બધું કંઇ નસીબ કે સમય
પર છોડી દેવાય નહીં!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ટોચ માટેની લડત છે ને તળેટીની મમત છે,
એક, બે, ત્રણ ના ગણ્યા કર, ક્યારની ચાલુ રમત છે.
– ગુંજન ગાંધી
દરેક માણસ સંવેદનશીલ હોય છે. આપણી સાથે જે કંઇ બને છે તેની અસર આપણા પર થવાની જ છે. અસર થવી પણ જોઇએ. આપણી જિંદગીમાં કંઇ સારું બને તો ખુશી થવી જ જોઇએ. એ જ રીતે કંઇ ખરાબ બને ત્યારે વેદના થવી પણ સ્વાભાવિક છે. મજામાં હોય ત્યારે વાહ અને મૂંઝવણમાં હોઇએ ત્યારે આહ નીકળતી જ હોય છે. જિંદગીમાં બનતા બનાવોની દરેક પર જુદી જુદી અસરો થતી હોય છે. એક જ સરખી ઘટના સામે દરેક માણસનો પ્રતિભાવ જુદો જુદો હોય છે. જિંદગીમાં સારું બને ત્યારે કેટલાક લોકો છાકટા થાય છે. કેટલાક લોકો ખુશ ચોક્કસ થાય છે, પણ એની ખુશી વ્યક્ત કરવામાં મેચ્યોરિટી હોય છે. કોઇની જિંદગીમાં કંઇ દુ:ખ આવે તો એ મક્કમતાપૂર્વક એનો સામનો કરે છે. એવું વિચારે છે કે, મારે આ પડકારમાંથી પસાર થવાનું છે. હું જરાયે થાકી કે હારીશ નહીં અને તેનો સામનો કરીશ. કેટલાક લોકો નાની સરખી મુશ્કેલી પડે તો પણ ભાંગી પડે છે. હાય હાય હવે શું થશે? મારું તો ક્યાંય ધ્યાન પડતું નથી. એ લોકો ફરિયાદો કરવા લાગે છે અને રોદણાં રડવા લાગે છે. દરેકની એક પ્રકૃતિ હોય છે. સરવાળે માણસ એની જિંદગીમાં જે કંઇ બને છે એનો પ્રતિભાવ કેવો આપે છે એના પરથી એની સમજણ અને પરિપક્વતા છતી થતી હોય છે.
દરેકની જિંદગીમાં સંઘર્ષો આવવાના જ છે. દુનિયામાં કોઇ માણસ એવો નહીં હોવાનો જેણે ક્યારેય અઘરા સમયનો સામનો ન કર્યો હોય. ક્યારેક પર્સનલ તો ક્યારેક પ્રોફેશનલ લાઇફમાં એવા સવાલો સર્જાતા હોય છે જેની આપણે કલ્પના પણ કરી હોતી નથી. કલ્પના હોય કે ન હોય, જ્યારે સવાલ સર્જાય છે ત્યારે જવાબ શોધવા પડતા હોય છે. આપણે ત્યારે કેવો જવાબ શોધીએ છીએ એ સૌથી મહત્ત્વનું છે. એક કપલની આ વાત છે. બંને વચ્ચે કોઇ ને કોઇ બાબતે ઝઘડાઓ થતા હતા. એક વખતે વાત વટે ચડી ગઇ. બંનેએ પોતપોતાના પરિવારજનોને બોલાવ્યા. પરિવારો પણ અંદરોઅંદર ઝઘડી પડ્યા. આવી જ ઘટના બીજા એક કપલ સાથે બની. સવાલ સરખો જ હતો, પણ એ બંનેની જવાબ શોધવાની રીત અલગ હતી. બંનેએ એકબીજાને કહ્યું કે, ચાલ આપણે સાથે બેસીને વિચારીએ કે આપણી વચ્ચે કેમ આવું થાય છે? આવું ન થાય એના માટે આપણે શું ધ્યાન રાખવું જોઇએ? એકબીજા સામે બાંયો ચડાવી લેવાનો સરવાળે કોઇ મતલબ હોતો નથી. વાત જુદા પડવાની હોય તો પણ આપણે કેવી રીતે જુદા પડીએ છીએ એ સૌથી વધુ મહત્ત્વનું છે. એક કપલની આ સાવ સાચી વાત છે. બંને વચ્ચે બનતું નહોતું. બંનેના વિચારોનો મેળ ખાતો નહોતો. એક તબક્કે બંનેને સમજાઇ ગયું કે, આપણે સાથે રહી શકીએ એમ નથી. બંનેએ સાથે બેસીને નક્કી કર્યું કે, આપણે જુદા પડી જઇએ. જુદા પડવાનું આવ્યું ત્યારે પણ એકબીજાએ એવું જ કહ્યું કે, ગમે તે હોય, આપણે પાંચેક વર્ષ સાથે રહ્યાં છીએ. ફાવતું નહોતું તો પણ એકબીજાનું અપમાન કર્યું નથી, એકબીજાને હેરાન કર્યાં નથી. ઊલટું જરૂર પડી ત્યારે ધ્યાન પણ રાખ્યું છે. ચાલ હવે આપણે ગ્રેસફુલ્લી જુદાં પડીએ. એવી રીતે કે ક્યારેક સામા મળીએ તો હસીને વાત કરી શકાય અને સાથે ચા પી શકાય. આમ તો આપણે જિંદગીમાં કોઇને કેવી રીતે મળીએ છીએ એના કરતાં એનાથી કેવી રીતે જુદા પડીએ છીએ, એમાં આપણે મપાઇ જતા હોઇએ છીએ. ગમે તે થાય ગ્રેસ જળવાવો જોઇએ.
મુશ્કેલીમાં પણ માણસનું વર્તન જ એ સારો છે કે ખરાબ એ સાબિત કરતું હોય છે. એક ભાઇને બિઝનેસમાં ખોટ ગઇ. તેણે ઘણી રકમ ચૂકવવાની હતી. લેણદારોને ખબર પડી કે, આ ભાઇ દેવાળું ફૂંકવાના છે એટલે ઉઘરાણી કરવાવાળા પણ સામે પડવા લાગ્યા. એક દિવસ એ માણસે એના જેટલા લેણદારો હતા એ બધાને ભેગા કર્યા. તેણે કહ્યું કે, હા મને ધંધામાં બહુ મોટી નુકસાની ગઇ છે. તેણે પોતાની મિલકતોનું જે લિસ્ટ હતું એ બધાને બતાવીને કહ્યું કે, મારી પાસે આટલી સંપત્તિ છે. તેમાંથી હું તમારા બધાનું દેવું આરામથી ચૂકવી શકું એમ છું અને હું એમ જ કરવાનો છું. કોઇ પોતાના રૂપિયા બાબતે ચિંતા ન રાખે. મને થોડો સમય આપો. બધાના રૂપિયા દૂધે ધોઇને પાછા આપી દઇશ. લેણદારોને થયું કે, આ માણસ સાચો છે. ઊલટું બધાએ કહ્યું કે, કંઇ ચિંતા ન કરો. અમને તમારા પર ભરોસો છે. તમારી અનુકૂળતાએ આપજો. માણસને ભરોસો જોઇતો હોય છે. ભરોસો એ માણસ જ આપી શકે જેની દાનત અને ઇરાદાઓ સારા હોય. આપણા ઇરાદા વર્તાઇ આવતા હોય છે. આપણા મોઢેથી બોલાતા શબ્દો જ આપણી દાનત છતી કરી દેતા હોય છે.
બાય ધ વે, તમારી સાથે કંઇક બને ત્યારે તમારું વર્તન કેવું હોય છે. એક ફેમિલીની આ વાત છે. દીકરો એક પ્રોબ્લેમમાં ફસાયો. તેના પિતાએ તેને પૂછ્યું, હવે શું કરીશ? દીકરાએ કહ્યું, કંઇ નહીં, પડશે એવા દેવાશે! નસીબમાં હશે એવું થશે. આ વાત સાંભળીને પિતાએ કહ્યું કે, દરેક વાત નસીબ કે સમય પર છોડી શકાતી નથી. ભલે એવું માનીએ કે, પડશે એવા દેવાશે તો પણ એ વિચારવું જોઇએ કે કેવા પડશે તો કેવા દેશું? શક્યતાઓ અને પરિણામો પર પણ વિચાર કરવો જોઇએ. રસ્તાઓ શોધવા જોઇએ. રસ્તાઓ હોય છે, પણ આપણે આંખો મીંચીને બેઠા રહીએ તો એ ક્યારેય દેખાવાના નથી.
શાંતિ રાખવી, ધીરજ ધરવી, એ વાત બિલકુલ સાચી અને સારી છે, પણ એનો મતલબ જરાયે એવો નથી કે, હાથ જોડીને બેસી રહેવું. જિંદગીમાં એવી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે જ્યારે આપણું ધ્યાન પડતું નથી. એક સાવ સાચો કિસ્સો છે. એક યુવાન મુશ્કેલીમાં મુકાયો. એ એકદમ અપસેટ રહેવા લાગ્યો. એને એવા વિચારો આવતા હતા કે, આમ કરી નાખું કે તેમ કરી નાખું. એ એક સંત પાસે ગયો. સંત સમક્ષ તેણે પોતાની મુશ્કેલી વર્ણવી અને કહ્યું કે, મારી પાસે આટલા આટલા ઓપ્શન છે, હું શું કરું? સંતે તેની વાત ધ્યાનથી સાંભળી. સંતને એમ થયું કે, આ માણસ જે કંઇ કરવાનું કહે છે એ ઉતાવળિયું છે. દરેક ઓપ્શન જોખમી છે. સંતે તેને કહ્યું કે, જિંદગીમાં કેટલોક સમય એવો પણ હોય છે જ્યારે કોઇ નિર્ણય ન કરવો એ જ યોગ્ય નિર્ણય હોય છે. માણસે જિંદગીને પણ ક્યારેક સમય આપવો પડતો હોય છે. ક્યારે ત્વરિત નિર્ણય લેવો અને ક્યારે નિર્ણય મુલતવી રાખવો એની સમજ પણ સારી જિંદગી માટે જરૂરી હોય છે. ઉતાવળિયા નિર્ણયો ઘણી વખત હાલત ખરાબ કરી નાખતા હોય છે. આવું ન કર્યું હોત તો સારું હતું એવું સમજાય ત્યાં સુધીમાં ઘણી વખત બહુ મોડું થઇ ગયું હોય છે.
ઘણા લોકો જિંદગીમાં કંઇક અજૂગતું બને છે ત્યારે હિંમત હારી જાય છે. બસ બધું પતી ગયું, હવે કોઇ રસ્તો નથી, બધું બરબાદ થઇ ગયું, હવે ક્યારેય સારું નહીં થાય. આવું વિચારવું ખોટું છે. જિંદગી વળાંકો લેતી રહે છે. એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું, ક્યાંય ધ્યાન પડતું નથી, શું કરું? સંતે કહ્યું, હિંમત રાખ. જ્યારે અંધારું એકદમ ગાઢ થઇ જાય પછી જ સૂરજનું પહેલું કિરણ આવતું હોય છે. એવું લાગે કે, હવે કંઇ સૂઝતું નથી, ચારે તરફ અંધારું છે ત્યારે એવું વિચારવાનું કે હવે નવો ઉજાસ થવાની તૈયારીઓ જ છે. સાંજ પડે છે, રાત ઢળે છે, અંધારું થાય છે અને ફરીથી દિવસ પણ ઊગે છે. જિંદગી પણ ક્યારેય એકસરખી રહેવાની નથી. ક્યારેક ટોચ તો ક્યારક ખીણનો અનુભવ થવાનો જ છે. જે આ વાત જાણે છે એ કોઇ પણ સંજોગોમાં હિંમત હારતો નથી. દરેકે પોતાનું યુદ્ધ લડવાનું હોય છે અને જ્યાં સુધી જીત ન મળે ત્યાં સુધી લડતા રહેવાનું હોય છે. જે થાકી જાય છે એ જ હારી જાય છે, જે ઝઝૂમતા રહે છે એની જીત કોઇ અટકાવી શકતું નથી.
છેલ્લો સીન :
જિંદગીમાં માણસ માટે સૌથી વધુ કંઇ મહત્ત્વનું હોય તો એ પોતાની જાત પર શ્રદ્ધા છે. જે પોતાના પરની શ્રદ્ધા ગુમાવે છે એ ક્યારેય સફળ કે સુખી થઇ શકે નહીં. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 21 સપ્ટેમ્બર, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
