દરેક કામમાં કોઈ કારણ હોય જ એવું જરૂરી નથી : ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

દરેક કામમાં કોઈ કારણ
હોય જ એવું જરૂરી નથી

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


રહું છું નરી સ્પષ્ટતાઓ વચ્ચે,
ગમે છે હવે અણગમાઓની વચ્ચે,
સ્મશાને જવું કે ના જવું એકસરખું,
સમય રોજ વીતે ચિતાઓની વચ્ચે.
– ભાવેશ ભટ્ટ


માણસની પ્રકૃતિ અને પ્રવૃત્તિ કળી ન શકાય એવી હોય છે. ક્યારેક કોઇ માણસ શા માટે કોઇ કામ કરે છે એ સમજી શકાતું નથી. માણસ વિશે પહેલેથી એવું કહેવાતું રહ્યું છે કે, માણસ સ્પષ્ટ ઉદ્દેશ વગર કંઇ કરતો નથી. આપણે બધા જ જે કંઇ કરીએ છીએ એની પાછળ કંઇક ને કંઇ કારણ હોય છે. માણસ જે કંઇ કરે છે એ મોટા ભાગે સુખ, શાંતિ, સંબંધ અને સંપત્તિ માટે કરતો હોય છે. માણસની બેઝિક જરૂરિયાતો આમ તો ત્રણ જ છે, રોટી કપડાં અને મકાન. આપણે બધા જ ક્યારેક એવું કહેતા હોઇએ છીએ કે, આખરે જોઇએ કેટલું? બે ટાઇમ પેટ ભરવા માટે કેટલી કડાકૂટ કરવી પડે છે. ગમે એવડો બંગલો હોય તો પણ સૂવાનું તો એક રૂમમાં અને એક ચોક્કસ સાઇઝના બેડમાં જને! આવી ડહાપણની વાતો બધાને ક્યારેક ને ક્યારેક સૂઝતી હોય છે. અલબત્ત, માણસને ઘણું બધું જોઇતું હોય છે. બધાને ખબર છે કે, એક જ કારમાં જવાનું છે તો પણ ધનવાનો કારનો કાફલો રાખે છે. માણસને જ્યારે જરૂરિયાતથી વધારે મળવા લાગે ત્યારે એ બીજાને બતાવવાનું શરૂ કરે છે કે, મારી પાસે આટલું બધું છે. એક રીતે જોવા જઇએ તો એમાં કશું ખોટું નથી. માણસ કમાતો હોય તો એને વધારાની આવકનું શું કરવું એ એણે નક્કી કરવાનું હોય છે. સંપત્તિને પણ આપણે લેબલ લગાડીએ છીએ. એની સંપત્તિ તો બે નંબરની છે. સંપત્તિને કાળી ધોળી, સાચી ખોટી, સાત્ત્વિક તામસિક, હિંસક અહિંસક જેવી કેટેગરીમાં આપણે વહેંચતા હોઇએ છીએ. સંપત્તિ વિશે દરેકની પોતાની વ્યાખ્ચાઓ અને માન્યતાઓ હોય છે. એ વાતથી કોઇ ઇનકાર ન કરી શકે કે, આપણે બધા જે કંઇ કરીએ છીએ એની પાછળ સૌથી મોટો હેતુ રૂપિયા કમાવવાનો હોય છે. રૂપિયા કમાવવાની સાથે જ રૂપિયા વાપરવાનું પણ જોડાયેલું છે. એક હદથી વધારે રૂપિયા હોય એને એવો સવાલ થતો રહે છે કે, આટલા બધા રૂપિયા વાપરવા ક્યાં? એક હદ પછી જરૂરિયાતો અને ઇચ્છાઓ પણ પૂરી થઇ જતી હોય છે.
રૂપિયા વાપરવા માટે પણ કારણ જોઇએ. માણસ રૂપિયા પણ કારણ વગર વાપરતો નથી. દાન ધરમ કરે ત્યારે પણ અંદરખાને માણસનો ઇરાદો પુણ્ય કમાવવાનો હોય છે. એક નાસ્તિક માણસ હતો. તેની પાસે અઢળક સંપત્તિ હતી. એણે સદાવ્રત શરૂ કર્યું. ગરીબ લોકો જમવા માટે તેને ત્યાં આવતા. એ બધાને પ્રેમથી જમાડતો. એક વખત તેના મિત્રએ કહ્યું, તું આ બધું શા માટે કરે છે? તું તો ઇશ્વર કે પાપ પુણ્યમાં માનતો નથી. એ માણસે કહ્યું, દરેક કામ કરવા પાછળ કોઇ કારણ હોય એવું જરૂરી નથી. હા, કારણ ગણવું હોય તો એ ચોક્કસ ગણી શકાય કે, આવું કરીને મને સારું લાગે છે. હું કોઇને ઉપયોગી થાઉં છું એવું મને લાગે છે. સરવાળે એ વાત મને શાંતિ, સુકૂન અને સંતોષ આપે છે. આ બધું એવું છે જે ખરીદી શકાતું નથી, માત્ર અનુભવી શકાય છે.
દરેક માણસે એનાથી થઇ શકે એટલું સારું કામ કરવું જોઇએ. આપણે બધા જ ભલે એ સાવ નાનું હોય પણ કોઇક તો એવું કામ કરતા જ હોઇએ છીએ જેનાથી આપણને સારું લાગે. એક માણસની આ વાત છે. એ ભીખ આપવાનો વિરોધી હતો. જોકે, કોઇને કંઇ ખવડાવવામાં એને વાંધો નહોતો. એ એવું માનતો કે કોઇની આંતરડી ઠારવી એ ભક્તિ કે પૂજા કરવા બરાબર જ છે. એ પોતાની કારમાં બિસ્કિટનાં પેકેટ્સ રાખતો. સિગ્નલ પર કોઇ ભીખારી હોય તો એને એ બિસ્કિટ આપતો. એક વખત એક ભિખારીએ પૂછ્યું, તમે કેમ બધાને બિસ્કિટ આપો છો? એ વ્યક્તિએ કહ્યું, મને સારું લાગે છે એટલે, એ સિવાય કોઇ કારણ નથી. એ ભિખારીએ પછી કહ્યું, તમને ખબર છે અમે એમાં પણ અમારું નસીબ જોઇએ છીએ. એ માણસને આશ્ચર્ય થયું. તેણે સવાલ કર્યો કે, કેવી રીતે? ભિખારીએ કહ્યું, અમને ખબર છે કે, આ ગાડીવાળા શેઠ બિસ્કિટનું પેકેટ આપશે. અમે રાહ જોતા હોઇએ છીએ. કેટલીક વાર એવું થાય છે કે, તમારી કાર નીકળે ત્યારે સિગ્નલ ખુલ્લું હોય છે અને તમે સડસડાટ નીકળી જાવ છો. એ સમયે એવો વિચાર આવી જાય છે કે, આજે મારા નસીબમાં બિસ્કિટ નહીં હોય! પેલા ભાઇને એવો વિચાર આવી ગયો કે, આપણા નાનકડા વર્તનને કોઇ એનું નસીબ સમજી લેતું હશે? એ પછી સિગ્નલ ખુલ્લું હોય તો પણ એ કાર રોકતો અને ગરીબોને બિસ્કિટ આપતો હતો.
તમે ક્યારેય કોઇ કારણ વગર કંઇ કર્યું છે? કોઇને ખબર ન પડે એ રીતે ફક્ત ને ફક્ત નિજાનંદ માટે છેલ્લે શું કર્યું હતું? હવે તો આપણે સહુ કંઇ પણ કરીએ તો ફોટા પાડી લઇએ છીએ. રીલ બનાવીએ છીએ. સોશિયલ મીડિયા પર અપલોડ કરીએ છીએ. એ ફોટા અપલોડ કરીને પણ આપણે નિજાનંદની વાત લખીએ છીએ. આમ તો એ પણ સોશિયલ મીડિયા માટે જ કર્યું હોય છે. આપણી બધી જ એક્ટિવિટી હવે સોશિયલ મીડિયા આધારિત થઇ ગઇ છે. ક્યારેક પ્રકૃતિની ગોદમાં થોડીક એવી ક્ષણો પણ માણવી જોઇએ જ્યારે ફોટો પાડવાનું પણ યાદ ન આવે. એવા ખોવાઇ જઇએ કે, આપણે આપણું પોતાનું સાંનિધ્ય માણી શકીએ. હવે બહુ ઓછા લોકો પોતાની સાથે રહી શકે છે. માણસને સતત કંઇક જોઇએ છે. કંઇ ન હોય તો એને મોબાઇલ તો જોઇએ જ છે. જરાકેય નવરા પડ્યા કે તરત મોબાઇલ હાથમાં લઇ લે છે. એકાંતની મજા માણવાની કળા લોકો ભૂલતા જાય છે.
એવું બિલકુલ નથી કે, માણસ સારાં કામ કરતો નથી. આપણે એવા કેટલાય લોકો જોતા હોઇએ છીએ જે કોઇ સ્વાર્થ વગર લોકોને ઉપયોગી થવાય એવાં કામો કરતા રહે છે. એક માણસ હતો. તેની પાસે સારા એવા રૂપિયા હતા. એક સમયે તેને વિચાર આવ્યો કે, લોકો માટે પણ કંઇક કરવું જોઇએ. એ એક સાધુને માનતો હતો. એ સાધુ પાસે જઇને તેણે કહ્યું કે, મારે લોકો માટે કંઇક કરવું છે. સાધુએ તેની વાત સાંભળીને કહ્યું, લોકો માટે તું કંઇ ન કર, તું તારા માટે કર. સાધુએ પછી તેને એ વાતનો મર્મ સમજાવ્યો કે, લોકો માટે પણ કંઇક કરે ત્યારે એવું ન સમજ કે, તું કોઇના માટે કરે છે. લોકો માટે કંઇક કર ત્યારે પણ એવું જ વિચાર કે, આ હું મારા માટે કરું છું. કોઇનું ભલું કરવાથી મને સારું લાગે છે. એક સાવ સાચો કિસ્સો છે. એક ભાઇએ એક ગરીબ માણસને મદદ કરી. થોડા સમય પછી એ ભાઇના મિત્રએ કહ્યું, તેં જેને મદદ કરી હતી એણે તો બધું વેચી સાટીને રોકડા કરી લીધા છે. આ વાત સાંભળીને એ વ્યક્તિએ કહ્યું, મેં એને મદદ કરી ત્યારે મારા તરફથી વાત પૂરી થઇ ગઇ હતી. એ શું કરે છે એનાથી મને કોઇ ફેર પડતો નથી. મને યોગ્ય લાગ્યું એ મેં કર્યું હતું. એને યોગ્ય લાગ્યું એ એણે કર્યું હશે. આપણે ઘણી વખત આપણા પૂરતો જ મતલબ રાખવો જોઇએ.
જે કંઇ કરીએ એ પોતાને સારું લાગવું જોઇએ. પ્રોબ્લેમ એ છે કે, હવે લોકો મોટા ભાગનું કરવું પડે એટલે કરે છે. પૂજાને પણ નિયમ બનાવી દે છે. રોજ મંદિરે જવું એટલે જવું જ. એક માણસ રોજ મંદિરે જતો હતો. એક દિવસ પૂજારીએ પૂછ્યું કે, તું રોજ મંદિરે ભગવાનનાં દર્શન કરવા આવે છે એ સારી વાત છે, પણ રોજ મંદિરે આવવાનું તારું મન હોય છે? એ માણસે કબૂલ્યું કે, પહેલાં ખરેખર પ્રાર્થના અને પૂજાની ભાવના સાથે આવતો હતો, હવે ક્યારેક મંદિરે આવવું પણ કામ લાગવા માંડ્યું છે. આ સાંભળીને પૂજારીએ કહ્યું કે, એવું ન કર. મન હોય, લાગણી હોય અને હળવા થવું હોય ત્યારે જ મંદિરે આવ. મંદિરે આવવાનો ભાર લાગે તો મંદિરે આવવાનો કોઇ અર્થ નથી. આવ તો હન્ડ્રેડ પર્સન્ટ હોવો જોઇએ. ઇશ્વર સાથે ઓતપ્રોત થઇ જવાય એ જ સાચાં દર્શન અને ખરી પૂજા છે. આપણે કંઇ કરીએ ત્યારે એમાં કેટલા ઇન્વોલ્વ હોઇએ છીએ. આપણે કશામાં પૂરેપૂરા હોતા જ નથી. મજા કરતી વખતે ઘણી વખત મજામાં પણ આપણું ધ્યાન હોતું નથી. પોતાની સાથે, સંપૂર્ણ રીતે વર્તમાનમાં જીવીએ તો જ જિંદગીને સાચી રીતે માણી શકાય છે. ગઇ કાલ કે આવતી કાલમાં અટવાયેલો માણસ ક્યારેય આજ અને અત્યારની મજા માણી શકતો નથી.
છેલ્લો સીન :
દરેકની જિંદગીનું એક સત્ય હોય છે. એ સત્ય દરેક માણસે શોધવું પડે છે. આ સત્ય એ છે કે, હું મને ગમે એમ જીવું છું કે નહીં? મને જીવવાની મજા આવે છે કે નહીં? સુખ અને શાંતિનો અહેસાસ એ જ જિંદગીનું અંતિમ સત્ય છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 05 એપ્રિલ 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *