મારે વધારે કંઈ જાણવું જ નથી -ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મારે વધારે કંઈ
જાણવું જ નથી

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


નજર સૌ મંડાય છે તારા ઉપર,
શક બધાને છે ફક્ત મારા ઉપર,
હાથ મારો કોઈએ પકડ્યો હતો,
છે હવે આરોપ અંધારા ઉપર.
– પારસ પટેલ


જ્ઞાનનું એક પ્રમાણ એ છે કે, શું જાણવું અને કેટલું જાણવું? ક્યાં બોલવું અને કેટલું બોલવું? શું બોલવું અને શા માટે બોલવું? આપણી જિંદગીમાં જે કંઇ બને છે અને આપણે જે કંઇ કરીએ છીએ એનો કોઇ ઉદ્દેશ હોવો જોઇએ. માણસનો મોહ એને બધા તરફ લઇ જાય છે, પણ માણસનું જ્ઞાન એને પોતાની તરફ લઇ જાય છે. જ્ઞાની માણસ એ છે જે બીજા કોઇની જિંદગીમાં કારણ વગર કોઇ દખલ કરતો નથી. આપણે જો એવું ઇચ્છતા હોઇએ કે, કોઇ મારી લાઇફમાં એન્ક્રોચમેન્ટ ન કરે તો આપણે પણ કોઇને ખલેલ ન પડે એની કાળજી રાખવાની હોય છે. શું શીખવું એની સાથે શું ન શીખવું એની સમજ જિંદગીમાં જરૂરી છે. દરેક માણસમાં ગજબની શક્તિ હોય છે. આપણે આપણી શક્તિનો ઉપયોગ કરીએ છીએ કે વેડફીએ છીએ તેના પર આપણા વજૂદ, આપણા વર્ચસ્વ અને આપણા પ્રભાવનો આધાર રહે છે. કેટલાક લોકો કારણ વગર બીજાની લાઇફ પર નજર રાખતા હોય છે. કોણ શું કરે છે? શા માટે કરે છે? એનું ધ્યાન રાખતા હોય છે. જાણી લીધા પછી બીજાને પણ એની વાતો કરતા હોય છે. તને ખબર છે પેલાએ શું કર્યું? પેલી તો આમ કરતી હતી. એવા લોકો પાછા જજમેન્ટ પણ આપતા હોય છે કે, એણે આવું ન કરવું જોઇએ. આવું એને જરાયે શોભતું નથી. આવું કરવાથી તો એની ઇમેજ ડાઉન થાય છે. કોઇના વિશે વાત કરતાં પહેલાં પોતાની ઇમેજની ચિંતા કરવી જોઇએ કે, મારી ઇમેજ કેવી થઇ રહી છે?
એક યુવાનની આ વાત છે. એની ઓફિસમાં કોણ શું કરે છે એની એને બધી જ ખબર હોય. કોણ ક્યાં ગયું, શું કર્યું, એનું જ એ ધ્યાન રાખતો. આખી ઓફિસની જાસૂસી કરીને એ પોતાના બોસને ઓફિસની ઝીણામાં ઝીણી વાત કરે. બોસને એમ કે, હું આની વાતોથી અપડેટ રહું છું કે, ઓફિસમાં શું ચાલે છે. થોડા સમય પછી એના બોસે જોબ છોડીને બીજી જોબ જોઇન કરી. નવો બોસ આવ્યો. નવા બોસને પણ તેણે ઓફિસમાં શું ચાલે છે તેની માહિતી આપવાનો પ્રયાસ કર્યો. બોસે સલુકાઇથી કહ્યું, કોણ શું કરે છે એ મારે નથી જાણવું. કોણ કેવું કામ કરે છે એનાથી જ મને મતલબ છે. તમે તમારું જે કામ છે એ કરો. જાસૂસી કરવા માટે તમને નથી રાખ્યા. કેટલાક લોકો એવું માનતા હોય છે કે, કોણ શું કરે છે એના પર વોચ રાખવી જોઇએ. એનાથી કોઇ આપણને મૂરખ ન બનાવી જાય. આ વાત ભલે સાચી લાગતી હોય, પણ સરવાળે એ આપણો સમય અને શક્તિ જ બગાડે છે. જે માણસ જે કરવાનો છે એ કરવાનો જ છે. તમે કોઇની મથરાવટી બદલી ન શકો. કેટલાક લોકો એવા જ હોવાના છે, જે કોઇનું સારું બોલી જ ન શકે. આપણા મોઢે જે બીજાનું ખરાબ બોલતા હોય એ બીજાના મોઢે આપણું ખરાબ જ બોલવાના છે. કેટલાક લોકો કામ પૂરું થઇ ગયું હોવા છતાં જૂની વાતોનો કેડો મૂકતા નથી. એક છોકરીની આ વાત છે. તેણે જોબ ચેન્જ કરી હતી. નવી જોબ શરૂ કર્યા પછી પણ એ જૂની ઓફિસના કલીગ્સને ફોન કરીને પૂછતી કે, શું ચાલે છે તમારી ઓફિસમાં? એક વખત તેની ફ્રેન્ડે તેને કહ્યું, છોડને હવે, તારે કંઇ જ લેવાદેવા નથી રહી તો પછી શા માટે કોણ શું કરે છે એની ચિંતા કરે છે? કેટલાક લોકોને આવું કરવાની મજા આવતી હોય છે.
ફેમિલીમાં પણ એવા નમૂના હોય જ છે, જે બીજાની ખણખોદ કરતા હોય છે. કોણ કેવાં કપડાં પહેરે છે અને ઘરમાં એનું વર્તન કેવું હોય છે એની પણ એને બધી ખબર હોય છે. કૂથલી કરવામાં એને ગજબની મજા આવતી હોય છે. આપણે એવા લોકોને રોકી ન શકીએ, પણ એને એન્ટરટેઇન ન કરીએ તો પૂરતું છે. ટુ ધ પોઇન્ટ વાત કરવી અને કોઇ નકામી વાત ન કરવી એ બહુ મોટી કળા છે. કેટલાક લોકો ફોન પર કારણ વગરની વાતો કરતા હોય છે. જે વાત કરવામાં એક મિનિટ લાગે એમાં એ પાંચ મિનિટ લે છે. એકની એક વાતો કરે છે. એક વખત એક ભાઇએ ફોન કરનારને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, એક વખત કહ્યું એમાં સમજાઇ ગયું, વારેવારે કહેવાની કંઇ જરૂર નથી. અમુક લોકો પોતે એક વખતની વાતમાં સમજતા નથી એટલે એ બીજાને પણ એકની એક વાત એક કરતાં વધુ વખત કરે છે. આપણને કેટલાક લોકોનો ફોન આવે ત્યારે સ્ક્રીન પર એનું નામ જોઇને જ આપણાં ભવાં તંગ થઇ જાય છે. આ ઘડીકમાં છોડશે નહીં. આપણે ઓકે, ફાઇન, ભલે એવું કહીને વાતવાતમાં વાત પૂરી કરવાના ઇશારા આપીએ તો પણ એને સમજાતું નથી કે, હવે વાત પૂરી કરીએ.
એક યુવાનની આ વાત છે. તેના બોસે એક વખત તેને ફોન કરીને એક કામ સોંપ્યું. બોસનું કામ હતું એટલે એણે પ્રાયોરિટીમાં એ કામ પૂરું કરી દીધું અને બોસને જવાબ આપી દીધો. એ યુવાનના ફ્રેન્ડે કહ્યું, તારા બોસે તને એ કામ શા માટે સોંપ્યું હતું? તેનો ઇરાદો શું હતો? એ યુવાને કહ્યું, જો ભાઇ, એણે કામ શા માટે સોંપ્યું, મને જે કામ સોંપ્યું હતું એની પાછળ એમની શું ગણતરીઓ હતી એ જાણવામાં મને જરાયે રસ નથી. મને જેટલું કહ્યું એટલું મેં કરી દીધું. વધુ કંઇ કામ હશે અથવા તો મને જણાવવા જેવું હશે તો મને કહેશે. મારે વધુ દોઢડાહ્યા થવાની કંઇ જરૂર નથી. દરેક અંકોડા મેળવવા જરૂરી નથી. આપણે આપણા પૂરતું કામ રાખવાનું.
એક માણસ તરીકે આપણે ભરોસાપાત્ર હોવા જોઇએ. આપણા લોકોને આપણા પર શ્રદ્ધા હોવી જોઇએ કે, આ ખોટી વાતોમાં પડશે નહીં અને જે કરવાનું હશે એ જ કરશે. કેટલાક લોકો બીજાને ચડાવી દેવામાં માહેર હોય છે. હમણાંની એક સાવ સાચી વાત છે. બે લોકો ફોન પર વાત કરતા હતા. આ દરમિયાનમાં ત્રીજી વ્યક્તિની વાત નીકળી. બંનેએ એને ચકાસવાનું નક્કી કર્યું. એક માણસે કહ્યું કે, હું એને લાઇન પર લઉં છું. તું કંઇ બોલતો નહીં, ખાલી સાંભળજે. એણે ત્રીજી વ્યક્તિને ફોન લગાડ્યો અને કેટલીક વાતો કરી. પેલો માણસ સાંભળતો હતો. આ ઘટના પછી જે માણસ વાત સાંભળતો હતો એ સાવધાન થઇ ગયો. આની સાથે વાત કરતી વખતે ધ્યાન રાખવું. એ આપણને ફોન કરે ત્યારે બીજો કોઇ પણ લાઇનમાં હોઈ શકે છે. કોઇ ભલે બોલે નહીં, પણ આપણે જે કરતા હોઇએ એનાથી આપણને તો એ માપી જ લેતા હોય છે કે, આનો કેટલો ભરોસો કરવો. કોઇ આપણો ભરોસો ન કરતું હોય ત્યારે આપણે એ પણ વિચારવું જોઇએ કે, મારામાં એવી કંઇ ખામી છે કે લોકો મારા પર ભરોસો મૂકતા નથી.
કેટલાક લોકો પર આપણે આંખ મીંચીને ભરોસો કરીએ છીએ. આપણને ગળા સુધીની ખાતરી હોય છે કે, આ વાત તે પોતાના સુધી જ રાખશે. હવેના સમયમાં વાતોને વાઇરલ થઇ જતા વાર નથી લાગતી. એના કારણે જ લોકો હવે વાત કરતા પણ ડરવા લાગ્યા છે. ફોન પર વાત કરતી વખતે સાવધાની વર્તે છે. ક્યાંક એ રેકોર્ડ કરતો કે કરતી ન હોય. લોકો ફોનને બદલે વોટ્સએપ પર કોલ કરવા લાગ્યા છે. એક બદમાશ માણસે તો વોટ્સએપ કોલ પણ સ્પીકર પર રાખીને બીજા ફોનથી ફોન રેકોર્ડ કરી લીધો હતો. માણસને હવે ચેટની પણ ચિંતા થવા લાગી છે. ક્યાંક ચેટનો સ્ક્રીનશોટ ફરવા ન લાગે! લોકો દરેક વાતમાં ડરવા લાગ્યા છે. દરેક વાતમાં શંકા જ જાય છે. સંવાદ ઘટવાનું એક કારણ સમજ અને શ્રદ્ધાનો અભાવ પણ છે.
કઇ વાતમાં પડવું અને કઇ વાતમાં ન પડવું એની સમજ જરૂરી છે. આપણે જ ઘણી વખત કહેતા હોઇએ છીએ કે, રહેવા દેને, મારે એમાં પડવું જ નથી. કારણ વગરની ભેજામારી ક્યાં કરવી? કેટલીક બાબતોમાં સ્વાર્થી થવામાં પણ કંઇ ખોટું નથી. જેમાં કંઇ લેવાદેવા ન હોય એનાથી દૂર રહેવું જ સારું છે. હું ભલો અને મારું કામ ભલું, હું ભલી અને મારું કામ ભલું, એ સિદ્ધાંત આપણી જાત પર જ ફોકસ રાખવા માટે જરૂરી છે. કેટલાક લોકો બીજામાં એટલા બધા રચ્યાપચ્યા રહે છે કે પોતાના પર એનું ધ્યાન જ નથી હોતું. પોતાના પતન માટે એવા લોકો પોતે જ જવાબદાર હોય છે. કંઇ કરવું હોય, કંઇ બનવું હોય, શાંતિ જોઇતી હોય અને સુખી રહેવું હોય તો કામથી જ કામ રાખવાનો સિદ્ધાંત રામબાણ સાબિત થાય છે.
છેલ્લો સીન :
દરેક માણસમાં શક્તિનો એક સ્રોત હોય છે. પોતાની શક્તિ અને સામર્થ્યનો ક્યાં ઉપયોગ કરવો એની જેને સમજ નથી પડતી એ માણસ પોતાની જ ઘોર ખોદતો હોય છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 29 માર્ચ 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *