રહેવા દેને, એ શું
કામ યાદ અપાવે છે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
સ્વપ્ન તારું હું મનોહર જોઉં છું,
ને હકીકતની ધરોહર જોઉં છું!
તું બરોબરમાં નિહાળે છે ઊણપ,
હું ઊણપમાં પણ બરોબર જોઉં છું!
-સિકંદર મુલતાની
જિંદગીમાં સુખ, શાંતિ અને ખુશીનો આધાર એના પર રહે છે કે, આપણે શું યાદ રાખીએ છીએ અને શું ભૂલી જઇએ છીએ. કેટલીક ઘટનાઓ, કેટલાક પ્રસંગો, કેટલાક લોકો અને કેટલાક સંબંધોને વીસરી જવાના હોય છે. અમુક ઘાને અડીએ નહીં તો જ એ રુઝાય છે. જો એને છંછેડતા રહીએ તો એ વકરતા રહે છે. અમુક સંબંધ પણ એવા જ હોય છે. એને અવગણીએ નહીં તો એ વકરતા અને સતાવતા રહે છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે કેટલાંક નામો પર ચોકડી મારી દીધા પછી પણ તેને ભૂંસતા નથી. મોબાઇલની ફોનબુકમાં કેટલાંક નામોને બ્લોક કરી દઇએ છીએ, પણ ડિલિટ કરી નાખતા નથી. જ્યાં સુધી ભૂંસી ન નાખીએ ત્યાં સુધી એ ગમે ત્યારે તાજું થઇને સામે આવી જવાનું છે. જિંદગીમાં થોડુંક પાછળ જોઇએ ત્યારે ઘણું બધું ન ગમે એવું પણ નજરે પડે છે. આપણને ખબર હોય છે કે, એ તરફ નજર નાખવા જેવી નથી. કેટલીક ઘટનાઓ બિહામણી હોય છે. એને યાદ કરીને ફરીથી એ જ અંધકાર વેઠવો પડતો હોય છે. મૂવ ઓન થઇ ગયા પછી આગળ જ જોવું જોઇએ. પાછળ જોવાનો કોઇ અર્થ નથી હોતો. કેટલાક ચહેરોઓને ધક્કો મારીને નજર સામેથી હટાવવા પડે છે. તમારી જિંદગીમાં એવી કઇ ઘટના છે, જે તમે ક્યારેય યાદ કરવા નથી ઇચ્છતા? એવી કઇ વ્યક્તિ છે જેનું નામ પડે એટલે દિલમાં ટીસ ઊઠે છે? તમે એને કેમ ભૂલી જતા નથી? જિંદગીમાં ઘણું બધું એવું હોય છે, જેને જ્યાં સુધી ઝટકો ન મારો ત્યાં સુધી દૂર ખસવાનું નથી.
એક યુવાનની આ વાત છે. તેના ભાઇએ જ તેની સાથે દગો કર્યો હતો. ભાઇને અંધારામાં રાખીને પિતાની તમામ મિલકતો પચાવી પાડી હતી. એ યુવાનને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એ ડિસ્ટર્બ થઇ ગયો. તેને સમજાતું નહોતું કે, આપણા પોતાના જ લોકો આપણી સાથે આવું કેવી રીતે કરી શકે? મિલકત ગઇ તેનો તેને કોઇ અફસોસ નહોતો, વેદના એ વાતની હતી કે, પોતાના સગા ભાઇએ તેની સાથે આવું કર્યું હતું. ભાઇએ જે કર્યું એ એના મગજમાંથી ખસતું જ નહોતું. એક વખત એ એક સંત પાસે ગયો. પોતાની સાથે જે બન્યું હતું એની વાત સંતને કરી. સંતને કહ્યું કે, ભાઇએ જે કર્યું એ મારાથી ભુલાતું જ નથી. સંતે કહ્યું, જો એ તારાથી ભુલાતું ન હોય તો એમાં વાંક તારો જ છે. તને ખબર છે, ઇશ્વરે માણસને સૌથી મોટી શક્તિ ભૂલવાની આપી છે. એના માટે જરૂરી એ છે કે, આપણે જે યાદ રાખવા જેવું ન હોય એ ભૂલી જઇએ. આપણો પ્રોબ્લેમ એ જ હોય છે કે, આપણે જે યાદ રાખવા જેવું હોય એને ભૂલી જઇએ છીએ અને જે ભૂલી જવા જેવું હોય તેને યાદ રાખીએ છીએ. ભાઇએ જ્યારે બદમાશી કરી ત્યારે તને આઘાત લાગ્યો હતો. એ આઘાત એક વખતમાં જ પૂરો થઇ જવો જોઇતો હતો. તું એકની એક વાત યાદ કરીને એકનો એક આઘાત વારંવાર ભોગવ્યા રાખે છે. ભૂલી જવાનું એટલે તદ્દન ભૂલી જવાનું. આ મોબાઇલ કે કમ્પ્યૂટર જેવું છે. આપણે જે ડિલીટ કરીએ છીએ એ રિસાઇકલ બિનમાં પડ્યું રહે છે. કેટલુંક એવું હોય છે જેને રિસાઇકલ બિનમાં પણ સંખરી રાખવા જેવું હોતું નથી. એને તો પરમેનન્ટલી ડિલીટ કરી દેવાનું હોય છે.
એક બીજો કિસ્સો પણ સમજવા જેવો છે. એક છોકરીને ફેમિલીમાં પ્રોબ્લેમ થયા હતા. વાત ડિવોર્સ સુધી પહોંચી ગઇ. લાંબા કોર્ટ કેસ ચાલ્યા. અંતે તેને ડિવોર્સ મળી ગયા. જિંદગીની એક મોટી મુસીબતમાંથી છુટકારો થયો હોય તેવી લાગણી તેને થતી હતી. એક વખત એ છોકરીની ફ્રેન્ડ તેને મળી. તેણે પૂછ્યું, શું થયું હતું તારી સાથે? એ છોકરીએ બહુ સલુકાઇથી કહ્યું, જવા દેને યાર, શું કામે એ યાદ કરાવે છે. જે પતી ગયું એ પતી ગયું. આપણે ખરાબ સપનાને યાદ રાખતા નથી. કેટલાંક ખરાબ સપનાં ખુલ્લી આંખે પણ જોવાં પડતાં હોય છે. એ સપનાને પણ ભૂલી જવામાં જ માલ હોય છે. મારે કંઇ યાદ નથી કરવું. આપણી પાસે મજા આવે એવી ઘણી વાતો છે, એ ન કરીએ? કેટલીક વખત આપણે જૂની ખરાબ યાદોને વાગોળી અત્યારનો સારો સમય બગાડતા હોઇએ છીએ.
જિંદગીનું અંતિમ સત્ય સુખ, આનંદ અને ખુશી છે. આપણે બધા જ જે કંઇ કરીએ છીએ એ સરવાળે સુખ, ખુશી અને શાંતિ માટે કરીએ છીએ. ક્યારેક આપણે ખોટા વિચારો કરીને આડા પાટે ચડી જઇએ છીએ. એ સમયે આપણે વિચારતા નથી કે, મારી જિંદગી આવું નક્કામું વિચારવા માટે છે? આપણા ઘરમાં કચરો થાય ત્યારે આપણે એ કચરો વાળીને ફેંકી દેતા હોઈએ છીએ. મન અને મગજમાં પણ કેટલાક કચરાઓ જમા થતા હોય છે, એને પણ વીણી વીણીને ફગાવી દેવાના હોય છે. કચરાને જો સાચવી રાખીએ તો એ કોહવાઇ જાય છે. માનસિક બીમારીઓનું સૌથી મોટું કારણ ભૂલવા જેવું ન ભૂલવું હોય છે. અંધકારને એટલો ઘોળ્યે ન રાખવો કે પ્રકાશને પ્રવેશવાનો અવકાશ જ ન મળે. અંધકાર ખસેડીને અજવાસ માટે જગ્યા કરવી પડતી હોય છે. જે વિચાર આપણને ઉદાસ, નિરાશ કે હતાશ કરે એને ખંખેરી નાખવો એ જ ડહાપણ અને શાણપણ છે. કેટલાક લોકો કહે છે કે, હું એને ક્યારેય ભૂલવાનો નથી. એને ન ભૂલીને કંઇ ફાયદો છે ખરો? એમાંયે જે આપણને ભૂલી ગયા હોય એને તો ક્યારેય યાદ કરવા ન જોઇએ. રસ્તા બદલી જાય પછી પાછળ જોવાનો કોઇ મતલબ હોતો નથી. કેટલીક ઘટનાઓ અને કેટલાક ચહેરોઓને ઓગાળી દેવા પડે છે.
માત્ર ખરાબ જ નહીં, કેટલીક સારી ઘટનાઓને પણ ભૂલી જવી પડતી હોય છે. એક છોકરીની આ સાવ સાચી વાત છે. તેને એક છોકરા સાથે પ્રેમ હતો. સ્થિતિ એવી હતી કે, બંને મેરેજ કરી શકે એમ નહોતાં. આખરે બંને જુદાં પડી ગયાં. જે દિવસે બંને જુદાં પડ્યાં એ દિવસથી જ છોકરીએ જે જગ્યાએ બંને મળતાં ત્યાં જવાનું જ બંધ કરી દીધું. તેણે કહ્યું કે, એ સ્થળ સાથે કેટલીક યાદો જોડાયેલી છે. નો ડાઉટ એ યાદો સારી છે, પણ હવે એ જ યાદો પેઇન આપે છે. સ્મરણોને પણ આપણે કેવી રીતે વાગોળીએ છીએ એ સૌથી મહત્ત્વનું છે. એક કપલ હતું. પતિને મોટો વારસો મળ્યો હતો. અતિશય ધનવાન હોવાથી પતિ બહુ સુખસાહ્યબીમાં ઉછર્યો હતો. લગ્ન પછી પણ વર્ષો સુધી બધું સરસ ચાલ્યું. અચાનક સમયે પલટો માર્યો. બિઝનેસમાં બહુ મોટી ખોટ ગઇ. ઘણી બધી મિલકતો વેચાઇ ગઇ. બંગલામાંથી ફ્લેટમાં રહેવા આવી જવું પડ્યું. પતિથી આ આઘાત સહન થતો નહોતો. એ હંમેશાં એવી વાતો કરતો કે, કેવા દિવસો હતા અને કેવા આવી ગયા! આવી વાતો સાંભળીને એક વખત પત્નીએ કહ્યું, આવાં રોદણાં શા માટે રડે છે? અગાઉ જેવા દિવસો નથી, પણ આપણે કંઇ ભૂખેય નથી મરતા. આપણે જોઇએ એના કરતાં વધુ આપણી પાસે છે. જે ગયું એ ગયું, એને યાદ કરીને દુ:ખી ન થા. સમય પલટાશે તો ફરી બિઝનેસ પાટે ચડી જશે. આવું તો ચાલ્યે રાખે. હવે નવું વિચાર કે ફરીથી સારું કેવી રીતે કરવું? પડ્યા પછી ઊભું થવું પડતું હોય છે. પડ્યા પછી પડ્યા જ રહેવું એ સૌથી મોટી ભૂલ છે.
વાત નાની હોય કે મોટી, વેદના આપે એવી વાતો જ ટાળવી જોઇએ. એક પતિ-પત્નીની આ વાત છે. બંને સરસ રીતે રહેતા હતા. બંનેની જોબ સારી ચાલતી હતી. લાઇફ એટલી બિઝી ચાલતી હતી કે, હરવા ફરવાનો સમય જ મળતો નહોતો. આખરે બંનેએ મેળ પાડીને એક હિલસ્ટેશને ફરવા જવાનું નક્કી કર્યું. ચાર દિવસની ટૂર હતી. બંનેએ ખૂબ મજા કરી. ત્રણ દિવસ પૂરા થઇ ગયા. છેલ્લો દિવસ બાકી હતો. અચાનક પતિએ કહ્યું કે, કાલે તો આ સમયે આપણે ટ્રેનમાં હઈશું, ફરી એનું એ જ બધું. આ વાત સાંભળીને પત્નીએ કહ્યું, ત્રણ દિવસ મસ્ત મજા કરી છે અને હજુ ચોવીસ કલાક છે. તું શા માટે કાલને યાદ કરે છે. આજને અને આ ક્ષણને એન્જોય કરને, બાકી જે કરવાનું છે એ કરવાનું જ છે. આપણે ઘણી વખત કારણ વગરની વાતો અને વિચારો કરીને આપણો જ મૂડ બગાડતા હોઇએ છીએ. મૂડ બગડેલો હોય ત્યારે મોટાભાગે એ આપણે જ સર્જેલો હોય છે. જિંદગીનું પરમ અને અંતિમ સત્ય એ જ છે કે, અત્યારે આ સમયે, આ ક્ષણે આપણે કેવી રીતે જીવીએ છીએ. કામ હોય કે આરામ હોય, છેલ્લે તો આપણે શું વિચારીએ છીએ અને કેવું જીવીએ છીએ એના પરથી જ આપણું સુખ કે દુ:ખ નક્કી થતું હોય છે.
છેલ્લો સીન :
મરી ગયેલા સંબંધનું પોસ્ટમોર્ટમ કરીએ તો વેદના અને પીડા જ મળવાની છે. પૂરાં થઇ ગયેલાં કેટલાંક પ્રકરણોને બંધ રાખવામાં જ માલ હોય છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 11 ઓકટોબર 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
