PARASOCIAL : આપણે બધા જ થોડા ઘણા અંશે પેરાસોશિયલ છીએ જ! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

PARASOCIAL
આપણે બધા જ થોડા ઘણા
અંશે પેરાસોશિયલ છીએ જ!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

કેમ્બ્રિજ ડિક્શનરીએ પેરાસોશિયલ શબ્દને વર્ડ ઓફ ધ યર
ગણીને ડિક્શનરીમાં સમાવેશ કર્યો છે. પેરાસોશિયલ
શબ્દનો સરળ અર્થ એવો થાય છે કે, કોઇના પ્રત્યે
એકતરફી લગાવ. તમે કોની સાથે પેરાસોશિયલ છો?


———–

માણસની લાગણીઓ ગજબની હોય છે. ક્યારે, ક્યાં અને કોની સાથે લાગણીઓ બંધાઈ જાય એ નક્કી હોતું નથી. માણસ સંવેદનશીલ પ્રાણી છે. આપણી સંવેદનાઓ ક્યારેક સોળે કળાએ ખીલેલી હોય છે. ક્યારેક આ જ સંવેદનાઓ સુષુપ્ત પણ થઇ જતી હોય છે. સંવેદનાઓ જ આપણને સજીવન રાખે છે અને કોઇની સાથે જોડાયેલા રાખે છે. પોતાના લોકો સાથે જોડાણ હોય એ તો સમજી શકાય એવી વાત છે, પણ કેટલાક કિસ્સામાં માણસનું જોડાણ એવા લોકો સાથે હોય છે, જેની સાથે એને સીધી રીતે કોઇ લેવાદેવા હોતી નથી. આપણે બધા જ લોકો કોઇ ને કોઇની સાથે વન-વે જોડાયેલા હોઇએ છીએ. આવા એકતરફી લગાવ, પ્રેમ, લાગણી અને જોડાણને એક નામ આપવામાં આવ્યું છે, પેરાસોશિયલ.
દર વર્ષે કેમ્બ્રિજ ડિક્શનરીમાં એક નવો શબ્દ ઉમેરવામાં આવે છે. વર્ષ 2025ના અંતમાં કેમ્બ્રિજ ડિક્શનરી માટે જે શબ્દ પસંદ કરવામાં આવ્યો એ છે, પેરાસોશિયલ. પેરાસોશિયલ માટે એવું કહેવામાં આવ્યું કે, આ માત્ર એક શબ્દ નથી પણ એક અહેસાસ છે. સોશિયલ મીડિયા અને વર્ચ્યુઅલ વર્લ્ડના આજના સમયમાં આ શબ્દ વધુ અસરકારક બન્યો છે. સોશિયલ મીડિયા પર એવા અનેક લોકોને આપણે ફોલો કરીએ છીએ જેની સાથે આપણને એકતરફી લગાવ હોય છે. પેરાસોશિયલનો સીધો અને સરળ અર્થ થાય છે, એકતરફી આત્મીયતા. એવી વ્યક્તિ સાથેનો લગાવ જેને આપણે ક્યારેય મળ્યા નથી. ભવિષ્યમાં મળશું કે કેમ એની પણ કોઇ ગેરંટી નથી. એ તો આપણને ઓળખતા પણ હોતા નથી. એના હજારો કે લાખો ફોલોઅર્સમાં આપણે એક હોઇશું. તમે કદાચ એને કોઇ મેસેજ કરો અથવા તો કંઇ કમેન્ટ કરો તો એ રિસ્પોન્સ આપે પણ ખરા. અલબત્ત, એ રિસ્પોન્સ એ ખરેખર એ પોતે આપે છે કે એનું સોશિયલ મીડિયા હેન્ડલ કરનારી ટીમ આપે છે એની આપણને ખબર પડતી નથી. આપણે સતત એને સોશિયલ મીડિયા પર જોતા રહીએ છીએ એટલે એક તબક્કે એ આપણને આપણા મિત્ર કે સ્નેહી લાગવા માંડે છે. આપણે એવું ફીલ કરીએ છીએ જાણે આપણે એની સાથે નજીકનો નાતો છે. આપણે તેની ફીકર પણ કરીએ છીએ.
આપણે બધા જ કોઇ ને કોઇ સેલિબ્રિટીને પસંદ કરીએ છીએ. અમુક આપણા રોલમોડલ પણ હોય છે. આપણને કોઇની એક્ટિંગ ગમે છે તો કોઇનો અવાજ સ્પર્શે છે. આપણે બધા કોઇ ને કોઇના ફેન હોઇએ છીએ. ફિલ્મ કે ગીતમાં વધુ રસ ન હોય એવા લોકોને વળી કોઇ સ્પોર્ટ્સ પર્સન સાથે લગાવ હોય છે. કોઇ લેખક, કોઇ ફિલોસોફર, કોઇ બિઝનેસ ટાયકૂન અથવા તો કોઇ પણ ક્ષેત્રનો વ્યક્તિ આપણને ગમતો હોય છે. એની વાત સાંભળવી આપણને સારી લાગે છે. ક્યારેક તો એવું લાગે છે કે, એ આપણી નજીક છે. જાણે આપણો કોઇ સગો ન હોય. આપણને એની દરેકેદરેક અપડેટ્સ જાણવી હોય છે. એ શું કરે છે, શું ખાય છે, શું પીવે છે, ક્યાં જાય છે અને તેના કામમાં નવું શું છે એ જાણવું આપણને ગમે છે. એની લાઇફમાં કંઇ થાય તો આપણે સ્ટેટસ મૂકીએ છીએ. આવું બધું પેરાસોશિયલ છે.
પેરાસોશિયલ શબ્દ ભલે આજકાલ બહુ ચર્ચામાં હોય, પણ આવું એકતરફી જોડાણ કંઇ નવી વાત નથી. અગાઉના સમયમાં જ્યારે સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટની શોધ નહોતી થઇ ત્યારે પણ લોકો પેરાસોશિયલ હતા જ. એ લોકો પોતાના ગમતા હીરો કે હિરોઇન અથવા બીજા કોઇ આઇડિયલના ફોટા પોતાના રૂમની દીવાલ પર ચોંટાડી રાખતા હતા. છોકરાઓ પોતાને ગમતી હિરોઇનનો ફોટો નોટબુક કે ટેક્સ્ટ બુકમાં સંતાડી રાખતા. છોકરીઓ પણ પોતાને ગમતા હીરોના ફોટા સાચવી અને સંતાડીને રાખતી. હવે જમાનો બદલાયો છે. ફોટા દીવાલ પર નહીં પણ મોબાઇલની ગેલેરીમાં રહે છે. પ્રોફાઇલ પિક્ચર કે સ્ક્રીન સેવરમાં ચમકતા રહે છે. આપણું જેની સાથે જોડાણ હોય તેની સાથે કોઇ ખરાબ ઘટના બને ત્યારે આપણને આઘાત પણ લાગે છે. આપણે એના માટે પ્રાર્થના પણ કરીએ છીએ. અમુક લોકો તો એ હદે એટેચ હોય છે કે, આપણને એમ થાય કે એ ક્યાં તારો સગો કે તારી સગી થાય છે. એવા કિસ્સામાં વળી એવું પણ સાંભળવા મળે છે કે, મારું તેની સાથે આત્મિક જોડાણ છે.
પેરાસોશિયલ શબ્દ આમ તો દાયકાઓ જૂનો છે, પણ પ્રચલિત હવે થયો છે. આ શબ્દનો ઇતિહાસ એવું કહે છે કે, પેરાસોશિયલ શબ્દનો સૌથી પહેલો ઉપયોગ વર્ષ 1956માં શિકાગો યુનિવર્સિટીના બે સોશિયોલોજિસ્ટોએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેટલીક વખત તેનો પ્રભાવ એ કક્ષાએ પહોંચે છે કે, માણસ પોતાને ગમતી સેલિબ્રિટી જેવો બનવાના પ્રયાસો કરે છે. આજના જમાનામાં પણ આપણને સાંભળવા મળે જ છે કે, મારે એના જેવા બનવું છે કે એ કક્ષાએ પહોંચવું છે. કોઇ વ્યક્તિ પ્રત્યે એવી લાગણી થાય એમાં કશું ખોટું નથી. સાઇકોલોજિસ્ટ્સ કહે છે કે, એવું થવું બહુ સ્વાભાવિક છે. દરેક સાથે આવું થતું જ હોય છે. અમુક તો એ હદ સુધી કોઇની સાથે જોડાઇ જાય છે કે, એને એનાં સપનાં પણ આવે છે. એ વ્યક્તિ જો કંઇ ખોટું કરે, કોઇ ભૂલ કરે તો દુ:ખી થઇ જાય છે.
પેરાસોશિયલ ભલે હોઇએ પણ એમાંયે થોડીક કાળજી રાખવાની જરૂર હોય છે. કોઇ દૂરની વ્યક્તિ સાથે એટલા જોડાઇ ન જાવ કે તેની અસર આપણાં મન અને મગજ પર હાવી થઇ જાય. આપણે એવા અનેક કિસ્સાઓ જોયા છે જેમાં કોઇ હીરો કે હિરોઇનનું અવસાન થાય ત્યારે કેટલાક લોકો આપઘાત કરી લે છે. ખાસ કરીને સાઉથના લોકો ફિલ્મસ્ટાર્સ પાછળ પાગલ હોય છે. સાઉથમાં તો હીરો કે હિરોઇનનાં મંદિરો બન્યાનાં પણ અનેક ઉદાહરણો છે. આ થોડુંક વધુ પડતું છે. કેટલાક કિસ્સામાં માણસ જે ખરેખર પોતાના લોકો હોય છે એની સાથે જોડાયેલા હોતા નથી અને જે દૂર હોય એને વળગેલા હોય છે.
કેટલીક વખત એવું પણ થાય છે કે, આપણને જેના પ્રત્યે લાગણી હોય એવી વ્યક્તિ કંઇક ખોટું કરે તો આપણને આઘાત લાગે છે. એ કોઇ ક્રાઇમ કરે કે બીજા કોઇ કૌભાંડમાં તેની સંડોવણી બહાર આવે ત્યારે આપણે ડિસ્ટર્બ થઇએ છીએ. એનું બ્રેકઅપ થાય તો પણ આપણે ઉદાસ થઇએ છીએ. તેના વિશે કોઇ ઘસાતું બોલે તો આપણે ઝઘડવા પર ઊતરી આવીએ છીએ. પેરાસોશિયલ હોવાના ફાયદા એ છે કે, એ માણસની એકલતા ઘટાડે છે. કોઇ પોતાનું છે એવું માને છે. એની વાતો સાંભળીને સાંત્વનાથી માંડીને પ્રેરણા મેળવે છે. પેરાસોશિયલ વિશે એક રસપ્રદ વાત એવી પણ કહેવામાં આવી છે કે, પેરાસોશિયલ એ કોઇ ભ્રમ નથી, પણ સાઇકોલોજિકલ રિસ્પોન્સ છે. આવા સંબંધથી શરીરમાં પોઝિટિવ હોર્મોનનો સ્રાવ થાય છે અને એ સંબંધ ખુશી પણ આપે છે. હા, કેટલાક કિસ્સામાં અમુક લોકો ભાવનાત્મક રીતે એ જેને માનતા હોય એના પર નિર્ભર રહેવા લાગે છે. એને મળવા માટે ગાંડપણની હદ સુધી પહોંચી જાય છે. આપણે એવું ઘણું સાંભળ્યું છે કે, ફલાણા કે ઢીકણા કલાકારને મળવા કિશોર કે કિશોરીઓ ઘર છોડીને ભાગી ગયા હોય. લાગણી હોય એમાં વાંધો ન હોય, પણ વધુ પડતી આસક્તિ સારી વાત નથી.
જેમ જેમ સમય જાય છે એમ એમ પેરાસોશિયલ રિલેશન્સમાં વધારો થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુઅન્સરોની એક આખી જમાત ઊભી થઇ છે. લોકો તેની પાછળ પાગલ હોય છે. સોશિયલ મીડિયા પર કેટલાંક છોકરા અને છોકરીઓ ગંદી અને હલકી વાતો કરીને લોકોને અટ્રેક કરે છે. આવા લોકોના પણ હજારો અને લાખો ફોલોઅર્સ હોય છે. આપણને એવું થાય કે, આ લોકો આવી વ્યક્તિને શું ફોલો કરતા હશે? આપણને ગમે કે ન ગમે, પણ એવા લોકો સાથે પણ ઘણા લોકો પેરાસોશિયલ હોય છે. દરેકની પોતાની માનસિકતા હોય છે, દરેકના ગમા અને અણગમા હોય છે. કોઇને ફિલોસોફી ગમે છે, કોઇને શેર શાયરી પસંદ હોય છે તો કોઇને કોમેડીમાં મજા આવતી હોય છે. પેરાસોશિયલ હોવામાં ધ્યાન એટલું જ રાખવાનું કે, કોઇને ફોલો કરો, પણ એની પાછળ કે એના માટે ગાંડા ન કાઢો!


————

પેશ-એ-ખિદમત

કિતને મૌસમ સરગર્દાં થે મુઝસે હાથ મિલાને મેં,
મૈંને શાયદ દેર લગા દી ખુદ સે બાહર આને મેં,
પહલે દિલ તો આસ દિલા કર બે-પરવા હો જાતા થા,
અબ તો `અજ્મ’ બિખર જાતા હૂં ખુદ કો બહલાને મેં.
– અજ્મ બહજાદ


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 21 જાન્યુઆરી 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *