AI BRAIN FRY – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધુ પડતા ઉપયોગથી મગજને કાટ લાગી જશે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

AI BRAIN FRY
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધુ પડતા
ઉપયોગથી મગજને કાટ લાગી જશે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

આજકાલ લોકો નાની નાની વાતોમાં એઆઇનો ઉપયોગ કરવા લાગ્યા છે.
જરૂરી હોય ત્યાં સુધી ચોક્કસપણે એઆઇનો ઉપયોગ કરો, પણ
દરેકેદરેક વાતમાં એઆઇના સહારે જવાથી મગજને મોટી ક્ષતિ પહોંચે છે


———–

લોકો હવે નાની નાની વાતોમાં એઆઇની મદદ લેવા લાગ્યા છે. કંઇ પણ હોય એટલે લોકો તરત જ કોઇ ને કોઇ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ પર પહોંચી જાય છે. ઓફિસ વર્ક, સ્ટડી કે રિસર્ચ જેવા કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે એ તો હજુય સમજી શકાય, હવે તો લોકો પોતાની પર્સનલ બાબતોમાં પણ એઆઇનો સહારો લેવા લાગ્યા છે. કોઇ છોકરી કે છોકરો ગમતો હોય તો એની સાથે વાતની શરૂઆત કેવી રીતે કરવી, પ્રેમ થઇ જાય તો ક્યાં સુધી આગળ વધવું, બ્રેકઅપ થયું હોય તો કેવી રીતે ટેકલ કરવું, મા-બાપ સાથે ઇશ્યૂ થયો હોય તો શું કરવું, ફ્રેન્ડ સાથે ઝઘડો થયો છે તો તેને કેવી રીતે શોર્ટઆઉટ કરવો? આ અને આના જેવા દરેક સવાલ નવી જનરેશન એઆઇને પૂછવા લાગી છે. હદ તો એ વાતની છે કે, કંઇ તકલીફ કે બીમારી હોય તો પણ લોકો ડોક્ટર પાસે જવાને બદલે એઆઇને પૂછવા લાગ્યા છે. એક્સપર્ટ્સ કહે છે કે, આ બહુ જોખમી છે. માથું દુખતું હોય તો કંઇ એઆઇને ન પુછાય. એઆઇ મુજબ દવા કરવાના કારણે ઘણાની હાલત ખરાબ થઇ ગઇ છે. કઇ વાતમાં એઆઇનો ઉપયોગ કરવો અને શેમાં તેનાથી દૂર રહેવું એ સમજવું આજના સમયમાં સૌથી વધુ જરૂરી બની ગયું છે.
માણસ હવે પોતાના મગજનો ઉપયોગ ઓછો કરવા લાગ્યો છે. અગાઉ લોકો ગૂગલની મદદે જતા હતા, હવે તો અસંખ્ય એઆઇ પ્લેટફોર્મ અવેલેબલ છે. હમણાંના એક અભ્યાસ બાદ નિષ્ણાતોએ એઆઇના ઉપયોગ સામે લોકોને વધુ એક વખત સાવધાન કર્યા છે. એઆઇનો વધુ પડતો ઉપયોગ કરશો તો તમે એઆઇ બ્રેઇન ફ્રાયનો ભોગ બની જશો. આખરે આ એઆઇ બ્રેઇન ફ્રાય શું છે? એ વિશે નિષ્ણાતો કહે છે કે, એઆઇ બ્રેઇન ફ્રાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધુ પડતા ઉપયોગના કારણે ઉદ્‌ભવતી એક માનસિક સ્થિતિ છે. જ્યારે આપણે નાની નાની બાબતો કે વિશ્લેષણ માટે એઆઇનો ઉપયોગ કરવા લાગીએ છીએ ત્યારે આપણું મગજ સક્રિય રીતે વિચારવાનું બંધ કરી દે છે. આવી સ્થિતિને એઆઇ બ્રેઇન ફ્રાઇ ઉપરાંત કોગ્નિટિવ ઓફલોડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા મગજની ક્ષમતા કોઇને કલ્પના ન હોય એ કક્ષાની હોય છે. અલબત્ત, એના માટે મગજને કાર્યરત રાખવું પડે છે. મગજ ગમે એવી આંટીઘૂંટી ઉકેલી શકે છે અને અઘરામાં અઘરા દાખલાનો જવાબ શોધી શકે છે. આપણે જો મગજને જરાયે કષ્ટ આપ્યા વગર સીધા જ એઆઇના સહારે ચાલ્યા જઇએ તો મગજ વધુ ચિંતા કરવાનું છોડી દે છે. એઆઇના સતત ઉપયોગથી મગજની જટિલ પ્રશ્નો ઉકેલવાની ક્ષમતા ઓછી થાય છે. આપણું મગજ પણ પોતે વિચારવાને બદલે વિચારવાનું કામ એઆઇને સોંપી દે છે.
જે લોકો ક્રિએટિવ વર્ક કરે છે એમણે તો એઆઇનો ઉપયોગ કરવામાં વધુ સતર્ક રહેવાની જરૂર છે. કેટલાક લોકો એવું માને છે કે, આપણે એઆઇનો ઉપયોગ કરીશું તો આપણી આર્ટ વધુ ખીલશે. લેટેસ્ટ અભ્યાસ એવું કહે છે કે, આવું માનવું બહુ મોટો ભ્રમ છે. ક્રિએટિવ કામોમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં સૂચનો લઇએ અને તેની વાતો માનવા લાગીએ ત્યારે આપણી પોતાની મૌલિકતા અને નવું વિચારવાની શક્તિ ઘટે છે. અગાઉ થઇ ગયેલા મહાન કલાકારોએ જે સર્જન કર્યું છે એ ઉત્કૃષ્ઠ એટલા માટે જ હતું, કારણ કે એમાં જે તે કલાકારની મૌલિકતા હતી. એ ક્યાંયથી ઉઠાવેલું નહોતું, એના માટે કોઇની મદદ લેવામાં આવી નહોતી, એ હન્ડ્રેડ પર્સન્ટ આર્ટિસ્ટનું જ ક્રિએશન હતું. હવે તો નોર્મલ અને ઓરિજિનલ હોય તો પણ લોકોને સવાલ થાય છે કે, એઆઇ તો નથીને! આર્ટ ફિલ્ડ ધીમે ધીમે એવું થઇ રહ્યું છે કે, મૌલિક અને નેચરલ શોધવું અઘરું પડી રહ્યું છે.
કેટલાક લોકો પોતાના રોજિંદા ઓફિસ કે વ્યાવસાયિક કામોમાં એઆઇનો ઉપયોગ કરવા લાગ્યા છે. એઆઇનો નિયમિતપણે ઉપયોગ કરનારા લોકો પર થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, એઆઇની મદદથી કામ કરવામાં વધુ માનસિક થાક લાગે છે. એઆઇ પાસેથી કામ લેવા માટે પ્રોમ્પ્ટ આપવા પડે છે. આ પ્રોમ્પ્ટ જરાકેય અધૂરા હોય તો સાચા જવાબ મળતા નથી. સૌથી પહેલાં તો પ્રોમ્પ્ટ આપવામાં જ વિચાર કરવો પડે છે. પ્રોમ્પ્ટ આપ્યા પછી જે જવાબ મળે એ સાચો છે, પૂરતો છે અને આપણે જે કામ છે એ જ છે એ નક્કી કરવું પડે છે. જો સાચો અને પૂરતો જવાબ ન હોય તો નવા પ્રોમ્પ્ટ આપવા પડે છે. એક જવાબ આપ્યા પછી એઆઇ સામો સવાલ કરે છે કે, તને હજુ આની વિગતો જોઇએ છે? ઘણી વખત આપણને એઆઇ જ બીજા રસ્તે લઇ જાય છે. સરવાળે મગજને થાક લાગે છે.
બીજી એક વાત એ છે કે, આપણે એઆઇ પર આધારિત થવા લાગીએ ત્યારે આપણું મગજ કોઇ વાતનો સંગ્રહ કરવાનું ઘટાડી નાખે છે. મતલબ કે, એ કોઇ વાત યાદ રાખવાની પરવા કરતું નથી. એક સમય હતો જ્યારે લોકોને અનેક ફોનનંબરથી માંડીને એક વખત પસાર થાય એ રસ્તાઓ યાદ રહી જતા હતા. હવેના સમયમાં લોકોને પોતાનો નંબર જ યાદ હોતો નથી. જીપીએસના કારણે લોકો રસ્તા યાદ રાખવાનું જ ભૂલી ગયા છે. એઆઇના વધુ પડતા ઉપયોગના કારણે જો સૌથી વધુ જોખમી કંઇ થયું હોય તો એ છે, લોકોની નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો. એઆઇ પર નિર્ભર રહેવાના કારણે લોકો પોતાની રીતે નિર્ણય લેવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. પોતાના નિર્ણયોની સરખામણી પણ લોકો એઆઇના આન્સર કે ડિસીઝન સાથે કરવા લાગ્યા છે. પોતે કંઇ નક્કી કરી લે એ પછી પણ એઆઇને પૂછે છે કે, હું આવું કરું કે નહીં? એઆઇએ લોકોને ઊંધા રવાડે ચડાવી દીધા હોય એવા અસંખ્ય દાખલાઓ મોજૂદ છે.
એઆઇનો આંખો મીંચીને ઉપયોગ કરશો તો લેવાના દેવા થઇ જશે એવું નિષ્ણાતો કહે છે. મગજનું દહીં થઇ જશે. મગજ કટાઇ જશે. દરેક માણસમાં ગજબની ક્ષમતા હોય છે. એઆઇનો ઉપયોગ કરવામાં કંઇ વાંધો નથી, પણ જ્યાં જરૂર હોય ત્યાં જ એઆઇનો ઉપયોગ કરો. બધી વાતોમાં એઆઇના સહારે જવાની જરૂર નથી. એઆઇ તમારો આસિસ્ટન્ટ બનવો જોઇએ, માલિક નહીં. જો માલિક બની ગયો તો એ તમને હુકમ આપવા લાગશે અને તમે ક્યારે એને ફોલો કરવા માંડશો એનો તમને અંદાજ પણ નહીં રહે. નિષ્ણાતો કહે છે કે, જો તમે તમારા મગજને સાબૂત રાખવા માંગતા હોવ તો કોઇ પણ બાબતમાં એઆઇની મદદ લેતા પહેલાં જે પ્રશ્ન હોય તેના ઉકેલ વિશે વિચારો. એઆઇનો ઉપયોગ જરૂરી હોય એવા કિસ્સામાં પણ પહેલાં તમે તમારી જાત પર ભરોસો રાખીને વિચારો અને પછી જ એઆઇની મદદ લો. વગર વિચાર્યે એઆઇની મદદે જશો તો તમે તમારા પરનો જ ભરોસો ગુમાવી દેશો. છાતી ઠોકીને કંઇ કહી જ નહીં શકો. એઆઇ કહેશે એને જ સાચું માની લેશો.
એઆઇ દરેક વખતે સાચું જ હોય એવું બિલકુલ જરૂરી નથી. એઆઇ જે કહે એની પણ ખરાઇ કરવી પડે એમ છે. હજુ એઆઇ પણ હન્ડ્રેડ પર્સન્ટ પરફેક્ટ થયું નથી અને કદાચ ક્યારેય થશે પણ નહીં. સંબંધોથી માંડીને સ્વાસ્થ્ય જેવી બાબતો માટે એઆઇથી દૂર રહેવામાં જ માલ છે. નિષ્ણાતો એવો ભય વ્યક્ત કરી રહ્યા છે કે, જો માણસ એઆઇ પર વધુ આધાર રાખતો થઇ જશે તો એની સંવેદનાઓ પણ ક્ષીણ થતી જશે. માણસ પોતાનાથી દૂર જતો જશે. આજે લોકોને વધુ પડતું એકલું લાગે છે એનું કારણ એ જ છે કે, માણસ પોતાનાથી અને પોતાના લોકોથી દૂર થતો જાય છે અને ટેક્નોલોજીના સકંજામાં આવતો જાય છે. માનસિક બીમારીથી બચવું હોય તો એઆઇ, સાયબર ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનો જરૂર પૂરતો જ ઉપયોગ કરતા શીખવું પડશે. સમજ્યા વગર આંખો મીંચીને વળગેલા રહીશું તો એક સમયે આપણે આપણને જ શોધવા નીકળવું પડશે. સાવધાન થઇ જવાનો સમય તો ક્યારનોયે આવી ગયો છે, હવે સમજવાની જરૂર છે.


————

પેશ-એ-ખિદમત
ઠાની થી દિલ મેં અબ ન મિલેંગે કિસી સે હમ,
પર ક્યા કરેં કિ હો ગઇ નાચાર જી સે હમ,
ક્યા દિલ કો લે ગયા કોઇ બેગાના-આશ્ના,
ક્યૂં અપને જી કો લગતે હૈં કુછ અજનબી સે હમ.
– મોનિન ખાં મોમિન


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 15 એપ્રિલ 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *