લેબલિંગ : કોઈના વિશે કંઈ ધારી કે માની લેવું સારી વાત નથી – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

લેબલિંગ : કોઈના વિશે કંઈ ધારી
કે માની લેવું સારી વાત નથી

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

આપણે કેટલાક લોકોનાં નામ સાથે અમુક લેબલ લગાવી દઈએ છીએ.
એ તો અભિમાની છે, કંજૂસ છે, લુચ્ચો છે, નાર્સિસ્ટ છે, તકવાદી છે,
આવાં લેબલ લગાવશો તો એ ક્યારેય નહીં ઊખડે.
માણસને અત્યારે કેવો છે તેના પરથી પારખવો જોઈએ


———–

આપણા સહુનું મન બહુ વિચિત્ર રીતે કામ કરતું હોય છે. આપણે ઘણું બધું માની કે ધારી લઇએ છીએ અને પછી એના આધારે જ આપણે વર્તન કરીએ છીએ. કોઇ વ્યક્તિ સાથે આપણું વર્તન આપણા પોતાના અથવા તો બીજાના અભિપ્રાયો પર આધારિત હોય છે. દાખલા તરીકે, આપણો એક મિત્ર છે. તેણે આપણને એક વ્યક્તિ માટે એવું કહ્યું કે, ધ્યાન રાખજે હો, એ માણસ એક નંબરનો લુચ્ચો છે. એનો ભરોસો કરતો નહીં. એ સાથે જ પેલા માણસ વિશેનો અભિપ્રાય આપણા મનમાં અંકાઈ જાય છે. આપણે પછી એ માણસને લુચ્ચો જ માનીએ છીએ. એણે ભલેને આપણી સાથે કોઇ લુચ્ચાઇ કરી ન હોય, તો પણ આપણા મગજમાંથી તેની છાપ જતી નથી. લુચ્ચાઇ તો જવા દો, એ માણસ આપણી સાથે સારું વર્તન કરે તો પણ આપણને એમાં કોઇ ચાલ હોવાની શંકા જાય છે. આપણે આપણી આજુબાજુના દરેક લોકોને એક લેબલ મારી દઇએ છીએ. આ સારો, આ ખરાબ, આ સ્વાર્થી, આ બદમાશ, આ લુચ્ચો, આ દગાખોર. આવાં લેબલોનું તો બહુ મોટું લિસ્ટ છે. લેબલ લગાડવાની આવી માનસિકતા વિશે વર્ષો અગાઉ થયેલા એક રસપ્રદ અભ્યાસની વાત જાણવા જેવી છે.
અમેરિકાના મનોવૈજ્ઞાનિક અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવનારા ડેવિડ રોઝેનહાને વર્ષ 1973માં એક પ્રયોગ કર્યો હતો. સાઇકોલોજીની દુનિયામાં માણસની પૂર્વધારણાઓ વિશેનો આ અભ્યાસ રોઝેનહાન એક્સપેરિમેન્ટ તરીકે ઓળખાય છે. રોઝેનહાને એક ગ્રૂપ બનાવ્યું હતું. એ બધાને કહ્યું હતું કે, તમારે મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ થવાનું છે. હોસ્પિટલમાં તમારે કશું જ કરવાનું નથી. તમે જેમ જીવતા હોય એમ જ જીવવાનું છે. તમારું મન થાય એમ કરજો. તમારા માટે કોઇ જ ઇન્સ્ટ્રક્શન નથી. બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બીજી તરફ હોસ્પિટલના ડોક્ટર્સને એવું કહેવામાં આવ્યું કે, જેને દાખલ કરવામાં આવ્યા છે એ બધા જ સ્કિઝોફ્રેનિયાના પેશન્ટ છે. તમારે તેનું વર્તન ઓબ્ઝર્વ કરીને તેના માટે લાઇન ઓફ ટ્રીટમેન્ટ સજેસ્ટ કરવાની છે. ડોક્ટરોએ એ તમામ પર નજર રાખવાનું શરૂ કર્યું. ડોક્ટર્સના ઓબ્ઝર્વેશનમાં મજેદાર વાત એ હતી કે, એ લોકો કંઇ પણ કરે તો એમાં ડોક્ટરને ગાંડપણની જ અસર દેખાતી હતી. એ લોકો ચાલતા હોય, લખતા હોય, ખાતાં-પીતાં હોય કે બીજું કંઇ પણ કરતા હોય, ડોક્ટર તેને સ્કિઝો ગણીને જ નિરખતા હતા. ડોક્ટરોએ એ બધા મેન્ટલ છે એવું ગણીને આખા કેસ પણ તૈયાર કરી દીધા. આખરે તેમને કહેવાયું કે, તમે જેને સ્કિઝો ગણો છે એ તદ્‌ન નોર્મલ માણસ છે. તમને એવું કહેવામાં આવ્યું કે, એ બધા સ્કિઝો છે અને તમે માની લીધું. એના પરથી એવું કહેવાયું કે, આપણે બધા પણ જાણે અજાણે એવું જ કરતા હોઇએ છીએ. કોઇ કહે અને આપણે માની લઇએ છીએ કે, કોઇ માણસ કેવો છે. આ અભ્યાસના આધારે માણસના વર્તનની વધુ વાત કરતાં પહેલાં એ સ્ટડીનો પાર્ટ ટુ પણ જાણવાની મજા આવે એવો છે.
રોઝેનહાને આ પ્રયોગ કરીને એનાં તારણો આપ્યાં એ પછી એક સંસ્થાએ તેને નકારી દીધો હતો. તેણે કહ્યું હતું કે, તેમની વાત ખોટી છે. નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા આવી ભૂલ થવી અશક્ય છે. આ પડકાર રોઝેનહાને સ્વીકાર્યો હતો અને કહ્યું હતું કે, આગામી ત્રણ મહિનામાં કેટલાક નકલી એટલે કે સાજા સારા હોય એવા લોકોને દર્દી તરીકે હોસ્પિટલમાં મોકલશે. હોસ્પિટલ તેને રેટિંગ આપીને ઓળખી બતાવે કે કયા દર્દી નકલી છે. ત્રણ મહિના સુધી હોસ્પિટલના નિષ્ણાતોએ નકલી દર્દીઓને શોધી કાઢવા માટે એક એક પેશન્ટ પર નજર રાખી. એ હોસ્પિટલમાં 193 દર્દીઓ હતા. ત્રણ મહિનાના અંતે હોસ્પિટલના નિષ્ણાતોએ ગર્વભેર કહ્યું કે, આ 193 દર્દીઓમાંથી આ 41 દર્દીઓ નકલી કે શંકાસ્પદ છે. 41માંથી 19 દર્દીઓ વિશે તો એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે, એ બધા નાટક જ કરે છે. એમને કોઇ પ્રોબ્લેમ નથી. આ વિશે ડેવિડ રોઝેનહાને જ્યારે સાચી વાત કરી ત્યારે બધા સ્તબ્ધ થઇ ગયા હતા. રોઝેનહાને કહ્યું કે, ત્રણ મહિનામાં મેં એકેય નકલી દર્દી મોકલ્યો જ નથી! ડોક્ટરોએ સાચા દર્દીઓને પણ નકલી સમજી લીધા હતા. આપણી પૂર્વધારણાઓ કેવી અસરો કરે છે તેનાં આ ઉત્તમ ઉદાહરણો છે. આ પ્રયોગો તો મેન્ટલ ટ્રીટમેન્ટ માટે કરવામાં આવ્યા હતા. આ અભ્યાસ બાદ સારવારમાં ઘણા સુધારાવધારા પણ કરવામાં આવ્યા હતા. આ અભ્યાસ હ્યુમન બિહેવિયરને બખૂબી વ્યક્ત કરે છે. થોડુંક ગંભીરતાથી વિચારશો તો એવું ચોક્કસ લાગશે કે, આપણે પણ કોઇના વિશે જે ધારેલું હોય એના આધારે જ આપણે તેની સાથે વર્તન કરતા હોઇએ છીએ.
એક બીજો કિસ્સો પણ મમળાવવા જેવો છે. બે બહેનપણીઓ હતી. એમાંથી એકને એક છોકરા સાથે બનતું નહોતું. એ છોકરા વિશે તેણે પોતાની બહેનપણીને એવું કહ્યું કે, એનાથી સાવચેત રહેજે, એ છેડતી કરે એવો છે, એ કંઇ પણ મિસબિહેવ કરી શકે છે. બહેનપણીની આ વાત એ છોકરીના મનમાં ઘર કરી ગઇ હતી. એ પછી જ્યારે પણ એ છોકરાને જુએ ત્યારે તેને ડર લાગતો હતો કે, આ છોકરો કંઇ કરે નહીં તો સારું. એક વખતે એ છોકરો લિફ્ટમાં સાથે થઇ ગયો ત્યારે તો એ છોકરી રીતસરની ફફડી ગઇ હતી. ઘણા સમય પછી તેની બીજી એક ફ્રેન્ડે કહ્યું કે, એ છોકરો તો સારો છે. એણે ક્યારેય કોઇની છેડતી કે મશ્કરી કરી જ નથી. પેલી છોકરીને તેની સામે વાંધો છે એટલે તેણે તને એના વિશે જેમ તેમ કહ્યું હતું. લેબલિંગ કરવાનું એક મોટું કારણ ઇર્ષા પણ છે. એ સિવાય પણ લોકો વિશે આપણે અનેક કારણોસર ગમે તે માની લઇએ છીએ. કોઇ માણસ સોશિયલ મીડિયા પર કંઇ લખે કે બોલે તેના પરથી આપણે એ માણસ કેવો છે તેનો અંદાજ બાંધી લેતા હોઇએ છીએ. કોઇની રીલ જોઇને એવું લાગે છે કે, કેવો એરોગન્ટ માણસ છે. એ પછી આપણા મનમાં તેની ઇમેજ એરોગન્ટની જ થઇ જાય છે.
આપણને પોતાને ઘણી વખત કેટલાક લોકોના એવા અનુભવો થાય છે જેનાથી આપણે એ માણસ કેવો છે એ નક્કી કરી લઇએ છીએ. અનુભવો ખોટું બોલતા નથી. એનું કારણ એ છે કે, એ આપણને પોતાને થયા હોય છે. આ અનુભવો વિશે પણ એવું કહેવાય છે કે, કોઇ વ્યક્તિ ક્યારેક કોઇ વર્તન કરે ત્યારે તેના વિશે અભિપ્રાય બાંધવામાં પણ ધ્યાન રાખવું જોઇએ. બનવા જોગ છે કે, આપણી સાથે વર્તન કરતી વખતે એ પોતે જ ઓકે ન હોય. દરેક માણસ સમય મુજબ વર્તતો હોય છે. ઘણી વખત ખરેખર સારો માણસ હોય એ પણ ખરાબ વર્તન કરી બેસતો હોય છે. એક વખતના ખરાબ વર્તનથી કોઇને ખરાબનું પરમેનન્ટ લેબલ લગાવી દેવું સારું નથી. કોઇ ખરાબ વ્યક્તિ એકાદ વખત સારું વર્તન કરી લે તો પણ એ સારો થઇ જતો નથી.
માણસ બદલતો રહે છે. આપણે પણ બદલતા હોઇએ છીએ. ઉંમર વધવાની સાથે આપણે મેચ્યોર થતા હોઇએ છીએ. આપણે કરેલી કેટલીક ભૂલો વિશે આપણને જ એવું થતું હોય છે કે, મેં ખોટું કર્યું હતું. મારે એવું કરવું જોઇએ નહીં. આપણી જેમ દરેક વ્યક્તિથી ક્યારેક અયોગ્ય વર્તન થઇ જતું હોય છે. આ બધી વાત સાથે એક હકીકત એ પણ છે કે, જે સુધરવાના નથી એ ક્યારેય સુધરવાના જ નથી. એની મથરાવટી જ એવી હોય છે કે, એ સુધરે નહીં. એવા લોકોથી ડિસ્ટન્સ રાખવું જ સારી વાત છે. બાકી કોઇ માણસ વિશે કોઇ કાયમી ઇમેજ બાંધી લેવી નહીં. આજે એ કેવી રીતે વર્તે છે એ સૌથી મહત્ત્વની વાત છે. કેટલાક લોકો વિશે આપણે પોતે જ એવું કહેતા હોઇએ છીએ કે, હું ધારતો હતો એવો માણસ એ છે નહીં. એ તો સાવ જુદો જ નીકળ્યો. આવા કિસ્સામાં વાંક એનો હોતો નથી, આપણે જ ધારી કે માની લઇને એના નામ સાથે લેબલ લગાવી દીધું હોય છે. કોઇ માણસ ક્યારેય એકસરખો રહેતો નથી. એ બદલાતો જ રહે છે. આપણામાં પણ ક્યાં ઓછાં પરિવર્તનો આવ્યાં હોય છે. બધા સાથે સારી રીતે વર્તો, કોણ કેવો છે એ વિચારતા પહેલાં આપણે એ નક્કી કરવાનું હોય છે કે, હું કેવો કે હું કેવી છું? આપણે આપણા પૂરતું ધ્યાન રાખીએ તો ઘણું છે.


————

પેશ-એ-ખિદમત
અંધેરા માંગને આયા થા રોશની કી ભીખ,
હમ અપના ઘર ન જલાતે તૌ ઔર ક્યા કરતે,
હમેં તો ઉસ લબ-એ-નાજુક કો દેની થી જહમત,
અગર ન બાત બઢાતે તો ઔર ક્યા કરતે.
– નજીર બનારસી


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 08 એપ્રિલ 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *