બધા તારા જેટલા સમજુ હોય એવું જરૂરી નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બધા તારા જેટલા સમજુ

હોય એવું જરૂરી નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ફિર વહીં લૌટ કે જાના હોગા, યાર ને કૈસી રિહાઇ દી હૈ,

જિંદગી પર ભી કોઇ જોર નહીં, દિલને હર ચીજ પરાઇ દી હૈ.

-ગુલઝાર

જિંદગી સારી રીતે જીવવા માટે કેટલી સમજણની જરૂર પડે? આમ જોવા જાવ તો ગમે એટલી સમજણ હોય તો પણ ઓછી પડે અને બીજી રીતે જુઓ તો થોડીક સમજણ પણ સરસ જિંદગી જીવવા માટે પૂરતી હોય છે. જિંદગીમાં હળવાશ હોય તો જિંદગી સરળ અને સહજ જ રહે છે. હળવાશ તો હોય જ છે, આપણે જ તેને દૂર હડસેલી દેતા હોઇએ છીએ. કંઇક બને છે અને આપણો મગજ છટકે છે. હળવાશ એક સેકન્ડમાં અલોપ થઇ જાય છે. ગુસ્સે, ઉદાસ, નારાજ અને ડિસ્ટર્બ થવાય એવી બાબતોને આપણે આમંત્રણ આપતા રહીએ છીએ. એક છોકરી હતી. સવારે ઉઠી ત્યારે એ ખુશ હતી. સરસ વિચારો આવતા હતા. કેવી સરસ સવાર છે? પક્ષીઓનો કેવા મધૂર કલરવ સંભળાય છે? વાતાવરણ પણ કેટલું સુંદર છે? એ ખુશ હતી. મનમાં એવું થતું હતું કે, આજે તો સવાર સુધરી ગઇ. થોડીક ક્ષણોને ફીલ કરીને તેણે પોતાનો મોબાઇલ હાથમાં લીધો. તેની એક ફ્રેન્ડે ન ગમે એવો મેસેજ કર્યો હતો. તરત જ એનું ફટક્યું. તેણે કચકચાવીને વળતો જવાબ આપ્યો. એ એવું બોલી કે, આના મેસેજે મૂડની પથારી ફેરવી નાખી. આ સાંભળીને તેની માતાએ કહ્યું કે, દીકરા એણે કંઇ તારા મૂડની પથારી ફેરવી નથી. એ ક્યાં અહીં છે? તારા મૂડને તો તેં જ અપસેટ થવા દીધો છે. એનો મેસેજ તારા મગજ પર એટલો હાવી થઇ ગયો કે તારી બધી જ હળવાશ ગાયબ થઇ ગઇ. બહાર તો એવું થતું જ રહેવાનું છે જે આપણો મૂડ અને માનસિકતા બગાડી નાખે, આપણે તેને કેટલું આપણી અંદર આવવા દેવું એ નક્કી કરવાનું હોય છે. બહારના પરિબળો પર આપણો કંટ્રોલ રહેવાનો નથી પણ આપણા ઉપર તો આપણો કંટ્રોલ હોવો જોઇએ કે નહીં? દુ:ખ ક્યારેય આપણને સામેથી વળગતું નથી, આપણે જ તેને પકડી રાખતા હોઇએ છીએ. કોઇ ઘટના બને ત્યારે એ તો માત્ર થોડીક ક્ષણોની જ હોય છે, આપણે તેને ઘૂંટતા રહીએ છીએ અને લંબાવતા રહીએ છીએ.

એક સંત હતા. તે તેમના અનુયાયીઓ સાથે બેસીને સત્ત્સંગ કરતા હતા. એવામાં એક માણસ આવ્યો અને કહેવા લાગ્યો કે, આવા બધા ધતિંગ બંધ કરો. તમારે ડાહી ડાહી વાતો કરવી છે. નવરી બજાર છો તમે બધા. એ ગાળો બોલવા લાગ્યો. લોકોએ એને પકડ્યો. માર્યો. એ માણસ છટકીને ભાગી ગયો. સંત ચૂપચાપ બેઠા હતા. બધા અનુયાયીઓ ગુસ્સે હતા. આવું બોલી જાય એ થોડું ચાલે? આવા લોકોને તો પાઠ ભણાવવો જ પડે! સંત આ વાત સાંભળીને કહ્યું કે, કોને તમારે પાઠ ભણાવવો છે? શેનો પાઠ ભણાવવો છે? પાઠ તો તમારે બધાએ શીખવાની જરૂર છે. એક અજાણ્યો માણસ આવીને કંઇક બોલી ગયો અને તમે બધા ઉશ્કેરાઇ ગયા? એ તો ક્યારનોયે ભાગી પણ ગયો છે પણ તમારા મગજમાં હજુ એના વિચારો જ ચાલે છે. અણસમજુ લોકો તો હોવાના જ છે. પ્રોબ્લેમ એ છે કે, આપણે પણ અણસમજુ સાથે એના જેવા થઇ જઇએ છે. એ ગાળો બોલ્યો. તમે એને માર માર્યો. શું ફેર રહ્યો, એનામાં અને તમારામાં? તમે તો બધા સમજુ છો. ક્યાં ગઇ તમારી સમજણ? સત્ત્સંગમાં આવ્યા છો પણ તમારી શાંતિ તો હણાઇ ગઇ છે. સંતે એક વાર્તા કહી. એક બાપ દીકરો જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા. અચાનક જ સામે એક સાપ આવી ગયો. દીકરાએ તરત જ હાથમાં પથ્થર લીધો અને સાપને મારવા ગયો. પિતાએ તેને રોક્યો અને કહ્યું કે, શું કરે છે તું આ? સાપની પ્રકૃતિ તો ડંસ મારવાની છે, આપણી નથી. આપણી પ્રકૃતિ તો બચાવવાની અને બચવાની છે. જોખમ હોઇ ત્યારે પણ દર વખતે પ્રહાર કરવાની જરૂર હોતી નથી, મોટા ભાગે બચવાની જરૂર હોય છે. આપણે બચીને નીકળી જવાનું. તેને ખબર છે, સિંહે પણ મચ્છરોથી પોતાનું રક્ષણ કરવું પડે છે. મચ્છરો હેરાન કરતા હોય ત્યારે સિંહ એનો શિકાર કરવા નીકળતો નથી. એ મચ્છરોથી બચીને પોતાની ધૂનમાં મસ્ત રહે છે.

આપણી સમજ આપણને શાંતિ અને સુરક્ષા આપવી જોઇએ. દરેક માણસ સાથે પંગા લેવાની કોઇ જરૂર નથી હોતી. એક માણસ હતો. એ ગમે એની સાથે પંજા લડાવતો. કોઇપણ મળે તો કહે કે, ચાલ આવી જા મેદાનમાં, પંજો લડાવવો છે? એક વખત એક જ્ઞાની માણસ એને મળ્યો. પેલા યુવાને કહ્યું કે, પંજો લડાવવો છે? પેલા વ્યક્તિએ ના પાડી. તેણે કહ્યું કે, એ મારું કામ નથી. મારી એટલી તાકાત પણ નથી. કુદરતે તને શક્તિ આપી છે પણ તું એનો ઉપયોગ બધાની શક્તિ માપવામાં શા માટે ખર્ચે છે? આપણી શક્તિનો ક્યાં અને કેવો ઉપયોગ કરવો એની સમજ જરૂરી છે. આપણે બધા જ આપણી જાતને સમજુ માનીને બધા સાથે પંજા લડાવતા રહીએ છીએ. મારા જેટલી સમજ કોઇનામાં નથી, બધા બુદ્ધિ વગરના છે.

એક સોસાયટી હતી. એ સોસાયટીમાં એક ફેમિલી રહેવા આવ્યું. પતિ-પત્ની અને એક દીકરી આ ફેમિલીમાં હતી. દીકરી હોંશિયાર હતી. તે સોસાયટીમાં કોઇની સાથે મિક્સ થઇ શકતી નહોતી. તેના પિતાએ એક વખત પૂછ્યું, તું કેમ કોઇને મળતી નથી. તારી કોઇ ફ્રેન્ડ નથી. દીકરીએ કહ્યું, કોઇનું લેવલ જ ક્યાં છે? બધા વિચિત્ર મગજના છે. કોઇ સાથે વાત કરવાનું મન જ થતું નથી. પિતાએ બહુ સહજતાથી કહ્યું કે, દીકરા તું હોંશિયાર છે પણ તું બીજાને મૂર્ખ સમજે એ વાત વાજબી નથી. આ સોસાયટીના લોકો તારા જેટલા ભણેલા નથી પણ એ બધા સારા તો છે જ. તારે જો મિત્રો બનાવવા હશે તો તારે એના જેવું થવું પડશે. તારી હોંશિયારીને બાજુ પર મૂકવી પડશે. આપણે આપણી જાતને વધુ પડતી આંકી લેવી ન જોઇએ. અભણ માણસમાં પણ સમજણ તો હોય જ છે. બાપે પોતાની સાથે બનેલો એક કિસ્સો કહ્યો. તેણે કહ્યું કે, હું ગઇકાલે ઓફિસ જતો હતો. કારમાં બેસીને સોસાયટીની બહાર નીકળવા જતો હતો. સોસાયટીનો ગેટ બંધ હતો. વોચમેન દૂર હતો. મને જોઇને દોડીને આવ્યો. મેં તેના પર રાડો પાડી. ક્યાં રખડે છે? ખબર નથી પડતી કે તારે અહીં રહેવાનું છે? વોચમેને કહ્યું કે, સર હજુ તમે કામ પર જાવ છો, સવાર સવારમાં ગુસ્સો કરશો તો આખો દિવસ ખરાબ જશે. બગીચામાં એક બાળક દોડતું દોડતું પડી ગયું હતું અને રડતું હતું એટલે હું તેને શાંત કરવા ગયો હતો. મને માફ કરો પણ તમે ગુસ્સે થઇ તમારો મૂડ ન બગાડો. વોચમેનની વાત સાંભળીને મને વિચાર આવ્યો કે તેની વાત કેટલી સાચી છે? એ તો સામાન્ય વોચમેન છે, હું તો મારી કંપનીમાં મેનેજર છું. એના જેટલી સમજ  પણ મારામાં નથી કે સવાર સવારમાં કારણ વગર કે સાવ સામાન્ય કારણસર ગુસ્સો કરવો વાજબી નથી! વોચમેને રમતા રમતા પડી ગયેલા છોકરાને શાંત પાડ્યો હતો, મને થયું કે હું પણ કદાચ પડી ગયો હતો અને આ વોચમેને મને શાંત પાડ્યો.

દરેક માણસ પોતાના પૂરતો હોંશિયાર હોય છે. આપણે ઘણી વખત આપણી જાતને હોંશિયાર, વેલ એજ્યુકેટેડ, મોટા, પહોંચેલા અને શક્તિશાળી માનીને બીજાને ઇગ્નોર કરતા હોઇએ છીએ. જે વ્યક્તિમાં માણસને માણસ સમજવાની સમજણ નથી એને સમજુ કહેવો કેટલો વાજબી છે? વિદ્વાન, જ્ઞાની અને સમજુ એ છે જે દરેકને સમજુ સમજે છે. દરેક પાસેથી કંઇક શીખે છે. દરેકને સન્માન આપે છે. તમને સન્માન તો જ મળશે જો તમે બીજા સાથે માનપૂર્વક વર્તશો. સંબંધમાં આપણને સરવાળે એ જ મળતું હોય છે જે આપણે આપતા હોઇએ છીએ. આપણી ડિગ્રી કે આપણો હોદ્દો ક્યારેય આપણને મહાન કે સારા બનાવી ન શકે. આપણી સમજ, આપણો વ્યવહાર અને આપણું વર્તન જ આપણે કેવા છીએ એ સાબિત કરતું હોય છે. સંબંધો હવે શક્તિ, સંપત્તિ, સત્તા અને ક્ષમતા જોઇને બંધાવવા લાગ્યા છે. જે શક્તિશાળી છે એ પણ એવું માને છે કે, સત્તા છે એટલે આ બધા પાછળ પાછળ ફરે છે, સત્તા ન હોય તો કોઇ સામું પણ જુએ એમ નથી. તમારી પાસે એવા સંબંધો છે જેની પાછળ કોઇ કારણો નથી?  બને તો બે-ચાર એવા સંબંધો રાખજો જેને આપણી સત્તા કે શક્તિ સાથે કંઇ લાગતું વળગતું ન હોય અને માત્રને માત્ર સ્નેહ અને સંવેદનાથી જ બંધાયેલા હોય. થોડુંક એ પણ વિચારજો કે, તમે પણ એવા છો ખરા કે કોઇને તમારી સાથે સંબંધ બાંધવાનું કે રાખવાનું મન થાય? બાકી બધું ખંખરી જુઓ, હળવાશ હશે તો જ સંબંધો સજીવન રહેશે અને જિંદગી જીવવાની મજા આવશે. મોટા ભાગે લોકો પોતાના ભાર નીચે જ દબાયેલા રહે છે. ભાર વેંઢારીને ફરતા હોઇએ તો પછી હળવાશ ક્યાંથી લાગવાની છે?

છેલ્લો સીન :

દરેક માણસની એક કક્ષા હોય છે. એ આપણાથી ઊંચી અથવા નીચી હોય શકે છે. જ્યાં લાગણીના સંબંધો હોય ત્યાં કોની કક્ષા કેવી અને કેટલી છે એ ગૌણ બની જવું જોઇએ, કારણ કે પ્રેમની કક્ષા સૌથી ઊંચી અને શ્રેષ્ઠ હોય છે.                            –કેયુ.

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 03 એપ્રિલ 2022, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: