સ્માઇલ ડિપ્રેશન : હસતા હોય એ
મજામાં જ હોય એવું જરૂરી નથી

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
નોર્મલ દેખાતા લોકોની અંદર પણ ઘમસાણ ચાલતું હોય છે.
અત્યારના સમયમાં લોકો મુક્ત મને વ્યક્ત થઈ શકતા નથી.
માનસિક સમસ્યાઓ વધુ ખતરનાક બની રહી છે
———–
મુંબઈમાં થોડા સમય પહેલાં એક ઘટના બની હતી. એક છોકરીના ફ્રેન્ડે પાર્ટી યોજી હતી. રાતના સમયે બધા જ ફ્રેન્ડ્સ પાર્ટીમાં ભેગા થયા હતા. એ છોકરી પણ સરસ તૈયાર થઇને પાર્ટીમાં ગઇ હતી. તેણે બધાની સાથે મસ્તી કરી, ડાન્સ કર્યો અને ખાધું-પીધું. પાર્ટીમાંથી ઘરે પહોંચ્યા બાદ થોડી જ મિનિટોમાં તેણે આપઘાત કરી લીધો. ફ્રેન્ડ્સને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે બધાના આઘાતનો પાર ન રહ્યો. એ તો એકદમ મજામાં દેખાતી હતી. ખુશ હતી. અચાનક તેની સાથે એવું તે શું થઇ ગયું કે તેણે જિંદગીનો અંત લાવી દીધો? તેના વિશે તપાસ કરીને નિષ્ણાતોએ કહ્યું કે, એ સ્માઇલ ડિપ્રેશનથી પીડાતી હતી. દુનિયામાં સ્માઇલ ડિપ્રેશનના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જે ચહેરાઓ આપણને હસતા દેખાતા હોય એ માણસ ખુશ જ હોય એવું જરૂરી નથી.
સ્માઇલ ડિપ્રેશનનો બીજો એક કિસ્સો પણ જાણવા જેવો છે. એક યુવાન મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરે છે. ખૂબ સારો પગાર છે. ઓફિસમાં એ બધા સાથે ખૂબ જ પ્રેમથી રહે છે. કામ પણ સારું કરે છે. એ યુવાન ઘરે ગયા પછી કલાકો સુધી એકલો એકલો રડે છે. એને ક્યાંય ગમતું નથી. જિંદગીનો કોઇ અર્થ લાગતો નથી. એ સતત એકલતા અનુભવે છે. બધા સાથે હોય ત્યારે એ એકદમ મજામાં હોય એવી જ રીતે વર્તે છે. જેવો એકલો પડે કે એનો પોતાની જાત સાથેનો સંઘર્ષ શરૂ થઇ જાય છે. કોઇને ખબર પડે કે, પોતાની નજીકની વ્યક્તિ મજામાં નથી તો માણસ હજુયે તેને મદદ કરી શકે. સ્માઇલિંગ ડિપ્રેશનથી પીડાતા લોકો અણસાર પણ આવવા દેતા નથી કે, તેની અંદર કેવું ઘમસાણ ચાલી રહ્યું છે. આપણી આસપાસ પણ એવી ઘટનાઓ બનતી રહે છે કે કોઇ હેપી ગો લકી ગણાતી વ્યક્તિ અચાનક જ અજુગતું પગલું ભરી લે છે. આપણને સમજાય જ નહીં કે, એણે આખરે શા માટે એવું કર્યું!
સ્માઇલિંગ ડિપ્રેશન એ એવી માનસિક સ્થિતિ છે જેમાં માણસ બહારથી એકદમ ખુશ, સુખી, સક્રિય અને સક્ષમ દેખાય છે, પણ અંદરથી સાવ તૂટી ગયેલો હોય છે. તીવ્ર ઉદાસી, એકલતા અને નિ:સહાયતાએ તેને બરાબરનો ભીંસમાં લીધો હોય છે. આવા લોકો પોતાની હકીકત છુપાવવા માટે સ્મિતનું મહોરું પહેરી રાખે છે. નવી જનરેશનમાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જે કોઇને પોતાની વાત ખૂલીને કહેતા નથી. અંદર ને અંદર ધૂંધવાતા રહે છે. એ એવું માને છે કે, હું કોઇને કહીશ તો મને નબળો સમજશે. મારા વિશે અભિપ્રાય બાંધી લેશે. મારે શા માટે કોઇની નજર સામે નબળા દેખાવવું જોઇએ. કેટલાકને વળી એવા વિચારો પણ આવે છે કે, કોઇને કંઇ જ ફેર પડતો નથી. બધા પોતપોતાનામાં મસ્ત છે. કોઇને મારી પડી નથી. કોઇને મારી નયા ભારની ચિંતા નથી. આવા લોકો મજામાં અને ખુશ હોવાનું નાટક કરતા રહે છે. માત્ર ને માત્ર એને જ ખબર હોય છે કે, પોતાની માનસિક હાલત કેટલી ખરાબ છે!
સ્માઇલ ડિપ્રેશનથી પીડાતા લોકોનો બીજો એક પ્રોબ્લેમ એ પણ છે કે, એ મનોચિકિત્સકની મદદ લેવાનું પણ ટાળે છે. અલબત્ત, હવે તેમાં થોડોક સુધારો જોવા મળ્યો છે. હવે એવા લોકો સાઇકિયાટ્રિસ્ટ પાસે જાય છે અને સલાહ લે છે. એક કિસ્સો એવો છે જેમાં એક યુવાન સાઇકોલોજિસ્ટ પાસે ગયો હતો. તેણે કહ્યું હતું કે, મને કોઇ જ પ્રોબ્લેમ નથી. બધું જ સારું છે. છતાં પણ જીવવાની જે મજા આવવી જોઇએ એ આવતી નથી. અચાનક ઉદાસી ઘેરી વળે છે. ક્યાંય ગમતું નથી. બધા મને સફળ અને ખુશ માને છે. ફેમિલીમાં પણ મારાં વખાણ થાય છે. આમ છતાં મને ક્યાંય ગમતું નથી.
હવે માણસને પારખવો મુશ્કેલ બની ગયો છે. એ ખરેખર ખુશ છે કે ખુશ હોવાનું નાટક કરે છે એ સમજાતું નથી. સાઇકોલોજિસ્ટ્સ લોકોને પણ કહે છે કે, તમારી નજીકની વ્યક્તિ એમ કહે કે, હું મજામાં છું તો દર વખતે માની ન લો. એ પણ ચેક કરો કે, એ ખરેખર મજામાં છે કે નહીં. એની ગેરહાજરીમાં પણ એનું બિહેવિયર ચેક કરો. એક છોકરીનો આ સાવ સાચો કિસ્સો છે. એની એક ફ્રેન્ડ સરપ્રાઇઝ આપવાના ઇરાદે અચાનક જ એના ઘરે પહોંચી ગઇ. તેણે પોતાની ફ્રેન્ડેને જોઇ તો એનું મોં ઊતરેલું હતું. તેણે પૂછ્યું, તું રડી હતી? પેલી મિત્રએ સાચું કહી દીધું કે, હા હું રડતી હતી. તેની ફ્રેન્ડે કારણ પૂછ્યું તો એણે કહ્યું કે, મને પણ સમજાતું નથી કે અચાનક કેમ ઉદાસી ઘેરી વળે છે. બહુ એકલું લાગે છે. આખરે તેની ફ્રેન્ડ તેને સાઇકોલોજિસ્ટ પાસે લઇ ગઇ હતી. આ કિસ્સામાં પણ સ્માઇલિંગ ડિપ્રેશનનું નિદાન થયું હતું.
બિહેવિયર એક્સપર્ટ્સ કહે છે કે, દરેક માણસે એક વાત યાદ રાખવા જેવી હોય છે કે, તમે કોઇના માટે ખૂબ જ મહત્ત્વની વ્યક્તિ છો. કોઇ તમને પ્રેમ કરે છે. તમને એવું લાગતું હોય કે, કોઇ મારું નથી તો એ વાત ખોટી છે. અંદર જ ધૂંધવાયા રહેશો તો તમે જ તમારા ચક્રવ્યૂહમાં ફસાઇ જશો. ક્યારેય એવો વિચાર પણ ન કરો કે, લોકો મને જજ કરશે. લોકો મને નબળો સમજશે. મારી ઇમેજ ડાઉન થશે. બીજા કોઇને નહીં તો તમારા અંગત મિત્રને દિલની વાત કરો. ક્યારેક એવું બનવાનું છે કે, આપણને ક્યાંય મજા ન આવે. કોઇને મળવાનું કે કોઇની સાથે વાત કરવાનું મન ન થાય. આવું ક્યારેક થાય તો ઠીક છે, પણ જો આવું દરરોજ અને સતત થતું હોય તો સાવધાન થઇ જવાની જરૂર છે.
જરાકેય એવું લાગે કે માનસિક સારવારની જરૂર છે તો કોઇ જાતના ખચવાટ વગર સાઇકોલોજિસ્ટની મદદ લો. સ્માઇલિંગ ડિપ્રેશનના ઘણા ઇલાજ છે. કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી દ્વારા નિષ્ણાતો નકારાત્મક વિચારોને ઓળખીને તેને બદલવામાં મદદ કરે છે. માણસે પોઝિટિવ વિચારો જ કરવા જોઇએ એવી વાતો આપણે બધા હંમેશાં સાંભળતા આવ્યા છીએ. માણસ ક્યારે નેગેટિવ વિચારો તરફ વળી જાય એ નક્કી હોતું નથી. આપણને ખબર જ ન પડે કે મને હવે વધુ પડતા નકારાત્મક વિચારો આવવા લાગ્યા છે. માણસે પોતાના વર્તન પર પણ બારીકાઇથી નજર રાખવી પડે છે. પોતાને અને પોતાના વિચારોને સમજવા પડે છે.
સ્માઇલિંગ ડિપ્રેશનનાં ઘણાં કારણો છે. કામ કે પ્રેમમાં નિષ્ફળતા મળે, નજીકની વ્યક્તિ દગો કરે, ધાર્યું કામ થાય નહીં, ફાઇનાન્સિયલ ક્રાઇસિસથી માંડીને નોકરી ગુમાવવા જેવાં કારણો સૌથી વધુ જવાબદાર છે. આ બધામાં હવે સોશિયલ મીડિયાનો ઉમેરો થયો છે. સોશિયલ મીડિયામાં આપણે જે જોઇએ કે સાંભળીએ છીએ એની સીધી અસર આપણને થવાની છે. બધા લોકો સારી સારી વાતો જ મૂકે છે. એ જોઇને કેટલાક લોકો એવું માનવા લાગે છે કે, બધા આગળ વધી ગયા છે, બધા મજા કરે છે, હું જ હેરાન, પરેશાન અને દુ:ખી છું. નિષ્ણાતો એ વિશે પણ એવું કહે છે કે, પોતાની જાતને ક્યારેય નબળી કે ઊતરતી ન સમજો. તમને પોતાને જ જો તમારું ગૌરવ નહીં હોય તો બીજા ક્યારેય તમારી કદર કરવાના નથી.
નકારાત્મક વિચારો આવતા હોય, ઉદાસી અને નિરાશા જેવું લાગતું હોય તો કેટલાંક પગલાંઓ તમે પોતે જ લો. દરરોજ ૩૦ મિનિટ ચાલો અથવા તો કસરત કરો. પૂરતી ઊંઘ લો. બીજો એક ઉપાય અજમાવવા જેવો છે. મનમાં જે ચાલતું હોય એ ડાયરીમાં લખો. ડેઇલી ડાયરી લખવાનું શરૂ કરો. એનાથી હળવાશ લાગશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જિંદગીમાં એક બે એવી વ્યક્તિ હોવી જ જોઇએ, જેને તમે બધી વાત કરી શકો. મૂંઝવણ થતી હોય ત્યારે કોણ શું વિચારશે અને કોને કેવું લાગશે એની ચિંતા કર્યા વગર તમારા મનમાં જે ચાલતું હોય એની વાત કરો. જિંદગી વિશે સકારાત્મક વિચારો જ કરો. બધું સારું છે અને જો સારું નથી તો સારું થઇ જવાનું છે. ખોટા વિચારોથી મગજ અને જિંદગી જ બગડશે.
————
પેશ-એ-ખિદમત
મેરે લબોં પે આતે આતે કોઇ બાત થક ગઈ,
યે ક્યા હુઆ કિ ચલતે ચલતે કાયનાત થક ગઈ,
બડા કઠિન હૈ દોસ્તોં ખુદ અપની જાત કા સફર,
કભી કભી તો યૂં હુઆ કિ અપની જાત થક ગઈ.
– નસીમ અન્સારી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 25 માર્ચ 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
