પ્રામાણિકતાપૂર્વક કહેજો, તમને તમારી જોબથી સંતોષ છે ખરો? – દૂરબીન

પ્રામાણિકતાપૂર્વક કહેજો, તમને

તમારી જોબથી સંતોષ છે ખરો?

57
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

—————

એંસી ટકા લોકોને પોતે જે કામ કરે છે
તેમાં મજા નથી આવતી!
ગમતું કામ મળે એવી રાહ જોવામાં વર્ષો વીતી જાય છે
અને છેવટે માણસ ઢસરડા કરતો હોય એ રીતે કામ કરે છે.
—————–
વેઠ ઉતારતો કર્મચારી કંપનીને તો નુકસાન કરે જ છે પણ
સૌથી વધુ નુકસાન પોતાને કરતો હોય છે!
—————–

તમે જ્યાં કામ કરો છો એ કંપની કેવી છે? તમારા સેલેરીથી તમને સંતોષ છે? તમારી કંપનીનું એચઆર ડિપાર્ટમેન્ટ કર્મચારીઓનાં હિતોનું રક્ષણ થાય એ રીતે વર્તે છે? ઓફિસનું વાતાવરણ પ્લેઝન્ટ છે? તમારો બોસ તમને શાંતિથી કામ કરવા દે છે? ઓફિસમાં ઇન્ટરનલ પોલિટિક્સ કેવું છે? આમાંથી કોઇપણ સવાલ તમે કોઇને પણ પૂછજો, મોટાભાગે એવો જ જવાબ મળશે કે જવા દો ને યાર, કંઇ વાત કરવા જેવી નથી. બધું ઠીક છે. કર્મચારીઓનું કોઇને કંઇ વિચારવું જ નથી. શોષણ જ કરવું છે. ઇન્ક્રીમેન્ટ કે પ્રમોશનની વાત હોય ત્યારે મોઢું ફેરવી લે છે. વાતો મોટિવેશન, ગોલ, ટાર્ગેટ, એચિવમેન્ટ, સક્સેસ અને ડેવલપમેન્ટની કરે છે, મોટી મોટી કંપનીઓનાં ઉદાહરણો આપે છે, કંઇક માંગવા જઇએ તો ચોખ્ખે ચોખ્ખી ના! આપવું કંઇ નથી, બસ ચૂસી લેવા છે!

કોઇને વળી બોસનો ત્રાસ છે. શાંતિથી કામ જ કરવા દેતા નથી. એક ભૂલ થઇ એટલે આવી બન્યું. ગમે ત્યારે ફોન કરી ખખડાવી નાખે. રિંગ વાગે અને મોબાઇલના ડિસ્પ્લેમાં એનું નામ જોવ ત્યાં મારા હાર્ટબીટ ફાસ્ટ થઇ જાય છે. રાતે ઊંઘ પણ માંડ માંડ આવે છે. ગમે ત્યારે ગમે તે પૂછે, આપણને બધું કંઇ મોઢે થોડું હોય! એટલું બધું કામ હોય કે રાતે ઘરે બેસીને પણ લેપટોપ પર કામ કર્યે રાખવું પડે.

હું તો સારા ચાન્સની જ રાહ જોઉં છું. બે જગ્યાએ તો વાત પણ ચાલે છે. ચાર વેબસાઇટ પર તો સીવી પણ અપલોડ કરી દીધો છે. નોકરી બદલું ત્યારે બધું મોઢામોઢ કહી દેવાનો છું કે આ કંપનીમાં શું પ્રોબ્લેમ છે! કેમ આપણે ગ્રો કરતા નથી. માઇનસ પોઇન્ટ્સનું આખું લિસ્ટ તૈયાર કરી રાખ્યું છે. ઘણી ઓફિસમાં વળી એવું સાંભળવા મળે છે કે અહીં તો ચમચાગીરી કરે એનું જ ચાલે છે. જી હજૂરી કરતાં આવડતું હોય તો જ આ કંપનીમાં કામ કરાય!

ભાગ્યે જ કોઇ એવી કંપની હશે જેના વિશે લોકો એવું કહેતા હોય કે ના યાર, કામ કરવાની મજા તો અહીં જ છે. હા, એવા લોકો દરેક કંપનીમાં હોય છે જેને કામ કરવાની મજા આવતી હોય પણ એવા લોકોની સંખ્યા ઘણી મોટી હોય છે જેને કંપની સામે ફરિયાદો હોય. વર્કિંગમાં કે સિસ્ટમમાં એમને કંઇ ને કંઇ પ્રોબ્લેમ હોય છે. એને સારી બાજુઓ દેખાતી જ નથી. કંપની કોઇપણ હોય એમાં કંઇ જ હંડ્રેડ પર્સન્ટ હોતું નથી. સારી બાબતો પણ હોય છે અને નરસી બાજુઓ પણ હોય છે. નોટ કમ્પ્લીટ બ્લેક, નોટ કમ્પ્લીટ વ્હાઇટ, ગ્રે હોય છે. ગ્રેમાં પણ ક્યાંક લાઇટ ગ્રે હોય છે અને ક્યાંક ડાર્ક ગે!

કારણ ગમે તે હોય, એક સર્વે એવું કહે છે કે 80 ટકા લોકોને પોતાના કામથી સંતોષ નથી. દસમાંથી આઠ લોકોને નોકરી બદલવી છે. બધાને પોતે જ્યાં કામ કરે છે તેનાથી અથવા તો પોતાને જે કામ સોંપવામાં આવ્યું છે એનાથી અસંતોષ છે. વેલ, હોઇ શકે, દરેકનાં સપનાનું જેમ ઘર હોય છે, સપનાની કાર હોય છે એમ સપનાની જોબ પણ હોય છે. જોબ બદલવાની ઇચ્છા થવી એમાં પણ કંઇ ખોટું નથી પણ એવા સતત વિચારોથી કામ પર અને માનસિકતા પર જે અસર થાય છે એ ખતરનાક હોય છે. જો ધ્યાન ન રાખે તો માણસ ધીમે ધીમે નેગેટિવ થઇ જાય છે.

જોબ વિશેનો આ સર્વે જોબ ઓફર કરતી એક ઓનલાઇન વેબસાઇટ દ્વારા કરવામાં આવ્યો છે. તેની વિગતો જોઇએ તો, 80 ટકા લોકોને નોકરી બદલવી છે. 60 ટકા લોકો એવા છે જેને પોતાની અત્યારની જોબમાં મજા નથી અાવતી. 20 ટકા એવા છે જેને અત્યારની જોબમાં કોઇ પ્રોબ્લેમ નથી પણ સારી ઓફર મળે તો નોકરી બદલવામાં કોઇ પ્રોબ્લેમ પણ નથી.
સવાલ એ થાય કે આ બધાને નોકરી બદલવી છે શા માટે? પગાર ઓછો છે એટલા માટે? એનો જવાબ છે ના! માત્ર 20 ટકા લોકોને જ પગાર સામે વાંધો છે. મતલબ કે પગાર ઓછો લાગે છે. નોકરી બદલવાનાં કારણો બીજાં જ છે! અડધો અડધ એટલે કે પચાસ ટકા લોકોને પોતાની ઓફિસના વર્ક-કલ્ચર સામે પ્રોબ્લેમ છે! કામ કરવાની મજા નથી આવતી! અમુક કંપનીઓ તો એવી છે જેના કર્મચારીઓ કહે છે કે, અત્યારે મળે છે એના કરતાં થોડોક ઓછો પગાર મળે તો પણ વાંધો નથી, કામ કરવાની મજા આવવી જોઇએ, કોઇ ખીટ-પીટ ન જોઇએ, રાતે સરખી ઊંઘ આવવી જોઇએ! 30 ટકા લોકોએ કહ્યું કે, હું જે કામ કરું છું એ જ ભંગાર છે, બોરિંગ છે અને એવું કામ કરવાનો કોઇ મતલબ નથી.

જોબ બદવાના સતત વિચાર આવતા હોય અને નવી જોબનો ક્યાંય મેળ ન ખાતો હોય ત્યારે એની સીધી અસર માનસિકતા ઉપર પણ પડતી હોય છે. માણસને મજા ન આવતી હોય તો તેની સીધી અસર કામ પર પડે છે. કામ સરખું અને સારું ન થાય એટલે ઠપકો મળે છે. તેના કારણે મૂડ બગડે છે. માણસ બગડેલા મૂડ સાથે ઘરે જાય અને પછી ઓફિસની ખીજ ઘરમાં ઊતરે છે. માણસ હતાશ થઇ જાય છે. નબળા કામથી માણસની ઓવરઓલ ઇમેજ બગડે છે.

માણસની નિષ્ફળતાનું એક અને સૌથી મોટું કારણ છે, કામ પ્રત્યે અરુચિ. ઓફિસની પરિસ્થિતિ ગમે તેવી હોય પણ તેની અસર કામ પર અને કાર્યક્ષમતા પર ન પડવી જોઇએ. તમારું કામ તો બેસ્ટ જ હોવું જોઇએ. ડો. એ.પી.જે. અબ્દુલ કલામે કરેલી વાત તો બહુ જાણીતી છે કે લવ યોર જોબ, ડોન્ટ લવ યોર કંપની. એપલના સ્થાપક સ્ટીવ જોબ્સે પણ સરસ વાત કહી છે કે, ધ ઓન્લી વે ટુ ડુ ગ્રેટ વર્ક ઇઝ ટુ લવ વોટ યુ ડુ. સારા લોકોની દરેક કંપનીને જરૂર હોય જ છે અને તમે સારા તો જ લાગશો અને સારા તો જ રહેશો, જો તમે તમારું કામ બેસ્ટ રીતે કરશો. તમે બેસ્ટ કામ કરતા હશો તો તમારે નોકરી શોધવા પણ નહીં જવું પડે, હરીફ કંપની જ તમને શોધતી આવશે. ગમે તે થાય, કામ ઉપર શેનીયે અસર આવવી ન જોઇએ, તમારું કામ જ તમને સફળતા અપાવશે.

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 06 નવેમ્બર 2016, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

6-11-16_rasrang_26-5 in size.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: