મારે તો બસ મારા જેવા જ થવું છે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ખુદ યકીં હોતા નહીં જિનકો અપની મંઝિલ કા,
ઉનકો રાહ કે પત્થર કભી રાસ્તા નહીં દેતે.
-ગોપાલ મિત્તલ
બે ભગવાન પણ તદ્દન એકબીજા જેવા નથી હોતા તો પછી બે માણસ ક્યાંથી એકસરખા હોવાના? દરેક માણસનું એક વજૂદ છે. દરેક માણસ સ્પેશ્યિલ છે. દરેક માણસ વિશિષ્ટ છે. તમે પણ જુદાં છો. તમારામાં પણ એવું કંઈક છે જે કોઈનામાં નથી. બે સંત પણ એકસરખા નથી હોતા અને બે ખૂની પણ ક્યાં એકસરખા હોય છે? દરેકની પોતાની ખૂબી હોય છે. તમને ખબર છે તમારામાં શું ખૂબી છે? ઘણાંને એ ખબર હોય છે અને ઘણાંને એ ખબર નથી હોતી! જો તમને જ તમારી ખબર નહીં હોય તો કોઈને ક્યારેય ખબર પડવાની નથી.
તમારે સફળ કે મહાન બનવું છે? તો એક રસ્તો સાવ સીધો અને અત્યંત સરળ છે. તમે જે કરતા હોવ એ પ્રામાણિકતાપૂર્વક અને ખંતપૂર્વક કરતા રહો. વહેલી કે મોડી સફળતા તમારી નજીક સરકીને આવી જ જશે. જે કરો છો એને છોડી ન દો. જે કરો છો એને અધૂરું ન મૂકો. સતત કરતા રહો. જૂના સમયની એક વાત છે. એક વેપારી હતો. ગામમાં સારી નામના અને ધંધો ધરાવતો હતો. તેનો દીકરો મોટો થયો. દીકરાને થયું કે મારે પણ પિતાના જેવું જ નામ કાઢવું છે. પિતાને કહી એ ધંધા પર કામે લાગ્યો. દીકરો ચંચળ હતો. બપોર થાય એટલે થોડી વાર ઊંઘ ખેંચી લે. સાંજ પડે એટલે મિત્રો સાથે રમવા ચાલ્યો જાય. પિતા તેના દરેક વર્તન પર નજર રાખતા હતા. એક દિવસ પિતાએ કહ્યું કે, તું ગમે તે એક કામ કર. કાં રમ, કાં ભણ અને કાં ધંધા પર કામ કર. પિતાએ પછી એક જ સલાહ આપી કે દીકરા, સારા વેપાર માટે થડો તપવો જોઈએ. થડો ત્યારે જ તપે જો આપણે સતત થડે બેઠા રહીએ. શ્વાસ સતત ચાલે છે એટલે જ જિંદગી છે. શ્વાસ વચ્ચે થોડી વાર અટકી જાય તો? જે કોન્સ્ટન્ટ છે એ જ સત્ય છે અને જે સત્ય છે એ જ સનાતન છે.
માણસ સતત કંઈ કરતો રહે તો જ એ અપડેટેડ રહી શકે છે. હમણાં એક વેલનોન ડોક્ટરને મળવાનું થયું. એ તેના ફીલ્ડમાં એક્સપર્ટ છે. તેમને સફળતાનું કારણ પૂછયું. તેમણે કહ્યું કે મારી સફળતાનો રાઝ બહુ સીધો સાદો છે. હું રોજ અભ્યાસ કરતો રહું છું. મેડિકલ હોય કે બીજું કોઈ પણ ફીલ્ડ હોય, દરરોજ નવાં નવાં પરિવર્તનો આવતાં રહે છે. તમારે એ પરિવર્તનો સાથે જીવવું પડે છે. હું દરરોજ છ કલાક દવાખાનામાં પ્રેક્ટિસ કરું છું અને દરરોજ ચાર કલાક વાંચું છું. માણસ દરરોજ ગ્રો થાય છે, તેની સાથોસાથ નોલેજ પણ ગ્રો થવું જોઈએ. આગળ રહેવા માટે તમે અટકી ન શકો. અટકે છે એ જ ભટકે છે.
તમારે સફળ બનવું હોય તો પહેલાં પોતાના જેવું બનવું જોઈએ. નક્કી કરો કે મારે મારા જેવું જ બનવું છે. તમારી ખૂબી તપાસો. તમારી ખામી પણ તપાસો. આ ખામીને કઈ રીતે ઓવરકમ કરવી એ શોધી કાઢો. બે મિત્રો હતા. એકની યાદશક્તિ જબરદસ્ત હતી. બીજાને બહુ યાદ રહેતું નહોતું. પહેલો મિત્ર સતત આગળ રહેતો. બીજા મિત્રએ વિચાર્યું કે એની ખૂબી શું છે? યાદશક્તિ એ એની ખૂબી છે. મને યાદ રહેતું નથી એટલે હું તેનાથી પાછળ રહું છું. મારે આ ખામી કઈ રીતે સુધારવી? હું યાદશક્તિ તો વધારી ન શકું. તેણે રસ્તો શોધી કાઢયો. જે યાદ રાખવાનું હોય તે એક ડાયરીમાં ટપકાવી લે અને જરૂર પડે ત્યારે તેને યાદ કરી લે. તેણે કહ્યું કે યાદ ન રાખી શકવાનો તોડ મેં એવી રીતે શોધ્યો કે જે યાદ ન રહેતું હોય તેને ભૂલવા જ ન દેવું! તમને તમારી ખામી ખબર છે?સફળતા માટે ખૂબીની સમજ કરતાં ખામીની ઓળખ હોય એ વધુ જરૂરી છે. ખબર હશે તો જ તમે એ ખામીને દૂર કરી શકશો.
તમારામાં જે ખામી હોય એ ખુલ્લા દિલે સ્વીકારી લો અને તેને દૂર કરવાના પ્રયત્નો કરો. મશહૂર ફિલ્મ અદાકાર નસીરુદ્દીન શાહે કરેલી આ વાત છે. નસીરુદ્દીને કહ્યું કે હું જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે સતત મને એમ થતું કે હું ફિલ્મમાં કેવી રીતે ચાલુ?મારો તો ક્યાંય ગજ જ ન વાગે! નથી મારા દેખાવમાં કંઈ ઠેકાણાં, મારો ચહેરો પણ કોઈ સ્ટાર જેવો નથી, મારી હાઈટ પણ ઓછી છે, ડાન્સ પણ કંઈ મને બહુ આવડતો નથી. આપણે ફિલ્મોમાં નહીં ચાલીએ! આ વિચાર જ મને આડે આવતો હતો, મને રોકતો હતો. એક દિવસે સવારે મેં વિચાર કર્યો. મારી જાતને જ કહ્યું કે ભાઈ નસીરુદ્દીન, તારી પાસે જે છે એનાથી જ તારે કામ ચલાવવાનું છે. તું તારાં રૂપ, રંગ અને આકારને બદલી નહીં શકે એટલે એની ચિંતા છોડ. તું જે બદલી શકે છે તેના પર ધ્યાન આપ. મેં પછી એક્ટિંગમાં પ્રાણ રેડવાનું શરૂ કર્યું. મેં નક્કી કર્યું કે હું જે કંઈ કરીશ એ દિલથી કરીશ, મારી તમામ તાકાત અને બધી જ આવડત નિચોવી નાખીશ. બસ, હું એ કરતો રહ્યો અને અત્યારે જ્યાં છું ત્યાં સુધી પહોંચ્યો. જો હું મારી જ ખામીઓમાંથી બહાર આવ્યો ન હોત તો હું જે છું એ બની શક્યો ન હોત. અમિતાભ જેવા દેખાવાથી અમિતાભ બની જવાતું નથી!
ગાંધીજીએ જ્યારે આઝાદી માટે લડત શરૂ કરી ત્યારે એમને ખાતરી હતી કે દેશને એક દિવસ આઝાદી મળી જ જશે? કદાચ નહોતી. તેમને એટલી ખબર હતી કે હું શરૂઆત કરીશ અને મારા પ્રયાસો ચાલુ રાખીશ તો કંઈક પરિણામ તો મળશે જ. ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે એને જ ગાંધીજી અનુસર્યા હતા કે કર્મ કર્યે જા. ફળની ચિંતા ન કર. ફળની ચિંતા ન કરવાનું ભગવાને એટલે કહ્યું છે કે ફળ તો મળવાનું જ છે. કોઈ કર્મ ફળ વગરનું હોતું જ નથી. ફળની રાહ ન જુઓ, ફળ માટે કંઈ ન કરો, કારણ કે એ તો મળવાનું જ છે. તમે બસ જે કરતાં હોય એ કરતાં રહો.
આપણે કોન્સ્ટન્ટ કંઈ કરતા નથી. બદલતા રહીએ છીએ. સફળતા ન મળે એટલે પડતું મૂકી દઈએ છીએ. માની લઈએ છીએ કે હવે આમાં સફળ નહીં થવાય. શંકા જ સફળતાને અટકાવે છે. આપણા જેવું જ બનવું એટલે આપણી આવડતને વળગી રહેવું. આપણને ખબર હોય કે મેં મારી આ વસ્તુ અહીં મૂકી છે તો આપણે અંધારામાં પણ એ શોધી લઈએ છીએ. ખબર ન હોય તો? તમને તમારી ખબર હોય તો તમે તમારી અંદર જે છે એને શોધી જ લેવાના છો. બીજાની ચિંતા ન કરો, બીજાની કોપી ન કરો, ઉદાહરણોને સમજો પણ ઉદાહરણોને આંખો મીંચીને અપનાવી ન લો, તમારી વ્યાખ્યા તમે જ નક્કી કરો, તમારો રસ્તો તમે જ બનાવો, આખી દુનિયા કોઈએ બનાવેલા રસ્તે જ ચાલતી રહે છે અને એટલે જ મોટાભાગના લોકો મીડિયોકર બની જાય છે. કોઈ મહાન માણસ પહેલા ધડાકે સફળ નથી થયો, એ પોતાની ખૂબી શોધતા ગયા અને ખામીઓ દૂર કરતા ગયા. તમારે પણ તમારામાંથી તમને શોધવાના છે, એ મળી જાય તો જ તમે તમારા જેવા બની શકો. સફળતા ‘યુનિક’ હોય છે, માણસ પણ ‘યુનિક’ હોય છે. આપણને એટલો અહેસાસ હોવો જોઈએ કે હું પણ ‘યુનિક’ છું.
છેલ્લો સીન :
I am thankful to all those who said no to me, it’s becuase of them, I did it myself. -Einstein
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 31 ઓગસ્ટ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)