જેન ઝી પછીની જનરેશન
જેન આલ્ફા કેવી છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
સમયની સાથે જનરેશન બદલાતી રહે છે. એ સાથે
લોકોની માનસિકતા પણ બદલાય છે. મૂલ્યો, સંસ્કાર,
પરંપરા, આદર્શો અને સિદ્ધાંતો પણ બદલાતા રહે છે.
પરિવર્તન એ સંસારનો નિયમ છે એવું
એમ જ તો નહીં કહેવાયું હોયને!
———–
દેશ અને દુનિયામાં આજકાલ સૌથી વધુ ચર્ચા જેન-ઝીની છે. દુનિયામાં માર્કેટિંગ પ્લાનિંગથી માંડીને જે કંઇ થઇ રહ્યું છે એમાં કેન્દ્રસ્થાને જેન-ઝી જ છે. અગાઉની તમામ જનરેશન કરતા જેન-ઝી જુદા છે. તેમની માન્યતાઓથી માંડીને સ્વભાવ તદ્ન નિરાળા છે. જૂની જનરેશનના લોકોને તેમની કેટલીક નીતિરીતિ ગમતી નથી પણ એમાં એનો કોઇ વાંક નથી. જે લોકો બદલાવ સ્વીકારી શકતા નથી એ લોકો ફરિયાદ કરતા રહે છે. જેન ઝી એટલે એવી જનરેશન જેનો જન્મ 1997થી 2009 દરમિયાન થયો હતો. જેન-ઝીની સૌથી મોટી વ્યક્તિ અત્યારે 29 વર્ષની છે અને સૌથી નાની વયના યુવાન સત્તર વર્ષના છે. મતલબ અત્યારના ટીનેજર્સમાં જેન-ઝીનો સમાવેશ થાય છે. વેલ આજે વાત જેન-ઝીની કરતા પણ વધુ એના પછીની જનરેશન જેન-આલ્ફાની કરવી છે. આમ તો આ જેન-આલ્ફા પણ પૂરી થઇ ગઇ છે અને એના પછીની જનરેશન જેન-બીટા ચાલુ થઇ ગઇ છે. જેન-આલ્ફા એટલે એવા લોકો જેનો જન્મ 2010થી 2024 દરમિયાન થયો છે. આ જનરેશના સૌથી મોટા લોકોની ઉંમર 16 વર્ષની છે. સૌથી નાના બે વર્ષના છે. હવે ઝેન-ઝી સાથે જ સૌથી વધુ ચર્ચા જેન-આલ્ફાની પણ થઇ રહી છે. આ જેન-આલ્ફા કેવી છે? એ જેન-ઝીથી કેટલી જુદી પડે છે? જેન-આલ્ફાના લોકો હજુ એવડા નથી થયા કે તે જોબ કે બિઝનેસ કરતા હોય, તેઓ હજુ સ્ટડી કરે છે. શાળા અને કોલેજમાં તેમનું જે વર્તન છે એના વિશે જાતજાતના અભ્યાસ થઇ રહ્યા છે. તેમના પર થયેલા અભ્યાસો બાદ એવું કહેવાઇ રહ્યું છે કે, આ જનરેશન આલ્ફા જેન-ઝીને પણ ટક્કર મારે એવી સાબિત થવાની છે. જનરેશન આલ્ફા પછીની જનરેશન બીટા 2025થી શરૂ થઇ છે. આ જનરેશન તો હજુ રમકડાંથી રમવા જેવડી છે. અલબત્ત, તેમના વિશે વાતો સાંભળો તો એવું જ લાગે કે હવેની જનરેશન તોબા પોકારાવી દે એવી છે. જેમ જેમ સમય જાય છે એમ એમ પેરેન્ટિંગ વધુને વધુ અઘરું બનતું જાય છે. સંતાનોને કેવી રીતે સમજાવવા, એની સાથે કેવી રીતે ડીલ કરવું અને તેમને કેવી રીતે ખુશ રાખવા એ જ નવા મા-બાપને સમજાતું નથી.
જનરેશન આલ્ફા એવા લોકો છે જેમણે જન્મની સાથે જ મોબાઇલ, ટીવી સહિતના ઉપકરણો જોયો છે. તેઓને એ ખબર જ નથી કે, હજુ થોડા વર્ષો પહેલા આવું કંઇ હતું જ નહીં. જેન આલ્ફા મોબાઇલ, ઇન્ટરનેટ, ડિજિટલ ડિવાઇસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને સોશિયલ મીડિયાના યુગમાં મોટી થઇ રહી છે. જનરેશન આલ્ફા શબ્દ આપનાર ઓસ્ટ્રેલિયાના સમાજ વૈજ્ઞાનિક માર્ક મેકક્રિન્ડલે જનરેશન આલ્ફા વિશે રસપ્રદ સંશોધનો કર્યા છે. આ વિશે ડિટેઇલમાં અભ્યાસ કર્યા બાદ માર્ક મેકક્રિન્ડલે કહ્યું છે કે, જેન-આલ્ફાનો સ્વભાવ જેન-ઝી અને જેન મિલેનિયલ્સ કરતા ઘણો જુદો અને પ્રગતિશીલ છે. તેઓ હાઇપર ઇન્ડિપેડન્ટ એટલે કે અતિ સ્વતંત્ર છે. નાની ઉંમરથી જ તેઓ પોતાના નિર્ણયો જાતે લેવાનું પસંદ કરે છે. સ્ક્રીન પર પોતાની મરજીનું કન્ટેન્ટ શોધવાની આઝાદી તેમને આત્મનિર્ભર બનાવે છે. આ જનરેશનના લોકો ભલે ગમે એ દેશમાં રહેતા હોય પણ તેઓ ગ્લોબલ સિટીઝનની જેમ જીવે છે. ઇન્ટરનેટના કારણે તેઓ ભૌગોલિક સીમાઓથી પર છે. સોશિયલ મીડિયા અને બીજી વેબસાઇટ્સ પરથી તેઓ વિશ્વના દેશોની સંસ્કૃતિ, ભાષા, રીતરિવાજ સહિતની બાબતોથી પરીચિત થઇ જાય છે. એના આધારે તેઓ પોતાની પસંદ કે નાપસંદ નક્કી કરે છે.
જેન આલ્ફાનો સૌથી મોટો પ્રોબ્લેમ જો કોઇ હોય તો એ ધીરજનો અભાવ છે. દરેક વસ્તુ એક ક્લિક પર તેને જોઇએ છે. જરાયે મોડું થાય તો એ ધીરજ ગુમાવે છે અને ગાંડપણ સુધીનું વર્તન કરી શકે છે. વીડિયો ડાઉનલોડ થવામાં જરાકેય વાર લાગે તો તેના મગજની નસો તંગ થઇ જાય છે. તેનું ધ્યાન માત્ર પોતે જે કંઇ કરતા હોય એમાં જ હોય છે. એને બીજામાં બહુ ઓછો રસ છે. રસ એમાં જ છે જે એમને ગમે છે. તેની આદતો અને દાનતો ટેક્નોલોજી અને કન્ઝ્યુમરિઝમ ડ્રિવન થઇ ગઇ છે. સ્ક્રીન સેન્ટ્રિક લાઇફ જીવતા આ લોકોને મોબાઇલ કે ટેબલેટ વગર ચાલતું નથી. તેના દિવસનો મોટો ભાગ સ્ક્રીન સામે જ જાય છે. ગેમિંગને તેઓ માત્ર મનોરંજન સમજતા નથી પણ સામાજિક સંપર્કનું માધ્યમ સમજે છે. હવે તેઓ ગ્રૂપમાં ઓનલાઇન ગેમ રમે છે. આ જનરેશનમાં પેશનનો અભાવ છે એટલે એ શાંતિથી બેસીને કંઇ વાંચી શકતા નથી, એને જે કંઇ જાણવું, શીખવું કે માણવું છે એ સ્ક્રીન પર જ જોઇએ છે.
જેન આલ્ફા વિશે એક બીજી રસપ્રદ બાબત પણ જાણવા જેવી છે. એ લોકો નાની વયથી જ હેલ્થ કોન્સિયસ બની રહ્યા છે. તેઓ ઓર્ગેનિક, ફિટનેસ, મેન્ટલ બેલેન્સ વિશે પણ અવેર થઇ ગયા છે. ફિઝિકલ ફિટનેસ વિશે તેઓ ક્લિયર થઇ ગયા છે. જિમમાં જઇને કસરત કરે છે. ખાવા-પીવામાં પણ ધ્યાન રાખે છે. જોકે, મેન્ટલ ફિટનેસમાં તેઓ થોડાક બેદરકાર રહે છે. મોબાઇલ અને સ્ક્રીન ટાઇમથી પોતાના મગજ પર કેટલી અસર થાય છે એની એને સમજ નથી. પોતાના જ વાણી અને વર્તન વિશે તેઓ બહુ ઓછો વિચાર કરે છે.
જેન આલ્ફા વિશે એક મજાની વાત એ પણ બહાર આવી છે કે, એ લોકોને પર્યાવરણની વધુ ચિંતા છે. ઇકો ફ્રેન્ડલી લાઇફમાં તેઓ માને છે. એ લોકો એવું માને છે કે, દરેક માણસ સમાન છે. ભવિષ્ય માટે આ બહુ સારી વાત છે. તેઓ જાતિ, રંગ, લિંગ કે શારીરિક ક્ષમતાના આધારે ભેદભાવ રાખવામાં માનતા નથી. જેન આલ્ફાના લોકો તેમને જે કહેવામાં આવે એ માની લેતા નથી. કોઇ કંઇ કહે તો એનું કારણ પૂછે છે, પોતાની રીતે ચેક કરે છે, પોતાના તર્ક લગાવે છે અને સાચું લાગે એ જ માને છે. આંધળું અનુકરણ તેઓ કરતા નથી. તેને પોતાના દરેક સવાલોનો જવાબ જોઇએ છે. એ ન મળે ત્યાં સુધી એને ચેન પડતું નથી. આ જનરેશન ટેક્નોસેવી છે. એલેક્સા અને સીરી તેને પોતાના ફ્રેન્ડ જેવા લાગે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે તેઓ વધુ ડિજિટલ બની ગયા છે. એના કારણે સૌથી મોટી સમસ્યા એ સર્જીઇ છે કે, તેઓ પોતાના નજીકના લોકોથી દૂર થઇ રહ્યા છે.
જેન આલ્ફા વિશે બીજો એક ઇશ્યૂ ગ્લોબલ વર્સિસ લોકલનો છે. નેટ કલ્ચર અને સોશિયલ મીડિયાના કારણે આ જનરેશન ગ્લોબલ ટ્રેન્ડસ અપનાવી રહ્યા છે. મિલેનિયલ્સ પેરેન્ટસ એવું ઇચ્છે છે કે, તેઓ પોતાની સંસ્કૃતિ, પરંપરા, રીતરિવાજો સાથે જોડાયેલા રહે. એવું થતું નથી એટલે પેરેન્ટ્સ સાથે સંઘર્ષની સ્થિતિ પેદા થાય છે. પારિવારિક પ્રેમ અને જોડાણથી તેઓ દૂર થઇ રહ્યા છે. સગા સંબંધીઓને ત્યાં કોઇ પ્રસંગમાં કે બીજા કોઇ કામ માટે જવું તેમને ગમતું નથી. તેઓ એકલસૂડા થઇ રહ્યા છે. તેને પોતાની પર્સનલ સ્પેસ અને આઝાદી જોઇએ છે. કોઇ કંઇ કહે તો એને પોતાની પર્સનલ લાઇફમાં એન્ક્રોચમેન્ટ જેવું લાગે છે. એક બીજી ગજબની ખૂબી પણ જેન આલ્ફામાં જોવા મળી છે. તેઓ હોદ્દો જોઇને આદત કે સન્માન આપતા નથી, તેઓ વ્યક્તિની લાયકાત જોઇને તેની સાથે વર્તન કરે છે.
ભવિષ્ય પ્રત્યે પણ આ જનરેશન બહુ ક્લિયર છે. તેમને એવું કામ જ કરવું છે જેમાં તેમને મજા આવે. તેઓ ન ગમે તો કામ ચેન્જ પણ કરી લે એવા છે. જેન આલ્ફા ભેગું કરવાને બદલે જીવી લેવામાં માને છે. તેઓ બચતના કન્સેપ્ટમાં બહુ માનતા નથી. બ્રાંડ કોન્સિયસ હોવાના કારણે તેઓની પસંદગી પણ મોંઘી બનતી જાય છે. જેન આલ્ફાની વસતિ અત્યારે દુનિયામાં બે અબજથી વધુ હોવાનું માનવામાં આવે છે. જે રીતનું તેમનું વર્તન છે એ જોઇને નિષ્ણાતો કહે છે કે, એને ડિજિટલ ડિસિપ્લિન અને સાયબર સંસ્કાર શીખવવા પડશે. જો એમાં તેઓ થાપ ખાઇ ગયા તો તેઓ જાતજાતના મેન્ટલ પ્રોબ્લેમ્સનો ભોગ બનશે. હજુ એ વિશે સંશોધનો થઇ રહ્યા છે કે, તેમના વર્તનમાં સમય સાથે કેવા ચેન્જિસ આવી શકે છે. આ જનરેશન જ દેશનું ભાવિ નક્કી કરવાના છે. તેઓ જુદા ચોક્કસ છે પણ હોંશિયાર, શાણાં અને ફોકસ્ડ છે એ વાતથી કોઇ ઇન્કાર કરી શકે એમ નથી.
———-
પેશ-એ-ખિદમત
હાર હો જાતી હૈ જબ માન લિયા જાતા હૈ,
જીત તબ હોતી હૈ જબ ઠાન લિયા જાતા હૈ,
પાંવ પડતે હૈં જમી પર તો ધડક જાતા હૈ દિલ,
ઉસ કી આહટ સે ઉસે જાન લિયા જાતા હૈ.
-શકીલ આઝમી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 09 સપ્ટેમ્બર 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
