બધું જ સારું છે છતાં મને કેમ ડર લાગે છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બધું જ સારું છે છતાં
મને કેમ ડર લાગે છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


નથી ટીપુંય, ત્યાં દરિયો બતાવું,
ઉદાસી આવ હું જલસો બતાવું,
હું ચીતરીને બતાવી દઉં લે કોયલ,
મગર શી રીતથી ટહુકો બતાવું.
– નીરવ વ્યાસ



કોઈ પણ માણસને પૂછશો કે કેમ છે? તો એનો પહેલો જવાબ તો એવો જ હશે કે, બધું બરાબર છે, કોઇ ચિંતા નથી. બહુમાં બહુ તો એમ કહેશે કે, બસ ચાલે છે. કોઇ એમ તો નહીં જ કહે કે, હાલત ખરાબ છે. મોઢું પડી ગયેલું હોય અને ચહેરો ચાડી ખાતો હોય કે આની લાઇફમાં બધું ઓકે નથી. એ માણસ પણ પહેલા ધડાકે સાચી વાત નહીં કહે કે, બહુ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છું. માણસ હવે એવું વિચારવા લાગ્યો છે કે, કોને શું ફેર પડે છે? કોણ આપણું દુ:ખ કે દર્દ મિટાવી દેવાનું છે? બધા ખોટી સહાનુભૂતિ બતાવશે. ડાહી ડાહી વાતો કરશે, પણ ખરી મદદ કોઇ નહીં કરે. અત્યારના સમયમાં દરેક માણસ કોઇ ને કોઇ ટેન્શન લઇને ફરી રહ્યો છે. મુશ્કેલીઓ માત્ર આર્થિક જ નથી હોતી, સૌથી વધુ તો માનસિક સમસ્યાઓ માણસને કનડતી હોય છે. સંબંધોની વેદના સહી નથી શકાતી અને કોઇને કહી પણ નથી શકાતી. મોટા ભાગના માણસો કોઇ ને કોઇ રિલેશનશિપ ક્રાઇસિસમાંથી પસાર થઇ રહ્યા છે. માણસને કોઇ સંપૂર્ણપણે પોતાનું લાગતું નથી. કમિટમેન્ટની વાતો પણ ઘણી વખત ખોખલી અને બોદી લાગે છે. પ્રેમ, લાગણી, કદર, સન્માન, પ્રામાણિકતા, વફાદારી, આત્મીયતાની વાતો જાણે રીલ્સ પૂરતી મર્યાદિત થઇ ગઇ છે. રીલ્સ પણ હવે ક્યાં સાચી બને છે. એમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે. હવે કોઇ વાત ઓરિજિનલ લાગતી નથી, બધું જ આર્ટિફિશિયલ થઇ ગયું છે. ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ થાય ત્યાં સુધી પણ વાંધો નથી, ઇમોશન્સ આર્ટિફિશિયલ થાય ત્યારે ખાલીપો વર્તાય છે. એવો ખાલીપો જે આપણને અંદર ને અંદર ફોલી ખાય છે. માટલું હોય તો ટકોરા મારીને પણ તપાસી શકાય કે, બોદું તો નથી બોલતુંને? માણસ પરખાય એવા ટકોરા હજુ ક્યાં સર્જાયા છે!
અત્યારના સમયમાં સ્થિતિ એ સર્જાઇ છે કે, આપણે કોઇને કહીએ કે, હું એકદમ મજામાં છું તો પણ કોઇ ન માને! દુનિયામાં બધા પરેશાન જ છે એવું માનવું પણ વાજબી નથી. આપણા બધાની જિંદગીમાં એક સમય એવો પણ આવતો જ હોય છે જ્યારે આપણને એવો અહેસાસ થાય કે, બધું જ બરાબર છે. જિંદગીમાં કોઇ તકલીફ નથી. બધું જ સરસ ચાલી રહ્યું છે. જિંદગી માટે પણ ક્યારેક સંતોષની લાગણી થાય છે અને ભગવાનનો આભાર માન્યા વગર રહી નથી શકાતું. માણસે કસોટીનો એવો સમય પાર કર્યો હોય છે કે, જ્યારે કોઇ તકલીફ ન હોય, સુખ સોળે કળાએ ખીલ્યું હોય ત્યારે પણ ડર લાગે કે, આ બધું હેમખેમ તો રહેશેને? એક યુવાનની આ સાવ સાચી વાત છે. ખૂબ જ સંઘર્ષ કરીને એ આગળ આવ્યો હતો. એની જિંદગીમાં એક સમય એવો આવ્યો જ્યારે તેને એવું લાગ્યું કે, હવે બધું જ સેટ છે. કુદરતે તમામ મદદ કરી છે. ખૂબ જ ડાહી અને સમજુ પત્ની છે, જોઇને ગમે એવા અને કહ્યું કરે એવાં સંતાનો છે, સરસ મજાનો બિઝનેસ છે. બધું જ પરફેક્ટ છે. આ યુવાન એક વખત એક સંતને મળ્યો. તેણે સંતને સવાલ કર્યો કે, બધું જ સરસ ચાલે છે. કોઇ પ્રોબ્લેમ નથી, તો પણ કેમ ડર લાગે છે? કુદરતે એટલી બધી કૃપા વરસાવી છે જે જોઇને ક્યારેક એવો પણ વિચાર આવી જાય છે કે, ઇશ્વરે મને મારી લાયકાત કરતાં પણ વધુ આપ્યું છે. જે છૂપો ભય સતાવી રહ્યો છે એનું શું કરવું? સંતે કહ્યું, સુખને પણ ન સમજીએ તો સુખ સંતાપ આપે છે. સુખ ક્યારેક કાલ્પનિક ભય પેદા કરે છે. આ જે છે એ નહીં ટક્યું તો? કંઇક ખરાબ થશે તો? એક કાલ્પનિક ભય માણસને પજવતો રહે છે. કાલ્પનિક ભય વાસ્તવિક ડર કરતાં પણ વધુ ખરાબ હોય છે. કુદરતે દરેક માણસમાં એટલી શક્તિ મૂકી છે કે, સમસ્યા આવે ત્યારે તેનો હલ શોધી શકે. કાલ્પનિક ભયનો કોઇ ઉકેલ નથી. એના માટે શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે, ડરના વિચારોને ટાળવા. કોઇ નબળા વિચારને મન પર હાવી થવા દેવો નહીં. સારા સમયને સંપૂર્ણપણે માણવો. કુદરત કેટલોક સમય જિંદગી જીવી લેવા માટે જ આપતો હોય છે. એ સમયે આપણે જો જિંદગી સારી રીતે ન જીવીએ અને ખોટી ચિંતાઓ કરતા રહીએ, કાલ્પનિક ભયથી પીડાતા રહીએ, તો એમાં વાંક બીજા કોઇનો નહીં, આપણો જ હોય છે. જિંદગી દરેક વખતે ઉપાધિવાળી જ હોય એવું બિલકુલ જરૂરી નથી. કેટલાક લોકો એવા હોય છે જે ખરાબ સમયને પણ સારી રીતે જાણી અને માણી શકે છે. કોઇ પ્રોબ્લેમ છે તો છે, એના કારણે કંઇ જીવવાનું થોડું છોડી દેવાય છે. જે પ્રોબ્લેમ છે એનો હલ મળી આવશે, જે સમસ્યા છે એનો ઉકેલ મળી આવશે, જે સવાલ છે એનો જવાબ મળી જશે. એવું ક્યાંય લખ્યું નથી કે, અઘરો સમય હોય ત્યારે મજામાં ન રહેવું. આપણે ઘણી વખત તો સમસ્યાઓ કે મુશ્કેલીઓને જ દુ:ખ માની લેતા હોઇએ છીએ. એ દુ:ખ હોતું જ નથી એ કામચલાઉ સમસ્યા હોય છે અને થોડીક મહેનત કે કુનેહથી સૂલઝી જતી હોય છે. મજામાં રહેવું એ મિજાજ છે.
જિંદગીમાં ક્યારેક અપડાઉન આવવાના જ છે. એને પણ સમજવા જોઇએ અને જિંદગીને સારી રીતે જીવતા રહેવું જોઇએ. એક છોકરીની આ વાત છે. એણે નવી જોબ જોઇન કરી. નવી જગ્યાએ આવ્યા પછી એને એવું લાગવા માંડ્યું કે, આના કરતાં તો અગાઉ જ્યાં હતી ત્યાં વધુ સારું હતું. હું ખોટી જગ્યાએ આવી ગઇ. આ વિચારોએ તેને એવી ઘેરી લીધી કે તેને ક્યાંય મજા જ નહોતી આવતી. એક વખત એ એક ફિલોસોફરને મળી. તેણે કહ્યું કે, મને એવું લાગે છે કે, હું ખોટી જગ્યાએ આવી ગઇ છું. છોકરીની વાત સાંભળીને ફિલોસોફરે કહ્યું, તું ખોટી જગ્યાએ નહીં, તું નવી જગ્યાએ આવી છે. જગ્યા ફરે એનો થોડો ફેર તો પડવાનો જ છેને? આપણે આપણી પરિસ્થિતિ જરાયે બદલે એ સહન કરી શકતા નથી અને ફરિયાદો કરવા લાગીએ છીએ.
જિંદગીમાં બધું સમુંસૂતરું હોય તો સારી વાત છે. માનો કે એવું ન હોય તો જિંદગીને સમીસૂતરી કરવી પડે છે. એમાં પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે, જિંદગી સામે ફરિયાદ ન કરો. જિંદગી પાસે કેટલી અપેક્ષાઓ રાખવી એ પણ સમજવા જેવું છે. અત્યારના સમયમાં માણસની પોતાના પાસેથી જ અપેક્ષાઓ વધી ગઇ છે. દરેકને ટોપ પર પહોંચવું છે. સોશિયલ મીડિયાના આગમન પછી આવી દોડ વધી છે. મારા ફોલોઅર્સ પણ વધુ હોવા જોઇએ. મને પણ વધુ લાઇક મળવી જોઇએ. આવી ઇચ્છા હોય એમાં કશું ખોટું નથી, પણ જો એ ઇચ્છા પૂરી ન થાય તો બહુ ચિંતા કરવા જેવું કે હતાશ થવા જેવું હોતું નથી. દરેક પાસે પોતાના પૂરતું સુખ હોય જ છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણને આપણા પૂરતું સુખ નથી જોઇતું, બીજા હોય એટલું સુખ આપણને જોઇએ છે. આપણે બીજાને જોઇને એને સુખી માની લઇએ છીએ. એની સાથે સરખામણી કરીને આપણે આપણી પોતાની જાતને ઓછી સુખી સમજીએ છીએ. આપણી જિંદગીને અને સુખને પણ સમય આપવો પડતો હોય છે. કંઇ રાતોરાત થઇ જવાનું નથી. એક સ્પોર્ટ્સમેન હતો. એ જ્યારે ચેમ્પિયન બન્યો ત્યારે ખૂબ ખુશ હતો. તેણે કહ્યું કે, આ ક્ષણ માટે મેં હજારો દિવસો અને મારા તમામ પ્રયાસો આપ્યા છે. મને પણ સફળતાની બહુ ઉતાવળ હતી. એ વખતે એક બગીચાના માળીએ મને જીવનનો પદાર્થપાઠ શીખવ્યો. મેં જ્યારે તેને એક ફૂલ બતાવીને કહ્યું કે, મારે આની જેમ ખીલવું છે. માળીએ કહ્યું, સારી વાત છે, ખીલવું જ જોઇએ. એ માળી પછી એક બીજ લાવ્યો. તેણે કહ્યું, જો આ બીજ છે. એને હું વાવીશ. વાવ્યા પછી કૂંપળ ફૂટશે. હું એની માવજત કરીશ. ધીમે ધીમે એ છોડ બનશે. કળી આવશે અને એમાંથી ફૂલ પ્રગટશે. વાત કોઇ પણ હોય એને સમય આપવો પડે છે, એના માટે પ્રયાસો કરવા પડે છે. લાયકાત કેળવવી પડે છે. જિંદગી માટે એક વાત યાદ રાખવાની હોય છે કે, મંજિલ મળે એની મજા તો માણવી જ, પણ એનાથી પણ વધુ જરૂરી સફરની મજા માણવાની છે. જિંદગી રોજેરોજ જીવવાની છે. રોજ રાતે થોડીક ક્ષણો એ વિચારવું જોઇએ કે, આજના દિવસ દરમિયાન હું ખરેખર કેટલી ક્ષણો જીવ્યો છું અને કેટલી વેડફી છે. વેડફી હોય એનો પણ અફસોસ કરવાની જરૂર નથી, કારણ કે એવું કરીને પણ આપણે થોડીક ક્ષણો વેડફતા જ હોઇએ છીએ. જિંદગીનું તાત્પર્ય એટલું જ છે કે, જિંદગીને સોળે કળાએ જીવી જાણવી. જે મેળવવું હોય એ સમય આવ્યે મળશે, પણ જે છે એને એન્જોય કરીએ તો પણ પૂરતું છે.
છેલ્લો સીન :
મન પર નજર રાખવી પડે છે. મનને રેઢું મેલીએ તો મન `મરી’ જાય છે. મન મરી ગયું તો પછી તન ગમે એટલું સ્વસ્થ હશે તો પણ સજ્જ અને સક્ષમ રહી શકાશે નહીં. મન નબળું પડ્યું તો અસ્તિત્ત્વ જ ખખડી જશે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 12 એપ્રિલ 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *