્રોપર જગ્યા’ ન મળે

ત્યારે લોકો કુદરતી હાજત દબાવી રાખે છે

અને ઘણી બીમારીઓનો ભોગ બને છે!

 

ટોઇલેટ એ દરેક વ્યક્તિ સાથે જોડાયેલી રોજે રોજની ઘટના છે. આ અત્યંત સાહજિક અને સંપૂર્ણપણે કુદરતી ઘટના વિશે ખૂલીને બહુ ઓછી ચર્ચા થાય છે. આજકાલ આપણા દેશમાં ટોઇલેટ કોઇના કોઇ મામલે ચર્ચામાં રહે છે. વાત ફિલ્મની હોય કે વાસ્તવિક ઘટનાની હોય, અનેક કિસ્સાઓ ચર્ચાતા રહે છે. ઘરમાં ટોઇલેટ ન હોવાથી લગ્નની ના પાડી દેવાથી માંડીને આ જ મુદ્દે છૂટાછેડા થઇ ગયાની કથાઓ બહાર આવતી રહે છે. રાજસ્થાનના ભીલવાડામાં તો એક કેસમાં અદાલતે એવું કહ્યું કે ઘરમાં ટોઇલેટ ન હોય એ મહિલાઓ સાથે ક્રૂરતા અને સામાજિક કલંકની ઘટના છે. ટોઇલેટ હોવું જ જોઇએ એ વાત વાજબી છે અને જાહેરમાં કુદરતી હાજતે જવું એ ગેરવાજબી છે એ સૌ જાણે છે અને મોટાભાગના લોકો સમજે પણ છે. જોકે ટોઇલેટ સાથે જોડાયેલા બીજા જે સવાલો છે એ પણ વિચારવા અને સમજવા જેવા છે.

ટોઇલેટ સાથે એવી ઘણી બધી વાતો જોડાયેલી છે જે તમામ લોકોને લાગુ પડે છે. જેના ઘરમાં એક કરતાં વધુ ટોઇલેટ છે એ લોકો માટે પણ ઘણી વખત ટોઇલેટ જવું એ મોટો ઇસ્યૂ બની જાય છે. આજે પણ ઘણાં ઘરોમાં બધા લોકો સાથે બેઠા હોય ત્યારે મહિલાઓ ટોઇલેટ જતાં સંકોચ અનુભવે છે. એ કહી નથી શકતી કે મારે જવું પડે એમ છે. જે લોકોનાં ઘરોનું વાતાવરણ સરળ અને સહજ હોય છે એને એવો સવાલ થાય છે કે એવું થોડું હોય! પણ એવું હોય છે. વડીલો બેઠાં હોય અને કોઇ મુદ્દે ચર્ચા ચાલતી હોય ત્યારે મહિલાઓને ઊભી થઇને જવામાં સંકોચ થાય છે. એ પોતાની કુદરતી હાજત દબાવી રાખે છે. કુદરતી હાજત દબાવી રાખવાના કારણે એ ઘણા રોગોનો ભોગ બને છે!

આપણા દેશમાં અને આખી દુનિયામાં ઘણા લોકો તો વળી ‘ટોઇલેટ ફોબિયા’થી પીડાય છે. બ્રિટનમાં થોડાં વર્ષ અગાઉ થયેલા એક સર્વેમાં તો એવું બહાર આવ્યું હતું કે, 40 લાખ બ્રિટિશર ટોઇલેટ ફોબિયાથી પીડાઇ રહ્યા છે. ‘ટોઇલેટ ફોબિયા’થી પીડાતા લોકોને જાહેર શૌચાલય વાપરતા ડર લાગે છે, એને સતત ભય લાગે છે કે જો એ પબ્લિક ટોઇલેટનો ઉપયોગ કરશે તો એને ચેપ લાગી જશે અને કોઇ ગંભીર બીમારી થશે. ઘણાને તો વળી એસટીડી એટલે કે સેક્સચ્યુલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થવાનો પણ ભય લાગે છે.

આપણે ત્યાં પણ એવા લોકોની કમી નથી જેને આવો ડર સતાવે છે. કોઇએ ટોઇલેટનો ઉપયોગ કર્યો હોય પછી એનો ઉપયોગ કરવામાં બેક્ટેરિયલ કે વાઇરલ ઇન્ફેક્શનથી લોકો ડરે છે. ઘરેથી નીકળ્યા પછી એ પાછા ઘરે ન આવે ત્યાં સુધી કુદરતી હાજત દબાવી રાખે છે, પબ્લિક ટોઇલેટના યુઝથી તો કંઇ થતું હશે તો થશે પણ આ ટોઇલેટ ફોબિયાથી લોકોને જાતજાતની બીમારીઓ થાય છે.

જવું જ પડે એમ હોય ત્યારે આવા લોકો શું કરે છે એ પણ જાણવા જેવું છે. એ લોકો પહેલાં તો ટોઇલેટ સીટ ધોશે અને પછી બેસશે. ઘણા લોકો વળી ટોઇલેટ સીટ ઉપર ટિસ્યુ પેપર પાથરી દે છે. આવા લોકો માટે જ હવે તો એક નવી પ્રોડક્ટ બજારમાં આવી છે જે આજકાલ ધૂમ મચાવી રહી છે આ  છે, ટોઇલેટ સીટ સેનીટાઇઝર સ્પ્રે. ટોઇલેટનો ઉપયોગ કરતાં પહેલાં લોકો આ સ્પ્રેનો છંટકાવી કરી દે છે. આ સ્પ્રેથી 99.9 ટકા જેટલા જંતુઓ નાશ પામતા હોવાનો દાવો પણ સ્પ્રે બનાવનાર કંપનીઝ કરે છે.

પબ્લિક ટોઇલેટ વાપરવામાં ઘણા લોકોને એટલા માટે પણ ત્રાસ થાય છે કે ટોઇલેટમાં આવતી ગંધ અસહ્ય હોય છે. અમુક લોકોને તો ટોઇલેટમાં જાય એ સાથે જ ઉબકા આવવા માંડે છે અથવા તો ઊલટી જ થઇ જાય છે. આપણે ત્યાં મોટાભાગના પબ્લિક ટોઇલેટ એવાં હોય છે જ્યાં તમારે બે આંગળીથી નાક દબાવીને જ જવું પડે. અમુક લોકો તો જાહેરમાં યુરિન માટે એટલે જતા હોય છે કે એ પબ્લિક ટોઇલેટમાં ઊભા રહી શકતા નથી.

ઘરની બહાર નીકળ્યા પછી સૌથી વધુ પરેશાની તો મહિલાઓને થાય છે. જાહેર જેન્ટ્સ ટોઇલેટ તો હજુ પણ ક્યાંક ક્યાંક હોય છે પણ લેડીઝ માટેના પબ્લિક ટોઇલેટ ભાગ્યે જ જોવા મળે છે. એના માટે તો એ સવાલ થાય છે કે, જાએ તો જાએ કહાં? ચાલે એમ જ ન હોય ત્યારે લેડીઝ કોઇ હોટલ કે મોલમાં જઇ નિરાંતનો શ્વાસ લે છે. આપણાં રાજ્યમાં તો હજુયે હાઇવે પર થોડી સારી હોટલ્સ મળી રહે છે, બીજાં રાજ્યોમાં તો હાઇવે પર પણ ટોઇલેટ જઇ શકાય એવી સુવિધા શોધવામાં નાકે દમ આવી જાય છે! એક બહેને કરેલી આ વાત છે. એ કારમાં હાઇવે પર જાય ત્યારે યુરિન જવું હોય તો કાર સાઇડમાં રોકી ડાબી બાજુના બંને દરવાજા ખોલીને વચ્ચે પોતાનું કામ પતાવી લે છે. હાઇવે હોટેલ્સના ટોઇલેટ વાપરવાની એની હિંમત થતી નથી.

ટોઇલેટ ફોબિયા અંગે જોકે તબીબો એવું કહે છે કે તમે ટોઇલેટ સિટ સેનીટાઇઝર સ્પ્રે વાપરો કે પછી ટિસ્યુ પાથરો, ગમે તે કરો પણ કુદરતી હાજત દબાવો નહીં. પબ્લિક ટોઇલેટ વાપરવાથી એવી કોઇ ગંભીર બીમારી થઇ જતી નથી. ટોઇલેટ કર્યા પછી સાબુથી હાથ ધોઇ નાખો. અમુક લોકોને તો ટોઇલેટના નળને અડતાં પણ ડર લાગતો હોય છે. કોણ જાણે કેવા કેવા લોકો કેવા ગંદા હાથે અડ્યા હશે એવો વિચાર આવી જાય છે. આવો ભય લાગે તો ટિસ્યુથી નળ ખોલો અથવા તો હેન્ડ સેનીટાઇઝર વાપરો પણ કુદરતી હાજત દબાવો નહીં. ઘરે જઇને જ જઇશું એવું ન વિચારો. એવું કરવા જશો તો કદાચ લેને કે દેને પડ જાયેંગે! સાવધાની વર્તો, ધ્યાન રાખો પણ શરીર ઉપર જુલમ ન કરો! અને હા, જવાની જરૂર લાગે ત્યારે શરમ ન રાખો. તમને ખબર છે ટોઇલેટને બદલે વોશરૂમ શબ્દનો ઉપયોગ પણ એટલે જ શરૂ થયો હતો કે ટોઇલેટ બોલવું પણ લોકો ગમતું નથી! સો વાતની એક વાત, પ્રેશર લાગે કે તરત નિકાલ લાવો, નહીંતર માંદા પડવાના ચાન્સીસ વધી જશે! બાય ધ વે, તમને તો આવો કોઇ ટોઇલેટ ફોબિયા-બોબિયા નથી ને?

પેશ-એ-ખિદમત

દિલ કી રાહેં ઢૂંઢને હમ ચલે,

હમ સે આગે દીદા-એ-પુર-નમ ચલે,

કૌન જીને કે લીયે મરતા રહે,

લો સંભાલો અપની દુનિયા હમ ચલે.

– અખ્તર સઇદ ખાન

(દીદા-એ-પુર-નમ=ભીની આંખો)

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 27 ઓગસ્ટ 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *