મારાથી કોઈ ભૂલ થાય જ
નહીં એવો ભ્રમ રાખવો નહીં

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
એવું ગજું નથી કે છુપાવું આ ઘાવને,
તસવીર જેમ ટાંગશું તારા અભાવને,
ઇચ્છા તો છેલ્લી એ જ કે દર્દોનું ઘર મળે,
દુ:ખતી રગોને સહેજ તું પાછી દબાવને.
– જિગર જોષી `પ્રેમ’
પરફેક્શન સારી વાત છે. દર વખતે પરફેક્શનની જીદ સારી વાત નથી. આપણે કોઇ કામ કરતા હોઇએ ત્યારે આપણે એવું જ ઇચ્છતા હોઇએ છીએ કે, મારું કામ બેસ્ટ જ થાય. કોઇ ખામી ન રહે. એમાંયે જ્યારે આપણી જાત પુરવાર થવાની હોય એવું કામ હોય ત્યારે આપણે વધારે સજાગ રહીને કામ કરતા હોઇએ છીએ. દરેકને પોતાનું બેસ્ટ આપવું હોય છે. દરેકના પ્રયાસો પણ એવા જ હોય છે. એ વાત જુદી છે કે, દર વખતે એવું થતું નથી. એક ફોર્મ્યુલા વન કારરેસર હતો. તેણે સરસ વાત કરી હતી. તેણે કહ્યું, ગમે એટલો પરફેક્ટ ડ્રાઇવર હોય તો પણ એ ક્યારેક તો ભૂલ કરતો જ હોય છે. દરેક વખતે દરેક પરિસ્થિતિ આપણા હાથમાં હોતી નથી. દુનિયામાં બેસ્ટ પ્લાનિંગ એ છે જેમાં થોડીક છૂટછાટ મૂકવામાં આવી હોય. ગેપ રાખવો જોઇએ. આપણે ક્યાંક જવાનું હોય ત્યારે ટ્રેન કે ફ્લાઇટના સમયે પહોંચવામાં થોડોક સમય રાખીએ છીએ. કટોકટ સમયે પહોંચવામાં ક્યારેક ટ્રેન કે ફ્લાઇટ ચૂકી જવાનો ખતરો રહે છે. માણસે એટલું ટાઇટ પ્લાનિંગ ન કરવું જોઇએ કે કોઇ અવકાશ જ ન રહે. એ જ રીતે કોઇ કામ કરતી વખતે ભૂલ ન જ થાય એવો આગ્રહ પણ રાખવો ન જોઇએ. દુનિયામાં એકેય એવો માણસ નહીં હોય જેણે ક્યારેય કોઇ ભૂલ કરી ન હોય. જાણે અજાણે ભૂલ થઇ જતી હોય છે. આપણો ઇરાદો ન હોય તો પણ ક્યારેક લોચો પડી જતો હોય છે.
એક યુવાનની આ વાત છે. એ પોતાના કામમાં પાવરધો હતો. એણે ધાર્યું હોય એમ જ એનું કામ થતું. એ એટલી મહેનત પણ કરતો હતો. એક વખત એણે જે કામ હાથમાં લીધું હતું એ નિષ્ફળ ગયું. એવું મોટું કોઇ નુકસાન થયું નહોતું, પણ કામ નિષ્ફળ ગયું એનો એને જબરદસ્ત આઘાત લાગ્યો. મારાથી આવું થાય જ કઇ રીતે? મારું કામ નિષ્ફળ ગયું એનો મતલબ એ જ છે કે, મારામાં કંઇક ખામી છે. એ ડિસ્ટર્બ રહેવા લાગ્યો. એ પોતાની જાતને એટલી હોશિયાર માનતો હતો કે, પોતાની નિષ્ફળતાની વાત પણ કોઇને કહી શકતો નહીં. તેના પિતા તેની હાલત જોઇને સમજી ગયા કે, આનાથી કામમાં કંઇક ભૂલ થાય છે. પિતાએ તેને બોલાવીને કહ્યું, તને ખબર છે, દુનિયાનો સૌથી મોટો ભ્રમ શું છે? મારાથી ક્યારેય કોઇ ભૂલ થાય જ નહીં એ સૌથી મોટો ભ્રમ છે. તું ભૂલનો ભોગ નથી બન્યો, પણ એ ભ્રમનો ભોગ બન્યો છે. તેં ક્યારેય ભૂલ થાય એવી માનસિક તૈયારી જ નથી રાખી. તું એના કારણે જ દુ:ખી થાય છે. થઇ જાય. આપણે આપણાથી થાય એટલા બેસ્ટ પ્રયાસો કરવાના, બાકી બધું ઉપરવાળા પર છોડી દેવાનું.
ક્યારેક સમય તો ક્યારેક સંજોગ એવી રમત રમી જાય છે કે, આપણું કંઇ ચાલતું નથી. સંબંધોમાં પણ દર વખતે આપણે ઇચ્છીએ એવું થતું નથી. ક્યારે કોને કઇ વાતનું ખોટું લાગી જાય એ જ આપણને સમજાતું નથી. સાવ નજીકની વ્યક્તિ પણ ક્યારેક માઠું લગાડીને બેસી જાય છે. આપણે ચોખવટ કરીએ કે, તું માને છે એવું કંઇ નથી. આપણો વાંક ન હોય તો પણ આપણે સંબંધ બચાવવા અને આપણી વ્યક્તિને મનાવવા માટે સોરી કહી દેતા હોઇએ છીએ. આપણા લાખ પ્રયાસો છતાં જો સામેની વ્યક્તિ સમજી ન શકે તો આપણે કંઇ કરી શકતા નથી. આવા સંજોગોમાં માણસ થાકીને આખરે પડતું મૂકી દે છે. મેં સોરી કહ્યું, ખુલાસા કર્યા, છતાંયે જો એને કોઇ વાત સ્પર્શતી ન હોય તો પછી એની મરજી.
ભૂલને ચોક્કસપણે ગંભીરતાથી લેવી જોઇએ, પણ કઇ ભૂલને કેટલી ગંભીરતાથી લેવી એ આપણે નક્કી કરવું પડતું હોય છે. દરેક ભૂલને દિલથી લેવાની કોઇ જરૂર નથી. કામમાં ભૂલ થઇ ગઇ હોય તો બીજી વખત ધ્યાન રાખવાનું કે એવી ભૂલ ન થાય. સંબંધમાં ભૂલ થાય તો કોઇ પણ જાતના બચાવ કે બહાનાબાજી વગર માફી માંગી લેવાની. ઘણી વખત આપણે સામાન્ય ભૂલને વધુ પડતી સીરિયસલી લઇને હાંફળા ફાંફળા થઇ જતા હોઈએ છીએ. એક છોકરીની આ વાત છે. તેણે તેના એક બોયફ્રેન્ડને વોટ્સએપ પર મેસેજ કર્યો. ભૂલથી એ મેસેજ તેના ફ્રેન્ડને મોકલવાના બદલે તેની બીજી એક ફ્રેન્ડને સેન્ડ થઇ ગયો. જ્યારે તેને આ વાતની ખબર પડી ત્યારે એ ડરી ગઇ. હવે શું થશે? એ મારા મેસેજનો સ્ક્રીન શોટ લઇ લેશે તો? કોઇને કહી દેશે તો? એ છોકરીને ડિસ્ટર્બ જોઇને તેની બીજી ફ્રેન્ડે પૂછ્યું, શું થયું છે? તેણે સાચી વાત કરી દીધી. તેની ફ્રેન્ડે કહ્યું, એમાં આટલું બધું ટેન્શન શું લે છે? એને ફોન કર અને કહી દે કે તને ભૂલથી મોકલાઇ ગયો છે. ઇગ્નોર કરજે. બીજી વાત એ પણ છે કે, એ મેસેજમાં તેં એવું કંઇ નથી લખ્યું. એ કોઇને કહી દે તો પણ કંઇ આભ ફાટી પડવાનું નથી. ખોટું ટેન્શન લેવાનું બંધ કર. એ છોકરીએ જેને મેસેજ થઇ ગયો હતો એને ફોન કરીને કહ્યું કે, તને ભૂલથી મેસેજ થઇ ગયો હતો. પ્લીઝ ઇગ્નોર કરજે. તેની ફ્રેન્ડે કહ્યું, મને મેસેજ વાંચીને જ એમ થયું હતું કે, ભૂલથી મોકલાઇ ગયો લાગે છે. ફર્ગેટ ઇટ. વાત પૂરી થઇ ગઇ. અમુક સમયે વાત કરી લેવાથી પણ ટેન્શન ખતમ થઇ જતું હોય છે. બધું મનમાં સંઘરી રાખવાની જરૂર હોતી નથી. ભૂલ થઇ હોય તો પણ કહી દેવાનું કે, મારાથી ભૂલ થઇ ગઇ છે.
ભૂલ ન સ્વીકારવી એ સૌથી મોટી ભૂલ છે. ઘણા લોકો પાંગળા બચાવ કરવા લાગે છે. આવું થયું એટલે તેવું થયું. સરવાળે માણસ એવું સાબિત કરવા મથે છે કે, મારો કોઇ વાંક નહોતો. એક સાવ સાચો કિસ્સો છે. એક યુવાન જોબ કરતો હતો. એક વખત તેને જે કામ સોંપવામાં આવ્યું એમાં તેનાથી ભૂલ થઇ ગઇ. તેના બોસે એને બોલાવ્યો. કંઇ ખબર પડે છે કે નહીં, બોસ થોડાક આકરા શબ્દોમાં બોલ્યા. એ યુવાને કહ્યું, મારાથી ભૂલ થઇ ગઇ છે. આવી ભૂલ ન થવી જોઇએ પણ અજાણતાં થઇ ગઇ છે. માફી માંગું છું. બીજી વખત આવું ન થાય એનું ધ્યાન રાખીશ. આ સાંભળીને બોસે કહ્યું, ચલ હવે આવું ન થાય એનું ધ્યાન રાખજે. એ પછી બોસે કહ્યું, મને એમ હતું કે, તું તારો બચાવ કરીશ. એના બદલે તેં ભૂલ સ્વીકારી લીધી. એ મને ગમ્યું. સાચી વાત એ છે કે, જે માણસ કામ કરે એનાથી ક્યારેક ભૂલ થઇ જાય. ભૂલ થાય એનો વાંધો હોતો નથી, ભૂલનો અહેસાસ ન થાય એનો વાંધો હોય છે. સાચો માણસ એ છે જેને પોતાની ભૂલ સમજાય છે. એક બીજા યુવાનની આ વાત છે. તેનાથી એક કામમાં ભૂલ થઇ ગઇ. તેના બોસને એક બીજા કલિગે તેની ભૂલ વિશે કહ્યું. બોસે કહ્યું કે, એને કંઇ કહેવાની જરૂર નથી. એને પોતાની ભૂલનો પૂરો અહેસાસ હશે. કેટલાકને તો આપણે કહેવું પડે કે, ઠીક છે હવે, બહુ મગજમાં ન લે, થઇ જાય ક્યારેક. આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણાથી જે ભૂલ થઇ જાય એને આપણે કેવી રીતે લઇએ છીએ? જે ભૂલ સુધરી શકે એમ હોય એને આપણે સુધારી લઇએ છીએ ખરા? સૌથી મહત્ત્વની વાત એ છે કે, આપણી ભૂલનો આપણને અહેસાસ છે ખરો? જો હોય તો પૂરતું છે. ભૂલને વધુ પડતી પકડી રાખવાનો પણ કોઇ મતલબ નથી હોતો. ભૂલમાંથી બોધપાઠ લઇને ભૂલમાંથી પણ મુક્ત થઇ જવાનું હોય છે. ભૂલોને ભૂલીને આગળ વધવાનું હોય છે. અહેસાસ જરૂરી છે, અફસોસ નહીં.
છેલ્લો સીન :
બીજાના મંતવ્ય અને માન્યતાનું સન્માન કરવું એ એક પ્રકારનું શાણપણ અને સમજદારી જ છે. આપણે ભલે ગમે એ માનતા હોઈએ, બીજા પણ સાચા હોઈ શકે છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 18 ઓકટોબર 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
