તારે કોઈ વાત સમજવી છે કે નહીં?
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
 
હર ઇક કશ્તી કા અપના તજુર્બા હોતા
હૈ દરિયા મેં,
સફર મેં રોજ હી મઝધાર હો, ઐસા નહીં હોતા,
સિખા દેતી હૈ ચલના ઠોકરેં ભી રાહગીરોં
કો,
કોઈ રાસ્તા સદા દુશ્વાર હો, ઐસા નહીં હોતા.
-નિદા ફાઝલી
સમજ એટલે શું? સમજની કોઈ વ્યાખ્યા ખરી? કેટલી આવડત હોય તો માણસ સમજદાર ગણાય? સમજણ ઉંમરથી આવે? અનુભવો માણસને સમજદાર બનાવે છે? આ અને આવા બીજા સવાલ પૂછે તો દરેક માણસ પોતાની રીતે
જવાબ આપે. તેનું કારણ એ છે કે દરેક માણસ પોતાના પૂરતો સમજુ હોય
છે. સમજદારી વિશે સવાલો અને વિવાદો થતા રહે છે. તેનું કારણ એ હોય છે કે એક વ્યક્તિની સમજદારી બીજી વ્યક્તિ
કરતાં જુદી હોય છે. તમે જેને સારું સમજતાં હોય એ બીજાને
સારું ન પણ લાગે. કદાચ તમે જેને સારું સમજતાં હોય એ
બીજાને ખરાબ પણ લાગે. દરેકનું પોતાનું સત્ય હોય છે. આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે તું તારી જગ્યાએ સાચો
હોઈશ, પણ હું મારી જગ્યાએ સાચો છું. ઘણી વખત તો આપણને એવું પણ લાગે છે કે બધા જ એની જગ્યાએ
સાચા છે. બધા જ સાચા હોય છે, પણ કોઈ એક વાતે સંમત હોતા નથી.
કોઈની સમજ બાબતે માણસ જજ બની જતો હોય
છે. તારે આમ કરવું જોઈએ, તારું આ ડિસીઝન સાચું નથી. આપણને ઘણી વખત કોઈનો નિર્ણય સાચો લાગતો
નથી, કારણ કે એનો નિર્ણય આપણા નિર્ણય સાથે મેચ ખાતો નથી. અમુક કામ કરવા વિશે એક બાપ-દીકરા વચ્ચે ચર્ચા થતી હતી. દીકરાએ કહ્યું કે મેં નક્કી કરી નાખ્યું
છે કે મારે આમ કરવું છે. પિતાએ કહ્યું કે, તેં જો નક્કી જ કરી નાખ્યું હોય તો ચર્ચા કરવાનો મતલબ
નથી. હા, કોઈ વાત વિશે ચર્ચા કરવાનો અવકાશ હોય
તો આપણે ચર્ચા કરીએ. તારી વાત મને સાચી નથી લાગતી, પણ એનો મતલબ જરાયે એવો નથી કે તારો નિર્ણય ખોટો છે. હું મારી બુદ્ધિથી વિચારું છું. મારી ક્ષમતાથી વિચારું છું. મને થયેલા અનુભવોના આધારે વાતો કહું છું. તારી ક્ષમતા અલગ હોઈ શકે છે. હા, તને એટલું કહું છું કે તું સફળ થઈશ કે નિષ્ફળ, હું હંમેશાં તારી સાથે હોઈશ.
મોટા ભાગે આપણે આપણી સમજ બીજા ઉપર
ઠોકી બેસાડતાં હોઈએ છીએ. આપણે ઇચ્છીએ એવું જ આપણી વ્યક્તિ કરે
એવો આગ્રહ રાખીએ છીએ. ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણું
ન માને એ આપણાથી સહન નથી થતું. આપણે એવું પણ બોલી દેતા હોઈએ છીએ કે, કરવા દે એને જે કરવું હોય એ, પછડાટ ખાશે ત્યારે એને ભાન થશે. આપણું કોઈ માને નહીં ત્યારે કેમ આપણે એનું ભલું ઇચ્છતા
નથી? આપણી સમજ કેમ ત્યારે આપણા સુધી જ આવીને અટકી જાય છે? માણસ પોતાની વ્યક્તિને વધુ આપી શકે છે, પણ ભૂલ કરવાનો અધિકાર આપતી નથી. બનવા જોગ છે કે એ ભૂલ ન પણ કરે! તારી ચિંતા થાય છે એટલે તને ના પાડું છું એવું આપણે
કહીએ છીએ. આપણે એ નથી વિચારતાં કે આપણી ચિંતા એના માટે અવરોધ તો
નથી બની જતીને?
ઉંમરમાં નાના હોય એટલે સમજ ઓછી હોય
એવું જરૂરી નથી. મોટી ઉંમરની દરેક વ્યક્તિ સમજદાર હોતી નથી. સાવ સાચું પૂછો તો સમજ અને ઉંમરને ખાસ કંઈ લાગતુંવળગતું
નથી. આપણે ત્યાં કહેવત છે કે બારે બુદ્ધિ અને સોળે સાન આવી
તો આવી. બાર વર્ષના બાળકમાં બુદ્ધિ આવી જાય છે. હા, એના પૂરતી તો હોય જ છે. વાંધો ત્યારે પડે છે જ્યારે આપણે તેર વર્ષના છોકરા કે
છોકરીને અણસમજુ સમજીએ છીએ. તેરનું શું, સંતાન ત્રીસનું થઈ જાય પછી પણ ઘણાં મા-બાપ તેને નિર્ણય કરવા દેતાં નથી.
એક દીકરીએ કરિયર વિશે પિતાને થોડાક
પ્રશ્નો પૂછ્યા અને નિર્ણયમાં મદદ કરવા કહ્યું. નિખાલસ પિતાએ હસીને કહ્યું કે, દીકરા, તારા નિર્ણય તું જ લે. મેં તો મારી જિંદગીમાં જેટલા નિર્ણયો લીધા છે એ ખોટા સાબિત થયા છે. દીકરીએ કહ્યું કે, પપ્પા, હું તમને એટલા માટે સમજુ માનું છું કે તમે પોતે તમારા
નિર્ણય લીધા છે.
ખોટા પડ્યા એનાં કારણો જુદાં છે. જિંદગીના બધા જ નિર્ણયો સાચા પડે એ જરૂરી તો નથી. હું તમને મારા વતી નિર્ણય કરવાનું નથી કહેતી, મારે તો ફક્ત એ જોવું છે કે, મારા નિર્ણય વિશે તમે શું માનો છો? મારા નિર્ણયમાં મને તમારા અનુભવની જરૂર છે, જેથી હું કોઈ ભૂલ કરી ન બેસું!
સમજણ વ્યક્તિગત હોય છે. અંગૂઠાની છાપની જેમ બે વ્યક્તિની સમજણ પણ એકસરખી ન હોઈ
શકે. જો લોકોની સમજણ એકસરખી હોત તો કદાચ દુનિયામાં આટલા વિવાદ
ન હોત. જો બધા એકસરખું વિચારતાં હોત તો કદાચ દુનિયા આટલી રોમાંચક
ન હોત અને સંબંધો આટલા કોમ્પ્લિકેટેડ ન હોત. એક પતિ-પત્ની હતાં. બંને વચ્ચે વિચારભેદ હતા. બંને અનેક બાબતે જુદું જુદું વિચારતાં, છતાં બંને સાથે રહેતાં હતાં. એક વખત પત્નીએ પૂછ્યું કે આપણે બંને અનેક મુદ્દે જુદાં
જુદાં છીએ, છતાં કેમ સાથે રહી શકીએ છીએ? પતિએ બહુ સહજતાથી કહ્યું કે, તારી વાત સાચી છે. આપણે અનેક મુદ્દે અલગ પડીએ છીએ. આમ છતાં એક મુદ્દે એકસરખું વિચારીએ છીએ કે તું મને પ્રેમ કરે છે અને હું તને
પ્રેમ કરું છું. તું મારી સમજ જેટલી છે એને સ્વીકારે છે અને હું તારી
સમજણને આવકારું છું. આપણે એકબીજાનું સન્માન કરીએ છીએ.
તમે જો તમારી વ્યક્તિની વાત સમજી શકતા
હોવ તો તમે સમજુ છો. જો તમને ખબર હોય કે તમારી વ્યક્તિની
પણ પોતાની માન્યતા, પોતાના ગમા, પોતાના અણગમા, પોતાની ઇચ્છા અને પોતાની અનિચ્છા હોય છે તો તમે સમજુ છો. જો તમે તમારાથી અલગ વિચારોને અપનાવી શકો તો તમે સમજુ
છો. આપણા સિવાયની પણ કોઈ ‘સમજ’ હોઈ શકે છે એવું માનતા હોય તો તમે સમજુ છો. આ દુનિયા મારા સિવાય પણ સમજુ લોકોથી ભરેલી છે એવી તમને
ખબર હોય તો તમે સમજુ છો.
એક માણસ સંત પાસે ગયો. તેણે કહ્યું કે મને કોઈ સમજતું નથી. સંતે કહ્યું કે, હવે તું એવું ઇચ્છે કે હું તને સમજું? જો હું તારી વાતમાં સંમતિ આપીશ તો તને એવું લાગશે કે હું તને સમજ્યો. જો હું તારી સાથે સંમત નહીં થાઉં તો તું એમ કહીશ કે
હું પણ તને નથી સમજતો. મોટા ભાગે એવું થતું હોય છે કે આપણે
આપણી વ્યક્તિની વાત સમજતા હોતા નથી. એટલે આપણે એવું કહીએ છીએ કે એને કોઈની
વાત સમજવી જ નથી. આપણા વિચારોનું આધિપત્ય કોઈના પર લાદવું
એ પણ એક જાતનો અપરાધ જ છે. સાચી વાત એ છે કે તમે તમારી વ્યક્તિને
એના વિચારો મુજબ જીવવા દો. હા, એ જો ખોટા રસ્તે હોય તો એને સમજાવો, એ જે રસ્તે જતા હોય તેનાં જોખમોથી એને અવગત કરો, છતાં પણ જો એને એની જ વાત સાચી લાગતી હોય તો એને કરવા દો.
કોઈ પણ માણસ નવી કેડી કંડારવા જતો
હોય ત્યારે પહેલી નજરે લોકો એવું જ કહેવાના છે કે બીજો પાક્કો રસ્તો તૈયાર છે તો પણ
તારે નવો રસ્તો શા માટે બનાવવો છે? એને બનાવવા દો, કદાચ એને પોતાના બનાવેલા રસ્તે જ ચાલવું હોય. એક પિતાની આ વાત છે. એની પોતાની ઇન્ડસ્ટ્રીઝ હતી. હું મારા દીકરા માટે ભવ્ય વારસો છોડી
જઈશ એવી તેને તમન્ના હતી. એ જે કંઈ કરતા તેની પાછળ ઇરાદો એ જ
હતો કે દીકરા માટે બધું તૈયાર કરતો જાઉં. દીકરો મોટો થયો. બિઝનેસ સંભાળવાની વાત આવી ત્યારે દીકરાએ
કહી દીધું કે માફ કરજો પપ્પા, મારે આ બિઝનેસ નથી કરવો, મને આર્ટમાં રસ છે. મારે મારી દુનિયામાં જીવવું છે. મને રૂપિયા કમાવવામાં રસ નથી. પિતાને આઘાત લાગ્યો. તેને થયું કે જેના માટે મેં બધું કર્યું
એ દીકરો હવે મારી મહેનત પર પાણી ફેરવવા બેઠો છે. રાતના એને વિચાર આવ્યો કે એ મારી મહેનત ઉપર પાણી ફેરવવા બેઠો છે કે હું એની
ઇચ્છા અને જિંદગી પર પાણી ફેરવવા તૈયાર થયો છું? સવારે તેણે દીકરાને કહ્યું કે, તું તારી જિંદગી તારી રીતે જ જીવજે. તારી સુખની વ્યાખ્યા કદાચ મારા કરતાં જુદી છે. મારી ઇચ્છા છેવટે તો એ જ છે કે તું સુખી રહે, તું તારી રીતે સુખી થઈ શકતો હોય તો મને એને આડે આવવાનો કોઈ અધિકાર નથી.
માણસ બહુ નાજુક ચીજ છે. સમજણ ઘણાંમાં હોય છે, પણ એને વાપરતા બહુ ઓછા લોકોને આવડતું હોય છે. સમજણની ટક્કર થાય ત્યારે હાર-જીત કરવાની હોતી નથી, પણ એકબીજાની સમજણને સ્વીકારવાની હોય
છે. કોઈને અણસમજુ સમજી લેવામાં ઘણી વખત આપણી સમજણ જ થાપ
ખાઈ જતી હોય છે. કોઈની સમજ જુદી હોય એટલે એ અણસમજુ બની જતા નથી. આપણે કોઈને સમજીને ઘણી વખત આપણી સમજનું જ સન્માન કરતાં
હોઈએ છીએ.
છેલ્લો સીન :
જિંદગી મેં સારા ઝઘડા હી ખ્વાહિશોં
કા હૈ, ના તો કિસી કો ગમ ચાહિયે ઔર ના હી કિસી કો કમ ચાહિયે…   -અજ્ઞાત.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 17 ફેબ્રુઆરી 2016, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *