જિંદગી કોઇ વાતની ગેરંટી આપતી નથી!
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
રફ્તા રફ્તા યહી ઝિંદાં મેં બદલ જાતે હૈ, અબ કિસી શહર કી બુનિયાદ ન ડાલી જાયે!
વો મુરવ્વત સે મિલા હૈ તો ઝુકા દી ગરદન, મેરે દુશ્મન કા કોઈ વાર ન ખાલી જાયે!
(ઝિંદાં=જેલ / મુરવ્વત=નમ્રતા) -અહમદ ફરાઝ
માણસને દરેક વાતમાં ખાતરી જોઈએ છે. આપણે બધાએ જે કંઈ કરવું છે એ કાયમી, નિશ્ચિત અને પરમેનન્ટ કરવું હોય છે. હું કરું એ ટકવું જોઈએ, હું કરું એ રહેવું જોઈએ. ઘણાં નિર્ણયો કરતી વખતે આપણે એવું ભલે વિચારતા હોઈએ કે જોયું જશે, પડશે એવા દેશું,થઈ થઈને શું થઈ જવાનું છે? આવું વિચારવા છતાં મનમાં એક ગણતરી તો હોય જ છે કે આવું થાય તો સારું. સરવાળે તો માણસ’જુગાર’ જ રમતો હોય છે, કારણ કે શું થવાનું છે એ છાતી ઠોકીને કોઈ કહી શકતું નથી. જિંદગીની મજા જ એ છે કે બધું અનિશ્ચિત છે. તમે વિચાર કરો કે બધું જ જો પ્લાનિંગ મુજબ જ ચાલતું હોત તો જિંદગી કેટલી બોરિંગ થઈ જાત? એકસરખાં કપડાં પણ રોજ પહેરવાં આપણને ગમતાં નથી તો પછી એકસરખી જિંદગીથી આપણે થાકી ન જાત?
સવાર પડવાની છે એની આપણને બધાને ખબર છે પણ સવાર કેવી પડશે એની કોઈ ગેરંટી નથી! તમારી જિંદગીનો જ વિચાર કરી જુઓ, તમારી સાથે અત્યાર સુધી જે થયું છે એ તમે ઇચ્છતા હતા એ મુજબ જ થયું છે? હા, થોડુંક થયું હશે પણ એવું કેટલું બધું થયું છે જેની તમે કલ્પના પણ કરી નહોતી!
અનિશ્ચિતતા છે ત્યાં સુધી જ શક્યતા છે. માણસને જો કોઈ આગળ ધપાવતું મહત્ત્વનું પરિબળ હોય તો એ અનિશ્ચિતતા છે. અનિશ્ચિતતાથી ડરો નહીં. એક ટ્રેકર હતો. ટ્રેકિંગ જ એની જિંદગી. ગમે તે રસ્તે નીકળી પડવાનું. એક વખત તેણે નક્કી કર્યું કે આ પર્વત હું પાછળથી ચડીશ. એ ભૂલો પડયો. હેરાન થયો. આખરે ટોચ ઉપર પહોંચી ગયો. તેના મિત્રએ પૂછયું કે પગથિયાં છે છતાં તું બીજા રસ્તે શા માટે જાય છે? પગથિયાંથી આવ્યો હોત તો જલ્દીથી પહોંચી જાત! ટ્રેકરે કહ્યું સાચી વાત છે પણ પગથિયાંથી આખું ગામ જાય છે. એમાં શું નવાઈ છે? બધાંને ખબર છે કે આટલાં પગથિયાં પછી આ મુકામ આવવાનો છે, હવે આટલાં પગથિયાં બાકી રહ્યાં છે, મારે હવે આટલું ચડવાનું છે. મને એ કંઈ ખબર ન હતી. મને તો એટલી ખબર હતી કે બસ મારે પહોંચવાનું છે. મારા માર્ગે ચેલેન્જીસ હતી પણ મજાયે એટલી જ હતી! મને મારી સફર જિંદગી જેવી લાગતી હતી, એવી સફર જ્યાં કંઈ નિશ્ચિત નથી, કોઇ ચોક્કસ માર્ગ નથી છતાં મજા તો એ જ છે અને મજા તો ત્યાં જ છે. જિંદગીમાં તમે જે કંઈ કરો છો એની કોઈ ગેરંટી છે? નથી!
સંબંધ હોય કે સફળતા, ક્યાંય નિશ્ચિતતાની અપેક્ષા ન રાખો. હા, નિશ્ચિતતા માટે પ્રયાસ જરૂર કરો પણ નિશ્ચિતતા ઉપર ભરોસો ન રાખો. બધા જ સંબંધો જિંદગીભર રાખવા માટે બંધાતા હોય છે. દરેક પ્રેમીએ ખાતરી આપી હોય છે કે હું તને આખી જિંદગી પ્રેમ કરીશ. લગ્નમાં સપ્તપદી હોય છે અને ડિવોર્સમાં કલમ હોય છે. અગ્નિની સાક્ષીએ આપેલાં વચનો ઘણી વખત સમયની આગમાં જ બળી જાય છે. ઇચ્છાઓ, અપેક્ષાઓ, સપનાંઓ અને બીજું ઘણું બધું હોય છે છતાં પણ કંઈ રહેતું નથી. જિંદગી જ ઘણી વખત પ્રશ્નાર્થ જેવી લાગવા માંડે છે. માણસ જવાબ શોધવા મથે છે. જવાબો પણ નિશ્ચિત તો હોતા જ નથી. ઘણી વખત છુટકારો મળી જાય એટલે હાશ એવું આપણે માનવા લાગીએ છીએ. એક કપલની વાત છે. બંનેએ લવમેરેજ કર્યાં હતાં. થોડાં વર્ષોમાં બંનેને થવા લાગ્યું કે આપણાં પ્રેમનો કોઈ મતલબ નથી. અંતે બંનેએ છૂટાં પડવાનું નક્કી કર્યું. યુવાને તેના મિત્રને કહ્યું કે આ સંબંધનો અંત આવે એટલે પત્યું. મિત્રએ સવાલ કર્યો કે પછી? આનો જવાબ બધા ટાળતા હોય છે અને જવાબ આપે તો એવો જ હોય છે કે પછીની વાત પછી! કારણ કે પછી પણ જે હોય છે એ અનિશ્ચિતતા જ હોય છે!
અનિશ્ચિતતા હોય છે એટલે જ સમજદારીની જરૂર પડતી હોય છે, કારણ કે સમય અને સંજોગો દરેક ક્ષણે તમને સવાલો પૂછતાં રહે છે. આપણે જવાબો આપવાના હોય છે. આપણે રસ્તા કાઢવાના હોય છે. અનિશ્ચિતતાને ઓવરકમ કરવામાં જ આવડતની જરૂર પડે છે. લગ્નના બે દાયકા પછી એક કપલને એવું પૂછવામાં આવ્યું કે તમારા દાંપત્યજીવનની સફળતાનું કારણ શું?બંનેએ કહ્યું કે આમ જુઓ તો કોઈ કારણો નથી અને આમ જુઓ તો ઘણાં કારણ છે. દરેક માણસ લગ્નગ્રંથિથી જોડાતી વખતે ડરતો હોય છે કે અમારું બરાબર ચાલશેને? અમને એકબીજાં સાથે ફાવશેને? એ મને સમજી શકશને? અમને પણ એવું જ થતું હતું. એવું જરાયે નહોતું અને હજુ પણ નથી કે બધું બરાબર જ હતું. અમારે પણ ઝઘડા થયા છે, અમારા વચ્ચે પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. સરવાળે એટલું કહેવાનું કે પ્રેમમાં અને દાંપત્યજીવનમાં ઝઘડા કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એ મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ છે કે તમે તેને કેવી રીતે ખતમ કરો છો? સમસ્યાની શરૂઆત તો બધાની જિંદગીમાં સરખી રીતે જ થતી હોય છે, અંત જ જુદી-જુદી રીતે આવતા હોય છે. તમે જો અંત સારી રીતે લાવી શકો તો કોઈ વાંધો આવતો નથી. ઘણી વખત આપણે જેને અંત માનતા હોઈએ છીએ એ નવી અનિશ્ચિતતાની શરૂઆત હોય છે!
એક પ્રેમીએ એની પ્રેમિકાને પત્ર લખ્યો. તેણે લખ્યું કે મારે તારી સાથે આખી જિંદગી વિતાવવી છે. હું કોઈ શરત મૂકતો નથી. મને ખબર છે કે હું કહું એમ જ તું જીવવાની નથી, કારણ કે મને મારી ખબર છે કે તું કહે એમ જ હું પણ જીવવાનો નથી! તું મારી દરેક વાત માનવાની નથી, કારણ કે હું પણ તારી દરેક વાત માની લઉં એ જરૂરી નથી. દો જિસ્મ એક જાન એવું કહેવું સહેલું છે, જાન કદાચ એક હશે પણ બંનેનાં દિલ અને દિમાગ તો જુદાં જ રહેવાનાં છે. હા, એટલું કહું છું કે હું મારી જિંદગીને એવી બનાવીશ જે તારી જિંદગીની નજીક હોય. ભૂલો થશે. તારી પણ ભૂલો થશે અને મારી પણ ભૂલો થશે. મારી ભૂલને તું માફ કરી શકીશ? તું આવું કરી શકીશ તો જ મને તારી ભૂલને માફ કરવાની પ્રેરણા મળશે. તું મારી ખામીઓને અપનાવી શકીશ?મને ખબર છે કે હું પરફેક્ટ નથી, તું એ ખામીઓને નજરઅંદાઝ કરી શકીશ? આવ નક્કી કરીએ કે આપણે એક-બીજાંને સુધારવા નથી પણ સંભાળવાં છે. તકલીફ ઊભી થાય તો આપણે એકબીજાં સામે આંગળી નહીં ચીંધીએ પણ આંગળી પકડીશું! એકબીજાંને રડાવશું નહીં પણ એકબીજાંનાં આંસુ લૂછીશું. અનિશ્ચિતતાના ભયે અટકી ન જાવ. અટકવામાં પણ છેલ્લે અનિશ્ચિતતા તો છે જ! જિંદગીને વહેવા દો. અટકાવો નહીં. ચેલેન્જીસ તો આવવાની જ છે. અનિશ્ચિતતાને કહો કે હું તૈયાર છું,તારા દરેક સવાલના જવાબ આપવા માટે ! એક જવાબ ખોટો પડશે તો બીજો આપીશ, બીજો પણ સાચો નહીં હોય તો ત્રીજો શોધીશ પણ જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી હારીશ નહીં કે ભાગીશ પણ નહીં! અનિશ્ચિતતાનો આનંદ અલૌકિક હોય છે. હું તૈયાર છું અને મને ભરોસો છે કે મારો સંબંધ, મારી સફળતા અને મારો પ્રેમ સાર્થક થશે. હા, ખબર છે કે કોઈ વાતની ગેરંટી નથી પણ હું મારી જાતને તો ગેરંટી આપી જ શકું છું કે જિંદગીમાં ક્યારેય પાછીપાની નહીં કરું. અજમાવી લે એ જિંદગી, તું પણ ઓછી ઊતરતી નહીં અને હું પણ ઓછો નહીં ઊતરું!
છેલ્લો સીન :
જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને જે મળે છે તેમાંનું ઘણું જ માગેલું પણ નથી હોતું! -અજ્ઞાત
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 23 ફેબ્રુઆરી, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com