તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે `ફોલોઅર્સ’ – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તુલસી ઇસ સંસાર મેં
ભાત ભાત કે
`ફોલોઅર્સ’

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

સોશિયલ મીડિયામાં કોઇ માણસ કોઈને શા
માટે ફોલો કરે છે? ફોલો કરવા પાછળ કઇ
મેન્ટાલિટી કામ કરે છે? ફોલો કરવાની
સાઇકોલોજી આખરે શું કહે છે?

———–

સોશિયલ મીડિયાનો જમાનો છે. આપણે બધા જ કોઇકને ફોલો કરીએ છીએ. નેતા હોય કે અભિનેતા, લેખક હોય કે ગાયક, કોમેડિયન હોય કે ડાન્સર, જ્ઞાની હોય કે મૂરખ, આપણને જે લોકો કે જે કન્ટેન્ટ ગમતું હોય એને ફટ દઇને ફોલો કરી દઇએ છીએ. માત્ર આપણે જ નહીં, મોટાભાગના લોકો આવું કરે છે. એમાં કશું ખોટું નથી. સવાલ એ છે કે, આખરે કોઇને ફોલો કરવા પાછળ કઇ સાઇકોલોજી કામ કરે છે? આપણે જેને ઓળખતા ન હોઇએ, જેને કોઇ દિવસ મળ્યા ન હોઇએ, ભવિષ્યમાં મળી શકાશે એવી શક્યતા પણ નથી, એને આપણે શા માટે ફોલો કરીએ છીએ? ફોલો કરવા વિશે અનેક રિસર્ચ અને સરવે થયાં છે. એ એવું કહે છે કે, સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું બટન દબાવવું એ માત્ર ડિજિટલ ક્લિક નથી પણ એ માણસની સામાજિક સ્વીકૃતિ, મનોરંજનની ભૂખ અને એકલતા દૂર કરવાનો ડિજિટલ પ્રયાસ છે. મનોવિજ્ઞાન અભ્યાસ કહે છે કે, માણસ કોને ફોલો કરે છે તેના પરથી તેની માનસિક સ્થિતિ, પસંદગી અને વ્યક્તિત્વનો અંદાજ લગાવી શકાય છે. સોશિયલ મીડિયા માત્ર એક પ્લેટફોર્મ નથી, પણ માનવીય ઇચ્છાઓ, લાગણીઓ અને સામાજિક જરૂરિયાતનું ડિજિટલ સ્વરૂપ છે.
આપણે નાના હતા ત્યારથી એક વાત સાંભળતા આવ્યા છીએ કે, માણસ સામાજિક પ્રાણી છે. દરેક માણસ કોઇ ને કોઇ સમૂહ કે વિચારધારાનો હિસ્સો બનવા ઇચ્છતો જ હોય છે. દરેકને કોઇક ગમતું હોય છે. પહેલાં વાસ્તવિક દુનિયા હતી એટલે માણસની પહોંચ મર્યાદિત હતી. સોશિયલ મીડિયા આવ્યું એ પછી બધી જ સેલિબ્રિટી લોકો માટે હાથવગી બની ગઇ છે. માણસ કોઇને ફોલો કરીને પોતાની નીડ પૂરી કરતો હોય છે. અબ્રાહમ મેસ્લોએ હારાર્કી ઓફ નીડ્સ નામની એક થિયરી આપી છે. તેમાં એવું કહેવાયું છે કે, માણસની સૌથી પહેલી જરૂરિયાત સુરક્ષા છે. સુરક્ષા પછીની માણસની સૌથી મોટી જરૂરિયાત લવ એન્ડ બિલોંગિનેસ એટલે કે પ્રેમ અને સ્વીકૃતિ હોય છે. હું કોઇ વ્યક્તિ કે કોઇ વાતનો હિસ્સો છું એવું માણસ માનતો હોય છે. માણસ જ્યારે કોઇ રાજકીય નેતા, ધર્મગુરુ, સ્પોર્ટ્સનમેન કે સેલિબ્રિટીને ફોલો કરે છે ત્યારે તેને એવું લાગે છે કે, એ એક ચોક્કસ વિચારધારાનો ભાગ છે. કોઇની ફેન આર્મીનો ભાગ હોવાનો પણ એ ગર્વ મહેસૂસ કરે છે.
ફોલો કરવાનું બીજું કારણ મનોરંજન છે. મને આ જોવાથી મજા આવે છે, એવું જ્યારે માણસને લાગે ત્યારે એ તેને ફોલો કરે છે. દરેક માણસની પોતાની ચોઇસ હોય છે. કોઇને ગીત, ગઝલ, શેર, શાયરી તો કોઇને ફિલોસોફી કે વાઇલ્ડ લાઇફ ગમે છે. જ્યારે પોતાને ગમતું કન્ટેન્ટ સામે આવે છે ત્યારે માણસ ફોલો કરવા લલચાય છે. એ વાત તો હવે બધા જ જાણે છે કે, સોશિયલ મીડિયા પર આપણે જ્યારે કંઇ જોઇએ છીએ ત્યારે આપણામાં ડોપામાઇન નામના હેપી હોર્મોન્સનો સ્રાવ થાય છે. એ જ આપણને વારંવાર સોશિયલ મીડિયા જોવા માટે લલચાવે છે અને સોશિયલ મીડિયાના વ્યસની બનાવે છે. માણસની મેન્ટાલિટી જ એવી થઇ જાય છે કે, મને આ કન્ટેન્ટ જોવાની મજા આવે છે. હું એને એટલા માટે ફોલો કરું છું, કારણ કે એ મજા મને વારંવાર આવે. મીમ્સ કે કોમેડી કન્ટેન્ટ બનાવતા ઇન્ફ્લુઅન્સરોને માણસ એ માટે જ ફોલો કરે છે. કેટલાંક કન્ટેન્ટ તો એકદમ ચીપ, હલકા અને બીભત્સ હોય છે. આવું કન્ટેન્ટ આપનારાના પણ હજારો કે લાખો ફોલોઅર્સ હોય છે. આપણને એનો ફોલોઅર્સ ફિગર જોઇને એમ થાય કે આનામાં તે લોકો શું જોઇ ગયા છે કે તેને ફોલો કરી રહ્યા છે. માત્ર આપણા દેશમાં જ નહીં, આખી દુનિયામાં એક મોટો વર્ગ છે જેને ગલીપચી થાય એવું કન્ટેન્ટ ગમે છે. ગાળો બોલનારા કે સેક્સી વાતો કરનારાઓને પણ એટલે જ મોટી સંખ્યામાં ફોલોઅર્સ મળી રહે છે. કેટલાક ઇન્ફ્લુઅન્સરો તો એવું જ માને છે કે, દ્વીઅર્થી અને ગંદું કન્ટેન્ટ જ લોકોને ગમે છે. લોકો જે જાહેરમાં બોલી કે કરી શકતા નથી એ સોશિયલ મીડિયા પર જોઇને સંતોષ માને છે. મફતનું મનોરંજન મળે છે એટલે આવા લોકોનાં કામ ચાલે છે.
એક બહુ મોટો વર્ગ જ્ઞાન અને પ્રેરણા મેળવવા માટે અથવા તો કંઇક શીખવા માટે સંતો, મહંતો, સાધુઓ, ફિલોસોફરો, વક્તાઓ અને જ્ઞાનીઓને ફોલો કરે છે. લોકો એવું માને છે કે, જિંદગી સારી રીતે જીવવા માટે આવું બધું જાણવું અને શીખવું જરૂરી છે. માનસિક રીતે ફિટ રહેવા માટે અને પોતે સારા માણસ છે એવો અહેસાસ કરવા માટે લોકો જાણકારોને ફોલો કરે છે. તેમની ડાહી ડાહી વાતો સાંભળે છે. સાંભળે ત્યારે એમને સારું લાગે છે. જિંદગીમાં તેનાથી ખરેખર કેટલો ફેર પડે છે એ સૌથી મોટો સવાલ છે. થોડીક ક્ષણ માટે તો ફોલો કરનારને એવું જ લાગે છે કે, મારી જિંદગીમાં કંઇક ઉમેરાયું છે. આવું બધું લાંબો સમય યાદ રહેતું નથી એ પણ હકીકત છે. લોકો હવે ફિટ રહેવા જિમ ટ્રેનરને અને રસોઇ શીખવા શેફને ફોલો કરે છે. ફાઇનાન્સિયલ ટિપ્સ મેળવવા માટે બિઝનેસ એક્સપર્ટ્સને ફોલો કરનારો પણ એક મોટો વર્ગ છે. સોશિયલ મીડિયા પર દરેક પ્રકારના લોકોને પોતાના ટાઇપના લોકો મળી રહે છે.
ફોલો કરવા પાછળની એક ઇમ્પોર્ટન્ટ સાઇકોલોજી પેરાસોશિયલ રિલેશન્સ પણ છે. આ એક તરફી પ્રેમ કે લાગણી જેવું છે. માણસ એવું માનવા લાગે છે કે, એ જેને ફોલો કરે છે એ વ્યક્તિ મને ઓળખે છે. એને એવો અહેસાસ થાય છે કે, એ મારો મિત્ર કે સ્વજન છે. કેટલાક લોકો તો બાકાયદા વનસાઇડેડ લવમાં હોય છે. માણસને એ જાણવામાં પણ રસ હોય છે કે, હું જેને ફોલો કરું છે એણે આજે શું કર્યું. બાકી કોણે શું ખાધું અને શું પહેર્યું એનાથી કોઇને શું ફેર પડે છે? જોકે, એવા લોકો છે જેને ફેર પડે છે. એ તો પોતાને ગમતી વ્યક્તિ જેવું કરે એવું અને જેવું કહે એવું કરે પણ છે. એણે પહેર્યું એટલે આપણે પહેરવાનું. એણે કહ્યું એટલે આપણે કરવાનું. સાચું છે કે ખોટું, સારું છે કે ખરાબ, એના વિશે લાંબું વિચાર્યા વગર આંધળું અનુસરણ કરવાવાળા લોકાની સંખ્યા પણ કલ્પના ન આવે એટલી છે.
સોશિયલ મીડિયા પર કોઇને ફોલો કરવાનું એક સૌથી મોટું કારણ ફોમો એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ છે. જો હું જાણીતી વ્યક્તિ કે લેટેસ્ટ ટ્રેન્ડને ફોલો નહીં કરું તો હું પાછળ રહી જઇશ. આ ડર લોકોને સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રાખે છે અને જે ટ્રેન્ડિંગ હોય એને ફોલો કરાવે છે. તમે માર્ક કરજો, કેટલાક લોકો જેવા વિવાદમાં આવે કે તરત જ એના ફોલોઅર્સ વધી જાય છે. એનું કારણ એ જ છે કે, લોકોને ફોલો કરીને એ જાણવું હોય છે કે, આ કોણ છે અને શા માટે ચર્ચામાં છે. લોકો તેના વિશે જાણીને કમેન્ટ્સ પણ કરે છે. ઇન્ટરનેશનલ લેવલે થયેલો એક સરવે એવું કહે છે કે, 18થી 35 વર્ષની વયના લગભગ 60 ટકા લોકો એવું માને છે કે, દુનિયા સાથે કદમ મિલાવવા માટે સોશિયલ મીડિયા પર રહેવું જરૂરી છે. મારા મિત્રો જેની ચર્ચા કરી રહ્યા હોય એની મને પણ ખબર હોવી જોઇએ. મને ખબર નહીં હોય તો હું પાછળ રહી જઇશ.
ફોલો કરનારાઓમાં દુશ્મનો, હરીફો અને વિરોધીઓ પણ હોય છે. એ લોકો સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ કરીને બખાળા કાઢે છે અને હળવાશ અનુભવે છે. સતત ટ્રોલ કરે છે. દરેક વાતમાં વાંધા કાઢે છે. અમુક લોકો એવા જ હોય છે જેને દરેક વાતમાં નેગેટિવ જ દેખાય છે. બધા લોકો સાથે અને તમામ પ્રકારના કન્ટેન્ટ સામે એને પ્રોબ્લેમ હોય છે. પોતાને સમજું, શાણા, ડાહ્યા, હોશિયાર અને એજ્યુકેટેડ લોકો દરેક વાતમાં પોતે શું માને છે એ પણ કહેતા રહે છે. પોતાના વધુ ફોલોઅર્સ ન હોય ત્યારે એ જેના વધુ ફોલોઅર્સ હોય એમાં કમેન્ટ્સ કરીને ચર્ચામાં રહેવા ઇચ્છે છે. તેના કારણે જ ઘણી વખતે કમેન્ટ્સની અંદર જ કમેન્ટ્સથી ચર્ચાઓ જામે છે. સોશિયલ મીડિયા એક જબરદસ્ત મનોવૈજ્ઞાનિક ચક્રવ્યૂહ છે. તેનો ઉપયોગ સમજી વિચારીને જ કરવા જેવો છે. સોશિયલ મીડિયાનો ખપ પૂરતો જ ઉપયોગ કરો, જરાકેય બેદરકાર રહીએ તો એ આપણો સમય ખાઇ જાય છે. સોશિયલ મીડિયા પાછળ રોજ કેટલો સમય ખર્ચો છો અને સરવાળે તમને એમાંથી શું મળે છે એ દરેક માણસે વિચારવા જેવું છે. સમય અને શક્તિનો વધુ પડતો વેડફાટ ન થઇ જાય એનું ધ્યાન રાખવું પડે એવો અત્યારનો સમય છે.


———–

પેશ-એ-ખિદમત
યે જબાં હમસે સી નહીં જાતી,
જિંદગી હૈ કિ જી નહીં જાતી,
મુઝકો ઇસા બના દિયા તુમને,
અબ શિકાયત ભી કી નહીં જાતી.
– દુષ્યંત કુમાર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 14 ઓક્ટોબર 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *