પ્રેમ, લાગણી અને સંબંધ
ઉછીનાં લેવાની જરૂર નથી!
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
મુમકીન હૈ સફર હો આસાં, અબ સાથ ભી ચલકર દેખેં,
કુછ તુમ ભી બદલ કર દેખો, કુછ હમ ભી બદલ કર દેખેં.
-નિદા ફાઝલી
દરેક વ્યક્તિ પાસે એક દિલ છે. દરેક પાસે પોતાની સંવેદનાઓ છે. દરેકની પ્રેમની પોતીકી વ્યાખ્યા છે. દરેક પાસે સ્નેહની સરવાણી છે. પ્રેમ પોતાની રીતે જ પાંગરે છે. લાગણી લાગ જોઇને ફૂટતી નથી. દરેકની રીત નોખી હોય છે. જે નોખું હોય છે એ જ અનોખું હોય છે. ફોટોકોપી ક્યારેય ઓરિજિનલ હોતી નથી. નકલ ક્યારેય અસલ હોતી નથી. દરેકમાં એક ખૂબી હોય છે. તમને તમારી ખૂબીની ખબર અને કદર હોવી જોઇએ. તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે કોઇને જોઈને એના જેવા થવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાં જ આપણે આપણી આઇડેન્ટિટી ગુમાવી દઈએ છીએ.
આઈડેન્ટિટી ક્રાઈસીસ એ આજની સૌથી મોટી ચિંતા છે. તમારી આઈડેન્ટિટી ગુમાવો નહીં, કારણ કે એ તમારી પોતાની છે. બે માણસમાં ફર્ક શું હોય છે? એ જ કે એ એકબીજા જેવા હોતા નથી. એ જ વસ્તુ એકને બીજાથી જુદી પાડે છે. ઈશ્વરે કેમ બધા જ માણસોને એકસરખા બનાવ્યા નથી? કારણ કે કુદરતને કૃત્રિમતા પસંદ નથી. તમે એકસરખા રોબોટ બનાવી શકો, એકસરખા માણસ નહીં. આપણે જ્યારે કોઈના જેવા બનવા જઈએ છીએ ત્યારે આપણે નેચરલ અને નેચર સામે બગાવત કરતાં હોઇએ છીએ. આ એવી બગાવત છે જેનું પરિણામ માત્ર ને માત્ર હાર હોય છે.
ક્વોટેશન, ઉદાહરણ,વાર્તાઓ, આત્મકથાઓ વાંચીને એના જેવા થવાનું નથી. માત્ર એનો સાર સમજી એને અનુસરવાનું હોય છે. અનુકરણ કરવાનું નથી. અનુવાદ અને ભાવાનુવાદ જેવી આ વાત છે. જિંદગીનું પણ એવું જ છે. તમારી જિંદગી તમારી રીતે જીવો. કોઈ કેવું જીવે છે, કોઈ કેમ રહે છે, કોઈ કેમ વિચારે છે અને કોઇ શું કહે છે એની ચિંતા ન કરો, એના જેવા થવાનો પ્રયાસ પણ ન કરો, કોઇના જેવા થવા જશો તો તમે તમારી જેવા પણ નહીં રહો.
બે કપલ બાજુ બાજુનાં ઘરમાં રહેતાં હતાં. બંને પતિ-પત્ની પોતાની જિંદગીમાં ખુશ હતાં. એક પત્ની તેની બાજુના કપલને જોતી રહેતી. એ બંને કેવી રીતે રહે છે, કેમ જીવે છે, કોણ, કોનું કેવી રીતે ધ્યાન રાખે છે એનાથી માંડી એ પોતાના પતિને ચા કેવી રીતે આપે છે તેનું પણ અનુકરણ કરતી. ધીમે ધીમે એનામાં કૃત્રિમતા આવતી જતી હતી. એ જે કરતી હતી એ નેચરલ ન હતું. જોઇને અને શીખીને એ બધું કરતી હતી. એક દિવસ તેણે પતિને પૂછયું કે હું જે રીતે બધું કરું છું એ તમને ગમે છેને ?પતિએ બહુ પ્રેમથી કહ્યું કે તું જે કરે છે એની પાછળની ભાવના ખરાબ નથી પણ તું જે કરે છે એ રીત બરાબર નથી. એટલા માટે કે એ રીત તારી નથી. એ બાજુવાળી સ્ત્રીની રીત છે. એ પણ ખરાબ નથી, એ એની રીતે સાચી અને સારી છે પણ તારી રીત સાચી નથી. તું જેમ રહેતી હતી એમ જ રહે. તારામાં જે ખૂબી હતી એ ગાયબ થઈ ગઈ છે. મને તો તું નેચરલ જ જોઇએ છે. તું મને પ્રેમ કર પણ તારી રીતે, કોઈની રીતે નહીં, તારી રીત શ્રેષ્ઠ છે, સાત્ત્વિક છે અને સહજ છે. ચા ટ્રેમાં ન આપ. તું ચા હાથોહાથ જ આપતી હતી. તને ખબર છે તારા હાથમાંથી કપ-રકાબી લેતી વખતે તારા હાથનો સ્પર્શ મને રોમાંચિત કરતો હતો. તું જેવી છે એવી રહે, કારણ કે તું બેસ્ટ છે. તારા જેવું કોઇ છે જ નહીં તો પછી તું બીજા જેવા થવાનો પ્રયત્ન શા માટે કરે છે?
તમે ચેક કરતાં રહેજો, તમે કંઈ અનુકરણ તો કરતાં નથીને? હા, ફેશન, ટ્રેન્ડસ અને લાઈફસ્ટાઈલ ચેન્જ થતી રહે છે. ફેશન અપનાવીએ એમાં કંઈ વાંધો નથી પણ સ્ટાઈલ તો તમારી પોતાની જ રહેવી જોઇએ. જિંદગી વિશે અસંખ્ય ક્વોટેશન અપાયાં છે પણ તમારી જિંદગીનું ક્વોટેશન તમે જ ઘડી શકો. હજારો મહાન લોકોની આત્મકથાઓ છે પણ તમે એ વાંચીને એની રીતે ન જીવી શકો. કોઇ મહાન માણસે એની મુશ્કેલીનો સામનો કર્યો હોય તો એમાંથી એટલી જ પ્રેરણા લેવાની રહે કે કોઈ પણ સંજોગોમાં હિંમત હારવી નહીં. એણે જે રીતે સામનો કર્યો હોય એ રીતે નહીં પણ તમને જે ફાવે અને તમને જે સૂઝે એ રીતે સામનો કરવો જોઈએ. આપણે બીજાની જેમ અને બીજા જેવડો જંપ પણ મારી શકતા નથી તો પછી બીજાની જેમ જીવી કેવી રીતે શકીએ.
તમારામાં બેસ્ટ શું છે, એની ઓળખ તમે મેળવો અને એને જ વળગી રહો. ઝાકીર હુસેન તબલાં છોડીને સિતાર વગાડવા જાય તો એ ક્યારેય સૂરમાં ન વાગે. તમારા વર્તનને તમારું જ રહેવા દો. સુધારાની જરૂર લાગે ત્યારે સુધારો ચોક્કસ કરો પણ એ સુધારો કે વધારો પણ તમારો જ હોવો જોઈએ, કોઇનો ઉછીનો લીધેલો નહીં. યાદ રાખો, સહજતાથી વિરુદ્ધ જઈને ક્યારેય સાર્થક થવાનું નથી. ઓરિજિનાલિટી જ રીઅલ આઈડેન્ટિટી છે. ગાંધીજીએ ક્યારેય કહ્યું ન હતું કે હું ગાંધીવાદી છું. તમે જેવા છો એવા જ થાવ તો જ તમારા જેવું કોઈ નહીં થાય.
બુદ્ધના પરમ શિષ્યનું નામ આનંદ હતું. આનંદ પણ બુદ્ધને પ્રિય હતા. આનંદ પણ બુદ્ધની જેમ જ સાધના કરતા. આનંદની એક જ ખ્વાહિશ હતી કે હું બુદ્ધ જેવો થાઉં. આનંદ બુદ્ધ જેટલી જ અને ક્યારેક તો બુદ્ધ કરતાં પણ વધુ સાધના કરતા હતા પણ તેની સાધના સિદ્ધ થતી ન હતી. આનંદને સાક્ષાત્કાર થતો ન હતો. આનંદને હંમેશાં થતું કે હજુ મોક્ષ થતો નથી, હજુ કંઇક ખૂટે છે. ખૂબ પ્રયત્નો કર્યા છતાં આનંદને સાક્ષાત્કાર થતો ન હતો. આખરે એક દિવસ આનંદે બુદ્ધને જ પૂછી લીધું કે સ્વામી, મારો મોક્ષ કેમ નથી થતો? મને સાક્ષાત્કાર કેમ થતો નથી? બુદ્ધ આ સવાલની જ રાહ જોતા હતા. બુદ્ધે કહ્યું કે આનંદ, તું શ્રેષ્ઠ છે, તું માત્ર એટલું યાદ રાખ કે તારે બુદ્ધ થવાનું નથી, તારે તો આનંદ થવાનું છે. બસ, એ ઘડીએ આનંદને સાક્ષાત્કાર થઈ ગયો, કારણ કે એ આનંદ થઈ ગયા હતા.
પિતા ગમે એવા સારા, આદર્શવાદી અને ઉમદા હોય તો પણ પુત્ર એના જેવો થઈ ન શકે. કોઈ પિતાએ પણ પોતાના પુત્રને એના જેવા બનાવવાનો પ્રયત્ન ન કરવો જોઇએ. પુત્ર કે પુત્રીને એના જેવા બનવા દો. કદાચ એ તમારા જેવા ન થઈ શકે પણ તમારાથી સારા ચોક્કસ થઈ શકે. આપણે બાળક નાનું હોય ત્યારથી તેને એવું જ ઠસાવવાનો પ્રયાસ કરીએ છીએ કે તારે આના જેવા બનવાનું છે. મોટા ભાગે ભણી ગણીને હોશિયાર થયા હોય, સારા પર્સન્ટેજ લાવ્યા હોય, વધુ રૂપિયા કમાતા હોય કે ઊંચા હોદ્દા પર હોય એના જેવા બનવાનું આપણે કહેતાં રહીએ છીએ. કેટલાં મા-બાપ પોતાનાં સંતાનોને એવું કહે છે કે તું તારા જેવો બનજે, મારા કે બીજા કોઈના જેવો નહીં!
માણસ આખી દુનિયાને ઓળખવાના પ્રયાસમાં ઘણી વખત પોતાની ઓળખ જ ગુમાવી દે છે. તમારે પહેલાં તમને ઓળખવાના છે. હા, કોઈ આદર્શ હોઈ શકે પણ તેનું હન્ડ્રેડ પર્સન્ટ અનુકરણ જરૂરી નથી. એ જ્યાં પહોંચ્યા છે ત્યાં મારે પહોંચવું છે એ નક્કી કરવામાં કંઈ ખોટું નથી પણ ત્યાં પહોંચવાની રીત તમારી હોવી જોઇએ. કોઇના વિચારોને પણ તમારા વિચારો ઉપર હાવી થવા ન દો, કારણ કે તમારી પાસે જે વિચારો છે એવા કદાચ કોઈની પાસે નહીં હોય. સંકલ્પ કરો કે આઈ વોન્ટ ટુ બી મી. મારે મારા જેવું જ બનવું છે. શ્રેષ્ઠ થવાનો આ બેસ્ટ વિકલ્પ છે.
છેલ્લો સીનઃ
ઈશ્વર આપણા પક્ષે છે કે નહીં તેની ચિંતા ન કરશો, પણ આપણે ઈશ્વરના પક્ષે છીએ કે નહીં તેનો વિચાર કરતા રહેજો. -અબ્રાહમ લિંકન
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 26 જાન્યુઆરી, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com