INTIMACY COACHING – પ્રેમના પાઠ : સુખી થવાતું હોય તો એ પણ કરી જુઓ – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

INTIMACY COACHING
પ્રેમના પાઠ : સુખી થવાતું
હોય તો એ પણ કરી જુઓ

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

યંગ જનરેશન મેરેજ કરતાં ડરી રહી છે. એની સાથે નહીં ફાવે તો?
મેરેજ થઇ જાય પછી સાથે રહેતા આવડતું નથી.
સુખી થવા માટે ઇન્ટિમસી કોચિંગ કે મેરેજ કાઉન્સેલિંગ કેટલું કામ લાગે?
પાઠ ભણ્યા પછી પણ રોજેરોજ પરીક્ષા આપવાની છે


———–

દાંપત્યજીવનમાંથી પ્રેમ, લાગણી, આત્મીયતા, હૂંફ, વફાદારી અને પ્રામાણિકતા ધીમે ધીમે ગુમ થઈ રહી છે. મેરેજ લાઇફ સામે સવાલો સતત વધી રહ્યા છે. અત્યારે સ્થિતિ એવી સર્જાઇ છે કે, યંગસ્ટર્સ મેરેજ કરતાં જ ડરવા લાગ્યા છે. છોકરા કે છોકરીને પોતાના પર જ ભરોસો બેસતો નથી. તેને એ સવાલ સતાવી રહ્યો છે કે, હું સંબંધ નિભાવી શકીશ કે નહીં? એની સાથે મને ફાવશે કે નહીં? આજની જનરેશન સામે ચેલેન્જીસ વધી ગઈ છે. બંને જણ કામ કરતાં હોય તો જ પૂરું થાય એમ છે. કામનું પ્રેશર સતત વધી રહ્યું છે. ગોલ અચીવ કરવામાં અને ટાર્ગેટ પૂરા કરવામાં દમ નીકળી જાય છે. પતિ-પત્ની એકબીજાને શારીરિક કે માનસિક સંતોષ આપી શકતાં નથી. અધૂરામાં પૂરું સોશિયલ મીડિયાએ જુદી મુશ્કેલીઓ સર્જી છે. પતિ-પત્ની વચ્ચેનો સંવાદ ઘટી રહ્યો છે. વાત કરવી હોય તો પણ શું વાત કરવી એ તેમને સમજાતું નથી.
લગ્નો થાય તો છે પણ થોડા જ સમયમાં તૂટવા લાગ્યાં છે. ભેગા રહેતા હોય તો પણ પ્રેમ જેવું તત્ત્વ વર્તાતું નથી. માનિસક છૂટાછેડાના કિસ્સાઓ વધી રહ્યા છે. રહેવા ખાતર સાથે રહેતા હોય છે. કેટલાક કિસ્સામાં પરિવાર અને સમાજના ડરથી મેરેજ નિભાવતા હોય છે. આવા સમયમાં મેરેજ ઇન્ટિમસી કોચિંગનું ઇમ્પોર્ટન્સ વધી રહ્યું છે. આપણા દેશ સહિત આખી દુનિયામાં શારીરિક અને માનસિક સંબંધો કેવી રીતે જાળવી રાખવા, તેના રીતસરના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. એ મામલે પણ એવો સવાલ તો પૂછવામાં આવે જ છે કે, શું પ્રેમ પણ શીખવો પડશે? પ્રેમના પાઠ ભણવાથી દાંપત્ય ટકી જશે? તેના જવાબમાં એવું કહેવામાં આવે છે કે, જો સુખી થવાતું હોય તો આવા પાઠ ભણવામાં પણ કંઇ વાંધો હોવો ન જોઇએ.
ઇન્ટિમસી કોચિંગનો કેટલાક લોકો એવો મતલબ કાઢે છે કે, એ ફક્ત શારીરિક સંબંધોની જ સમજણ આપે છે. આ વિશે કોચ એવું કહે છે કે, શારીરિક સંબંધો ચોક્કસપણે જરૂરી છે, પરંતુ એ દાંપત્ય જીવનનો એક નાનકડો હિસ્સો છે. સાઇકોલોજિકલ અને ઇમોશનલ રિલેશન્સ વધુ મહત્ત્વના છે. થોડાક સ્પષ્ટ શબ્દોમાં આ વાત સમજાવતા નિષ્ણાતો કહે છે કે, પતિ-પત્ની વચ્ચે સેક્સ મેક્સિમમ અડધો કલાકનો ખેલ છે. બાકીના સાડા ત્રેવીસ કલાકનું શું? એ વાતથી બિલકુલ ઇન્કાર ન થઇ શકે કે, શારીરિક સંબંધો દાંપત્યને ટકાવવામાં મોટી ભૂમિકા ભજવે છે, પણ તેનાથીયે વધુ એકબીજા પ્રત્યેની લાગણી અને આદર વધુ ભાગ ભજવે છે. મેરેજ થાય ત્યારે ફિઝિકલ એટ્રેક્શન અને સેક્સ ડિઝાયર હોય એ સ્વાભાવિક છે. સમયની સાથે સેક્સ પ્રેમ અને લાગણીમાં પરિવર્તિત થવું જોઇએ. એ થતું નથી. લાઇફ કોચ નિહારિકા સૂરીએ થોડા સમય પહેલાં જ એવું કહ્યું હતું કે, મેરેજ થયા બાદ 80 ટકા કિસ્સાઓમાં માત્ર બે-ત્રણ વર્ષમાં રોમાન્સ ખતમ થઇ જાય છે. જિંદગીમાં રોમાંચ જેવું કંઇ રહેતું નથી. સેક્સમાંથી રસ ઊડી જાય છે. જેમ જેમ સમય જાય છે એમ એમ ડિસ્ટન્સ વધતું જાય છે. આવા કિસ્સાઓમાં જો એકબીજા પ્રત્યે આદર અને આ મારી વ્યક્તિ છે એવી ભાવના ન હોય તો મુશ્કેલીઓ પેદા થાય છે. હવે પતિ-પત્ની એકબીજાને પેટછૂટી વાત કરતાં નથી. દુનિયા વિશે ભલે એવું કહેવાતું હોય કે, જમાનો બહુ આધુનિક થઇ ગયો છે, પણ હજુ પતિ-પત્ની સેક્સ વિશે ખૂલીને વાત કરી શકતા નથી. જેન્ટ્સને પર્ફોર્મન્સ એંગ્ઝાઇટી રહે છે. લેડીઝને સંતોષ આપી શકશે કે કેમ એનું ટેન્શન રહે છે. રાત પડ્યે બંને કામના બોજથી એટલાં થાકી ગયાં હોય છે કે, એકબીજામાં ઓતપ્રોત જ થઇ શકાતું નથી. આવા સમયે ઇન્ટિમસી કોચિંગ જરૂરી બને છે.
ઇન્ટિમસી કોચિંગ વિશે નિષ્ણાતો સરળ શબ્દોમાં એવું કહે છે કે, સાંનિધ્ય અને સંવાદ વધારો. અત્યારે સૌથી મોટી સમસ્યા એકબીજાને સમય આપવાની છે. સમય હોય અને બંને સાથે બેઠાં હોય ત્યારે પણ બંનેના હાથમાં મોબાઇલ હોય છે. હન્ડ્રેડ પર્સન્ટ સાથે હોય એવી ક્ષણો બહુ ઓછી હોય છે. એકબીજાની વાત સાંભળો. હવેના સમયમાં પતિ અને પત્નીને એ પણ ખબર હોતી નથી કે, મારા પાર્ટનરને શું ગમે છે? શું નથી ગમતું? તેને શું ભાવે છે? કયો રંગ તેનો ફેવરિટ છે? શેનાથી તેને ચીડ છે? પોતાની વ્યક્તિ કેવી માનસિક સ્થિતિમાંથી પસાર થાય છે એની જાણ પણ હોતી નથી. સોશિયલ મીડિયાના કારણે પતિ-પત્નીની એકબીજા પાસે અપેક્ષાઓ પણ ખૂબ વધી ગઇ છે. બેમાંથી કોઇ અપેક્ષા પૂરી કરી શકતા નથી એના કારણે ઇશ્યૂ પેદા થાય છે. મનમાં જે મૂંઝવણ ચાલતી હોય તેની વાત પણ પોતાની વ્યક્તિને કરાતી નથી. ઊલટું હવે એકબીજા પર શંકા વધવા લાગી છે. પતિ કે પત્ની લાંબો સમય મોબાઇલ પર ચોંટેલાં હોય તો એવો વિચાર આવી જાય છે કે, કોની સાથે ચેટ કરતા હશે? શું જોતા હશે? મેળ પડે ત્યારે એકબીજાનો ફોન પણ પતિ-પત્ની ચેક કરી લેતાં હોય છે. એવા લોકોની સંખ્યા પણ વધતી જાય છે જે ઘરે પહોંચતા પહેલાં કેટલાક મેસેજ ડિલીટ કરી નાખે છે. લોકો બે લાઇફ જીવવા લાગ્યા છે, એક ઘરની અને બીજી બહારની. એકસ્ટ્રા મેરિટલ અફેર ખાનગીમાં ચાલતા રહે છે અને પકડાય ત્યારે ભડકો થાય છે.
ઇન્ટિમસી કોચ કહે છે કે, તમારી વ્યક્તિ પર ભરોસો રાખો. એને સમય આપો. એને સમજવાનો પ્રયાસ કરો. અપેક્ષા ચોક્કસ રાખો, પણ અપેક્ષાઓ એવી હોવી જોઇએ જે તમારા પાર્ટનર સંતોષી શકે. એકબીજાને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો. સૌથી મહત્ત્વનો કોઇ મુદ્દો હોય તો એકબીજાને સમય આપવાનો છે. બહાર તમે ગમે એટલા સફળ થશો, ગમે એટલાં નાણાં કમાશો, પણ જો ઘરનું સુખ નહીં હોય તો ક્યારેય શાંતિ અનુભવાશે નહીં. ઘરનો બળેલો ગામ બાળે એવી કહેવત એમ જ નહીં પડી હોય. તેની સામે એ વાત પણ યાદ રાખવા જેવી છે કે, ઘરનો ઠરેલો ગામ ઠારે. ઘરનું સુખ હોય તો માણસ બહારના પડકારો સામે તો ગમે એમ કરીને લડી લે છે. ઘરનું વાતાવરણ જ જો સારું ન હોય તો માણસ જિંદગીથી જ થાકી જાય છે.
ઇન્ટિમસી કોચિંગ અથવા તો મેરેજ કાઉન્સેલિંગની જરૂર કેમ ઊભી થાય છે એના વિશે એવું કહેવામાં આવે છે કે, અગાઉના સમયમાં જોઇન્ટ ફેમિલી હતાં. કેટલીક સમજ અને સંસ્કાર આપોઆપ કેળવાતાં હતાં. માતા-પિતાને જોઇને છોકરા-છોકરીઓ કેવી રીતે રહેવાય અને જીવાય એ શીખતાં હતાં. હવે તો મા-બાપ વચ્ચે જ ઇશ્યૂ છે. મધર ફાધરની મેરેજ લાઇફ જોઇને જ સંતાનોને એવું થાય છે કે, લગ્ન કરીને આવી રીતે રહેવા કરતાં તો પોતાની રીતે જીવવું સારું. હવે જીવનની ગતિ, કરિયરનું પ્રેશર અને ટેક્નોલોજીનો અતિરેક પણ લોકો પર હાવી થઇ ગયાં છે. નિષ્ણાતો કહે છે કે, તમારી લાગણી અને તમારી ભાવના વ્યક્ત કરો, તમારી વ્યક્તિને આદર આપો, લાઇફમાં એનું ઇમ્પોર્ટન્સ સમજો, એની સાથે જિંદગીની દરેક ક્ષણ સારી રીતે જીવો. બ્રેકઅપ કરી દેવું કે છૂટાછેડા લઇ લેવા બહુ સહેલા છે. એવું કરતા પહેલાં એટલું વિચારવાની જરૂર છે કે, આખરે મારે કરવું છે શું? મને મારી લાઇફ પાસેથી અને મારી વ્યક્તિ પાસેથી જોઇએ છે શું? હું જે કરું છું એનાથી મને સુખ અને શાંતિ મળશે ખરાં? કપલ્સ હવે જિંદગીના નિર્ણયો બહુ ઉતાવળે લેવા લાગ્યાં છે. થોડો સમય જાય પછી એવું પણ થતું હોય છે કે, આવું ન કર્યું હોત તો સારું થાત. દાંપત્યજીવનની એક હકીકત એ છે કે, પ્રોબ્લેમ થવાના જ છે, ઝઘડાઓ પણ થશે જ. ઇશ્યૂ અને ઝઘડા થાય એનો વાંધો નથી, તમે એને કેવી રીતે સુલઝાવો છો એ મહત્ત્વનું છે. દરેક કપલે એ વાત યાદ રાખવાની હોય છે કે, ગમે એવી છે પણ એ મારી વ્યક્તિ છે. માઇનસ પોઇન્ટ્સ બધાના હોય જ છે. માઇનસ પોઇન્ટ્સને અવગણીને પ્લસ પોઇન્ટ્સ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. જિંદગીને કયા રસ્તે લઇ જવી છે એ છેલ્લે તો આપણે જ નક્કી કરવું પડતું હોય છે. જે જતું કરી શકે છે, માફ કરી શકે છે અને જે થઇ ગયું એને ભૂલી શકે છે, એ જ સરવાળે સુખી થતા હોય છે.


————

પેશ-એ-ખિદમત
ઐસે ભી કુછ લમ્હેં યારોં આયેંગે,
હમ મશ્કૂક નજર સે દેખે જાએંગે,
નીંદ ભરી આંખેં ભી ધોખા દેતી હૈ,
જાગોગે તો ખ્વાબ કહાં સે આયેંગે?
(મશ્કૂક – શંકાસ્પદ) – પી. પી. શ્રીવાસ્તવ `રિંદ’


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 11 ફેબ્રુઆરી 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *