દરેક માણસ ક્યારેક ને ક્યારેક પોતાની જિંદગી સાથે વાત કરતો હોય છે. તું આવી કેમ છે? હું ઇચ્છું એ રીતે તું કેમ નથી ચાલતી? હું તને પકડવા ઇચ્છું ત્યારે તું હાથમાંથી સરકી જાય છે અને ક્યારેક ઇચ્છું કે તું હાથમાંથી સરકી જાય ત્યારે તું છૂટતી નથી. આખરે તારે જોઈએ છે શું? ક્યારેક તું ઓગળી જાય છે અને ક્યારેક તું કાળમીંઢ પથ્થર જેવી થઈ જાય છે. ઘણી વખત કોઈ રસ્તો સૂઝતો નથી અને તું નાનકડી કેડી કંડારી આપે છે. તું જ સવાલો આપે છે અને પછી તું જ જવાબો શોધી આપે છે. તું મને કેમ આટલો બધો ગૂંચવી નાખે છે? તું મારી સાથે રમત રમે છે અને મને જીતવાની ચેલેન્જ આપે છે. હું ક્યારેક હારી જાઉં છું ત્યારે તું જ મને ઊભો કરે છે. ઘણી વખત મને એવું કહેવાનું મન થાય છે કે બસ બહુ થયું, હવે હું થાકી ગયો છું, થોડુંક તો મને મારી રીતે જીવવા દે. કંઈક શોધું છું. સંવેદનાઓ ક્યારેક આંખમાંથી સરી જાય છે અને ક્યારેક ગળામાં ડૂમો બનીને બાઝી જાય છે. ક્યારેક એક ઊંડો નિસાસો ઊઠે છે, જેમાં હું ડૂબી જઈશ એવો ડર લાગવા માંડે છે. ક્યારેક એવું ખડખડાટ હાસ્ય હોય છે, ત્યારે મને લાગે છે કે હું હવા સાથે લહેરાઉં છું. ક્યારેક દરિયાની ભરતી જોઈ ખીલી જાઉં છું, અને ઓટ જોઈને મૂરઝાઈ જાઉં છું. બધું જ કરીને છેલ્લે એક સવાલ થાય છે કે આખરે કરી કરીને કરવાનું છે શું? ચૂપચાપ બધં સાંભળતી જિંદગીએ બહુ જ ટૂંકો જવાબ આપ્યો, તારે જીવવાનું છે. ભરતીમાં જીવ કે ઓટમાં, ખીલવામાં જીવ કે મૂરઝાવવામાં, ઊગવામાં જીવ કે આથમવામાં, હારમાં જીવ કે જીતમાં, થાકમાં જીવ કે હાશમાં, સંતાપમાં જીવ કે ઉત્સાહમાં, ફરિયાદમાં જીવ કે અહેસાસમાં… તારે જીવવાનું છે. તું જીવવાનું રોકી નથી શકવાનો, તારે જીવવાનું તો છે જ. તારે બસ એટલું નક્કી કરવાનું હોય છે કે તારે કેવી રીતે જીવવું છે?
દરેક માણસ સરવાળે તો પૂરેપૂરો સંવેદનશીલ છે. ક્યારેક અચાનક ભીની થઈ જતી આંખ એ વાતનો પુરાવો આપે છે કે આપણામાં સંવેદના જીવે છે. આંસુથી તરસ છીપતી નથી, પણ તડપ થોડીક ઓછી થાય છે. ક્યારેક આંખમાંથી થોડીક ફરિયાદો ખરી પડે છે. આપણી સંવેદના આપણને ઘણી વખત ઘણું બધું વિચારવા મજબૂર કરે છે. સંવેદના પીડા આપે છે કે આનંદ? એ તો આપણે આપણી સંવેદનાને કયા રસ્તે લઈ જઈએ છીએ તેના પર આધાર છે. જિંદગી બે રસ્તા આપે છે. એક રસ્તો અંધકાર તરફ જાય છે અને બીજો પ્રકાશ તરફ. જિંદગીને કઈ તરફ લઈ જવી એ આપણે નક્કી કરવાનું હોય છે.
એક વખત એક મિત્રએ તેના મિત્રને કહ્યું, દોસ્ત, કંઈ ધ્યાન પડતું નથી. બધે જ અંધકાર લાગે છે. જિંદગી જાણે અટકી ગઈ છે. શું થશે એની કલ્પના પણ નથી થઈ શકતી. બધું જ ધૂંધળું લાગે છે. બધું જ ખાલી લાગે છે. એક એવો શૂન્યાવકાશ છે જે સતત ગૂંગળામણ આપે છે. એક એવું પૂર્ણવિરામ છે જેના પછી જાણે કોઈ નવું વાક્ય જ નથી. વાત સાંભળનાર મિત્ર પર્વતારોહક હતો. તેણે કહ્યું કે એક વખત અમે પર્વત ઉપર ચડતા હતા. અધવચ્ચે પહોંચ્યા ત્યાં આંધી આવી. અમારી સફર અટકી ગઈ. આગળ વધી શકાતું ન હતું અને પાછા વળી શકાય એવી સ્થિતિ ન હતી. આમ ને આમ અંધારું થઈ ગયું. અમે અમારા લીડરને પૂછયું કે હવે તો રાત પડશે, શું કરીશું? લીડરે કહ્યું કે થોભી જાવ. કંઈ જ ન કરો. અત્યારે બસ તમારી જાતને સંભાળો. આ આંધી ખતમ થવાની જ છે. આ રાત પણ પૂરી થવાની છે. બસ થોડીક રાહ જુઓ. તને પણ હું એટલું જ કહું છું કે થોડીક વાર થોભી જા. ડર નહીં, હિંમત ન હાર. આ રાત જવાની જ છે અને પ્રકાશ થવાનો જ છે. ઘણી વખત આપણે માત્ર રાહ નથી જોઈ શકતા. ઘાંઘા થઈ જઈએ છીએ. એવું લાગે છે જાણે બધું જ છીનવાઈ ગયું છે. કંઈ જ ખતમ થયું હોતું નથી. આપણે માત્ર રાહ જોઈ શકતા હોતા નથી.
આપણને બીજા લોકોની જિંદગી હંમેશાં સારી લાગતી હોય છે. હકીકતે બધાની પોતાની કહાની હોય છે. ઘણી વખત આપણે જિંદગીની ચેલેન્જિસને દુઃખ માની લેતા હોઈએ છીએ. એ દુઃખ હોતું નથી, એક પડકાર હોય છે અને આપણે તેમાંથી બહાર આવવાનું હોય છે. કોઈ એક પ્રશ્ન, કોઈ એક સમસ્યા કે કોઈ એક ઘટના આપણને આકરી લાગવા માંડે છે. જ્યારે આ પ્રશ્ન ઇમોશનલ હોય છે ત્યારે આપણે વધુ ડિસ્ટર્બ થઈએ છીએ. કોઈ પ્રેમ, કોઈ લાગણી કે કોઈ એટેચમેન્ટ જ્યારે ઠેસ આપે છે ત્યારે દિલ સંકોચાઈ જાય છે. દિલને કોઈ વલોવી નાખતું હોય એવું લાગે છે. સંબંધોની સમસ્યાઓ સૌથી અઘરી હોય છે.
એક પુત્રને એના પિતા સામે ફરિયાદો હતી. તે હંમેશાં તેના પિતાને કહેતો કે તમે આ ખોટું કર્યું, તમારે આવું કરવું જોઈતું ન હતું, તમે આવું કરી જ કેવી રીતે શકો? તમને કોઈનો વિચાર જ નથી આવતો? એક દિવસ પિતાએ દીકરાને બાજુમાં બેસાડીને કહ્યું કે હું જેવો છું એવો છું. કદાચ સારો હોઈશ અથવા ખરાબ હોઈશ. તું મને જેવો છું એવો સ્વીકારી શકે છે? હા, મારામાં કદાચ અમુક ખામીઓ હશે પણ એમ તો તારામાં પણ છે. મને પણ તારી સામે ઘણી ફરિયાદો છે, પણ એ બધી જ ફરિયાદોની ઉપર એક સંબંધ છે એને તું જોઈ શકે છે? આપણે એકબીજાને બદલવાના જ પ્રયત્નો કરતા રહીશું તો ક્યારેય એકબીજાને ઓળખી જ નહીં શકીએ. જિંદગી, સંબંધો અને આપણી વ્યક્તિ જેવી હોય એવી સ્વીકારવાની હોય છે. હા, એ બધું આપણી ઇચ્છા કે ધારણા મુજબનું નહીં હોવાનું, તેમ છતાં તમારા સંબંધ કેવી રીતે જીવો છો એના પર જ જિંદગી અને સંબંધોનો આધાર છે.
માણસ નફરત અને પ્રેમ બંને સાથે ન કરી શકે. માણસ કાં તો નફરત કરી શકે અથવા તો પ્રેમ કરી શકે. બંને સાથે કરવા જઈએ તો પીડા જ થવાની છે. કાં તો નફરત કરો અથવા તો પ્રેમ કરો, પણ ફરિયાદ ન કરો. ઘણા માણસો પ્રેમની આડમાં નફરત કરતા હોય છે, છોડતાં પણ નથી. ઝઘડા થતાં હોય છતાંયે જોડાયેલા રહે છે. મુક્ત નથી કરતા, પ્રેમને મુક્ત કરવાનું કામ અઘરું છે, પણ તેનાથી પણ વધુ અઘરું કામ નફરતને મુક્ત કરવાનું છે. કોઈ નથી ગમતું તો છોડી દો. મુક્ત કરી દો અને મુક્ત થઈ જાઓ, પણ આપણે એવું નથી કરતાં, લડતાં રહીએ છીએ. એટેચ રહી શકતા ન હોય તો કટઓફ થઈ જવું જોઈએ. તમે કોઈને ઢસડતાં રાખીને તમારી સાથે ન રાખી શકો. આવું કરનારા બીજાને પણ પીડા આપે છે અને પોતે પણ પીડાતા રહે છે.
જિંદગીની અમુક પરિસ્થિતિ એવી હોય છે જેને તમે ટાળી શકતા નથી. અમુક સંજોગો તમારી સામે આવીને ઊભા રહી જાય છે. તમારે એને ફેઇસ કરવાના હોય છે. તમે એને કેવી રીતે ફેઇસ કરો છો તેના પરથી જ તમે જિંદગીને કેવી રીતે જુઓ છો તે નક્કી થતું હોય છે. ઘણા લોકો ભાગી જાય છે, છોડી દે છે, હાથ ખંખેરી નાખે છે. બહુ લાંબા સમય પછી તેને સમજાય છે કે તેણે શું ગુમાવ્યું છે?
એક માળી હતો. એક દિવસ એક માણસે તેને સવાલ કર્યો કે જિંદગીમાં આટલી બધી પીડા, દર્દ, વેદના અને વલોપાત શા માટે છે. માળી તેને ગુલાબના છોડ પાસે લઈ ગયો. માળીએ કહ્યું કે જો આ છોડમાં કેટલા બધા કાંટા છે? ઉપર એક ફૂલ છે. કાંટાની સંખ્યા ઘણી બધી છે. ફૂલ એક જ છે. હવે હું કાંટાને જ જોતો રહું તો ફૂલ ક્યારેય ન ઉગાડી શકું. હું કાંટા તરફ જોતો જ નથી. ફૂલની કુમાશ તરફ જ જોઉં છું. ફૂલની કોમળ પાંદડી ઉપર ઝાકળનું એક બિંદુ રચાયું હતું. ધીમે ધીમે એ બિંદુ સરકીને કાંટા પર ગયું. વીંધાઈને વિખરાઈ ગયું. મેં પાંદડી પર રચાયેલા બિંદુને જ મારામાં જીવતું રાખ્યું છે. તું કાં તો ગુલાબના છોડના કાંટાને જાઈ શકે અથવા તો ગુલાબના ફૂલને. તું બંનેમાંથી કોઈને અવગણી ન શકે, કારણ કે એ તો જોડાયેલાં જ છે. આપણે આખા છોડને ઉખેડીને ફેંકી પણ નથી શકતા. હું ફૂલ માટે આ છોડ ઉછેરું છું. કાંટા માટે નહીં. જિંદગીનું પણ આવું જ છે. તમે જિંદગીને શા માટે ઉછેરો છો? જિંદગીને શા માટે જીવો છો? ફૂલ માટે કે કાંટા માટે ? કાંટા તો છે જ, તમારી નજર શેના ઉપર છે? કાંટા ઉપર કે ફૂલની કોમળતા ઉપર? જિંદગી જેવી છે એવી એને જીવો, નજર માત્ર કોમળતા ઉપર રાખો. તીક્ષ્ણ કાંટા પરથી હાથ નહીં હટાવો તો પાંદડીની કુમાશ ક્યારેય નહીં અનુભવી શકો. નજર અને નજરિયો બદલો, લાઇફ ઇઝ બ્યુટીફૂલ.
એક અત્યંત મધુર આનંદ પણ હોય છે, જે વિષાદની અંદરથી આપણી સમક્ષ આવે છે.