હવે માત્ર બ્રેકઅપ થાય છે, દિલ નથી તૂટતાં! રિયલી? : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

હવે માત્ર બ્રેકઅપ થાય છે,

દિલ નથી તૂટતાં! રિયલી?

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

*****

શું માણસ હવે પ્રેમમાં પણ પ્રેક્ટિકલ થઇ ગયો છે?

હાથ છૂટવાની વેદના હવે ઓછી અનુભવાય છે?

માનો કે આવું છે તો શું એ ખોટું છે?

*****

સમયની સાથે પ્રેમ કરવાની રીતો જ બદલાય છે કે

પછી અહેસાસ પણ આછો થવા લાગે છે? મૂવઓન થઇ ગયા

પછી પાછળ નજર પડે ત્યારે શું થાય છે?

*****

ઇક લબ્ઝ-એ-મુહબ્બત કા ઇતના હી ફસાના હૈ, સિમટે તો દિલ-એ-આશિક ફૈલે તો જમાના હૈ. 1960માં આ જગતમાંથી વિદાય લેનાર મશહૂર શાયર જિગર મુરાદાબાદીએ લખેલી આ જ રચનામાં એમ પણ કહ્યું છે કે, યે ઇશ્ક નહીં આસાં ઇતના હી સમઝ લિજે, ઇક આગ કા દરિયા હૈ, ઔર ડૂબકે જાના હૈ! પ્રેમ, ઇશ્ક, લવ, મહોબ્બત, પ્યાર આખરે શું છે? કહેવાવાળા એમ કહે છે કે, પ્રેમ એટલે બે આત્માઓનું મિલન. પ્રેમના દરેક કિસ્સા અનોખા અને અલૌકીક હોય છે. દરેક ઘટનામાં એક પ્રેમી હોય છે, એક પ્રેમિકા હોય છે અને એક વિલન પણ હોય જ છે! દરેક પ્રેમ મુકમ્મલ થતા નથી. અમુક અધૂરા રહી જાય છે. કેટલાક મધુરા થઇને પૂરા થાય છે. પ્રેમ વિશે તો એ જ કહી શકે જેણે પ્રેમ કર્યો છે. જેણે ક્યારેય પ્રેમ કર્યો નથી એ એક અદ્્ભુત અહેસાસથી વંચિત રહી જાય છે. પ્રેમનો અંત કેવો આવે છે એના કરતા પણ વિશેષ તો એ છે કે, પ્રેમ કેવો થાય છે? પ્રેમમાં હોઇએ ત્યારે માણસને અને સ્વર્ગને હાથવેંતનું જ છેટું હોય છે!

શું પ્રેમને સમયની અસર થાય છે? સો વર્ષ પહેલાંના પ્રેમ અને આજના પ્રેમમાં કોઇ ફેર હોય છે? માણસના ઇમોશન્સને પણ શું સમયની અસર થાય છે? એક વિચાર એવો આવે કે, સમયની સાથે બધું જ બદલતું હોય તો પછી પ્રેમ કેમ ન બદલે? પ્રેમની કથાઓ ઉપર લાંબી નજર નાખીએ તો એક વાત તો સ્વીકારવી જ પડે કે, પ્રેમ કરવાની રીતમાં ચોક્કસ ફેરફારો થયા છે. અત્યારનો પ્રેમ હાઇટેક અને ઇન્સ્ટંટ થયો છે. મોબાઇલે એક્સપ્રેસ થવાના ચાન્સિસ અનેકગણા વધારી દીધા છે. એક સમય હતો જ્યારે વાત કેમ કરવી એ સવાલ હતો. મળવાના મોકો મળતા નહોતા. હવે વીડિયો કોલથી આખી રાત વાતો થાય છે. આશિકના ચહેરાના દીદાર કરવા માટે ટચ સ્ક્રીનથી કામ થઇ જાય છે. અગાઉ પત્ર વ્યવહાર માટે દોસ્ત કે બહેનપણીની મદદ લેવી પડતી હતી. હવે કમસે કમ એ બાબતમાં તો આત્મનિર્ભર થવાયું છે.

શું પ્રેમ પૂરો થવાની રીત પણ બદલી ગઇ છે? હવે જુદા પડવામાં એટલી વેદના નથી થતી જેટલી અગાઉ થતી હતી? સંબંધ પૂરો થઇ ગયા પછી પણ એ આપણામાં કેટલો જીવતો રહે છે? ગુલઝારે લખ્યું છે, હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છોડા કરતે, વક્ત કી શાખ સે લમ્હેં નહીં તોડા કરતે! હાથ છૂટી ગયા પછી હાથની રેખાઓ સામે કેટલા સવાલો થતા હોય છે? અધૂરા રહી જતા પ્રેમના સવાલો એવા હોય છે જેના જવાબો ક્યારેય મળતા નથી! સાથ કેમ છૂટ્યો? જિંદગીભર સાથ નિભાવવાનું સપનું કેમ અધૂરું રહી ગયું? કારણ ગમે તે હોય, વાંક ગમે તેનો હોય, પણ જ્યારે છૂટાં પડવાનું હોય ત્યારે ઘણું બધું તૂટતું હોય છે. હવે શું એવું બધું બહુ આસાન થઇ ગયું છે? ફિલ્મ અભિનેતા અને લેખક પીયૂષ મિશ્રાએ એક કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે, હવે તો માત્ર બ્રેકઅપ થાય છે, દિલ નથી તૂટતાં! ખરેખર આવું હોય છે? પીયૂષ મિશ્રાએ તો એમ પણ કહ્યું હતું કે, અગાઉના સમયમાં ચહેરા ચાડી ફૂંકી દેતા હતા કે, આ માણસનું દિલ તૂટ્યું છે. આંખો ઊંડી ઊતરી જતી હતી. ચહેરો ચીમળાઇ જતો હતો. ચાલ બદલાઇ જતી હતી. હવે એવું કંઇ નથી થતું. સવાલ એવો થાય કે, જો એવું નથી થતું તો કેવું થાય છે?

હવે તો બ્રેકઅપ પાર્ટી યોજવામાં આવે છે. જોરજોરથી ગીત ગાવા વગાડવામાં આવે છે કે, મેરે સૈયાજી સે આજ મેં ને બ્રેકઅપ કર લીયા! પ્રેમ પૂરો થાય ત્યારે દોસ્તો જ કહે છે કે, મૂવ ઓન યાર! ઐસા હોતા હૈ! છોકરો કે છોકરી થોડો સમય ગૂમસૂમ રહીને પાછા કામે વળગી જાય છે. માનો કે આવું છે તો, એમાં ખોટું શું છે? શું પ્રેમના નામના રોદણાં રડવા જરૂરી છે? જૂની‘દેવદાસ’ ફિલ્મ આવી એ પછી પ્રેમભંગ થયો હોય એવા યુવાનો દારૂના રવાડે ચડી જતા હતા. એ સમયે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ યંગસ્ટર્સને એવી અપીલ કરવી પડી હતી કે, દારૂ દિલ તૂટવાનો ઇલાજ નથી. ઇન્દીવરે એમ જ તો નહીં લખ્યું હોયને કે, છોડ દે સારી દુનિયા કિસી કે લિએ, યે મુનાસિબ નહીં આદમી કે લિએ, પ્યાર સે ભી જરૂરી કઇ કામ હૈ, પ્યાર સબ કુછ નહીં જિંદગી કે લિએ. મોટી ઉંમરના મોટા ભાગના લોકોને એવું કહેવાની જાણે આદત પડી હોય છે કે, અમારા જમાનામાં જે હતું એ બેસ્ટ હતું અને એ જ ગ્રેટ હતું. હવે ક્યાં કંઇ એવું છે? હવે તો જમાનો જ બદલાઇ ગયો છે. સાવ એવું નથી. પ્રેમ આજે પણ થાય છે. મિલન અને વિરહની થોડીક રીતો બદલી છે પણ તડપ તો એવીને એવી જ છે. બ્રેકઅપ પછી હસતા રહે એનો મતલબ જરાયે એવો નથી કે, વેદના થતી નથી. વેદનાઓ છૂપાવવાની કળા પણ કદાચ નવી જનરેશને શીખી લીધી છે. પ્રેમની તીવ્રતા કેવી છે એનો ઘણો મોટો આધાર પ્રેમીઓ કેવા છે તેના ઉપર પણ છે. જો પ્રેમને બદલે રમત થતી હોય તો તમે પ્રેમનો વાંક કાઢી ન શકો! પ્રેમ પ્રેમ હોય છે, એ જીવાતો, ઝીલાતો અને મહેસૂસ થતો હોય છે. પ્રેમ ક્યારેય બદલ્યો નથી કે બદલવાનો નથી કારણ કે દિલ હજુ અગાઉની જેમ જ ઘડકે છે, શ્વાસ હજુ એ જ ગતિએ ચાલે છે, નિસાસો અગાઉની જેમ જ નીકળે છે અને આંખો હજુ એવી ને એવી ભીની થાય છે!

પેશ-એ-ખિદમત

દર્દ ઇસકા નહીં કિ

આપ મિલ નહીં પાએંગે,

ફિક્ર તો સિર્ફ ઇસ બાત કી હૈ

કિ હમ ભૂલ નહીં પાએંગે.

-ગુલઝાર

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 26 જુલાઇ 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: