અપેક્ષા વગરનો દરેક સંબંધ અધૂરો છે
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

વિશ્વાસ રાખ એ જ તો દફનાવશે તને,
કોણે કહ્યું કે દોસ્તને તારી કદર નથી.
– શૂન્ય પાલનપુરી

દરેક સંબંધ પાછળ કોઈ કારણ હોય છે. દરેક સંબંધનો કોઈ હેતુ હોય છે. દરેક સંબંધમાં કોઈ ને કોઈ અપેક્ષા હોય છે. સંબંધ જેટલો તીવ્ર એટલી અપેક્ષાઓ વધારે. અપેક્ષા વગર સંબંધનું અસ્તિત્વ જ નથી. પોતાની વ્યક્તિ પાસે અપેક્ષા હોય એમાં કંઈ ખોટું પણ નથી. આપણી વ્યક્તિ પાસે અપેક્ષા ન હોય તો કોની પાસે હોય?

જેને કોઈ અપેક્ષા નથી એની જિંદગીમાં કંઈક ખૂટતું હોય છે. માણસ અપેક્ષાઓ સાથે જ જીવે છે અને અપેક્ષાઓ પૂરી કરવા માટે જ મહેનત કરતો રહે છે. માણસને માત્ર પ્રેમ પામવાની જ નહીં, પ્રેમ કરવાની પણ અપેક્ષા હોય છે. જો તમારી પાસે પ્રેમ કરી શકે એવી વ્યક્તિ હોય તો તમે નસીબદાર છો.

પ્રેમ પડઘો માગે છે. તમારે કંઈક આપવું હોય પણ કોઈ સ્વીકારનાર જ ન હોય તો? પ્રેમ કરવો એ પણ માણસની જરૂરિયાત છે. દરેક વ્યક્તિ કોઈને પ્રેમ કરતી હોય છે. જે માણસ પ્રેમ કરી ન શકે એ ક્યારેય પ્રેમ પામી ન શકે. આપણે એવું કહીએ અને સાંભળીએ છીએ કે પ્રેમમાં કોઈ અપેક્ષા ન હોવી જોઈએ, આ વાત સાંભળવામાં સારી લાગે પણ સાચી વાત એ છે કે અપેક્ષા તો હોય જ છે.

એક પ્રેમી-પ્રેમિકા હતાં. પ્રેમી એની પ્રેમિકાને ખૂબ જ પ્રેમ કરે. તેની દરેક ઇચ્છા સંતોષે. અને સતત એવું કહેતો રહે કે મને તારી પાસેથી કોઈ અપેક્ષા નથી. હું તને ખરા દિલથી પ્રેમ કરું છું. એક દિવસ પ્રેમિકાએ કહ્યું કે તું એવું કહેતો રહે છે કે મને કોઈ અપેક્ષા નથી પણ હું ઇચ્છું છું કે તું મારી પાસે કોઈ અપેક્ષા રાખ, કારણ કે અપેક્ષા પૂરી કરવાની મજા એ જ સાચો પ્રેમ છે અને તેને પણ અપેક્ષા તો છે જ, તું ખોટું બોલે છે કે તને કોઈ અપેક્ષા નથી. આ વાત પ્રેમીને સમજાઈ નહીં,

એક દિવસ અચાનક પ્રેમિકાએ તેની સાથે બોલવાનું ઓછું કરી નાખ્યું. પ્રેમીના વર્તનનો કોઈ રિસ્પોન્સ ન આપે. ફૂલ લાવે તો કંઈ બોલ્યા વગર બાજુમાં મૂકી દે. ચોકલેટ આપે તો તેની પ્રેમિકા કોઈ બાળકને આપી દે. પ્રેમિકાના આવા વર્તનથી પ્રેમી દુઃખી દુઃખી થઈ ગયો. એક દિવસ થાકીને તેણે કહ્યું કે તું મારી સાથે આવું શા માટે કરે છે? પ્રેમિકાએ કહ્યું કે કેમ તને તો કોઈ અપેક્ષા નથી ને! તું તારે તને ઠીક લાગે એમ કર, મને ઠીક લાગે એમ હું કરીશ. પ્રેમીએ કહ્યું કે પણ આવું થોડું ચાલે? પ્રેમિકાએ કહ્યું કે તો પછી કહી દે કે તને અપેક્ષા છે કે હું પણ તને પ્રેમ કરું. પ્રેમિકાએ પછી કહ્યું કે અરે પાગલ, અપેક્ષા તો હોવાની જ છે. તને પણ અને મને પણ. હું તો કહું છું કે આપણે આપણી અપેક્ષાને વધુ તીવ્ર કરીએ. મને તો અપેક્ષા છે કે તું મને ખૂબ પ્રેમ કરે પણ સામે તનેય અપેક્ષા હોવી જોઈએ.અપેક્ષા ન હોવી તેના કરતાં અપેક્ષા હોવાની કબૂલાત હોવી એ સંબંધ વધુ નિખાલસ અને સહજ હોય છે.

માણસે અપેક્ષા તો રાખવી જ જોઈએ. દરેક માણસ અપેક્ષા રાખતો જ હોય છે. અપેક્ષા સંતોષવી એ જ પ્રેમ છે. એ જ સંબંધ છે. મોટાભાગે તો માણસને પોતાની વ્યક્તિની અપેક્ષા સંતોષવામાં જ સાચો આનંદ મળતો હોય છે. માણસ ત્યારે સૌથી વધુ ખુશ થતો હોય છે જ્યારે તેની વ્યક્તિ તેનાથી ખુશ થાય છે.

માણસને બે વસ્તુ હંમેશાં ગમતી હોય છે. પ્રાઈઝ અને સરપ્રાઈઝ. સરપ્રાઈઝ આપવાના ઇરાદા પાછળ ઓલવેઝ પોતાની વ્યક્તિને ખુશ કરવાની ઇચ્છા હોય છે. આમ જુઓ તો એ પણ આપણી અપેક્ષા જ હોય છે કે આપણે તેને પૂરી કરી દઈએ. તમે કોઈને સરપ્રાઈઝ આપવા જાવ અને એ ખુશ થવાને બદલે ગુસ્સે થઈ જાય તો? આપણને સૌથી વધુ દુઃખ થાય છે, કારણ કે આપણી અપેક્ષા કરતાં ઊંધું થઈ ગયું.

અપેક્ષા રાખવામાં કંઈ વાંધો નથી. ધ્યાન ફક્ત એટલું જ રાખવાનું કે અપેક્ષા એટલી બધી ન રાખો કે કોઈ સંતોષી ન શકે. ઘણી વખત માણસની ઇચ્છા હોય તો પણ એ અપેક્ષા સંતોષી શકતો નથી. તેનો મતલબ એ નથી હોતો કે તેને પ્રેમ નથી. દરેક માણસની એક મર્યાદા હોય છે. દરેક માણસની કોઈ મજબૂરી હોય છે. એક શાયરની સરસ પંક્તિ છે ‘કુછ તો મજબૂરિયાં રહી હોગી, યું કોઈ બેવફા નહીં હોતા.’ શાયરના કહેવાનો મતલબ એવો છે કે એની કોઈ મજબૂરી હશે, બાકી બેવફાઈ કરે એવી એ વ્યક્તિ નથી.ળઆપણી અપેક્ષા આપણાં પ્રેમ ઉપર હાવી થઈ જવી ન જોઈએ. તારે આમ કરવું જ પડશે, તારે આટલું તો કરવું જ જોઈએ. આપણે કહીએ છીએ કે પ્રેમ પરીક્ષા કરે છે પ્રેમ પરીક્ષા કરે ત્યારે ભલે કરે પણ હાથે કરીને પ્રેમની પરીક્ષા ઊભી ન કરાય. સમય આવ્યે પ્રેમ પરખાઈ જ જતો હોય છે. પ્રેમ જવાબ આપતો જ હોય છે. પણ તેના માટે સવાલો ઊભા કરવાની જરૂર નથી. સવાલો વગરના જવાબની જ સાચી મજા હોય છે.

એક પ્રેમિકાએ કહ્યું કે હું માગું અને તું આપે એ મને મંજૂર નથી. તેનો મતલબ એ પણ નથી કે મને કંઈ જોઈતું નથી. હું માગું નહીં અને તું આપે એ જ મને જોઈતું હોય છે. આમાં વાત કોઈ વસ્તુ માંગવાની કે આપવાની નથી પણ એકબીજાને સમજવાની છે. સ્પર્શનો સાચો આનંદ પણ ત્યારે જ આવે છે જ્યારે એકની સાથે બીજાના શ્વાસ પણ તેજ થઈ જાય. અરે, પડઘા વગર તો નફરત પણ નથી ટકતી. તમે કોઈને સખત નફરત કરો અને તેને કંઈ જ ફર્ક ન પડે તો? તમે કોઈને થપ્પડ મારો અને એ જરાયે ઉશ્કેરાય નહીં તો? જો પડઘા વગર નફરત પણ શક્ય ન હોય તો પ્રેમ તો ક્યાંથી શક્ય બનવાનો છે?

દરેક સંબંધમાં છેલ્લે સુખ અને આનંદની અપેક્ષા તો હોય જ છે. ક્યારેક દુઃખ ઓછું કરવાની તો ક્યારેક સુખને બમણું કરવાની અપેક્ષા હોય છે. સંબંધ જેટલો નજીકનો હોય એટલી જ અપેક્ષા વધુ હોવાની. આપણા પાંચ મિત્રો હોય તેમાંથી એક કે બે સૌથી નજીક હોય છે, એની પાસેથી જ આપણને સૌથી વધુ અપેક્ષા હોય છે.

આપણે ધારીએ એવું આપણી વ્યક્તિ ન કરે ત્યારે આપણે એવું કહીએ છીએ કે મને તારી પાસેથી આવી અપેક્ષા ન હતી. આપણી વાતને અનુમોદન આપે તેવી પણ આપણને અપેક્ષા હોય છે. હું સાચું વિચારું છું કે નહીં એ જાણવાની પણ માણસને અપેક્ષા હોય છે. હું જે કરું છું એ બરાબર છેને? હું કંઈ ખોટું તો નથી કહેતોને? તને શું લાગે છે? ઘણી વખત આપણને નકારાત્મક પ્રતિભાવ મળે ત્યારે આપણે નારાજ કે ગુસ્સે થઈ જઈએ છીએ.

બે મિત્રો હતા. એક વખત એક મિત્રએ તેની અંગત વાત કરીને કહ્યું કે હું આવું કરવાનો છું.બીજા મિત્રએ તેની વાત સાંભળીને કહ્યું કે પણ મને તું જે વાત કરે છે એ બરાબર લાગતી નથી. તું કદાચ આ મામલામાં ખોટો છે. આ સાંભળીને બીજો મિત્ર નારાજ થઈ ગયો. તેણે કહ્યું કે મને તારી પાસેથી આવી અપેક્ષા ન હતી. પેલા મિત્રએ કહ્યું કે તો કેવી અપેક્ષા હતી? હું હા પાડું એવી? હું સંમતિ આપું એવી? તને હું હા પાડું એ સાચું લાગે છે કે જે હું સાચું માનું છું એ તને કહું એ સાચું લાગે છે. છેલ્લે એ મિત્રએ એવું કહ્યું કે એક વાત યાદ રાખજે, મને સાચું લાગતું નથી એટલે મેં તને કહ્યું કે તું જે કરવાનો છે એ બરાબર નથી, છતાં જો તું એ કરશે તો પણ હું તારી સાથે જ હોઈશ, કારણ કે તું મારો મિત્ર છે. આંખ મીંચીને અપેક્ષા સંતોષવી એ પણ પ્રેમ નથી.

અપેક્ષા અને આધિપત્યમાં બહુ મોટો ફર્ક છે. ઘણી વખત આપણી અપેક્ષાઓ આધિપત્યની હદ સુધી વિસ્તરી જાય છે અને આવું આધિપત્ય જ મોટાભાગે સંબંધ અને પ્રેમના અંત માટે જવાબદાર બનતું હોય છે. પ્રેમમાં અપેક્ષા રાખો અને અપેક્ષા સંતોષવાની તૈયારી પણ રાખો. ખયાલ માત્ર એટલો રાખજો કે અપેક્ષાનું આકાશ એટલું ઊંચું ન રાખો કે કોઈ સ્પર્શી ન શકે.

છેલ્લો સીન :
જો તમે કોઇ ઈચ્છા સેવતા હો પણ તમે તે પૂર્ણ કરી શકો તેમ ન હો તો તમે એવી ઇચ્છા સેવો જે તમે પૂર્ણ કરી શકો તેમ હો.

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *