સારા કામ માટે સમયની રાહ ન જુઓ!
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
મેરા મિજાજ સમજને કી ભી કરે ઝેહમત, વો એક શખ્સ જો મુઝકો બદલના ચાહતા હૈ,
નયે સફર પે કિયા જિસને મુઝકો આમાદા, વહી તો અબ મેરા રસ્તા બદલના ચાહતા હૈ.
– શકીફ મુન્નવર
જિંદગીમાં જેના પર ક્યારેય સો ટકા વિશ્વાસ મૂકી ન શકાય એવી કોઈ ચીજ હોય તો એ સમય છે. સમય ક્યારે માણસના મનસૂબા ઊથલાવી દે એ કહી ન શકાય. આખી દુનિયા જાણે છે કે આપણું ધાર્યું કંઈ થતું નથી છતાં આપણે ધારતા રહીએ છીએ. બધા પાસે પોતાનાં પ્લાનિંગ્સ હોય છે. થોડાંક શોર્ટ ટર્મ પ્લાનિંગ્સ અને થોડાંક લોંગ ટર્મ પ્લાનિંગ્સ. સમયને આપણે વહેંચતા રહીએ છીએ અને સમય આપણને વેતરતો રહે છે. કરવું હોય છે કંઈક અને થઈ જાય છે કંઈક.
આપણે ધાર્યું ન હોય અને કંઇક સારું થઈ જાય તો આપણને ચમત્કાર જેવું લાગે છે. આપણે ધાર્યું હોય અને ન થાય ત્યારે આપણે નસીબને દોષ દેવા સિવાય કંઈ કરી શકતા નથી. ઘણી વખત તો આપણને સમજાતું જ નથી કે આપણે જિંદગીને દોરીએ છીએ કે જિંદગી આપણને દોરે છે? સમયની એ ફિતરત છે કે એ આપણી સમજની બહાર હોય એવું જ એ કરતો રહે છે. ક્યારેક કંઈક એવું થાય છે જે આપણને નિરાશ કરી દે છે. ક્યારેક સમય જ એવો ખેલ પાડે છે કે આપણને આખી કાયનાત આપણી ફેવરમાં હોય એવું લાગે. અમુક સમયે બધાં જ પાસાં સબળાં પડતાં હોય છે, રમત રમતમાં લીધેલું જોખમ પણ સિદ્ધ થઈ જાય છે. ક્યારેક ખૂબ વિચારીને તથા પૂરેપૂરી ગણતરી બાંધીને લીધેલા નિર્ણયમાં પણ થાપ ખવાઈ જાય છે.
બધા જ બેસ્ટ ટાઈમની રાહ જોતાં રહે છે. મારો પણ સમય આવશે. હું પણ આવું કરીશ. આમ જુઓ તો આ વસ્તુ જ માણસને જિવાડતી હોય છે. જિંદગીમાં પ્લાનિંગ્સ કરો પણ પ્લાનિંગ્સ મુજબ જ જીવવાનું નક્કી ન કરો, કારણ કે સમય ક્યારેય સીધા રસ્તે ચાલતો નથી. વાત કામ અને કરિયરની હોય તો હજુ પણ પ્લાનિંગ્સમાં કંઈ વાંધો નથી પણ વાત જો પ્રેમ, લાગણી અને સંબંધની હોય તો પ્લાનિંગ્સ ન કરો. પ્રેમ વ્યક્ત કરવાનો કોઈ સમય નથી હોતો. પ્રેમ માટે તો અત્યારનો ટાઈમ જ બેસ્ટ ટાઈમ છે. કોણ, ક્યારે અને ક્યાં સુધી સાથે છે એ કોઈ કહી શકતું નથી.
તમારી પાસે સાચવીને પડેલાં ફોટો આલબમ અથવા તમારા મોબાઈલ ફોનની ગેલેરીમાં જઈને નજર નાખો, જે તસવીરો તમારી સામે છે એ વ્યક્તિ અત્યારે ક્યાં છે? તમે એને છેલ્લે ક્યારે મળ્યા હતા? શું વાત થઈ હતી? એ વખતે જે લાગણી હતી એ અત્યારે છે? જૂની તસવીરો જોઈને ક્યારેક એવું લાગે છે કે કેવો સરસ સમય હતો? જાણે કંઈ જ ખૂટતું ન હતું. ક્યાં ગયું એ બધું? સમયને ફરીથી જીવી શકાતો નથી. વીતેલો સમય માત્ર સ્મરણ બનીને રહી જાય છે. ઇક વક્ત થા જબ હમ સોચતે થે કિ હમારા ભી વક્ત આયેગા, ઔર ઈક યે વક્ત હૈ કિ હમ સોચતે હૈ કિ વો ભી ક્યા વક્ત થા!
એક પતિ-પત્ની હતાં. બંનેએ લવમેરેજ કર્યાં હતાં. આખી જિંદગી એક-બીજાંની સાથે રહેવાનાં વચન આપ્યાં હતાં. લગ્નનાં બે-અઢી વર્ષમાં જ બંને વચ્ચે પ્રેમ ગાયબ થઈ ગયો. બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. તું કહેતો હતો એવું કંઈ કરતો નથી. તને હવે મારામાં રસ નથી. હું મળી ગઈ કે હું મળી ગયો એટલે હવે જાણે બધું પૂરું થઈ ગયું. આપણે સાથે રહીએ છીએ પણ સાથે જીવતાં નથી. તું તારામાં જ પડયો છે અને હું મારી રીતે જીવું છું. આવી રીતે રહેવાનો કોઈ મતલબ નથી. બંનેએ છૂટાં પડી જવાનું નક્કી કર્યું. કોઈ જાતની માથાકૂટ વગર શાંતિથી ડિવોર્સ લઈ લઈએ એવો નિર્ણય કરી બંનેએ અદાલતમાં ડિવોર્સનો કેસ ફાઇલ કર્યો. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી બંને છૂટાં પડીએ છીએ એવું નક્કી કર્યું. ડિવોર્સના આગલા દિવસે બંને ઘરમાં બેઠાં હતાં. આજે છેલ્લો દિવસ છે. કાલે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. કોઈ કંઈ બોલતું ન હતું. આખરે પતિએ કહ્યું કે, આમ તો એવું કહેવાય છે કે મરવાવાળાની છેલ્લી ઇચ્છા પૂરી કરાય છે, આપણે તો જીવતાં રહેવાના છીએ પણ કાલથી આપણો સંબંધ મરી જવાનો છે. આમ તો તું કહેતી આવી છે કે તું કહે એમ હું ક્યારેય કરતો નથી પણ આજે છેલ્લી વાર તું જે કહે એ કરવાની ઇચ્છા છે. બોલ, હું તારા માટે છેલ્લી વખત શું કરું? પત્નીએ કહ્યું કે ચલ, મારી સાથે બહાર ચલ, ગાડી કાઢ. ગાડીમાં બેઠા પછી કહ્યું કે હવે કાર તું એ જગ્યાએ લે જ્યાં પ્રેમમાં હતાં ત્યારે આપણે બેસવા જતાં હતાં. એક તળાવના કાંઠે બંને પહોંચ્યાં. એ જ બાંકડો હતો જ્યાં બંને બેસતાં હતાં. બંને ચૂપ હતાં. પતિએ કહ્યું, કેવું છે? બધું એનું એ જ છે. એ જ તળાવ, એ જ ઝાડ, એ જ બાંકડો… પત્નીએ કહ્યું કે તારી વાત સાચી છે. બધું એ જ છે. આ વૃક્ષો, બાંકડો અને તળાવ… તળાવ તો એ જ છે પણ કદાચ પાણી બદલાઈ ગયું છે! તારી સાથે અહીં બેસતી ત્યારે સમય ઊડતો હોય એમ ચાલ્યો જતો હતો, જુદા પડવાના સમયે એમ થતું કે બસ જવાનો સમય થઈ ગયો! આજે તું પણ એ જ છે અને હું પણ એ જ છું, સમય પણ પૂરતો છે, પણ એ સમય નથી જે પહેલાં હતો. હું તો તને માત્ર એટલું કહેવા જ અહીં લાવી છું કે હવે પછી તારી જિંદગીમાં જે કોઈ આવે એનો પૂરો પ્રેમ કરજે. એની સાથે જીવજે. તું બહુ વિચાર કરે છે, કેમ જીવવું, શું કરવું, ક્યારે કરવું, આમ થશે ત્યારે આમ કરીશ અને તેમ થશે ત્યારે તેમ કરીશ. જે ક્ષણ મળે એ જીવી લેજે. આપણે આ જ જગ્યાએ કેવો સરસ સમય જીવ્યાં છીએ, બસ, એ યાદ રાખજે, જ્યારે જે હોય એને જીવી લેવો. ચલ, હવે એક સફર અહીં પૂરી થાય છે.
સમય ચાલ્યો જાય છે. પોતાની વ્યક્તિ ન હોય ત્યારે માણસ અફસોસ કરતો રહે છે કે મેં આમ કર્યું હોત તો કેવું સારું હતું? એ સતત કહેતી હતી કે ચલને આમ કરીએ, ત્યાં જઈએ, હું વાત ટાળી દેતો, એ હંમેશાં જતું કરી દેતી, હવે એ જતી રહી છે ત્યારે એ જે કહેતી હતી એ બધું જ કરી છૂટવાનું મન થાય છે પણ હવે કોની સાથે કરું? લતા હિરાણીએ લખેલી એક સરસ મજાની કૃતિ છે. તેણે લખ્યું છે, હું મૃત્યુ પામીશ અને તું ફૂલો મોકલીશ, જે હું જોઈ નહીં શકું, તું હમણાં જ ફૂલો મોકલને! હું મૃત્યુ પામીશ અને તારાં આંસુ વહેશે, જેની મને ખબર નહીં પડે, તું અત્યારે જ થોડું રડને! હું મૃત્યુ પામીશ અને તું મારી કદર કરીશ, જે હું સાંભળી નહીં શકું, તું એ બે શબ્દો હમણાં જ બોલને! હું મૃત્યુ પામીશ અને તું મારા દોષો ભૂલી જઈશ, જે હું જાણી નહીં શકું, તું મને હમણાં જ માફ કરીદેને! હું મૃત્યુ પામીશ અને તું મને યાદ કરીશ, જે હું અનુભવી નહીં શકું, તું મને અત્યારે જ યાદ કરને! હું મૃત્યુ પામીશ અને તને થશે કે મેં એની સાથે થોડો વધારે સમય વીતાવ્યો હોત તો! તું અત્યારે જ એવું કરને! એટલે જ કહેવાનું મન થાય છે કે રાહ ન જુઓ, રાહ જોવામાં ઘણી વખત બહુ મોડું થઈ જાય છે!
છેલ્લો સીન :
પાછળથી માફી માગવાનો વારો આવે એવું કામ કરતાં પહેલાં સો વાર વિચાર કરજો અને ભૂલેચૂકે એવું કામ થઈ જાય તો સો વાર માફી માગવામાં વિચાર ન કરતા. –અજ્ઞાત
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 16 ફેબ્રુઆરી, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
"ઇક વક્ત થા જબ હમ સોચતે થે કિ હમારા ભી વક્ત આયેગા, ઔર ઈક યે વક્ત હૈ કિ હમ સોચતે હૈ કિ વો ભી ક્યા વક્ત થા!"
ખૂબજ માર્મિક અને સાચી વાતો થી લેખ ખરેખર મનનિય રહ્યો!