બીમારી છુપાવવાની વેદના : કોઈને કહેવાથી શું ફેર પડે છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

બીમારી છુપાવવાની વેદના :
કોઈને કહેવાથી શું ફેર પડે છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

લોકો અનેક કારણસર પોતાને થયેલી બીમારી વિશે બીજા લોકોને કહેવાનું ટાળે છે
બીમારી વિશે જાણીને ખરેખર કેટલા લોકો દુ:ખી થતા હોય છે એ પણ મોટો સવાલ છે!


———–

આ વખતે લેખની શરૂઆત એક-બે સાવ સાચા કિસ્સાઓથી કરીએ. પિસ્તાલીશ વર્ષના એક ભાઈ છે. તેણે અચાનક જ બહારનું ખાવાનું બંધ કરી દીધું. મિત્રોની સાથે બહાર જાય તો પણ કંઈ ખાય નહીં. બધાને આશ્ચર્ય હતું કે, ખાવાના શોખીન આ માણસે અચાનક કેમ આવો નિર્ણય કર્યો? જ્યારે સાચી વાત ખબર પડી ત્યારે બધાને વધુ આશ્ચર્ય થયું. એ ભાઇને ડાયાબિટીસ થયો હતો. બહાર ચા પીવામાં એવું કહેવું પડે કે, મોળી ચા બનાવજો. ખાવામાં કાર્બોહાઇડ્રેટ ન હોય અથવા તો ઓછો હોય એવું ફૂડ ખાવું પડે. બધાને ખબર પડી જાય કે, આમને સુગર છે, તો બધા લોકો એની દયા ખાય. કોઇ દયા ખાય એ એનાથી સહન થતું નહોતું. ડાયાબિટીસ તો હવે બહુ કોમન બીમારી થઇ ગઇ છે પણ એવા ઘણા લોકો છે જે પોતાની બીમારીની વાત કોઈને કહેતા નથી.
એક બીજા ભાઇની આ વાત છે. એ મેડિકલ ફિલ્ડના જ હતા. એ બધા રિપોર્ટ્સ પોતાની રીતે જ કરાવતા હતા. એક વખત તેને ખબર પડી કે, તેને કેન્સર છે. એમણે ઘરના કોઇને વાત જ ન કરી! કારણ શું? ઘરના લોકો ચિંતા કરે! મારે કોઇને દુ:ખી નથી કરવા! ઘણો સમય વીતી ગયો પછી ઘરના લોકોને કેન્સરની ખબર પડી. એક કિસ્સામાં તો બીમાર પડેલી વ્યક્તિએ પોતાના ઘરના લોકોને એટલા માટે પોતાની બીમારીની વાત કરી નહોતી, કારણ કે એને ઘરના લોકો પર બોજ બનવું નહોતું! ઘણા લોકોથી એ સહન નથી થતું કે, કોઇ એને બિચારા સમજે. ઘણી સ્ત્રીઓ તેમને કંઈ થતું હોય તો ઘરના લોકોને વાત કરતી નથી. રહેવાય નહીં કે સહેવાય નહીં ત્યારે જ કહે છે કે, તેને શું થાય છે! જે લોકો જાહેરજીવનમાં છે એ લોકો પણ પોતાની બીમારી છૂપી રાખે છે. કેટલાંય કલાકારો એવા છે જેને કંઇ થાય તો એ કોઇને કહેતા નથી. તેને એવો ભય સતાવે છે કે, મને કામ મળતું બંધ થઇ જશે, મારા ફેન્સ મને જુદી રીતે જોવા માંડશે.
અમેરિકામાં અત્યારે બીમારી છુપાવવાના ટ્રેન્ડ વિશે જબરજસ્ત ચર્ચાઓ ચાલી છે. એનું કારણ છે, અમેરિકાના સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન. 2024ના વર્ષના પહેલા જ દિવસે, તારીખ 1 જાન્યુઆરીના રોજ લોયડ ઓસ્ટિનને વોલ્ટર રીડ નેશનલ મિલિટરી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. દેશના સંરક્ષણ પ્રધાનને આખરે થયું છે શું અને તેમને ક્યાં સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે એ મુદ્દે અમેરિકામાં ખૂબ ચર્ચાઓ ચાલી. દુનિયામાં અત્યારે બે બે યુદ્ધ ચાલે છે. રશિયા અને યૂક્રેનના યુદ્ધમાં અમેરિકા યૂક્રેનને તમામ મદદ કરે છે. આ યુદ્ધ માટે તો એવું જ કહેવાઇ રહ્યું છે કે, યૂક્રેન તો માત્ર નામનું જ મેદાનમાં રહ્યું છે, બાકી તો યૂક્રેનના ખભે બંદૂક રાખીને અમેરિકા અને તેના સાથી દેશો જ યુદ્ધ લડે છે. ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં પણ અમેરિકા અત્યારે અટવાયેલું છે. અમેરિકા યમનમાં બેસીને ઉત્પાત મચાવનારા હૂતીઓ પર હુમલા કરી રહ્યું છે. આવા સંજોગોમાં અમેરિકાના સંરક્ષણ પ્રધાન હોસ્પિટલમાં હોય એટલે સવાલો તો થવાના જ છે. લોયડ ઓસ્ટિનની બીમારી છુપાવવાના પ્રયાસો થઇ રહ્યા છે એવી વાત ખૂબ ચગી એ પછી પેન્ટાગોને કહેવું પડ્યું હતું કે, સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિનને પ્રોસ્ટેટ કેન્સર છે અને તેમની સારવાર ચાલી રહી છે. 14 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ હોસ્પિટલે સત્તાવાર રીતે એવું સ્ટેટમેન્ટ જાહેર કર્યું કે, તેમની તબિયત હવે સારી છે અને કંઇ ચિંતા કરવા જેવું નથી. છેલ્લા થોડા સમયથી રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિનથી માંડીને ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગની હેલ્થ વિશે જાતજાતની વાતો અને અફવાઓ ચાલતી રહે છે.
સ્વાભાવિક રીતે જ જેના ખભે બહુ મહત્ત્વની જવાબદારી હોય એ તાત્કાલિક કામથી મુક્ત થઈ શકતા નથી. નોકરી હોય તો સિક લીવ લઇને રજા પર ઊતરી જવાય પણ કોઇ મોટી કંપની ચલાવતા હોય એવી વ્યક્તિ એમ કામ છોડી શકતી નથી. ઘણી કંપનીઓ તો એવી છે કે, એના સ્થાપક કે મુખ્ય માણસ બીમાર છે એવી વાત જાહેર થાય તો તેના શેરના ભાવ પણ ગગડી જાય. કહેવાનો મતલબ એ છે કે, બીમારી છુપાવવાનાં ઘણાં કારણો છે. એ કારણો વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોવાનાં છે. ઘણી વખત એવું પણ થાય છે કે, બીમારી ક્યોરેબલ હોય, થોડીક સારવાર પછી એકદમ સાજાનરવાં થઇ જવાના હોય તો પણ હોસ્પિટલાઇઝ્ડ થાય એટલે જાતજાતની વાતો થવા લાગે છે. વાત સાવ સામાન્ય હોય તો પણ એવી ચર્ચાઓ થવા લાગે છે કે, હવે તો એ થોડાક દિવસના મહેમાન છે!
બીમારીની વાત કરવી કે નહીં, કરવી તો કોને કરવી, એ વિશે દરેકના પોતપોતાનાં મંતવ્યો હોય છે. ઘણા લોકો એવું પણ માને છે કે, કોઇને ક્યાં કંઇ ફેર પડે છે? દુનિયામાં એવા લોકોની કમી નથી જે દુ:ખી થવાના બદલે રાજી થાય! રૂબરૂ મળે ત્યારે જલદીથી સાજા થઇ જવાની કામના કરે અને પાછળથી એવી વાતો કરે કે એના ધંધા જ એવા હતા તો શું થાય! કોઈ તો વળી પાછળ ત્યાં સુધીની વાતો કરતા હોય છે કે, બધું અહીંનું અહીં છે, કર્યાં ભોગવવાં પડે છે! એના કરતાં કોઇને ન કહીએ એમાં જ માલ છે. સામા પક્ષે ઘણાં એવા પણ હોય છે જેને કંઇ નાનસરખું થાય તો પણ ગામ ગજાવી દે છે. એ લોકોની માનસિકતા એવી પણ હોય છે કે, લોકો તેની ખબર પૂછે, તેને મળવા આવે. આવા લોકો બીજા લોકોની તબિયત પણ એટલા માટે જ પૂછતા હોય છે કે, જ્યારે પોતે બીમાર પડે ત્યારે એ પણ ખબરઅંતર પૂછે. જો ખબર ન પૂછે તો એ લોકોને ખરાબ પણ લાગી જાય છે. એને કંઈ થાય તો આપણે તરત જ દોડી જઇએ છીએ અને એ તો આપણો ભાવ પણ નથી પૂછતા!
ખરેખર જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે ફેર તો આપણી પોતાની વ્યક્તિને જ પડતો હોય છે. દરેકની જિંદગીમાં એક એવી વ્યક્તિ હોય છે જે બીમાર હોય એટલું જ પેઇન ફીલ કરે છે. એક અભ્યાસ એવું કહે છે કે, બે વ્યક્તિ દિલથી જોડાયેલી હોય ત્યારે એક બીમાર પડે ત્યારે બીજી વ્યક્તિ સાજીનરવી હોવા છતાં બીમાર હોય એવું એને લાગે છે. એ જ તો આત્મીયતા છે. પોતાના લોકોનો પ્રેમ, લાગણી અને સાંત્વના ક્યારેક દવા કરતાં પણ વધુ અસરકારક સાબિત થતાં હોય છે. બીમારી વિશે એક બીજી વાત પણ યાદ રાખવા જેવી છે. શરીર છે તો ક્યારેક કંઇક તો થવાનું જ છે, કોઇ બીમારીથી ડરી કે ફફડી જવાની જરૂર નથી. સમયાંતરે શરદી, ઉધરસ કે થાકના કારણે સામાન્ય તાવ તો આવવાનો જ છે. દવા લઇને થોડોક આરામ કરીએ તો સારું થઇ જવાનું છે. શરીર સાથે પણ ક્યારેક આપણે ચેડાં કરી લેતા હોઇએ છીએ. શરીર પાસેથી વધુ પડતો શ્રમ લેશો તો શરીર પણ જવાબ આપવાનું છે. બાકી કોને કહેવું અને કોને ન કહેવું એ તો દરેક વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય છે! ઘણી વખત કહેવું હોય અને ન કહી શકાય એમ હોય ત્યારે એની વેદના બીમારીની પીડા કરતાં પણ વધુ સાબિત થતી હોય છે!
હા, એવું છે!
માનસિક સ્વાસ્થ્ય સંબંધિત એક રિસર્ચ બાદ નિષ્ણાતોએ એવી સલાહ આપી હતી કે, બીમારી વિશે બહુ વિચારો ન કરો. મને આમ થશે તો, મને તેમ થશે તો, એવા વિચારો કરીને જ ઘણા લોકો સાજાનરવાં હોય તો પણ ટેન્શનમાં રહેતા હોય છે. બીમાર પડો તો પણ સાજા થઈ જવાના જ વિચાર કરો. વિચારોથી નબળા પડ્યા તો ક્યારેય બેઠા જ નહીં થઈ શકો!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 24 જાન્યુઆરી 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *