તને મારા કરતાં એના પર વધારે લાગણી છે – ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

તને મારા કરતાં એના
પર વધારે લાગણી છે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


લાખ વિઘ્નોથી પાર નીકળી તે,
ચાલવાની અદમ્ય નેમ હશે,
સત્ય ક્યારેક, ક્યાંક પ્રગટે છે,
સર્વવ્યાપી તો માત્ર વહેમ હશે.
– હરજીવન દાફડા


પ્રેમનું કોઇ માપ નથી હોતું. પ્રેમને ઇંચ કે ફૂટથી માપી નથી શકાતો કે કોઇ ત્રાજવે તોલી નથી શકાતો. પ્રેમ આમ તો માપવાની નહીં પણ પામવાની ચીજ છે. પ્રેમ એક અનુભૂતિ છે. પ્રેમ એક અહેસાસ છે. પ્રેમ દિલમાં ધબકે છે અને શ્વાસની સાથે જ ફરે છે. પ્રેમ ક્યારેક હાસ્ય બનીને વહે છે તો ક્યારેક આંખોમાં આંસુ બની છલકે છે. કોઇ કેમ વહાલું લાગવા માંડે છે એ સમજ બહારનો વિષય છે. અચાનક કોઇ જિંદગીમાં આવે છે અને આપણું અસ્તિત્ત્વ જ તેની આસપાસ ફરવા લાગે છે. એ જિંદગીનું સર્વસ્વ બની જાય છે. એની સાથે રહેવાનું, વાતો કરવાનું અને જીવવાનું મન થાય છે. એની હાજરી જ આપણને અલૌકિક અહેસાસ કરાવે છે. પ્રેમ પાસે દરેક શબ્દોના અર્થ વ્યર્થ લાગે છે. મૌનમાં પણ સંવાદ સર્જાય છે. બંને ચૂપ હોય તો પણ વાત થતી હોય એવું લાગે છે. પ્રેમની કેટલીક મોમેન્ટ એવી હોય છે જે સ્વર્ગની અનુભૂતિથી જરાયે કમ હોતી નથી. પ્રેમમાં એવું તે ક્યું તત્ત્વ છે કે માણસ ગમે તે કરવા તૈયાર થઇ જાય છે? આ પ્રશ્ન એટલો ગૂઢ છે જેનો પરફેક્ટ જવાબ ક્યારેય મળવાનો નથી. આ જ પ્રેમના કેટલાક સવાલો ક્યારેક માણસને મૂંઝવી નાખે છે. પોતાની વ્યક્તિ જ્યારે એવું પૂછે કે, તું મને કેટલો પ્રેમ કરે છે ત્યારે શું જવાબ આપવો? સૌથી વધુ, તારા જેટલું વહાલું તો કોઇ નથી, સારી કાયનાત કરતાં પણ વધારે, મારા જીવ કરતાં પણ વધારે, આ અને આવો ગમે તે જવાબ આપો તો પણ એવું લાગે કે મારા પ્રેમ વ્યક્ત કરવા માટે બધું જ નાનું પડે છે. ખરેખર એવું જ હોય છે. આખું આયખું એને નામ કરી દેવાની લાગણી માત્ર પ્રેમમાં જ થઇ શકે. આ પ્રેમમાં જ્યારે સરખામણી શરૂ થાય ત્યારે મુશ્કેલીઓ પેદા થતી હોય છે.
દરેક માણસની જિંદગીમાં એક જ વ્યક્તિ નથી હોતી. આપણો આખો પરિવાર હોય છે. મિત્રો હોય છે, સ્વજનો હોય છે. આપણું પોતાનું એક આખું વર્તુળ હોય છે. કેટલાક સંબંધોના કોઇ નામ નથી હોતા, પણ કોઇ વ્યક્તિ એમ જ વહાલું અને પોતાનું લાગતું હોય છે. મારી વ્યક્તિ મને જ પ્રેમ કરવી જોઇએ એવી જીદ ઘણી વખત પ્રેમનો અંત લાવે છે. એક સાવ સાચી ઘટના છે. એક પતિ-પત્ની હતાં. બંને સરસ રીતે રહેતાં હતાં. ધીમે ધીમે પત્ની પઝેસિવ બનતી ગઇ. એનો પતિ કોઇની સાથે પ્રેમથી વર્તે તો પણ એનાથી સહન ન થાય. એક વાતે તો પત્નીએ હદ જ કરી નાખી. પતિ-પત્ની બંને બાળકનું પ્લાનિંગ કરતાં હતાં. દીકરો જોઇએ કે દીકરી એ વિશે બંને વચ્ચે ચર્ચા શરૂ થઇ. પતિએ બહુ સહજતાથી કહ્યું કે, મને તો દીકરી જ જોઇએ છે. દીકરીની વાત જ નિરાળી છે. એની હાજરી જ જિંદગીને ભરપૂર બનાવી દે છે. દીકરાની સરખામણીમાં દીકરીને લાડકી રાખવાની મજા જ જુદી છે. એના માટે બકલ, બોરિયાથી માંડીને કેટલું બધું લઇ શકાય. દીકરી હોય તો ઘર જીવતું લાગે છે. પત્નીને આ વાતથી પણ જેલસી થવા લાગી. પત્નીએ કહ્યું કે, મારે બાળક જોઇતું જ નથી. પત્નીએ એ પછી જે વાત કરી એ વિચિત્ર હતી. પત્નીએ કહ્યું કે, દીકરી આવશે તો પછી તું મારા કરતાં પણ વધારે એને પ્રેમ કરવા લાગીશ. મારે બાળક જોઈતું જ નથી. પતિ સમજાવી સમજાવીને થાકી ગયો કે, તારું સ્થાન કોઇ લઇ જ ન શકે. તું છે તો બધું છે. એ પછી પતિ સાવધાન થઇ ગયો. કોઇના વિશે કંઇ વાત જ ન કરે. આવી સ્થિતિ પણ ઘણી વખત ગૂંગળામણ પેદા કરતી હોય છે. મુક્ત હોય એ પ્રેમ જ લાંબો ટકતો હોય છે.
આપણા જેટલા સંબંધો હોય તેમાં પ્રેમ હોય જ છે. ક્યાંક થોડોક વધુ તો ક્યાંક થોડો ઓછો. પ્રેમનું એક સત્ય એ પણ છે કે, પ્રેમ ક્યારેય એકસરખો રહેતો નથી. પ્રેમમાં ઉતાર-ચડાવ બહુ જ સ્વાભાવિક છે. અત્યંત વહાલી હોય એ વ્યક્તિ ઉપર પણ ક્યારેક કાળ ચડે છે. ઝઘડો થાય ત્યારે બધો પ્રેમ ઘડીકમાં બાષ્પીભવન થઇ જાય છે. એનો મતલબ જરાયે એવો નથી કે, પ્રેમ ખતમ થઇ ગયો છે. ઝઘડો પતે એટલે બધું પાછું હતું એવું ને એવું થઇ જાય છે. બીજા પ્રત્યેની લાગણીની વાત આવે ત્યારે પતિ-પત્નીમાં ક્યારેક એવો સંવાદ પણ થતો હોય છે કે, હા તું તો એનું જ ધ્યાન રાખજે. મારી તો તને કંઇ પડી જ નથી. એક પતિ-પત્નીની આ વાત છે. બંને બહુ સરસ રીતે રહેતા હતા. કોઇ જ પ્રોબ્લેમ નહોતો. પતિનો એક ફ્રેન્ડ હતો. બચપણથી એની સાથે પાક્કી દોસ્તી. બંનેને ખૂબ જ સારું બને. એકબીજાની તમામ વાત બંનેને ખબર હોય. એક વખત પત્નીએ કહ્યું કે, મને ખબર છે તને મારા કરતાં પણ તારા ફ્રેન્ડ પર વધારે લાગણી છે. પતિએ કહ્યું, અરે! એવું ન હોય. એના પ્રત્યે લાગણી છે એમાં ના નહીં, પણ તારા કરતાં વધુ છે એવું બિલકુલ નથી. આમ તો વધુ કે ઓછાનો સવાલ જ નથી. એનો પ્રેમ એની જગ્યાએ છે અને તારી સાથેનો પ્રેમ એની જગ્યાએ છે. હકીકતે એવી સરખામણી જ ન કરવી જોઇએ. પત્નીએ કહ્યું, તને એના પ્રત્યે લાગણી હોય જને, આખરે તું મારા કરતાં એને વધુ વર્ષોથી ઓળખે છે. હું તો હજુ હમણાં તારી લાઇફમાં આવી, એની સાથે તો તારે બચપણથી દોસ્તી છે. પતિએ કહ્યું, પ્રેમ, લાગણી, આત્મીયતાને સમયના ત્રાજવે પણ ન તોલવી જોઇએ. દરેક જૂનો સંબંધ સારો જ હોય એવું જરૂરી નથી.
પ્રેમમાં ભાગ પડાવવાની વાત આવે ત્યારે પણ અનેક સવાલો સર્જાય છે. બે બહેનપણીઓ હતી. બંને મેરિડ હતી. એક વખતે બંને મળી. એ બંને પોતપોતાના પતિ વિશે વાત કરતી હતી. એકે કહ્યું કે, મારા હસબન્ડની એક ખૂબી છે. એ બધા સાથે બહુ પ્રેમથી વર્તે છે. બધાને એ પોતાનો લાગે છે. આ વાત સાંભળીને તેની ફ્રેન્ડે કહ્યું, મને તો એવું જરાયે ન ગમે. હું મારા હસબન્ડને કોઇની સાથે શેર ન કરી શકું. હું તો ક્યાંક કોઇને મળવા જવાનું હોય ત્યારે પહેલેથી તેને કહી દઉં છું કે, ધ્યાન રાખજે હોં, બહુ લટુડોપટુડો ન થતો. એને વહાલા થવાની કોઇ જરૂર નથી. આ વાત સાંભળીને તેની બહેનપણીને ખૂબ આશ્ચર્ય થયું. તેણે કહ્યું, તું તો ઇનસિક્યોરિટીથી પીડાય છે. એ કોઇ સાથે સારી રીતે બોલે એમાં પ્રોબ્લેમ શું છે? એક વાત યાદ રાખ, જે આપણો છે એ આપણો જ રહેવાનો છે. ભરોસો હોવો જોઇએ.
બીજી એક સત્યઘટના છે. એક પતિ-પત્ની હતાં. ઘણી બધી છોકરીઓ પતિની ફ્રેન્ડ હતી. સમયે સમયે પતિની ફ્રેન્ડ ઘરે આવતી અને મળતી. એક વખત પતિએ પત્નીને પૂછ્યું, મારી ફ્રેન્ડને જોઇને તને જેલસી નથી થતી? ઇનસિક્યોરિટી નથી લાગતી? સવાલો નથી થતા? પત્નીએ કહ્યું, ના બિલકુલ નથી થતા. એનું કારણ એ છે કે, મને તારા પર ગળા સુધીનો ભરોસો છે કે તું મારો જ છે. બીજી વાત એ કે, માણસ ઓળખાઇ જતો હોય છે. તારી સાથે જીવું છું, એટલી તો ખબર છે જ કે તું કેવો છે. તારી આંખોમાં મારા પ્રત્યેનો પ્રેમ દેખાય છે. આ વાત સાંભળીને પતિએ કહ્યું, સારું છે તું આટલું સમજે છે. સાવ સાચું કહું, તારી સમજણ જ મને તારો બનાવી રાખે છે. મારે તારાથી છુપાવીને ક્યારેય કંઇ કરવું પડ્યું નથી. પ્રેમને પામવા માટે પ્રેમને સમજવો પણ પડે છે. પ્રેમ શ્રદ્ધા અને વફાદારી પર જ નભે છે. શંકા જાગી એટલે પ્રેમનું પતન શરૂ થાય છે. પ્રેમનું પણ જતન કરવું પડે છે. પ્રેમને પણ નિભાવવો પડે છે. પ્રેમને સજીવન રાખવો પડે છે. પ્રેમ કરમાઇ ન જાય એ માટે તેને સીંચતા રહો. પ્રેમ નહીં રહે તો જિંદગી પણ અધૂરી જ લાગવાની છે.
છેલ્લો સીન :
પ્રેમની ક્યારેય પરીક્ષા ન કરવી જોઇએ. એનું કારણ એ છે કે, સમય આવ્યે આપોઆપ ખબર પડી જ જાય છે કે એ પ્રેમ હતો કે ભ્રમ. પ્રેમમાં પણ અંતે તો નીવડે વખાણવાળી વાત જ લાગુ પડતી હોય છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 06 સપ્ટેમ્બર 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *