ચલો, દિલને પણ થોડુંક સાફ કરી જ લઈએ!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
સંકડાઈને પથ્થરમાંથી પાસ થઈ જા, વ્યક્તિત્વ ભલે ના રહે ઓજસ થઈ જા,
માની લીધું સંસાર છે સાગર જેવો, ખારાશ વધે હદથી તો સબરસ થઈ જા.
– નૂરી

દરેક માણસનો એક પોતીકો સ્વભાવ હોવાનો અને એ ઓલવેઝ બીજા માણસથી અલગ હોવાનો. માણસની સૌથી મોટી ખૂબી એ જ છે કે બે વ્યક્તિ ક્યારેય સરખી હોતી નથી. ચહેરો કદાચ થોડોક મળતો આવે, પણ ચાલ ચલગત ક્યારેય સેમ ટુ સેમ નહીં હોવાની. આપણે બધાં કોઈ એક બીબાની કાર્બન કોપી નથી. દરેકની પોતાની પર્સનાલિટી છે. મગજનું માપ અને વજન કદાચ એક હોઈ શકે, પણ વિચારોનો આકાર અને કદ જુદાં હોય છે. સહજીવન એ બીજું કંઈ જ નથી, પણ ‘આર્ટ ઓફ એડજસ્ટમેન્ટ’ છે. આપણા સુખનો ઘણો મોટો આધાર આપણે આ કલા કેટલી હસ્તગત કરી છે તેના ઉપર છે. તમે કોઈને સહન ન કરી શકો તો તમને પણ કોઈ સહન કરી શકશે નહીં. બાંધછોડ વગર ક્યાંય બંધાઈ શકાતું નથી અને કશાથી છૂટી પણ શકાતું નથી.
જિંદગી એ જીવન સાથેનું ચુંબન છે અને ક્ષણો સાથેનું આલિંગન છે. ચુંબન અને આલિંગનની તીવ્રતા અને ઉત્કટતા વ્યક્તિગત છે. મોઢું મચકોડીને તમે જિંદગીને ચુંબન કરશો તો જિંદગી પણ તમારી સાથે મોઢું મચકોડશે. એક માણસ હતો. દેખાવે ખૂબ સુંદર. અરીસા સામે જ્યારે ઊભો રહે ત્યારે તેને થતું કે હું સુંદર છું, હેન્ડસમ છું. એ માણસને એક્સિડન્ટ થયો. મોઢા ઉપર ઈજા થઈ. ચહેરો થોડો બગડી ગયો. એ અરીસા સામે ઊભો રહેતો ત્યારે થતું કે હું સુંદર નથી, કદરૂપો છું. એક વખત એક સંતને તે મળ્યો. સંતને કહ્યું કે હું સુંદર હતો પણ હવે હું કદરૂપો છું. સંતે હસીને કહ્યું કે એમ, તું એવું જ માને છે? તું એમ કેમ નથી માનતો કે તું તું જ છે. અગાઉ પણ તું જ હતો અને હવે પણ તું જ છે. તું કદરૂપો હોત અને પછી સુંદર થયો હોત તોપણ તું તું જ હોત. આપણી માન્યતાઓ આપણે જ ઘડતાં હોઈએ છીએ. બાકી તો આપણે આપણને જેવા સમજીએ એવા જ આપણે હોઈએ છીએ. જિંદગીનું પણ એવું જ છે. તમે માનો તો જિંદગી સુંદર છે અને તમે માનો તો કદરૂપી, પણ એકાદ નાના અમથા અકસ્માતથી તમારી માન્યતા ન બદલો.
માણસ વિશેની એક વ્યાખ્યા એવી છે કે માણસ એટલે તેનો સમય અને તેના સંજોગ. માણસ હંમેશાં પોતાના સમય અને સંજોગ મુજબનું વર્તન કરે છે. કોઈ ખરાબ વર્તન કરે ત્યારે આપણે કહીએ છીએ કે હમણાં તેનો સમય ખરાબ છે. અલબત્ત,કેટલાક લોકો સમય અને સંજોગોને આધીન નથી હોતા, તેઓ માત્ર પોતાને આધીન હોય છે. સમય ભલેને બદલાયો, સંજોગો ભલેને હવે પહેલાં જેવા નથી, પણ હું તો એનો એ જ છુંને? હું શા માટે બદલું?
વર્ષ પૂરું થાય ત્યારે આપણે હંમેશાં સરવાળા-બાદબાકી અને હિસાબકિતાબ કરતાં રહીએ છીએ. નફામાં રહ્યાં કે ખોટમાં ગયા એની ગણતરી માંડીએ છીએ. તમારું ગયું વર્ષ કેવું ગયું? આ વર્ષમાં તમે કેટલું જીવ્યા? તમારી લાઇફ પ્લસ થઈ કે માઇનસ? સરવાળે જે બચ્યું છે એ આનંદ છે કે અફસોસ? શાંતિ છે કે સન્નાટો? સુખ છે કે સધિયારો? જિંદગીની મજા એ છે કે એ વારંવાર તક આપે છે. ગયું વર્ષ સરખું નથી જીવ્યા? કંઈ વાંધો નહીં, આવતા વર્ષે દોઢું કે બમણું જીવી લેજો, પણ એ માટે તમારી તૈયારી છે? જિંદગી ખોવાઈ ગઈ હોય તો એને શોધી લો. માણસ બધું જ યાદ રાખે છે, માત્ર જીવવાનું ભૂલી જાય છે. સમયની સાથે એ એટલો બધો વહીને દૂર ચાલ્યો જાય છે કે એને ખબર જ નથી પડતી કે એ ક્યાં પહોંચી ગયો. એને એ પણ વિચારવાનો સમય નથી હોતો કે તેને ક્યાં પહોંચવું હતું. તમને ખબર છે કે તમારે ક્યાં પહોંચવું છે? જો તમને ખબર હોય તો એ પણ વિચારી લો કે અત્યારે તમે જે રસ્તે છો એ રસ્તો તમારે જ્યાં પહોંચવું છે ત્યાં જ જાય છેને? ખોટો રસ્તો પકડાઈ ગયો હોય તો રસ્તો બદલી નાખો. માણસે જો બદલવું હોય તો ક્યારેય મોડું થયું હોતું નથી.
દિવાળીનો તહેવાર છે. આ તહેવાર સાથે સફાઈનો મહિમા છે. આપણે ઘર અને ધંધા-વ્યવસાયનાં સ્થળોની સફાઈ કરીએ છીએ. એવી માન્યતા છે કે તેનાથી બરકત આવે છે. બરકત માત્ર આર્થિક નથી હોતી, આત્મિક પણ હોય છે. બધું સાફ કરવાની સાથે આપણે દિલને સાફ કરીએ છીએ? દિલ પર રોજ થોડા થોડા થર જામતા રહે છે. મનને હળવું ન રાખીએ તો મન પણ મલિન થઈ જાય છે. ગયા વર્ષમાં બંધાઈ ગયેલી ગાંઠો છોડવાનો આ અવસર છે.
નવી શરૂઆત માટે જરૂરી છે કે જૂનું ભૂલી જઈએ. એક મિત્ર સાથે આ વિષયે વાત થતી હતી ત્યારે તેણે કહ્યું કે પાટી થોડી છે કે ભૂંસી નાખીએ? હા, પાટી નથી, પણ એટલું પાક્કું છે કે જ્યાં સુધી ભૂંસીએ નહીં ત્યાં સુધી નવું લખી કે રચી શકાતું નથી. જે ગયું તે ગયું, તેને પકડી રાખવાથી બંધન સિવાય કંઈ જ મળવાનું નથી. આ વર્ષે તમારે કોઈ એક વ્યક્તિને માફ કરવાની હોય તો તમે કોને કરો? એ જ વ્યક્તિનું નામ સામે આવશે, જેણે તમારું દિલ દુભાવ્યું હશે. બસ એને માફ કરી દો, હળવાશ આપોઆપ લાગશે.
કોઈ વ્યક્તિ દિલ દુભાવે ત્યારે એ તો એક જ વખત દિલ દુભાવતી હોય છે, પણ આપણે એ દર્દને દિલમાં દબાવી રાખીએ છીએ, એને જીવતું રાખીએ છીએ અને એકની એક પીડા વારંવાર અનુભવીએ છીએ. દિલના ખૂણાઓને સાફ કરી દો, રોશની તો ત્યાં છે જ. હળવાશ જ જિંદગીને જીવવા જેવી બનાવે છે. આપણાં દિલ પર જેટલું વજન નાખતાં રહેશું એટલું એ ભારે ને ભારે થતું જવાનું છે. હાથમાં કે માથે વધુ વજન હોય તો ચાલી શકાતું નથી. એવું જ દિલના વજનનું છે. દિલ પર વજન હોય તો જીવી શકાતું નથી.
સૂર્ય ઊગે ત્યારે શાંત હોય છે. સૂર્યનાં પહેલા કિરણો કોમળ હોય છે. તેનું કારણ કદાચ એ જ છે કે એ અંધકાર હટાવીને આવે છે. અંધકાર હશે એટલે ઓટોમેટિક કોમળતા આવે છે. ઝાકળનાં બિંદુ પણ સવારે જ પ્રગટે છે. બપોરે જે દેખાય છે એ તો મૃગજળ હોય છે. નવા વર્ષની શરૂઆત નવા વિચારો, નવી કલ્પનાઓ અને નવાં સપનાંઓ લાવે એવી ઇચ્છા હોય તો દિલનો થોડોક ભાર હળવો કરી દો. કોઈના માટે નહીં, પણ પોતાના માટે. આપણે કોઈ ઉપર નારાજ હોઈએ ત્યારે હકીકતે તો આપણે આપણાથી જ નારાજ હોઈએ છીએ. દાંત કચકચાવવાથી કચવાટ જ મળવાનો છે અને કચવાટથી કડવાશ જ ઊભી થવાની છે. જિંદગી બદલતા એક ક્ષણ લાગે છે, બસ એક એવી ક્ષણ જ્યારે આપણે નક્કી કરવાનું હોય છે કે કોઈ દુશ્મન નથી, કોઈ ગુસ્સો નથી, કોઈ નારાજગી નથી, કોઈ ઉદાસી નથી, કોઈ જ રોષ નથી અને કોઈનો દોષ નથી. જિંદગી બહુ જ સુંદર છે, સાત્ત્વિક છે,સરળ છે અને સહજ છે. બસ જિંદગીને હળવી રાખવાની ફાવટ હોવી જોઈએ. વર્ષ જાય છે અને સાથે વિદાય કરવા જેવું ઘણું બધું હોય છે. દિલ પર નજર નાંખી અને થોડુંક ખંખેરી નાખો, બધું જ હળવું લાગશે.
છેલ્લો સીન :
રોજ એકાદ માનવીને સુખી કરજો જ, પછી ભલે એ તમે પોતે જ હોવ. -સ્ટેન્ડ હોલ
(‘સંદંશ’, તા. 11મી નવેમ્બર,2012. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: