DEAR FRIENDS,
This article published in
www.readgujarati.com
I thank Mr. Mrugesh Shah for his feelings for me and my book. Regards to all.
-Krishnkant Unadkat
————————————————————————————————-
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ[માનવીય સંબંધો, સ્વભાવ, જીવન અને પ્રકૃતિના વિષયો પર હૃદયને સ્પર્શે એવી ભાષામાં ચિંતન રજૂ કરવાની કૃષ્ણકાંતભાઈની કલમની કુશળતા છે. ગુજરાત સમાચારની રવિપૂર્તિ અને દિવ્ય ભાસ્કરની કળશપૂર્તિમાં પ્રકાશિત થયેલા તેમના 300થી વધુ ‘ચિંતનની પળે’ કૉલમના લેખો માંથી ચૂંટેલા લેખોનો સમાવેશ કરતા આ પુસ્તકનું તાજેતરમાં શ્રી ગુણવંતભાઈ શાહના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ કૃષ્ણકાંતભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825061787 અથવા આ સરનામે kkantu@gmail.com પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]
[1] સંબંધો હવે એસએમએસથી ફોરવર્ડ કરી દેવાય છે સમય સાથે સંબંધોના દરેક સ્વરૂપમાં પરિવર્તન આવે છે. સમય ગતિશીલ છે અને પરિવર્તનશીલ પણ છે. ઘડિયાળનાં સ્વરૂપો પણ સમય સાથે બદલાયાં છે. દીવાલ પર ટીંગાડાતું લોલકવાળું ઘડિયાળ હવે ડિજિટલ થઈ ગયું છે. મહાત્મા ગાંધીજી રાખતા હતા તેવું દોરીવાળું ઘડિયાળ હવે લેટેસ્ટ ફેશન બની ગયું છે. કાંડે બાંધેલી ઘડિયાળ એકસાથે ત્રણ-ચાર દેશોના સમય આપે છે. સમયના આંકડા હવે મોબાઈલ સ્ક્રીનના એક ખૂણામાં પણ સચવાઈ જાય છે. સમય સાથે સંબંધો પણ ડિજિટલ બનતા જાય છે. કોઈના તરફથી મળેલો એક એસએમએસ બે-ચાર સોફટ બટન દબાવીને ફોરવર્ડ કરી દેવાય છે. એક મિત્રએ કહ્યું કે, સંબંધો પણ હવે કેટલી સહજતાથી ફોરવર્ડ કરી દેવાય છે. દોસ્તીની શાયરીઓ સાથેના શોર્ટ મેસેજીસ મિત્રવર્તુળોમાં ફરતા રહે છે. એક વ્યક્તિએ મોકલેલો એસએમએસ ઘણી વખત આઠ-દશ કે વીસ-પચીસ મોબાઈલમાં ફરીને પાછો આવે છે. સંબંધોનું ચક્ર પણ જાણે ઘડિયાળના કાંટાની જેમ સંબંધો માટે ફરતું રહે છે. સંબંધો પણ જાણે શોર્ટ મેસેજ સિસ્ટમની જેમ ટચૂકડા થતા જાય છે. ઘડીયાળ એ જ ગતિથી ફરે છે. ચોવીસ કલાકની ક્ષણોમાં કોઈ ફેર થયો નથી. દિવસો, કલાકો, મિનિટો અને ક્ષણોનું સ્વરૂપ એ જ છે. છતાં આજે માણસ પાસે સમય નથી. યાદ કરો કે, તમે કોઈ મિત્ર, સ્નેહી કે ભાઈ-ભાંડુને છેલ્લે ક્યારે પત્ર લખ્યો હતો ? કાગળ લઈને લખવા બેસીએ તો શબ્દો સૂઝતા નથી. શબ્દભંડોળને સાચવીને બેઠેલી મોટી ડિક્ષનરી લાઈબ્રેરીના કબાટમાં જોવાલાયક ચીજ બની ગઈ છે. અને દિલની ડિક્ષનરીમાં શબ્દો શોધવા પડે છે.
પોસ્ટ કાર્ડનો પનો પણ છ વારની સાડી જેટલો લાંબો લાગે છે. પ્રેમપત્રોની પણ શાયરોની બુક્સમાંથી બેઠી ઉઠાંતરી થાય છે. શબ્દો હવે માત્ર સંભળાય છે, સ્પર્શતા નથી. શબ્દોનું પોત પાતળું પડી ગયું છે. દિલમાં સોંસરવા ઊતરી જાય તેવું માધુર્ય પણ શબ્દોએ ગુમાવ્યું છે. શબ્દો એ જ છે પણ તે માત્ર હોઠમાંથી સરે છે, હૃદયમાંથી નીકળતા નથી. ડાયરીઓ પણ હવે ડિજિટલ થઈ ગઈ છે. શબ્દો હવે ટેરવાં સાથે જકડાયેલી પેનથી ફૂટતા નથી પણ કી-બોર્ડ પર પ્રહારથી કમ્પ્યુટરના પડદા પર પડે છે. પોસ્ટ ઑફિસના રાતા ડબા ખાલી પડ્યા રહે છે અને ઈ-મેઈલ કરતી વખતે ઈમોશન્સ પણ સિલેક્ટ કરીને એટેચ કરી દેવાય છે. હવે આપણે ઈમોશન્સ પણ મફત ડાઉનલોડ કરી આપતી વેબસાઈટ્સ પરથી પસંદ કરીએ છીએ. સંબંધો સાચવવા માટે શબ્દો ચોરવા ન જોઈએ પણ બીજમાંથી ફૂટતી કૂંપળની જેમ દિલમાંથી ઊઠવા જોઈએ. સંબંધો બહુ નાજુક ચીજ છે. આપણે ગાઢ સંબંધો ઈચ્છીએ છીએ પણ ગાઢ આત્મીયતા કોઈને આપતા નથી. સંબંધોનું ઘનઘોર જંગલ દિવસે ને દિવસે પાંખું થતું જાય છે. એક ખાલીપો વધતો રહે છે. સંબંધો ઝડપથી બંધાય છે અને તીવ્રતાથી તૂટે છે. સંબંધો પૂરા કરવા માટે હવે પત્રો પણ ફાડવા પડતા નથી. કર્સરને ડીલીટના બટન સુધી લઈ જઈને હળવા હાથે કલીક કરવા જેટલી આસાનીથી સંબંધો તૂટે છે. હવે તો સંબંધો તૂટવાની એટલી વેદના પણ ક્યાં રહી છે ? લેટેસ્ટ મોબાઈલ ઈન્સ્ટ્રુમેન્ટમાં તો હવે એક સાથે અનેક લોકોને એસ.એમ.એસ. મોકલી શકવાની વ્યવસ્થા છે. ચાર બટન દાબવાથી ચાલીસ લોકોને સંદેશા મળી જાય છે. સંદેશા મોકલનારને એ પણ યાદ નથી હોતું કે, કોને-કોને મેસેજ ફોરવર્ડ કરાયા છે. અલબત્ત, ગ્રુપ મેસેજિંગ સિસ્ટમથી ઘણી વખત સુખદ અકસ્માતો પણ થતા રહે છે. એક મિત્રની વાત છે. તેના જૂના મિત્ર સાથે ઝઘડો થયો હતો. લાંબા સમયથી બંને વચ્ચે સંપર્કો કપાઈ ગયા હતા. પણ મિત્રનો મોબાઈલ નંબર મોબાઈલમાં સેવ કરેલો હતો. ગ્રુપમાં એસએમએસ આપતી વખતે ભૂલથી આ જૂના મિત્રને પણ એસએમએસ ચાલ્યો ગયો. મારા મિત્રએ આખરે મને યાદ કર્યો, તેમ સમજીને મિત્રએ ફોન કર્યો. બંને વચ્ચેનું અંતર એક અકસ્માતે ઘટાડી દીધું. સંદેશા વ્યવહારની ટેકનોલોજી બદલતી રહે છે. એમ તો એવી પણ દલીલ થાય છે કે, મોબાઈલ અને ઈ-મેઈલની મદદથી કમ્યુનિકેશન કેટલું ફાસ્ટ થઈ ગયું છે. ઘડીના છઠ્ઠા ભાગમાં વિશ્વના કોઈપણ ખૂણામાં તમે સંદેશો મોકલી શકો છો. એક સમય હતો જ્યારે પત્ર મોકલ્યા બાદ જવાબની રાહ જોવામાં દિવસો પસાર કરવા પડતા હતા. આ વાત પણ સો ટકા સાચી છે. કમ્યુનિકેશન તો પ્રકાશની ગતિ જેટલું ઝડપી થતું જાય છે પણ સંબંધોનું સત્વ ઘટ્ટ થાય છે ખરું ? અમેરિકાના એક વિશ્વપ્રસિદ્ધ મનોચિકિત્સકે હમણાં કહ્યું હતું કે, આજના સમયના માણસની સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ માણસ વ્યક્ત નથી થઈ શકતા. હૃદયને પણ થોડું હળવું રાખવું જોઈએ. જો વ્યક્ત ન થઈ જવાય તો તેનો ભાર હૃદયને ચારે ખૂણેથી દબાવે છે અને હૃદયના દબાણથી ઉઠેલો વલવલાટ ચેન લેવા દેતો નથી. હાર્ટઍટેકની લેટેસ્ટ સારવાર છે પણ વલોવાતા હૃદયનો કોઈ ઈલાજ નથી. હાર્ટની વેનમાં થઈ ગયેલા બ્લોકેજને એક નાનકડું બલૂન છોડી સાફ કરી દેવાય છે પરંતુ હૃદયનો ભાર આંસુઓથી પણ હલકો થતો નથી. સમયની દોડ સાથે એટલું પણ ન દોડવું જોઈએ કે હાંફી જવાય. સમયને સજીવન રાખવો હોય તો સંબંધોમાં પણ શ્વાસ પૂરવા પડે છે. ફરિયાદ આધુનિક ટેકનોલૉજી સામે નથી પણ ફરિયાદ આધુનિક ટેકનોલૉજીના અતિરેકમાં ઓટ પામતા અહેસાસની સામે છે. સંબંધોમાં સત્વ સતત ઉમેરાતું રહેવું જોઈએ અને REFEEL થવા માટે દરેક સંબંધો FEEL થવા જોઈએ. બગીચામાં ખીલેલાં ફૂલોને જોવાનો જે રોમાંચ છે તે ટેલિવિઝનના સ્ક્રીન પર દેખાતા ફૂલોથી ક્યારેય અનુભવી શકાતો નથી. સંબંધોનું પણ એવું જ છે. જે સંબંધો સીંચાતા નથી, તે સુકાઈ જાય છે. લિયો યુરીસે કહ્યું છે કે, આપણા મિત્રો માટે આપણી પાસે ઘણીવાર સમય હોતો નથી અને દુશ્મની પાછળ આપણે કેટલો બધો સમય વેડફી નાખીએ છીએ ? આપણે આપણા લોકો માટે કેટલો સમય કાઢીએ છીએ ? સંબંધોનાં અનેક સ્વરૂપ છે. મિત્રો, પતિ, પત્ની, સ્નેહી, સગા કે સ્વજનો સાથેના સંબંધો સતત ધબકતા રહેવા જોઈએ. એ પણ ઉપરછલ્લી રીતે નહીં પણ એકદમ તીવ્રતાથી અને અંદરના ઊંડાણથી. સાચું સુખ સંપત્તિમાં નહીં પણ સંબંધોમાં જ સચવાયું હોય છે. સંબંધો એક ખાબોચિયામાં બંધિયાર ન થવા જોઈએ, એ તો ઝરણાંની જેમ ખળખળ વહેવા જોઈએ. એવું ઝરણું જેમાંથી સુમધુર સંગીત પણ મળે અને તરબતર કરી દે તેવી ભીનાશ પણ. સુખી કરવાની સાચી શક્તિ કોઈ સ્થળ કે સ્થિતિમાં નથી પણ સાચા સંબંધોમાં જ હોય છે. સંબંધોને સુકાવા ન દો. સતત ધબકતા રાખો અને તેનો આહલાદક ધ્વનિ દિલથી માણો.
. [2] દરેક સારો વિચાર માણસને કુદરતની નજીક લઈ જાય છે જીવવું કેટલું અને વાત કેટલી ? મોજ કરોને યાર ! એક દિવસ મરી જ જવાનું છે ને ? બિન્દાસ્ત લોકોના મોઢે આવી વાતો સાંભળવા મળે છે. જલસાને જ જીવન સમજનારા કોઈને કોઈ બહાનાં શોધી લે છે. આ જ વાત સમજુ માણસ જુદી રીતે લે છે. તેઓ કહે છે કે, કુદરતે જીવન આપ્યું છે તો કંઈક સારું ન કરીએ ? જીવનને માણસ કઈ રીતે જુએ છે એ મહત્વનું છે. માત્ર વિચારમાં જ ભેદ હોય છે. જીવન તો બધાને એકસરખું જ મળ્યું હોય છે પણ કેવી રીતે જીવવું એ જ શીખવાનું હોય છે. દારૂના શોખીનો કોઈ ને કોઈ બહાનાં શોધી લે છે. આનંદ હોય તો સેલિબ્રેશન અને દુ:ખ હોય તો ગમ ભૂલવાનું બહાનું ! એવું કહેવાય છે કે, પીને વાલોં કો પીનેકા બહાના ચાહિયે. આ જ વાત એક મિત્રએ જરાક જુદી રીતે કરી. તે કહે છે કે, આ પંક્તિમાં થોડોક ફેરફાર કરવો જોઈએ. જીનેવાલોં કો જીને કા બહાના ચાહિયે ! જિંદગી જીવવા માટે એક બહાનું જોઈએ. સારા શબ્દોમાં કહીએ તો, જીવવા માટે કોઈક ‘કારણ’ હોવું જોઈએ. જે વ્યક્તિ પાસે આવું કારણ હોતું નથી તે હંમેશા અવઢવમાં જ અટવાયેલો રહે છે. મકસદ વગરનું જીવન ચાલતું તો રહે છે પણ તેને કોઈ દિશા હોતી નથી. સાગરમાં હોડીને છોડીએ ત્યારે તેને કઈ તરફ લઈ જવાની છે તે પણ ખબર હોવી જોઈએ. જો હોડીની દિશા જાળવી ન રાખીએ તો એ ગમે ત્યાં ફંગોળી દેશે. દિશા વગરની હોડી ઘણી વખત ડુબાડી પણ દે છે. જિંદગી એક રમત છે. દરેક રમતની એક ફિલોસોફી હોય છે. જિંદગીની રમતનું પણ એવું જ છે. કુદરત માણસને જન્મ આપી મેદાનમાં ઉતારી દે છે. માણસે રમવાનું હોય છે. માણસે કાં તો જીતવાનું હોય છે અને કાં તો હારવાનું હોય છે. એક ક્રિકેટરે હમણાં જીવન અને ક્રિકેટની ફિલસૂફીની વાત કરી. ક્રિકેટમાં દરેક બોલ આઉટ કરવા માટે જ ફેંકાય છે. એ તો ખેલાડી હોય છે જે આઉટ કરવા ફેંકાયેલા બોલને પોતાની આવડતથી બાઉન્ડ્રીની બહાર મોકલી આપે છે. દરેક દિવસ એક બોલ જેવો છે. તમે તેને કેવી રીતે રમો છો તેના પર હાર-જીતનો આધાર છે. સફળ થવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. બે-પાંચ બોલમાં સેન્ચુરી ન થાય. બોલને જોઈને રમવો પડે છે. ક્યા બોલને રમવો તેના કરતાં ક્યા બોલને ન રમવો તે જ શીખવાનું છે. રમત જેટલી જ સ્પોર્ટસમેન સ્પિરિટ અને ઝિંદાદિલી જીવનમાં પણ જરૂરી છે. ઋગ્વેદમાં કહેવાયું છે કે, આ જગત શુભ, મધુર અને મંગલકારી પદાર્થોથી ભરેલું છે, પરંતુ તે તેને જ પ્રાપ્ત થાય છે જે તપશ્ચર્યા દ્વારા એનું મૂલ્ય ચૂકવવા તૈયાર રહે છે. સંતો કહે છે કે, દરેક સારો વિચાર માણસને ઈશ્વરની સમીપ લઈ જાય છે. જીવન હોય કે કોઈ પણ કાર્ય હોય, તમારા પ્રયત્નમાં આત્માનો ઉમેરો કરો. દરેક સત્કર્મ, દરેક કલા અને દરેક સારો વિચાર શ્રેષ્ઠતાની અનુભૂતિ કરાવે છે. જે કામમાં આત્મા ઉમેરાય એ કામ પ્રાર્થના બની જાય છે. અંતરઆત્મા અને પરમાત્માને બહુ નજીકનો સંબંધ છે. એક શિષ્યએ તેના ગુરુને સવાલ કર્યો કે, જીવનનો અર્થ કેવી રીતે સમજાય ? ગુરુએ કહ્યું કે, જીવનનો અર્થ સમજવા આત્માની ભાષા સમજવી પડે છે. ઈશ્વર જે સમજે છે તે આત્માની ભાષા છે. માણસ કોઈ વાતનો કંઈ નિર્ણય લેતો હોય ત્યારે તેને હંમેશા બે કે તેથી વધુ વિચારો આવતા હોય છે. આ બધા વિચારોના અવાજમાં ક્યો અવાજ આત્માનો છે તે જે જાણી શકે તેને જીવનનો અર્થ સહેલાઈથી સમજાય છે. આત્માની ભાષા આખા વિશ્વમાં સહુથી સહેલી ભાષા છે. બીજી રીતે જોઈએ તો આત્માની ભાષા એ યુનિવર્સલ લેન્ગવેજ છે. દરેક દેશના લોકોની ચામડીનો રંગ કદાચ જુદો હશે પણ આત્માનો અંશ તો એક જ સરખો રહેવાનો છે. આત્માની ભાષા પણ એકસરખી જ હોય છે. પણ માણસ આત્માને બદલે બુદ્ધિનો જ વધુ ઉપયોગ કરે છે. બુદ્ધિ મોટા ભાગે લાભનો જ વિચાર કરે છે. મને શું અને મારું શું ? એ વિચારનો અવાજ એટલો તીવ્ર બની જાય છે કે પછી આત્માની મધુર વાણી તેને સંભળાતી નથી. મને અને બુદ્ધિની ભાષામાં બાંસુરીવાદન અને ડીસ્કો જેટલો જ તફાવત છે. એક સંત એક પ્રવચન આપવા ગયા હતા. પ્રવચન અગાઉ બાંસુરીવાદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે જ બાજુના મકાનમાં ડીસ્કો પાર્ટી ચાલતી હતી. બાંસુરી સાંભળવામાં મગ્ન લોકોને ડીસ્કોનો અવાજ ડિસ્ટર્બ કરતો હતો. જ્યારે ડીસ્કોવાળા સુધી તો બાંસુરીનો અવાજ પહોંચતો જ ન હતો. આ જ વાત સંતે પછી પોતાના પ્રવચનમાં સમજાવી. બુદ્ધિની તીવ્રતા જ્યારે કાન ફાડી નાખે તેવી થઈ જાય ત્યારે આત્માની બાંસુરીનું માધુર્ય સાંભળી શકાય નહીં. આત્માનો અવાજ મૃદુ છે જ્યારે બુદ્ધિનો અવાજ તીવ્ર છે. આત્માનો અવાજ સાંભળવા માટે કાન ધરવા જેટલી ધીરજ જોઈએ. જેને ધીરજ નથી તે હંમેશા અધીરો જ રહેવાનો છે. અમીન આઝાદ કહે છે કે, જેને કાંટાની જેમ જ રહેવું હોય તેને ગુલાબની સોબત ક્યારેય સદતી નથી. ગુલાબની વચ્ચે રહીને પણ કાંટો કાંટો જ રહે છે. સંસ્કાર વગર તો સોબતનો સંગ પણ પચે નહીં. જેનામાં વિકૃતિ હોય તેને કોઈ કૃતિમાં કલા દેખાય નહીં. જિંદગી તો એ જ રહેવાની છે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે ! (બેફામ) સૂતા રહો તો પણ જિંદગી તો ચાલવાની જ છે. જીવવું એ વિશેષતા નથી, પરંતુ કેવી રીતે જીવવું એ મહત્વનું છે. જોન ફલેરે કહ્યું છે કે, જિંદગીની બીજી આવૃત્તિ પ્રગટ થઈ શકતી હોત તો હું પહેલી આવૃત્તિમાં રહી ગયેલી પ્રૂફરીડિંગની ભૂલો સુધારી લેત. પણ જિંદગી એક જ હોય છે. દરેક અવસ્થામાં સારા વિચાર સાથે જે સ્વસ્થ રહે છે તે હંમેશા સફળ થાય છે. મેડમ ક્યુરી કહે છે કે, જીવનમાં ભય પામવા જેવું કશું જ નથી, બધુંય સમજવા જેવું હોય છે. થોરોએ કહ્યું છે કે, બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે. સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર. આ કલા જાણનારને પછી કંઈ શીખવું પડતું નથી. [કુલ પાન : 149. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22132921.]
સરસ ચિંતન લેખ.
Very nice article.It is very true too. Before we used to have home.Now we have rooms.Every body is living their own room.You call them to eat they will come and go to their rooms.There are no family values.I liked your article so much,thanks for sharing.
Sapana
વર્તમાન સમયમાં ચારેકોર દ્રષ્ટિગોચર થતા ઉપરછલ્લા અને ક્ષણજીવી સંબંધો વિશે ખુબ સરસ અવલોકન અને વિશ્લેષણ …
સંબંધો સાચવવા માટે શબ્દો ચોરવા ન જોઈએ પણ બીજમાંથી ફૂટતી કૂંપળની જેમ દિલમાંથી ઊઠવા જોઈએ. આપણે ગાઢ સંબંધો ઈચ્છીએ છીએ પણ ગાઢ આત્મીયતા કોઈને આપતા નથી. સંબંધોનું ઘનઘોર જંગલ દિવસે ને દિવસે પાંખું થતું જાય છે. એક ખાલીપો વધતો રહે છે. સંબંધો ઝડપથી બંધાય છે અને તીવ્રતાથી તૂટે છે….
માણસ ક્યાં તો ભૂતકાળમાં અટકી ગયેલો હોય છે કાં તો ભાવિની ચિંતામાં અટવાયેલો રહે છે એથી વર્તમાનની મજા ચુકી જાય છે. વર્તમાનની પળને માણી શકે તો આ સંબંધોની ફરિયાદ ઘણે અંશે હળવી થઈ જાય.
સુંદર લેખ.
સરસ લેખ.
Dear Sir.
Jovo ne tame lakhel lekh aaje hu dubai ma besi ne vanchi saku chu, jo a digital technology na hot to ? to kadach tamaro aavo saras lekh ane vicharo ame ahi besi ne kevi rite vanchi sakat…!?
Ak rite saru che a dijital ane MSg technology ke tame tamara door na saga vahala na sampark ma rahi sako cho pan sathe sathe tame kidhu tem Sambandho laptop ke mobile na ak khuna ma padya hoy che…..
Thanks sir to give us good support in life.
Pls keep in touch with us .
Thanks to u and Jyouiben