તારી પાસે તો મારું સ્ટેટસ જોવાનોય ટાઇમ નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તારી પાસે તો મારું સ્ટેટસ

જોવાનોય ટાઇમ નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

જો ઝંખના મરી જશે તો વારતા પતી જશે,

ને જીવ ઝળહળી જશે તો વારતા પતી જશે,

નથી ખબર કશીયએ જ તો વારતાનો પ્રાણ છે,

બધી ખબર પડી જશે તો વારતા પતી જશે.

-વિરલ દેસાઈ 

સોશિયલ મીડિયાના સંબંધો એક અલગ ધરી પર જ જીવાતા હોય છે! લાઇક, કમેન્ટ, ફોલો, સબસ્ક્રાઇબ, ટેગ અને શેરિંગથી દોસ્તી, પ્રેમ, લાગણી, દાંપત્ય અને સંબંધોનું એક આભાસી છતાં દિલને સ્પર્શે એવું વિશ્વ રચાતું હોય છે. માત્ર પ્રેમ જ નહીં, અહીં બળાપો ઠલવાય છે, વેર વળાય છે, નફરત જાહેર થાય છે, ખીજ ઉતારાય છે, માથાકૂટ વધારાય છે અને બીજું ઘણું બધું થવા જેવું અને ન થવા જેવું થાય છે. ગમે તે હોય, સંવેદના તો અહીં પણ ખીલે જ છે. ક્યારેક હોઠ મલકાય છે, ક્યારેક આંખ થોડીક ભીની થાય છે, ક્યારેક નસો તંગ થાય છે, ધબકારા ક્યારેક થોડાક વધે છે. ક્યારેક હાશ થાય છે અને ક્યારેક ત્રાસ વર્તાય છે.

સોશિયલ મીડિયાથી વ્યક્તિત્વ છતું થાય છે, પોત પ્રકાશે છે અને માણસ વર્તાઈ આવે છે. સોશિયલ મીડિયાથી હવે ઘણું બધું છાપરે ચડે છે. ક્યારેક કોઈક જગજાહેર રીતે વાયડું થાય છે અને ક્યારેક કંઈક વાયરલ થઈ જાય છે. આપણા ગમા-અણગમા પણ છતાં થાય છે. આવું થોડું લખાય? આવા ફોટા થોડા મુકાય? આવું મૂકતા પહેલાં એને કંઈ વિચાર નહીં આવ્યો હોય? હું તો આવું ન જ કરું! દરેક પાસે સોશિયલ મીડિયા માટે પોતાની માન્યતા અને પોતાના ખયાલ છે. સંબંધ તૂટે ત્યારે અમુક ફોટાને ડિલીટ કરી દેવાય છે. નારાજગી વધુ હોય તો બ્લોક કરી દેવાય છે. અમુકની પોસ્ટ ખાનગીમાં જોઈ લેવાય છે. સંબંધો તૂટે પછી પણ ઘણું બધું ક્યાં છૂટતું હોય છે?

આભાસી વિશ્વની સંવેદનાઓ ખોખલી હોય છે? આપણે લખીએ એ બધું સાચું હોય છે? આપણે સારું લગાડવા લખતા હોઈએ છીએ? ગમે તે હોય, શબ્દો સર્જાય ત્યારે સંવેદનાઓ થોડીક તો ખીલતી જ હોય છે. સરવાળે તો આપણી દાનત ઉપર બધું આધાર રાખતું હોય છે. ઘણી વખત મોઢામોઢ જે કહેવું અઘરું કે આકરું લાગતું હોય છે એ સોશિયલ મીડિયાની વોલ પર લખાતું હોય છે. તમે ક્યારેય એ દીવાલ પર નજર કરી છે? કેવા રંગ છે એ દીવાલ પર? કેટલી ખરબચડી છે એ વોલ? ઘરની દીવાલનાં ગાબડાં આપણે ઘણી વખત કેલેન્ડર કે ઘડિયાળથી ઢાંકતા હોઈએ છીએ. તમે કેટલા ઘાવ આ રીતે છુપાવ્યા છે? ક્યારેક આપણે કહીએ છીએ કે, હું જેવો છું એવો છું. જેવો છું એવું જ વિચારું છું, એવું જ લખું છું અને એવું જ વર્તન કરું છું. ફાઇન, નથિંગ રોંગ, બધું સાચું, પણ આપણે એ વિચારીએ છીએ કે હું કેવો છું?

સોશિયલ મીડિયા ઉપર આપણે કોઈના વિશે કંઈ લખીએ ત્યારે સાથોસાથ આપણી પણ એક ઇમેજ ક્રિએટ થતી હોય છે. આપણી ઇમેજ હોય એ બગડતી કે સુધરતી હોય છે. એક યુવાનની આ વાત છે. એ ગમે તેના વિશે ગમે તેવું લખતો રહે છે. મનમાં એવું વિચારે કે મેં તો એને ઝાટકી નાખ્યો. તેના એક મિત્રએ કહ્યું કે, તું લખે છે એનાથી તારી છાપ કેવી બની? તને કોઈ સિરિયસલી લે છે? માણસે ત્યારે જ બોલવું કે લખવું જોઈએ જ્યારે તેની વાતને ગંભીરતાથી લેવામાં આવે. આપણે કેટલા છીછરા થવું અને કેટલા સબળ રહેવું એ પણ આપણા હાથની જ વાત હોય છે. આપણા રુદનને જો કોઈ ગંભીરતાથી લેતું ન હોય તો આપણા હાસ્યને પણ કોઈ સિરિયસલી નહીં લે. એને તો આદત પડી છે આવા બધા નાટક કરવાની એવી જ વાત બધા કરશે! આદત અને આચરણ ઉપરથી જ સંસ્કાર અને કુસંસ્કાર નક્કી થતા હોય છે.

સોશિયલ મીડિયા સંબંધ સુધારે છે કે શંકા કરવા પ્રેરે છે? એક પ્રેમી-પ્રેમિકાની વાત છે. પ્રેમિકા ઓનલાઇન હતી. પ્રેમીએ ‘હાય’નો મેસેજ કર્યો. પ્રેમિકાએ જવાબ ન આપ્યો. પ્રેમીથી ન રહેવાયું. કોની સાથે ચેટ કરતી હશે એ? મારી તો કંઈ પડી જ નથી! તેણે પ્રેમિકાને ફોન કર્યો અને પૂછ્યું, શું કરતી હતી? એક કલાકથી ઓનલાઇન છે તો પણ મને જવાબ કેમ નથી આપતી? પ્રેમિકાએ ખુલાસા કર્યા કે, મારી એક બહેનપણી સાથે વીડિયોકોલ પર હતી! પ્રેમીને તો એમ જ થયું કે ખોટું બોલે છે! વોટ્સએપમાં પિનઅપ કરી દીધા પછી પણ એનો મેસેજ પહેલાં જ જોવો એવું જરૂરી છે? આવું થાય ત્યારે જ માણસ છેલ્લે ઓનલાઇન ક્યારે હતા એ દેખાતું બંધ થાય એવાં ‘સેટિંગ્સ’ કરી નાખે છે! ‘સેટિંગ્સ’ કરતી વખતે તમારી નજરમાં કોણ હોય છે? કોને તમારે કંઈક નથી બતાવવું હોતું? દરેકની એક ‘પર્સનલ સ્પેસ’ હોય છે, ગમે એટલી નજીકની વ્યક્તિએ પણ આ ‘પર્સનલ સ્પેસ’ને રિસ્પેક્ટ કરવું જોઈએ. એ ન જળવાય ત્યારે ‘સેટિંગ્સ’ બદલાતાં હોય છે.

સ્ટેટસ ચેઇન્જ કર્યા પછી કેટલા લોકોએ જોયું? ‘એણે’ જોયું કે નહીં? નથી જોયું તો કેમ નથી જોયું? એવું થોડું ચાલે? એ પછી તો એ 5 વખત ઓનલાઇન થઈ છે. હવે એની પ્રાયોરિટીઝ બદલી છે. માનો કે જોયું તો પણ રિસ્પોન્સ કેમ ન આપ્યો? એક યુવાનની મેરેજ એનિવર્સરી હતી. તેણે પત્ની સાથેનો ફોટો અપલોડ કર્યે. કોણે-કોણે જોયું એ ચેક કર્યું. એક મિત્રનું નામ વાંચ્યું. એને થયું કે આણે મારી એનિવર્સરીનું સ્ટેટસ જોયું તો પણ મને વિશ ન કરી, અભિનંદન ન આપ્યાં? તેને માઠું લાગ્યું. નક્કી કર્યું કે હવે હું પણ તેને મેસેજ નહીં કરું. તેને મારી એનિવર્સરીની નથી પડી તો મનેય કોઈ ફેર પડતો નથી! રાતે એ મિત્ર ગિફ્ટ લઈને રૂબરૂ આવ્યો અને અભિનંદન આપ્યાં. મને તો તારા સ્ટેટસથી જ યાદ આવ્યું, બાકી સાચું કહું, હું ભૂલી ગયો હતો. સોરી દોસ્ત! મિત્રને થયું કે સોરી તો મારે કહેવું જોઈએ. મેં તારા વિશે ખોટું ધારી લીધું  હતું. આપણે સોશિયલ મીડિયા ઉપર વાંચીને ક્યારે કેવું ધારી લઈએ છીએ? એ સાચું છે કે ખોટું એ પણ વિચારતા નથી. માનો કે એ મિત્ર કોઈ કારણસર રૂબરૂ આવી ન શક્યો હોત તો? તો એવું જ માની લીધું હોત કે તેને કંઈ પરવા નથી! સોશિયલ મીડિયા પર પણ કંઈ વાંચી કે જોઈને જજમેન્ટલ ન બનવું જોઈએ.

એક યુવતીની ફ્રેન્ડનો બર્થડે હતો. તેણે પોતાની ફ્રેન્ડના ફોટા સાથે સરસ મજાની પોસ્ટ લખી. બર્થડે વિશ કરી. આ વાંચી એની બીજી એક ફ્રેન્ડે ફોન કર્યો. એ તારી ફ્રેન્ડ છે? ધ્યાન રાખજે હોં, બહુ ભરોસાપાત્ર નથી! પેલી યુવતીએ મજાક કરી, તો તેં આ વાત કમેન્ટમાં કેમ ન લખી? પેલીએ કહ્યું, એવું થોડું લખાય! યુવતીએ કહ્યું, હા જે બોલાય છે એ લખાતું નથી! આપણાં કાટલાં જુદાં જુદાં હોય છે. લુક, એ મારી દોસ્ત છે અને એ કેવી છે એ મને ખબર છે! ઘણી ‘પોસ્ટ’ ઉપરથી આવું પિષ્ટપેષણ થતું હોય છે. ક્યારેક કોઈ પોસ્ટ જ હટાવી દેવામાં આવે છે. ભૂલ થઈ હોય તો સુધારવામાં કંઈ હિચકિચાટ ન હોવો જોઈએ, પણ આપણી ભૂલથી કોઈને ભોગવવું ન પડે એની દરકાર તો હોવી જ જોઈએ.

ક્યારેક તો વળી કોના માટે કેવું લખ્યું છે એના ઉપરથી રાજી કે નારાજી થતી હોય છે. એક ફ્રેન્ડે તેના બીજા ફ્રેન્ડ વિશે સરસ મજાની પોસ્ટ લખી. આ વાંચીને તેના બીજા મિત્રએ કહ્યું કે તેં મારા વિશે તો આવું નહોતું લખ્યું? તને એ વધુ વહાલો છે! હવે મારા કરતાં એ વધી ગયો! મને દુ:ખ થયું છે. મિત્ર ખુલાસો કરીને થાકી ગયો કે એવું ન હોય. એ તો મને થોડાક વિચાર આવ્યા અને મેં લખ્યું. તારા પ્રત્યે પણ એટલી જ લાગણી છે. શબ્દો પણ તોલી-તોલીને લખવા પડે ત્યારે દિલ પર એક અજાણ્યો ભાર સર્જાતો હોય છે. કંઈ લખતી વખતે કોને કેવું લાગશે એ વિચાર આવે ત્યારે કલમનું ગળું થોડુંક સુકાતું હોય છે. કી-બોર્ડ પર લખાયેલા શબ્દોને ભૂંસવા બેક જવું પડે છે અને પછી વિચાર આવે છે કે જવા દેને, કંઈ નથી લખવું. કેટલી પોસ્ટ લખાઈ ગયા પછી આપણે અપલોડ કરતા હોતા નથી? કેટલા ડ્રાફ્ટ સેવ કર્યા પછી ‘સેવ’ જ રહે છે અને ડિલીટ થઈ ડસ્ટબિનમાં જાય છે?

સોશિયલ મીડિયાથી ‘પ્લેઝર’ મળે છે એની સાથે ઘણા લોકો ‘સેડેસ્ટિક પ્લેઝર’ માટે પણ તેનો ઉપયોગ કરતા હોય છે. ફેમિલીમાં પણ આવું થતું હોય છે. એક ફેમિલીમાં થોડાક ઝઘડા હતા. આ વખતે એક યુવતી તેના અમુક ફેમિલી મેમ્બર્સ સાથે મજા કરતી હોય એવા ફોટા વારંવાર અપલોડ કરતી રહેતી. તેને આનું કારણ પૂછ્યું તો કહ્યું કે, બાકીના લોકો ‘બળે’ને એટલે! ભલે બળતા, મારે તો એમને જલાવવા જ છે! કેટલા ફોટા આવી દાનતથી પડતા હોય છે અને અપલોડ થતા હોય છે? ક્યારેક તો ફોટો પાડતી વખતે જ તેની અસર કોના પર શું થશે એ વિચારાતું હોય છે, હંઅઅઅ આ ફોટો મસ્ત પડી ગયો! હવે જો મજા આવશે! આપણી પ્રકૃતિ કેવી રીતે બદલતી હોય છે એ ઘણી વખત આપણને જ સમજાતું હોતું નથી. હવે લોકોની માનસિકતા સોશિયલ મીડિયા પરથી છતી થાય છે. ક્યારેક તો કોઈ સાચી વાત કરવા પણ ‘ટેક્નોલોજિકલ એક્સપેરિમેન્ટ’ કરવા પડતાં હોય છે. બે મિત્રો હતા. એક મિત્ર ક્યારેય કંઈ સમજે જ નહીં. પોતે શું કરે છે એના વિશે કંઈ વિચારે જ નહીં. તેના મિત્રએ એક વખત વોટ્સએપથી એ મિત્રનો જ નંબર સેન્ડ કર્યો. આ જોઈને તેના મિત્રએ મેસેજ કર્યો કે અલ્યા એય, આ તો તેં મારો જ નંબર મને મોકલ્યો. તેના જવાબમાં મિત્રએ સરસ વાત લખી. હા, મેં તને તારો જ નંબર મોકલ્યો છે. એટલા માટે કે, દરેક માણસે ક્યારેક પોતાની સાથે પણ વાત કરવી જોઈએ અને પોતાની વાત સાંભળવી પણ જોઈએ! આપણે આપણી સાથે કેટલી વાત કરતા હોઈએ છીએ? આપણી વાત સાંભળીએ છીએ? સાંભળી લીધા પછી પણ એના વિશે કંઈ વિચારીએ છીએ?

સમયની સાથે બધું બદલાતું હોય છે. સંબંધો એના એ જ હોય છે, તેનું સ્વરૂપ થોડું-થોડું બદલાતું રહે છે. વ્યક્ત થવાની રીતો બદલાતી રહે છે. ટેક્નોલોજીએ સંબંધોને નવું જ સ્વરૂપ આપ્યું છે. અંગત રહેતું હતું એ હવે જાહેર થવા લાગ્યું છે. બધું ગાઈ-વગાડીને કહેવામાં આવે છે. ‘ડંકે કી ચોટ’ પર બધું થાય છે. ભલે એ બધું આભાસી, વર્ચ્યુઅલ કહેવાતું હોય, પણ એ સંબંધો છતાં તો કરે જ છે. લાગણીઓ ‘સાર્વજનિક’ બનતી જાય છે, ઇમોશન્સ ઇન્ટરનેટ પર વહેતા થાય છે. અગેઇન, કંઈ જ ખોટું નથી. ઊલટું ક્યારેક તો એવું લાગે છે કે વ્યક્ત થવા માટે ઉત્તમ માધ્યમ મળ્યું છે. સવાલ એટલો જ કે આપણે વ્યક્ત થઈએ છીએ એમાં આપણા સંબંધની કેટલી સાર્થકતા સર્જાય છે અને સચવાય છે? હવે એક નવી જ ‘સોશિયલ ઇમેજ’ બંધાય છે. આપણી ઇમેજની આપણને કેટલી દરકાર હોય છે! ગાળ કોને દીધી કે વખાણ કોના કર્યાં એની પહેલાં એ જોવાતું હોય છે એવું કોણે કર્યું? આપણો દરેક શબ્દ છેલ્લે તો આપણને જ સાબિત કરતો હોય છે. આપણે જેવા હોઈએ એવા જ વર્તાતા હોઈએ છીએ!

છેલ્લો સીન :

સોશિયલ મીડિયા ઉપર કોઈના વિશે કંઈ લખતી વખતે એટલું યાદ રાખવાનું હોય છે કે, લખીએ ભલે કોઈના વિશે, પણ જ્યાં લખીએ છીએ એ દીવાલ, એ વોલ આપણી છે! એ વોલના સૌંદર્ય પરથી આપણું ‘દિલ’ કેવું છે એ નક્કી થતું હોય છે.   -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 11 એપ્રિલ 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

12 thoughts on “તારી પાસે તો મારું સ્ટેટસ જોવાનોય ટાઇમ નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *