આપણને પોઝિટિવ નહીં, નેગેટિવ વિચારો જ વધુ આવે છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આપણને પોઝિટિવ નહીં, નેગેટિવ
વિચારો જ વધુ આવે છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

વિચારો વિશેના એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે,
માણસને દરરોજ સરેરાશ 60 હજાર વિચાર આવે છે.
તેમાંથી 80 ટકા વિચારો નેગેટિવ હોય છે.
વિચારોમાં થોડુંકેય પરિવર્તન જિંદગીને
વધુ ખુશહાલ બનાવી શકે છે

———–

વિચારો સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે ધારીએ તો પણ વિચારોને રોકી શકતા નથી. એક પછી એક વિચાર આવતા જ રહે છે. વિચારો સતત બદલતા રહે છે. એક વિચાર ઘડીકમાં ક્યાંનો ક્યાં પહોંચી જાય છે. વિચારો એ એવી જાળ છે જેમાં એક વાર ફસાયા પછી મુક્ત થવાતું નથી. ડિપ્રેશન સહિતની મોટાભાગની માનસિક બીમારીઓનું કારણ માત્ર ને માત્ર નકારાત્મક વિચારો જ છે. વિચારો વિશે થયેલું એક સંશોધન એવું કહે છે કે, માણસને પોઝિટિવ કરતા નેગેટિવ વિચારો વધુ આવે છે. કોઇ સારો અને પોઝિટિવ વિચાર પણ ગમે ત્યારે નેગેટિવ ટર્ન લઇ લે છે. વિચારો વિશે એવું પહેલેથી કહેવાતું આવ્યું છે કે, માણસ એવો જ હોય છે જેવા તેના વિચારો હોય છે. જેવા વિચારો કરીએ એવા જ આપણે બનીએ છીએ. આ બધી વાત સાચી, પણ સારા વિચારો તો આવવા જોઇએને!
આપણી સાથે આખા દિવસમાં કંઇક ને કંઇક બનતું રહે છે. આપણી આસપાસ જે કંઇ બને છે એના વિચારો આપણા પર હાવી થતા રહે છે. કંઇ જોતા, વાંચતા કે અનુભવતા હોઇએ ત્યારે વિચારોનો ફ્લો સતત વહેતો રહે છે. એક જ નેગેટિવ વિચાર આવી જાય છે અને પછી તેની હારમાળા સર્જાય છે. તેનું એક ઉદાહરણ સમજવા જેવું છે. એક માણસ સરસ મજાની જગ્યાએ ફરવા ગયો. પહાડી વાતાવરણમાં તે એક રોપ-વેમાં જઇ રહ્યો હતો. સુંદર નજારો હતો. વાતાવરણ પણ આહ્‌લાદક હતું. વર્ષોથી આ સ્થળે આવવાનું તેનું સપનું પૂરું થયું હતું. આ દરમિયાનમાં તેને માત્ર એટલો વિચાર આવી ગયો કે, આ રોપ-વે તૂટે તો? નીચે ખીણમાં જ પડીએ. જીવવાના કોઇ ચાન્સીસ જ ન રહે. આ એક જ વિચારે તેની બધી જ મજા બગાડી નાખી. જે વાતાવરણ મોહક લાગતું હતું એ ડરામણું લાગવા માંડ્યું. આ વિચાર ન કર્યો હોત તો? માણસને ઘણી વખત નેગેટિવ વિચારો કરવા હોતા નથી, પણ જાણે અજાણે નેગેટિવ વિચારો આવી જ જતા હોય છે. વિચારો પર આપણો કંટ્રોલ રહેતો નથી. એ તો ગમે ત્યારે આપણા પર સવાર થઇને આપણને મૂંઝવી નાખે છે.
અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા વિચારો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનનાં પરિણામો ખૂબ જ ચોંકાવનારાં હતાં. દરેક માણસને દરરોજ ઓછામાં ઓછા બાર હજાર અને વધુમાં વધુ 60 હજાર વિચાર આવે છે. આ વિચારમાંથી 80 ટકા વિચારો નેગેટિવ હોય છે. મતલબ કે, આપણને આવતા દસ વિચારમાંથી માત્ર બે વિચાર જ પોઝિટિવ હોય છે. વિચારોનું એક બીજું તારણ પણ ગજબનું છે. જે નેગેટિવ વિચારો આવે છે એમાં 95 ટકા વિચારો રિપિટેટિવ એટલે કે જે અગાઉ વિચારો કર્યા હોય એ જ હોય છે. આપણે એક જ નકારાત્મક વાત વારે વારે વિચારતા રહીએ છીએ. માણસનું મગજ જ નકારાત્મક વિચારો તરફ વધુ આકર્ષાય છે. મનોવિજ્ઞાનની ભાષામાં તેને નેગેટિવિટી બાયસ કહેવામાં આવે છે.
અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક જોન કેસિઓપ્પોએ મગજના ઇલેક્ટ્રિકલ સિગ્નલો પર એક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં ભાગ લેનારા લોકોને પોઝિટિવ, ન્યૂટ્રલ અને નેગેટિવ ચિત્રો બતાવવામાં આવ્યાં હતાં. જે સિગ્નલો પકડાયા તેમાં એવું બહાર આવ્યું હતું કે, માણસ જ્યારે નેગેટિવ ચિત્ર કે નકારાત્મક પરિસ્થિતિ જુએ છે ત્યારે તેના મગજના સેરેબ્રલ કોર્ટેક્સમાં ખૂબ જ તીવ્ર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી પેદા થાય છે. આ ઘટના એ વાત સાબિત કરે છે કે, નેગેટિવ બાબતો પર માણસ ખૂબ જ ઝડપથી અને મજબૂત પ્રતિક્રિયા આપે છે. આપણે બધાએ આ વાતનો અનુભવ પણ કર્યો જ હોય છે. કોઇ જ્યારે આપણાં વખાણ કરે ત્યારે આપણે શાંત અને ખુશ હોઇએ છીએ. કોઇ જો ખરાબ બોલે તો તરત જ આપણું મગજ છટકે છે. આપણે ગુસ્સે થઇ જઇએ છીએ. બચાવ કરવાથી માંડીને મારવા સુધી પહોંચી જઇએ છીએ.
વિચારો વિશે મનોવિજ્ઞાની રોટ બૌમિસ્ટરનું `બેડ ઇઝ સ્ટ્રોંગર ધેન ગુડ’ સંશોધન પણ સમજવા જેવું છે. તેમણે કરેલા રિસર્ચમાં એવું બહાર આવ્યું હતું કે, માણસ સારી ઘટના કે પ્રશંસાને યાદ રાખે છે તેના કરતાં ખરાબ ઘટના, દુ:ખદ પ્રસંગ, ટીકા કે અપમાનને લાંબો સમય અને ખૂબ જ ઊંડાણપૂર્વક યાદ રાખે છે. માર્ક કરજો, કોઇ આપણું ખરાબ બોલ્યું હોય તો એ આપણા મગજમાંથી ખસતું જ નથી. આપણને આખા દિવસમાં નવ સારી વાત સાંભળવા મળે અને એક ખરાબ વાત સાંભળવા મળે ત્યારે આપણે બાકીની નવ વાતો ભૂલી જઇએ છીએ અને એક જ ખરાબ વાતને વાગોળતા રહીએ છીએ. નોબલ પુરસ્કાર મેળવનાર ડેનિયલ કાહનેમેને પોતાના અભ્યાસ અને અનુભવો પરથી એવું કહ્યું છે કે, નેગેટિવિટી આપણી આર્થિક પસંદગીઓને પણ મોટી અસર કરે છે. ઉદાહરણ તરીકે આપણને દસ હજાર રૂપિયા કમાવવાનો જેટલો આનંદ હોય એના કરતામ જો આપણે દસ હજાર ગુમાવ્યા હોય તો આપણું દુ:ખ અનેકગણું હોય છે.
સવાલ એ છે કે, આખરે નેગેટિવ વિચારો શા માટે વધુ આવે છે? તેનું કારણ પણ રસપ્રદ છે. તેના વિશેનો અભ્યાસ એવું કહે છે કે, આપણું મગજ ખુશ રહેવા માટે નહીં, પણ જીવતા રહેવા માટે ડિઝાઇન થયું છે. માણસ પ્રાચીન સમયમાં જંગલમાં રહેતો હતો. તેની આસપાસ ઝેરી જનાવરો અને હિંસક પ્રાણીઓનો જમાવડો હતો. ઝાડીઓમાંથી જરાકેય અવાજ આવે તો એ સતર્ક થઇ જતો હતો. તેને ડર હતો કે, એક નાની સરખી બેદરકારી પણ મોતનું કારણ બની શકે છે. એ સમયથી માણસ જોખમો વિશે જ વધુ વિચારે છે. આપણે પણ હજુ એવું જ કરીએ છીએ. નોકરી ચાલી જશે તો? બિઝનેસમાં નુકસાન જશે તો? કોઇ બીમારી થઇ જશે તો? મારી વ્યક્તિ મને દગો દેશે તો? આવા વિચારો મગજમાં ચાલતા જ રહે છે. ઓફિસમાં બોસ જરાક અમથો ઠપકો આપે તો પણ ત્યાં સુધીના વિચારો આવી જાય છે કે, મને નોકરીમાંથી કાઢી તો નહીં મૂકેને? મનોવિજ્ઞાની રિક હેન્સન કહે છે કે, આપણું મગજ નકારાત્મક બાબતો માટે વેલક્રો જેવું કામ કરે છે. જે આવે એ ચોંટી જાય છે. સારા વિચારો ટેફલોન જેવા હોય છે, જેના પર કશું ટકતું નથી.
હવે છેલ્લી વાત, શું નકારાત્મક વિચારોને અટકાવી શકાય છે? હા, બિલકુલ અટકાવી શકાય છે. એના માટે સૌથી પહેલાં તો એ નક્કી કરવું પડે છે કે, મારે કોઇ ખોટા, નકામા કે ડરામણા વિચારો કરવા જ નથી. આપણે નક્કી કરીએ તો પણ નેગેટિવ વિચાર આવી જ જાય છે. એ વિચારને તરત જ ખંખેરી નાખવો પડે છે. નકારાત્મક વિચારોથી બચવા માટે ડો. રિક હેન્સન હિલ ટેક્નિક આપે છે. હિલનો પહેલો શબ્દ એચ એટલે હેવ એ ગુડ એક્સપિરિયન્સ. દિવસ દરમિયાન જે સારી ઘટના બની છે તેને યાદ રાખો અને વાગોળો. બીજો અક્ષર ઇ એટલે એનરિચ ઇટ. જે સારો વિચાર છે એને ટકાવી રાખો, એને અનુભવો. ત્રીજો અક્ષર એ એટલે એબ્સોર્બ ઇટ. સારા વિચારને તમારી જિંદગીમાં ઉતારી દો અને તેને અનુભવતા રહો. છેલ્લો અક્ષર એલ એટલે લિંક ઇટ. ખરાબ વિચાર આવી જાય ત્યારે સારા વિચારને તેની સાથે લિંક કરો અને એટલો વિચાર કરો કે, જિંદગીમાં સારું ઘણું છે.
મનને શાંત રાખો. દરરોજ થોડીક મિનિટોનું ધ્યાન પણ નકારાત્મક વિચારોને ટાળવા માટે પૂરતું છે. એમ તો ત્યાં સુધીની વાત કરવામાં આવે છે કે, થોડીક ક્ષણો કોઇ જ વિચાર ન કરો. એવું કરવું સહેલું નથી. એક કક્ષાએ પહોંચ્યા બાદ જ આવું થઇ શકતું હોય છે. સંપૂર્ણ વિચારમુક્તિ શક્ય નથી. જોકે, માણસ ધારે તો ખરાબ વિચારોમાંથી મુક્તિ ચોક્કસ મેળવી શકે છે. ખરાબ વિચારો કરવાથી કોઇ પરિસ્થિતિ બદલી જવાની નથી. ઊલટું ખરાબ વિચારોથી આપણે જે પરિસ્થિતિ સર્જાઇ હોય તેને વધુ ડરામણી બનાવી દઇએ છીએ. નેગેટિવ વિચારોથી એક કાલ્પનિક ભય પેદા થાય છે. વાસ્તવિક ટેન્શન કરતાં કાલ્પનિક ભય આપણી જિંદગી બરબાદ કરી નાખે છે. માણસે દરરોજ થોડોક સમય વિચારોનું પણ નિરીક્ષણ કરવું જોઇએ કે, આજે આખા દિવસ દરમિયાન મને કેવા કેવા વિચારો આવ્યા છે. એમાંથી નેગેટિવ વિચારો કેટલા હતા? એ પછી નક્કી કરો કે, હવે મારે નેગેટિવ વિચારો કરવા જ નથી. સારા વિચારો જ માણસને સુખ અને ખુશી આપે છે. ખોટા વિચારો ક્યારેય શાંતિ લેવા દેવાના નથી. ખોટા વિચારોને હડસેલવા એ સરસ જિંદગી જીવવાની એક કળા છે. માણસ ધારે તો ચોક્કસથી ખરાબ વિચારોને ટાળી શકે છે. કંઇ જ ખરાબ થવાનું નથી. પરિસ્થિતિ ગમે તેવી હોય નક્કી કરો કે, મારે મજાથી જીવવું છે તો તમને કોઇ દુ:ખી, ઉદાસ કે નારાજ કરી શકશે નહીં.


———-

પેશ-એ-ખિદમત
નામ પાની પે લિખને સે ક્યા ફાયદા,
લિખતે લિખતે તેરે હાથ થક જાએંગે,
દુશ્મની કા સફર ઇક કદમ દો કદમ,
તુમ ભી થક જાઓગે હમ ભી થક જાએંગે.
– બશીર બદ્ર


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 07 ઓક્ટોબર 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *