આપણો પોતાની સાથે પણ એક સંબંધ હોય છે 

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઇસ તરહ ટૂટ કે રહ જાતે હૈં સારે બંધન, જૈસે આપસ મેં કિસી કા કોઈ રિશ્તા હી નહીં,

ઇસસે બઢકર તેરા દુનિયા મેં શનાસા હી નહીં, તૂને આઇના કભી ગૌર સે દેખા હી નહીં.

(શનાસા – ઓળખીતો)      -ફિરાક ગોરખપુરી

જીવન સંબંધોનું બનેલું છે. દરેક માણસ એક જિંદગીમાં કેટલા બધા સંબંધ જીવતો હોય છે? આપણી નજીકના લોકોને રાજી રાખવા આપણે કેટલા બધા પ્રયાસો કરતાં હોઈએ છીએ? આપણી જાત ઘસીને પણ આપણે આપણા લોકોને ખુશ રાખતા હોઈએ છીએ. મારા પ્રેમીને આવું ગમે છે, મારા પતિને આ ભાવે છે, મારી બહેન માટે આવું કરીશ તો એ ખુશ થઈ જશે, મારા ભાઈ માટે આ લેવું છે, મારા દોસ્તને મારે સરપ્રાઇઝ આપવી છે, મારા કલીગને મારે મદદ કરવી છે! મૂરખ બનીએ એ હદ સુધી આપણે બીજા માટે કંઈક કરતા રહીએ છીએ. ઘણી વખત તો આપણને ખબર હોય છે કે આપણે ગમે તે કરીશું તોપણ એને કોઈ ફેર પડવાનો નથી છતાં આપણે જે કરવું હોય એ કરીએ છીએ. દરેક માણસને પોતાના સંબંધની કદર હોય છે.
આપણે બધા સાથેના સંબંધો જાળવીએ છીએ, પણ આપણે આપણી જાત સાથેના સંબંધમાં કેટલા વફાદાર હોઈએ છીએ? આપણો આપણી પોતાની સાથે પણ એક સંબંધ હોય છે. તમે આ સંબંધ નિભાવો છો? નિભાવો છો તો કેવી રીતે નિભાવો છો? ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને માણસ પોતે જ પોતાનો દુશ્મન છે. તમે તમારા મિત્ર છો કે દુશ્મન? તમે ક્યારેય વિચાર કર્યો છે કે હું મારી જાત સાથે કેવો સંબંધ રાખું છું?
એક છોકરી હતી. એ ખૂબ સુંદર હતી. કુદરતે તેેને અનુપમ સુંદરતા આપી હતી. એ કોઈ દિવસ બ્યુટીપાર્લર ન જતી. પાર્લરમાં જવાની એને ક્યારેય જરૂર જ નહોતી લાગતી. એક વખત તેની એક ફ્રેન્ડ એને ધરાર પાર્લરમાં લઈ ગઈ. પાર્લરની બ્યુટિશિયને તેની સુંદરતાનાં વખાણ કર્યાં. સાથોસાથ એને પૂછયું કે તું કેમ કોઈ દિવસ પાર્લર આવતી નથી? પેલી છોકરીએ કહ્યું કે મને જરૂર જ લાગતી નથી. બ્યુટિશિયને કહ્યું કે તારી વાત સાચી છે. તને જરૂર નથી, છતાં પણ તારે આવવું જોઈએ. તેણે કહ્યું કે, પેમ્પર યોરસેલ્ફ! તારી જાતને થોડાક લાડ લડાવ. એમાં કશું ખોટુું નથી. સુંદર હોવું સારું છે, પણ તેનાથી પણ વધુ જરૂરી એ છે કે સુંદરતાનો અહેસાસ હોવો. દરેક વ્યક્તિને હોય તેના કરતાં થોડાક વધુ સુંદર દેખાવાનો તેને અધિકાર છે! તમે તમારી જાતને પેમ્પર કરો છો? પેમ્પર કરવું એટલે માત્ર બ્યુટીપાર્લર જવું એવો મતલબ નથી. પેમ્પર કરવું એટલે કંઈક એવું કરવું જે પોતાને ગમતું હોય,માત્ર ને માત્ર પોતાના માટે કરતા હોય, પોતાની જાતને લાડકી કરતા હોય અને સરવાળે પોતાને જ પ્રેમ કરતા હોય! ર્નાિસસ હોવું એ એક્સ્ટ્રીમ છે, પણ જાતને વાજબી રીતે પ્રેમ કરવો વાસ્તવિકતા છે!
ઘણા લોકો એવા પણ હોય છે જે આખી દુનિયા માટે ખર્ચ કરે છે, પણ પોતાના માટે લોભ કરે છે! કોઈને કંઈ અપાવવા માટે એ જરાયે વિચાર કરતા નથી, પણ પોતાના માટે હંમેશાં કંજૂસાઈ કરે છે. તમે દુનિયા માટે ઉદાર હોવ છો પણ તમારી જાત સાથે તો કંજૂસ જ હોવ છો! એડોલ્ફ હિટલરે કહ્યું છે કે, તમારા મૃત્યુ વખતે જેટલું બેન્ક બેલેન્સ હોય એ એવું બતાવે છે કે તમે એ બેલેન્સ છે એટલું કામ વધારે કર્યું છે, જેની જરૂર ન હતી! અલબત્ત, બધું ઉડાડી દેવાની જરૂર નથી પણ પોતાના માટે પણ કંઈક કરવું જાઈએ. આપણે એ કરતાં હોતા નથી. આખી દુનિયા સમક્ષ આપણે સારા થઈએ છીએ પણ આપણી જાત સાથે આપણે ઘણી વખત સારા થતાં હોતા નથી. માત્ર ખર્ચ કરવાથી પણ સારું નથી થઈ જવાનું, મોટાભાગે તો પોતાનો આનંદ એવો હોય છે જેની પાછળ કોઈ ખર્ચ થતો નથી!
તમે બે મિનિટ એ વિચારો કે તમને શું ગમે છે? એ પછી એવું વિચારો કે છેલ્લેે તમે ક્યારે એ કર્યું હતું? બાળક દરિયાના પટમાં રેતીનું ઘર બનાવતાં હોય છે, એ ઘર કાયમી હોતું નથી પણ એ ઘર બનાવવામાં એને મજા આવતી હોય છે. જિંદગીમાં કારણ વગરની મજાનું બહુ મોટું મહત્ત્વ હોય છે. આપણે બધામાં કારણ શોધતા ફરીએ છીએ અને એમાં આપણે આપણને જ ઘણી વખત ભૂલી જઈએ છીએ! તમારે જે કરવું હોય છે એ કરતાં તમને કાઈ રોકતું હોતું નથી, આપણે જ આપણી જાતને રોકતા હોઈએ છીએ. મનને આપણે રેઢું મૂકી જ શકતા નથી. આપણાં જ મનને આપણે ગૂંગળાઈ જઈએ એ હદે પકડી રાખીએ છીએ. માત્ર મજા આવે એટલા ખાતર જ તમે શું કરો છો? કંઈ ન કરતા હોવ તો કરો અને તેને હન્ડ્રેડ પર્સન્ટ ફીલ કરો! ટ્રેનમાં જતાં હોવ ત્યારે તમને બારીમાંથી પસાર થતાં દૃશ્યો જોવાં ગમે છે કે પછી ટ્રેનમાં લાંબા થઈને વાંચવું ગમે છે? ઈયર ફોન કાનમાં નાખીને ગીત કે ગઝલ સાંભળવાની મજા આવે છે કે પછી ટેબલેટમાં સર્ફ કરવાની? દરિયામાં નહાવું ગમે છે કે ભીની રેત પર પગલાં પાડવાં? રાતના અંધારામાં ખુલ્લામાં જઈને બેસવું ગમે છે કે પછી સવારનો ઊગતો સૂરજ જોવાની મજા આવે છે? મેઘધનુષ જોઈને તમે ઊભા રહીને એ જુઓ છો કે કયો રંગ કેવી રીતે બીજા સાથે મિક્સ થાય છે? પતંગિયાની પાંખમાં તમને રંગોળી દેખાય છે? હસતાં બાળકનેે જોઈને તમારા દિલમાં ટાઢક જેવું કંઈ થાય છેે? પંખીઓનો કલરવ સાંભળીને તમને કુદરતના અનુપમ ઓર્કેસ્ટ્રાનો અહેસાસ થાય છે? વહેતા ઝરણામાં પગ બોળીને થોડી વાર બેસી રહેવાનું મન નથી થતું? દરેકને કંઈક તો ગમતું જ હોય છે. તમને પણ કંઈક ગમતું હશે. તમને ગમે છે એ તમે કેમ નથી કરતા?
આપણે આપણી સાથે હોઈએ ત્યારે જ આપણી સંવેદનાઓ સોએ સો ટકા સક્રિય હોય છે. પોતાની અનુભૂતિ થાય એવી પળો જિંદગીમાં બહુ ઓછી આવતી હોય છે. તમને છેલ્લે ક્યારે તમારી અનુભૂતિ થઈ હતી? તમે તમારી જાતને ક્યારે મહેસૂસ કરી હતી?એક યુવાન હતો. એ નેવીમાં ઓફિસર હતો. એક દિવસ એ એક હોસ્પિટલમાં ગયો. હોસ્પિટલમાં પ્રવેશ કર્યો કે તરત જ એક નર્સ દોડીને આવી. નર્સે યુવાનનેે કહ્યું કે જલદી ચાલો, તમારા ફાધર ડેથબેડ પર છે, કદાચ એ તમારી જ રાહ જુએ છે. નર્સ તેને બેડ પાસે લઈ ગઈ. પેશન્ટની આંખો ખૂલતી ન હતી. નર્સે કહ્યુુું કે, જુઓ તમારો સન આવી ગયો. પથારી પર પડેલા એ માણસનો હાથ સળવળ્યો. દીકરાએ એ હાથ પકડી લીધો. આંગળામાં આંગળા પરોવીને ક્યાંય સુધી એ બેઠો રહ્યો. પિતાના હાથમાં ગજબની હળવાશ હતી. એક સંતોષ એ સ્પર્શમાં હતો. ધીરે ધીરે હાથ ઢીલો થઈ ગયો. નર્સેે આવીને કહ્યું કે, હવે એ નથી! હળવેથી હાથ છોડાવ્યો. નર્સેે કહ્યું કે, સારું થયું તમેે આવી ગયા. મારો મેસેજ તો તમને મળી ગયો હતોનેે?
ભીની થઈ ગયેલી આંખો લૂછીનેે પેલા યુવાને કહ્યું કે, ના. મને કોઈ મેસેજ નથી મળ્યો. હું તો એ માણસનો દીકરો પણ નથી! છતાં હું આ પળ જીવ્યો છું. એક કમી લાગતી હતી એ પૂરી થઈ. મારા પિતા જ્યારે અવસાન પામ્યા ત્યારે હું નેવીની ફરજ પર હતો. આવ્યો ત્યાં સુધીમાં તો પિતાની અંતિમવિધિ પણ પતી ગઈ હતી. એક અફસોસ રહી ગયો હતો કે હું પિતાની અંતિમપળ વખતે હાજર ન હતો. આજે જાણેે એ અફસોસથી હું મુક્ત થઈ ગયો! આ સમય મારી જિંદગીનો ઉત્તમ સમય હતો. થેંક્યુ સિસ્ટર, મને મારી સાથે જ મળાવવા માટે! જિંદગી આખી દુનિયા માટે છે પણ સૌથી પહેલાં તો તમારા માટે છે. બધાં માટે બધું કરો પણ તમારી પોતાની જાતને અન્યાય ન થઈ જાય એની પણ તકેદારી રાખો. તમે તમારી જાત સાથેનો સંબંધ બરાબર નિભાવો છોનેે?      
છેલ્લો સીન : 
જે માણસ પોતાને પ્રેમ કરતો હોતો નથી એ જ્યારે બીજાને પ્રેમ કરે છે ત્યારે મોટા ભાગે ઢોંગ કરતો હોય છે. -કેયુ
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 07 સપ્ટેમ્બર, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *