નફરત નિભાવવી બહુ સહેલી છે, પ્રેમ નહીં!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
બહુત કુછ ઔર ભી હૈ ઇસ જહાં મેંયહ દુનિયા મહઝ ગમ હી ગમ નહીં હૈ,
મેરી બરબાદિયોં કા હમ નશીનોંતુમ્હેં ક્યા ખુદ મુઝે ભી ગમ નહીં હૈ.
– મજાઝ લખનવી

પહેલી નજરે કદાચ પ્રેમ થઈ જતો હશે પણ પહેલી નજરે નફરત થતી નથી! પ્રેમ પાછળ કોઈ કારણો હોતાં નથી, નફરત માટે હજાર કારણો મળી રહે છે! તમને કોઈ વ્યક્તિ ગમતી હોય અને તમને પૂછવામાં આવે કે તેનામાં એવું તો શું છે જે તમને ગમે છે? આ પ્રશ્નનો જવાબ તમે શું આપો? એ સારો છે અથવા તો એ સારી છે, લાગણીશીલ છે, મને સમજે છે, અમારા શોખ એક છે. પ્રેમ હોય ત્યારે બધું જ સારું અને શ્રેષ્ઠ લાગે છે, આમ છતાં ઘણા પ્રેમ નિષ્ફળ જાય છે, ટકતા નથી. બ્રેકઅપ થઈ જાય છે. ડિવોર્સ થઈ જાય છે. આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે પ્રેમ નિષ્ફળ થઈ ગયો. નફરત કેમ ક્યારેય નિષ્ફળ થતી નથી? કોઈના મોઢે એવું સાંભળ્યું છે કે અમારી નફરત નિષ્ફળ થઈ ગઈ!
માણસ આખી જિંદગી નફરત નિભાવી જાય છે, પ્રેમ નિભાવી શક્તા નથી. નફરત કરતાં પ્રેમ નિભાવવાનું કામ વધુ અઘરું છે. નફરત તમે એકલા નિભાવી શકો છો, પ્રેમ નહીં. પ્રેમમાં બે વ્યક્તિ હોય છે. એકલું ચાલવું સહેલું છે, હાથ પકડીને ચાલવામાં કદમ મિલાવવાં પડે છે. પ્રેમમાં એડજસ્ટમેન્ટ હોય છે. નફરત તમે તમારી રીતે કરી શકો, પ્રેમ આપણે આપણી રીતે કરી શકતા નથી. પ્રેમ કોઈની રીતે, આપણને ગમતી વ્યક્તિની રીતે કરવાનો હોય છે. તને ગમે એમ જ મારે રહેવું છે એવું દરેક પ્રેમી કહેતાં હોય છે, પણ અંદરખાને તો પોતાને ગમે એમ જ કરવું હોય છે. એ ન થાય ત્યારે અંટસ પડે છે, વાંધા પડે છે.
બે પ્રેમીઓ હતાં. કોલેજમાં સાથે ભણતી વખતે બંને પ્રેમમાં પડયાં. એકબીજાના સાથ માટે બંને સતત ઝંખતાં રહેતાં. એક વર્ષ તો ક્યાં વીતી ગયું એની ખબર જ ન પડી. જોકે, ધીમે ધીમે બંનેને એકબીજામાં પ્રોબ્લેમ દેખાવા લાગ્યા. તું આમ નથી કરતો કે તું તેમ નથી કરતી. આખરે બંને જુદાં પડી ગયાં. છૂટાં પડયાં ત્યારે એટલી બધી કડવાશ થઈ ગઈ કે એકબીજાનું મોઢું પણ ન જોવાનું નક્કી કર્યું.
આમ ને આમ પાંચ વર્ષ વીતી ગયાં. એક વખતે બંને એક જગ્યાએ અચાનક જ મળી ગયાં. હાય-હલો થયો. પ્રેમિકાએ પૂછયું, કેમ છે? પ્રેમી આ પ્રશ્નની જ રાહ જોતો હતો. નફરત કરું છું તને. તું જ્યારથી છૂટી પડી ત્યારથી તને નફરત જ કરી છે. મારે તો તારું મોઢું પણ નહોતું જોવું, આ તો તું મળી ગઈ એટલે તારી સાથે વાત કરું છું અને હજુ પણ એ જ કહું છું કે આઈ હેટ યુ. પ્રેમિકા એકધારું તેની સામે જોઈ રહી. તેણે કહ્યું, કેવું છે, તું પ્રેમ એક વર્ષ પણ ન ટકાવી શક્યો અને નફરત પાંચ-પાંચ વર્ષથી ટકાવી રાખી છે! હા, હું પણ તને પ્રેમ કરતી નથી પણ તને નફરત પણ કરતી નથી! નફરત શા માટે કરું? નફરત સિવાય કરવા જેવું મારી પાસે ઘણું છે. તું આમ ને આમ નફરત કરતો રહીશ તો કોઈને ક્યારેય પ્રેમ નહીં કરી શકે.
પ્રેમ સુકાઈ જાય છે. નફરત છલોછલ રહે છે. આપણે નફરતને ભરતા જ રહીએ છીએ. ખાલી થવા જ દેતા નથી. આ નફરતમાં આપણે જ ડૂબેલા રહીએ છીએ. નફરત તમારી કેટલી એનર્જી અને સમય હડપ કરી જાય છે? નફરત તમારા મગજ પર કેટલી હાવી રહે છે? આપણે કોઈને પ્રેમ કરવાના જેટલા વિચાર નથી કરતા એટલા વિચારો કોઈને નફરત કરવા માટે કરીએ છીએ. નફરત બધા જ કરી શકે છે, પ્રેમ બધા કરી શકતા નથી. પ્રેમ કરવો અઘરો છે. પ્રેમમાં તમારે તમારી વ્યક્તિની સંવેદનાને સમજવી પડે છે, સાર્થક કરવી પડે છે.
નફરત કોઈને નુકસાન કરવા કરતાં માણસને પોતાને વધુ નુકસાન કરતી હોય છે. માણસ એકલો બેઠો બેઠો દાંત કચકચાવે છે. એને કેવી રીતે પાઠ ભણાવવો એના વિચાર કરતો રહે છે અને ધીમે ધીમે પોતે જ ખતમ થતો રહે છે. દુઃખનું એક કારણ નફરત છે. નફરત પીછો છોડતી નથી. એક ફિલોસોફરે સરસ વાત કહી છે કે પ્રેમ ન કરી શકો તો કંઈ નહીં પણ કોઈને નફરત તો ન જ કરો. પ્રેમથી તમે કોઈને સુખી કરી શકો પણ નફરતથી તમે કોઈને દુઃખી કરી જ શકો એવું જરૂરી નથી, હા તમે તમારી જાતને ચોક્કસ દુઃખી કરી શકો.
બે મિત્રો હતા. બંને કોઈ કારણસર દુશ્મન બની ગયા. એક દિવસ એક પાર્ટીમાં બંને હાજર હતા. એક મિત્રનો મૂડ બીજાને પાર્ટીમાં જોઈને જ ઓફ થઈ ગયો. એને હતું કે પાર્ટીમાં મજા આવશે. એ પાર્ટી જ એને આકરી લાગવા માંડી. આ ક્યાં અહીંયાં આવી ગયો? મારી મજા બગાડી નાખી! કોઈ તમારી મજા બગાડી શકે, કોઈ તમને ડિસ્ટર્બ કરી શકે ત્યારે સમજવું કે પ્રોબ્લેમ આપણામાં છે. તમે શા માટે દુઃખી થાવ છો? તમારે કેમ રહેવું એ તમારા હાથની વાત છે.
આપણી જિંદગી નફરત કરવા માટે નથી. ઘણી વખત તો આપણી જિંદગીમાં જેનું કંઈ જ મહત્ત્વ ન હોય એવી વ્યક્તિને આપણે નફરત કરતાં રહીએ છીએ. આપણી જિંદગીમાં ઘણા લોકો આવતા રહે છે અને જતા પણ રહે છે. દરેકને યાદ રાખવા જરૂરી નથી. સારી વ્યક્તિને યાદ રાખી શકાય તો સારું છે પણ નઠારા લોકોને ભૂલી જવામાં જ માલ છે. તમારા દિલ અને દિમાગને કોણ ઓક્યુપાય કરી રાખે છે તેનો વિચાર કરતા રહેજો. તમને ક્યારે કોઈ વિચાર લાંબા સમય સુધી આવે રાખે પછી તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે આ વિચાર પાછળ આટલો સમય બગાડવો વાજબી હતો? આના કરતાં બીજા કોઈ સારા વિચાર હું કરી શક્યો હોત ખરો?
ઘણા લોકો એવા હોય છે જેને ડિસ્ટર્બ કરવા બહુ સહેલા હોય છે. એ મજામાં હોય ત્યારે બસ એકાદ એવી વાત કરી દો કે એનું મગજ છટકી જાય! એ ન કરવાનું કરી બેસે. તમે ચેક કરજો તમારી સાથે તો એવું થતું નથીને! તમને ઇઝીલી ઇરિટેટ કરી શકાય છે? તમે ઇઝીલી ઇરિટેટ થઈ જાઓ છો? ઘણા લોકો એવા પણ હોય છે જેને કોઈ દુઃખી ન કરી શકે. એ પોતાની મરજી અને મિજાજના માલિક હોય છે. તમે કેવા છો એ ચેક કરતાં રહેજો. કોઈ તમને સુખી ન કરે તો કંઈ નહીં, કોઈ તમને દુઃખી તો ન જ કરી જવું જોઈએ અને એ ત્યારે જ શક્ય બને જ્યારે તમે નક્કી કરો કે મને કોઈ દુઃખી કરી શકે એટલાં નબળાં મારે થવું નથી. મોટાભાગે માણસ કોઈના કારણે દુઃખી થતો હોય છે અને કારણ એ જ હોય છે કે એ પોતાને દુઃખી થવા દેતો હોય છે. નફરત નિભાવીને સરવાળે તો માણસ પોતે જ દુઃખી થતો હોય છે. તમારી નફરત બીજાનું તો કંઈ બગાડતાં બગાડશે પણ તમને તો હેરાન જ કરતી રહેશે!
છેલ્લો સીન :
જે બહારથી વાહ વાહ ઇચ્છે છે તે પોતાનો બધો જ આનંદ બીજાની મુઠ્ઠીમાં રાખે છે. -ગોલ્ડ સ્મિથ
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 02 ફેબ્રુઆરી, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: