ઇન્ડિયન્સ રીડિંગમાં નંબર વન!
તમે શું અને કેટલું વાંચો છો?
દૂરબીન- કૃષ્ણકાંત ઉનડકટ
હમણાં થયેલો એક સર્વે એવું કહે છે કે
બુક્સ વાંચવામાં ઇન્ડિયન્સ સૌથી આગળ છે!
એક અઠવાડિયામાં ભારતીય ઓછામાં ઓછી
10 કલાક રીડિંગ કરે છે.
શું વાંચવું એની પસંદગી અઘરી ને અઘરી થતી જાય છે.
માહિતીના વિસ્ફોટનો આ સમય છે.
આ સમય હતો જ્યારે બસ, ટ્રેન કે પ્લેનમાં તમે મુસાફરી કરતા હોવ તો તમને બાજુમાં બેઠેલો વ્યક્તિ કંઇક ને કંઇક વાંચતો જોવા મળે. દરેકની સાથે અખબાર, મેગેઝિન કે કોઇ બુક રહેતી. હવે એ દૃશ્યો દુર્લભ બની ગયાં છે. માણસના હાથમાં હવે મોબાઇલ આવી ગયો છે. મોબાઇલ વગર માણસને સૂનું સૂનું લાગે છે. નથિંગ રોંગ. ટેક્નોલોજીના પરિવર્તન સાથે દૃશ્યો પણ બદલાતાં રહે છે. મોબાઇલે લોકોની આદત બદલી નાખી છે. મનોરંજનની વ્યાખ્યા બદલાઇ ગઇ છે. આવું કંઇ પહેલી વખત નથી થયું. રેડિયો આવ્યો ત્યારે પણ આવું જ થયું હતું. ટેલિવિઝન આવ્યું ત્યારે લોકો એવું કહેતા હતા કે હવે તો બધા ઘરે બેસીને જ મૂવી જોશે. રાઉન્ડ ધ ક્લોક ન્યૂઝ ચેનલ આવી પછી લોકો એવંુ માનતા હતા કે હવે અખબાર કોઇ નહીં વાંચે. આવું થયું નથી. છાપાં વંચાય છે. મલ્ટિપ્લેક્ષમાં ટોળાં ઊમટે છે. રેડિયો પણ સંભળાય છે.
માર્શલ મેકલુહન નામના મીડિયા એક્સપર્ટ્સે વર્ષો અગાઉ ‘બિગ મીડિયા, લિટલ મીડિયા’ નામની એક થિયરી આપી હતી. એ મુજબ કોઇ નવું મીડિયા આવે એટલે જૂનું મીડિયા ખતમ થતું નથી પણ જૂના મીડિયામાં જે સુષુપ્ત શક્તિઓ હોય છે એ બહાર આવે છે અને તેના અસ્તિત્વને કોઇ આંચ આવતી નથી. મોબાઇલ વિશે આજે પણ અમુક એક્સપર્ટ્સ એવું જ કહે છે કે વહેલા કે મોડા લોકો મોબાઇલથી કંટાળશે. હજુ નવું નવું આવતું રહે છે એટલે ક્રેઝ જોવા મળે છે. ટીવી આવ્યું ત્યારે લોકો ગમે એવા ભંગાર કાર્યક્રમ આવતા હોય તો પણ ટીવી જોયા રાખતા. હવે એ જોવું હોય એ જ જુએ છે અને જેટલું જોવું હોય એટલંુ જ જુએ છે. મોબાઇલનું પણ એવું જ થવાનું છે. લોકો કામ પૂરતો જ ઉપયોગ કરશે. માણસ જાત બહુ સમજુ છું. તેને સમજાઇ જશે કે આ માથાનો દુખાવો છે, ટાઇમ ખાય જાય છે, બ્રેનને ઓક્યુપાય રાખે છે અને ક્રિએટિવિટીની ઘોર ખોદે છે. મોબાઇલ ખરાબ નથી, અત્યંત ઉપયોગી સાધન છે પણ અતિરેક હંમેશાં આફત નોતરે છે. નથિંગ ટુ વરી, વહેલા મોડા લોકો લાઇન પર આવશે જ.
મોબાઇલ વાપરવાનું છોડી દેશે એવું નથી પણ તેનો ઇન્ટેલિજન્ટ ઉપયોગ કરશે. જે કંઇ વાંચવું કે લખવું હશે એ મોબાઇલ પર જ વાંચશે. વેલ, મોબાઇલ આવવાથી લોકોની રીડિંગ હેબિટમાં કંઇ ફેર પડ્યો છે? હા, ચોક્કસપણે પડ્યો છે. રીડિંગ ઘટ્યું છે. હાથમાં બુક લઇને પડ્યા પડ્યા વાંચવામાં જે લુત્ફ હતો એ સાડા પાંચ ઇંચના સ્ક્રીને છીનવી લીધો છે. આમ છતાં, હમણાં જે સર્વે થયો તે એવું કહે છે કે આજની તારીખે ઇન્ડિયન લોકો સૌથી વધુ બુક રીડિંગ કરે છે. ઇઝ ઇટ નોટ ગ્રેટ?
વર્લ્ડ કલ્ચર સ્કોર ઇન્ડેક્ષ મુજબ ઇન્ડિયન્સ દર અઠવાડિયે 10.42 કલાક બુક્સ વાંચે છે. દરરોજનો હિસાબ માંડીએ તો સરેરાશ એક કલાક અને ઓગણપચાસ મિનિટનું રીડિંગ આપણે ત્યાં છે. આપણા પછી અઠવાડિયામાં થાઇલેન્ડ 9.24 કલાક, ચીન 8 કલાક, ફિલિપાઇન્સ 7.36 કલાક, ઇજિપ્ત 7.30 કલાક, ચેક રિપબ્લિક 7.24 કલાક, રશિયા 7.06 કલાક, સ્વિડન 6.54 કલાક, ફ્રાન્સ 6.54 કલાક અને દસમા નંબરે સાઉદી અરેબિયા 6.48 કલાક વાંચે છે. અમેરિકા અઠવાડિયાના 5.42 કલાક સાથે બાવીસમા નંબરે છે. બ્રિટન 5.18 કલાક સાથે છવ્વીસમાં નંબરે છે.
આપણે રીડિંગમાં નંબર વન છીએ એ જાણીને ખુશી થાય એ સ્વાભાવિક છે. આ આંકડા આખા દેશના છે, ગુજરાતીઓ કેટલું વાંચે છે એ સવાલ સંશોધનનો વિષય છે. ગુજરાતીઓ વિશે એવું કહેવાતું આવ્યું છે કે, ગુજરાતીઓને ચોપડી કરતાં હિસાબના ચોપડામાં વધુ રસ હોય છે. ભલે ગમે તે કહેવાતું હોય, ગુજરાતમાં પણ જે લોકોને વાંચવું હોય છે એ વાંચે જ છે, બુક્સ વેચાય જ છે અને વંચાય જ છે. વંચાતું ન હોત તો પબ્લિશર્સનો ધંધો આટલો ધમધોકાર ચાલતો ન હોત!
વાંચવાની સાથે સૌથી મોટો અને મહત્ત્વનો એક સવાલ એ પણ છે કે આખરે લોકો વાંચે છે શું? અત્યારે આપણી સામે ઢગલાબંધ ઓપ્શન્નસ છે. આજનો સમય માહિતી વિસ્ફોટનો છે. લોકો પાસે તમામ પ્રકારનું રીડિંગ અવેલેબલ છે. દિલને શાતા આપે, સંવેદનાને ઝંઝોળી દે અને આપણને વિચારતા કરી દે તેવું રીડિંગ મટિરિયલ પણ છે અને સાચેસાચ ગલગલિયાં કરાવે એવું અને વાંચ્યા પછી સરવાળે કંઇ પ્રાપ્ત ન થાય એવું મટિરિયલ પણ છે. માણસની રીડિંગ પેટર્ન અને રીડિંગ હેબિટ પણ સમય અને ઉંમરની સાથે બદલતી રહે છે. નાના હોય ત્યારે બાળ સાહિત્ય ગમે છે, મોટા થઇએ પછી પેટર્ન બદલાય છે. વાંચવામાં દરેકની પોતાની ચોઇઝ હોય છે. કોઇને ફિક્શન ગમે તો કોઇને નોન ફિક્શન.
ગમે તે હોય, વાંચવાના મામલામાં એક વાત તો સાચી છેકે રીડિંગ તમારું નોલેજ, તમારી સમજ અને દરેક ઘટનાને જુદા જુદા એન્ગલથી જોવાની કુનેહ વધારે છે. જોકે તેનો આધાર એના પર તો રહે જ છે કે આપણે શું વાંચીએ છીએ! તમે બુક્સ લઇને વાંચો કે પછી મોબાઇલમાં ઇ-બુક વાંચો એનાથી કોઇ ફર્ક પડતો નથી. વાંચવું મહત્ત્વનું છે અને શું વાંચવું અને શું ન વાંચવું એ નક્કી કરવું અગત્યનું છે. લોકો ભલે ગમે તે કહેતા હોય અને ગમે તે માનતા હોય પણ લોકોને વાંચ્યા વગર આવવાનું નહીં. રીડિંગ માણસને પોતાની સાથે જોડે છે. શબ્દો દિલને સીધા અને સોંસરવા સ્પર્શે છે એટલે જ તો ક્યારેક એક કે બે લાઇન વાંચીને પણ બોલી જવાય છે કે વાહ ક્યા બાત હૈ! બાય ધ વે, તમે શું અને કેટલું વાંચો છો? જે વાંચો છો એ ખરેખર વાંચવા જેવંુ છે ને? તમને વાંચવામાં મજા આવતી હશે તો તમારે આનંદ અને મનોરંજન માટે ફાંફાં નહીં મારવાં પડે એ વાતની ગેરંટી!
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 16 ઓકટોબર 2016, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
hu to tamara articles bau vanchu chhu k.u sir
Thank you
I am read your article every free time and time passout really all articlea are nice and joyfull
Thank you.