જે અક્ષરો કાગળ પર આંક્યા હતા, એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા,
તેં કફન ખોલી કદી જોયું નહીં, મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા.
-વિનોદ ગાંધી
જિંદગી એ કુદરતે બનાવેલો એવો પ્રોગ્રામ છે, જેમાં સમયે સમયે નવા ફીચર્સ ઉમેરાતા જ જવાના છે. જિંદગી જેમ આગળ વધે તેમ નવા પડકારો, નવા પ્રશ્નો, નવી સમસ્યાઓ ઉમેરાતી જ જવાની છે. દરેક વ્યક્તિને જિંદગીમાં એવો સવાલ થતો જ હોય છે કે આ બધું ક્યારે પૂરું થશે? ક્યારે થોડીક નિરાંત કે હાશ મળશે? યાદ રાખો, એવું ક્યારેય થવાનું જ નથી. તમારા મનને એવી જ રીતે તૈયાર કરો કે તારે ઝઝૂમવાનું છે, સતત લડતા રહેવાનું છે, જીતવાનું છે અને ક્યારેય થાકવાનું નથી.
જિંદગીમાં મુખ્ય બે જ વસ્તુ રહેતી હોય છે. કાં તો જીતનો આનંદ ઉઠાવો અથવા તો હારનો પસ્તાવો કરો. એક વાત એ પણ નક્કી છે કે સતત જીત ક્યારેય નથી મળવાની. ફિલોસોફી, અધ્યાત્મ અને સમજદારી છેવટે તો એ જ શીખવે છે કે નિષ્ફળતાને કેમ જીરવવી અને નિષ્ફળતાને અવગણીને જિંદગીમાં સતત આગળ કેવી રીતે વધવું અને કેવી રીતે મજામાં રહેવું.
એક બાળક કમ્પ્યુટર પર ગેઇમ રમતો હતો. એ જેમ જેમ આગળ વધતો જતો હતો તેમ તેમ અઘરાં સ્ટેજ આવતાં જતાં હતાં. ગેઇમ પૂરી થાય ત્યારે એ ફરીથી ગેઇમ શરૂ કરતો. દર વખતે તેનો એક જ ઉદ્દેશ રહેતો કે વધુમાં વધુ સ્ટેજ પૂરાં કરવાં. એક વખત એ બાળકે કહ્યું કે તમે દસ સ્ટેજ પસાર કરો પછી તો એક સરળ સ્ટેજ આવવું જોઈએ ને? પણ એવું નથી થતું અને ક્યારેય નથી થવાનું. જે સ્કોર તમે નક્કી કર્યો હોય એ સ્કોર જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી આપણે રમતાં રહેવાનું છે. જિંદગીનું પણ એવું જ છે. જેમ આગળ વધતાં જશો એમ વધુ ને વધુ અઘરાં સ્ટેજ આવતાં જવાનાં છે. મહત્ત્વની વાત એ જ છે કે તમે ગેઇમ એન્જોય કરો. કોઈ પણ સંજોગોમાં હતાશ ન થાવ.
માણસ બધી જ વસ્તુનું વ્યવસ્થિત પ્લાનિંગ કરે છે. કરિયર, સેવિંગ્ઝ, રોકાણ, ઇન્કમ અને ખર્ચનું પ્લાનિંગ આપણે કરતા રહીએ છીએ. નફો થાય તો ક્યાં રોકવો અને ખોટ જાય તો કેવી રીતે ભરપાઈ કરવી? બધું જ પરફેક્ટ પ્લાન કરનારો માણસ માત્ર જીવવાનું જ પ્લાનિંગ કરતો નથી. ઘણી વખત તો બીજાં પ્લાનિંગ જ જીવવાના પ્લાનિંગને ખાઈ જતાં હોય છે. તમારી પાસે જીવવાનું પ્લાનિંગ છે? આટલો સમય હું પત્ની, સંતાન, પ્રેમી કે પરિવાર માટે ફાળવીશ અને આટલો સમય હું મારા માટે રાખીશ. તમે વિચાર કરજો આખા દિવસના શિડયુલમાં તમે તમારા માટે કેટલો સમય ફાળવ્યો છે? બોસને રાજી રાખવા માટે તમે જેટલો પ્રયત્ન કરો છો એનાથી અડધો પ્રયાસ પણ પરિવાર, મિત્ર, કે પ્રેમી માટે કરો છો?
હા, જિંદગીમાં સફળતા જરૂરી છે પણ અંતે એ પણ વિચારવું જોઈએ કે મારે આ સફળતા શેના માટે જોઈએ છે? જે સફળતા આપણને અને આપણી સાથે જોડાયેલા લોકોને આનંદ અને સુખ આપનારી ન હોય એ સફળતા અધૂરી હોય છે. ઘણી વખત તો માણસ સફળતા પાસે જ છેતરાતો હોય છે. આપણે બધા એટલા બધા કેલ્યુક્યુલેટેડ થઈ ગયા છે કે રાત પડયે એવું જ વિચારીએ છીએ કે આજે આખા દિવસમાં મેં કેટલું કામ કર્યું? તમે કોઈ દિવસ રાતે વિચારો છો કે આજે આખા દિવસમાં હું કેટલું જીવ્યો? રોજ નક્કી કરેલા કામને પૂરું કરવાને જ આપણે જિંદગી સમજવા લાગ્યા છીએ. કામ જરૂરી છે પણ કોઈ કામ જિંદગી કરતાં વધુ જરૂરી નથી.
એક મિત્ર છે. બહુ જ હોશિયાર. વેલ એજ્યુકેટેડ. એકદમ ડિસિપ્લીન્ડ. પરફેક્શનનો ચુસ્ત આગ્રહી. તેના કામમાં કંઈ જ ખામી ન હોય. ઓફિસમાં ઓલવેઝ અવ્વલ જ હોય. આખી ઓફિસમાં તેની નોંધ લેવાય અને વખાણ થાય, તેનાં ઉદાહરણો અપાય કે જુઓ આને આદર્શ કહેવાય. ઇન્ક્રિમેન્ટ, પ્રમોશન અને બીજા બધા જ બેનિફિટ તેને મળે. એક વખત આ મિત્રે કહ્યું કે હું સફળ છું. એને પૂછયું કે તેં તારી વાઇફ અને બાળકોને પૂછયું છે? એ લોકોને તારાથી સંતોષ છે? એ લોકો તો એમ જ કહે છે કે તારું ઘરમાં કંઈ ધ્યાન જ નથી, તને કોઈની પરવા જ નથી, તારી પ્રાયોરિટીમાં એ લોકો ક્યાંય છે કે નહીં?
મિત્રએ એવો બચાવ કર્યો કે હું વર્કોહોલિક છું. વધુ પડતાં વર્કોહોલિક હોવું એ વધુ પડતાં આલ્કોહોલિક હોવા જેટલું જ ખતરનાક હોય છે. તમારું વર્ક તમારા લોકોની જિંદગીનું ગળું ઘોંટતું ન હોવું જોઇએ. નાના હતા ત્યારે ટીચર એક વાત વારંવાર કહેતા કે વર્ક વ્હાઈલ યુ વર્ક એન્ડ પ્લે વ્હાઈલ યુ પ્લે. મોટા થયા પછી આ વાત ભૂલી જઈએ છીએ કે કામ કરતી વખતે કામ કરો અને જીવતી વખતે મોજથી જીવો. સફળતા સરવાળે તો સુખ જ આપતી હોવી જોઈએ. બાકી તો જેમ જેમ આપણે આગળ વધતાં જઈશું તેમ તેમ કામ અને જવાબદારી વધતાં જ જવાનાં છે. પછી આપણી સાથે જોડાયેલા લોકો જ કહેશે કે તમે જેમ જેમ આગળ વધો છો એમ એમ અમારાથી દૂર થતા જતાં હોય એવું લાગે છે. આપણી સફળતા આપણને જિંદગીથી નજીક લઈ જવી જોઈએ, દૂર નહીં. તમારી સફળતાનો આનંદ તમારા લોકોને પણ હોવો જોઈએ અને એ લોકોને આનંદ ત્યારે જ હશે જો તમે એ લોકોની સાથે અને એ લોકો તમારી સાથે હશે.
આપણો એક પ્રોબ્લેમ એ પણ છે કે આપણે સમજતાં બધું હોઈએ છીએ પણ સ્વીકારતા, માનતા કે કરતાં એ જ હોઈએ છીએ જે આપણે કરવું હોય છે. આપણને એ જ વાજબી લાગે છે અને આપણી પાસે તેના એક્સ્ક્યુસીસ પણ હોય જ છે. એક મિત્રની વાત છે. તે ફેમિલી સાથે ફરવા ગયો. ત્યાં પણ એ આઈપેડ ઉપર મેલ અને બીજાં કામમાં જ બીઝી રહેતો હતો. એક વખત લાડકી દીકરીએ કહ્યું કે ડેડી, પ્લીઝ મૂકોને આ બધું. મિત્ર સમજુ હતો. તેણે કહ્યું કે સોરી બેટા, પણ મારે આ કરવું પડે તેમ છે. એમ કહીને પણ એણે અંતે તો પોતાનું કામ ચાલુ જ રાખ્યું. આપણે બધા આપણા લોકોને પટાવવામાં માહેર થતા જઈએ છીએ.અંગત સંબંધોમાં પણ આપણે ડિપ્લોમસી વાપરતાં થઈ ગયા છીએ. ઘરના લોકોની વચ્ચેથી પણ આપણે આપણું કામ કઢાવતાં થઈ ગયા છીએ. આપણા લોકો માટેનો સમય તેનાથી છીનવીને પણ અંતે તો આપણે તેને અન્યાય જ કરતાં હોઈએ છીએ. આપણે મેચ્યોર થઈ ગયા છીએ કે હાર્શ વર્ડ્સ કે તોછડું વર્તન નથી કરતા પણ આપણાં લોકોને ગમે એવું પણ નથી કરતા.
તમારા પડકારો, તમારા ધ્યેય, તમારાં શિડયુલ્સ વચ્ચે પણ તમે તમારી જિંદગી જીવો એ મહત્ત્વનું છે. પડકારો અને પ્રોબ્લેમ્સ તો વધતાં જ જવાના છે. આ બધામાં જ જો તમે ખોવાઈ જશો તો એક સમય એવો આવશે કે તમે જ તમને નહીં મળો. યાદ કરો, છેલ્લે તમે તમને પોતાને ક્યારે મળ્યા હતા?
છેલ્લો સીન :
પોતાના સિદ્ધાંત માટે લડવું આસાન છે, પરંતુ તેનું પોતે પાલન કરવું અઘરું છે.
-આલ્ફ્રેડ એડલર
(‘સંદેશ’, તા. 04 નવેમ્બર,2012. રવિવાર. સંસ્કાર પૂર્તિ. ‘ચિંતનની પળે’ કોલમ)
Excellent Article!!
Atul Modi